પ્લેન ટેકઓફ થતાં જ હેમલતાનો શ્વાસ અધ્ધર ચઢી ગયો. જીવ તાળવે ચોંટી ગયો અને સીટ બેલ્ટ બાંધ્યો હોવા છતાં ડરના લીધે તેનો હાથ, બાજુની સીટ પર બેઠેલા યુવા તરફ લંબાયો, ઝલાયો. ક્ષણભર આંખો મળી અને કાચ તૂટ્યો હોય તેવો તીક્ષ્ણ રવ બંનેનાં તન-મનને ડરાવા લાગ્યો. પ્રસરેલી ક્ષણ ભડભડ સળગવા લાગી.
સૌંદર્યનો અસબાબ ઓઢીને બેઠેલી રૂપગર્વિતા હેમલતા જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકી છે, પરંતુ તેનો ઠસ્સો રૂપલાવણ્ય નવયૌવનાને શરમાવે તેવો છે. તે મોર્નિંગ ફ્લાઇટમાં અમદાવાદથી રાયપુર જઇ રહી છે. સહપ્રવાસી નયનેશ સોહામણો અને ફૂટડો યુવાન છે. પહેલી નજરે આંખોમાં નહીં પણ હૈયામાં વસી જાય તેવું સ્મિત છે.
‘સોરી...!’ કહી હેમલતાએ પોતાની જાતને સંભાળી લીધી. આમ છતાં અંદરનો ધ્રુજારો ઓછો થયો નