રૂમનું બારણું ખોલતાવેંત નર્સ સલોનીની આંખ ફાટી ગઇ. સિલિંગ ફેન પર દુપટ્ટાના ફાંસા પર વંદનાની લાશ લટકતી હતી. સ્વભાવે એકદમ સાલસ અને શાંત એવી વંદનાએ આવું અંતિમ પગલું શા માટે
ભર્યું હશે?
વંદના આમ તો બચપણથી જ રૂપકડી સુંદર મજાની ઢીંગલી જેવી દેખાવડી હતી. છતાંય કુદરતે આપેલા રૂપનો એને જ રાય ગર્વ ન હતો. સ્વભાવે એ સાલસ, વિવેકી અને ઇમોશનલ હતી. બી. એડ.ના લાસ્ટ યરની વિદ્યાર્થીની વંદના પાછી એના પરિવારની એક કમાઉ દીકરી હતી.
એના પિતાજી જીવણલાલ કોઇ નિગમમાં સિનિયર કલર્ક હતા, પરંતુ એકાએક લકવાનો હુમલો આવતા બિચારા સાવ પથારીવશ થઇ ગયા હતા. એક નાની બહેન શોભા હજુ દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મમ્મી ઘરકામ અને પિતાજીની સેવામાંથી નવરી થતી ન હતી. આથી પરિવારમાં ઉપયોગી થવા નોકરી શોધતી વંદનાને એણે બાર પછી થોડા સમય માટે કરેલો નર્સિંગ કોર્સ ખપ આવી ગયો. જેના આધારે શહેરના પૂર્વ વિસ્તારમાં જે. પી. નગર મેઇન રોડ પર આવેલા ડૉ.. હંસરાજના નર્સિંગ હોમમાં એ નર્સ તરીકે જોડાઇ હતી.
ડૉ.. હંસરાજ અને તેમની પત્ની ડૉ.. મોના બંને એમ. ડી. (ગાયનેક) હતા. પ્રેક્ટિસ સારી ચાલતી હતી. ત્રણ મજલાના નર્સિંગ હોમમાં પ્રથમ માળે ડોક્ટરની કન્સલ્ટિંગ ઓફિસ અને સ્પે. વા‹ર્ડ, બીજા માળે જનરલ વા‹ર્ડ, ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી સેન્ટર હતા અને છેલ્લે ત્રીજા માળે ડોક્ટરનું રેસિડેન્ટ હતું. વંદના અને ડૉ.. હંસરાજને સારું બનતું હતું. ઉપરથી વંદના દિવસે કોલેજ જઇ શકે એ માટે ડોક્ટર એને નાઇટ શિફ્ટમાં પણ બોલાવતા, એટલે મોં એટલી વાતો થતી પરંતુ ડોક્ટરના ઉગ્ર મિજાજને કારણે કોઇ બોલતું નહોતું.
આમેય આવતા મહિનામાં વંદનાની સગાઇ થવાની હોવાથી એ નોકરી છોડી દેવા માગતી હતી, પણ ડોક્ટર હંસરાજ તેને છોડવા તૈયાર ન હતા. આજની નાઇટ શિફટમાં આઠ થતાં જ મેટ્રન માથૉ અને સલોની હાજર થઇ ગયા હતા, પણ વંદના હજુ આવી ન હતી. એ ગમે ત્યારે આવે તોય એને કોઇ રોકટોક હતી નહીં. કલાકેકમાં વંદના આવી અને તરત જ ડોક્ટરની ચેમ્બરમાં ચાલી ગઇ. પરંતુ ડોક્ટર મેડિકલ એસિસિએશનની મિટિંગમાં ગયેલા એટલે વંદના માથાના દુ:ખાવાનું કહીને બીજા માળે રફિ્રેશમેન્ટ રૂમમાં જઇને સૂઇ ગઇ. વહેલી સવારે એક ડિલિવરીનો કેસ આવતાં બીજી નર્સ સલોની વંદનાને બોલાવવા આવી.
રૂમનું બારણું ખોલતાવેંત એની આંખ ફાટી ગઇ. સિલિંગ ફેન પર દુપટ્ટાના ફાંસા પર વંદનાની લાશ લટકતી હતી. સ્ટાફના તેમ જ ઇન્ડોર પેશન્ટ સાથેના સગા સંબંધીઓ સલોનીની ચીસથી ભેગા થઇ ગયા. મેટ્રન માથૉએ ડોક્ટર હંસરાજને બોલાવ્યા. પોતે ડિલિવરીનો કેસ હાથમાં લીધો. ડોક્ટરે પરિસ્થિતિ જોઇને પહેલાં તો સૌને વિખેરી નાખ્યા પછી પોલીસને જાણ કરી. થોડી વારમાં જે. પી. નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર દેવરાજ રાઠોડ તેના સ્ટાફ સાથે આવી પહોંચ્યા.
ફોટોગ્રાફ લીધા બાદ વંદનાની લાશ નીચે ઉતારવામાં આવી. દેવરાજ રાઠોડે તેના સહાયક હે. કો. પરમારને સાથે રાખી રૂમનું નિરીક્ષણ કર્યું. સિલિંગ ફેન નીચે મોટું ટેબલ પડ્યું હતું. જેને ઢસડીને લવાયું હશે કારણ કે તેના પર પાણીની બોટલ આડી પડેલી હતી. પલંગ પર ચાદર વિખરાયેલી હતી. જેમાંથી તૂટેલી બંગડીના કાચ અને ચશ્માંનું કવર મળી આવ્યું. જે એક પ્લાસ્ટિક બેગમાં લેવામાં આવ્યું. પંચનામું થયું. સ્ટાફમાં સૌના સ્ટેટમેન્ટ લેવાયા અને પછી લાશ પી. એમ. માટે રવાના કરાઇ.
ડોક્ટર હંસરાજને પણ વંદનાના મૃત્યુનો આઘાત હતો, પણ કારણ સમજાતું નહોતું. ઇન્સપેક્ટર રાઠોડને પણ કોઇ નક્કર કડી ન મળતા એણે પણ વંદનાનું મૃત્યુ આત્મહત્યાથી થયાનું સ્વીકારી લીધું હતું, પરંતુ પી. એમ. રિપોર્ટ આવ્યો તેમાં લખ્યું હતું. મૃત્યુ શ્વાસ રૂંધાઇ જવાથી થયું છે, પરંતુ ગળેફાંસો આવતા શ્વાસ રૂંધાયો નથી કારણ કે ગળે ફાંસો લાગતા મૃતકની જીભ બહાર નીકળી જાય. ગરદન એક તરફ ઢળી જાય. મોંમાંથી લાળો ટપકી રહે. તે માંહેના કોઇ ચિહ્નો મળ્યા નથી. એ જોતાં જ દેવરાજ રાઠોડને સ્વભાવગત શંકાનો કીડો સળવળ્યો. એમણે વંદના કેસની ફાઇલમાં દરેકના સ્ટેટમેન્ટ રફિર કર્યા.
રાઠોડ અને કોન્સ્ટેબલ પરમાર સીધા નર્સિંગ હોમ પર આવ્યા. ડૉ.. હંસરાજ તો હતા નહિ. ડૉ.. મોના એની ચેમ્બરમાં હતી. એણે રાઠોડને આવકાર્યા. રાઠોડે કહ્યું, મેડમ, મારી માન્યતા પ્રમાણે વંદનાનું ખૂન થયું હોય તેમ જણાય છે. તેથી કોર્ટ કાર્યવાહી માટે એફિડેવિટમાં સહીની જરૂર પડશે તો સહી કોણ કરશે?’ અને એક ફોર્મ ડૉ.. મોનાને બતાવ્યું. ‘શેનું એફિડેવિટ?’ ફોર્મ લઇને ડૉ.. મોનાએ એની વેનિટી બેગમાંથી એક ઇમ્પોટેંડ નજીકના નંબરના ચશ્માં બહાર કાઢયા. ‘કેમ મેડમ! આવા કિમતી ચશ્માંનું કવર નથી? આમ ને આમ તો કાચ ખરાબ થઇ જશે.’ રાઠોડે ગંભીરતાથી પૂછ્યું. ‘કવર છે ને, પણ બે દિવસથી મળતું નથી. પડ્યું હશે ઘરમાં.’
‘આ તમારું કવર તો નથી ને?’ રાઠોડે વંદનાની રૂમમાંથી મળેલું કવર બતાવતાં ડૉ.. મોનાને પૂછ્યું. ‘અરે વાહ, બસ મારા ચશ્માંનું કવર આવું જ છે. તમને ક્યાંથી મળ્યું?’ ‘મેડમ, આ કવર અમને જે રૂમમાં વંદનાનું મોત થયું હતું, ત્યાંથી મળ્યું છે. તેના પર કોતરાયેલા નજરિયા ઓપ્ક્લ્સિમાંથી ખબર પડી છે કે આ ચશ્માં ડૉ.. મોનાનાં જ છે અને તેની યાદી માટે ઉપર નાનું સ્ટિકર પણ લગાવેલું છે. તેથી પ્લીઝ, વંદના વિશે સાચું કહી દો, નહીંતર પોલીસખાતાની થર્ડ ડિગ્રી તમે સહન નહીં કરી શકો.’ એ ભાંગી પડી, ‘સાહેબ, મારો પતિ હંસરાજ વંદના તરફ ઢળી રહ્યો હતો. એ મને ડિવોર્સ આપીને વંદના સાથે લગ્ન કરવા માગતો હતો. તેથી વંદનાના રૂપની ઇષૉમાં અને હંસરાજને ગુમાવવો ન પડે તે માટે મેં જ વંદનાને મોઢે રૂમાલ દબાવીને...’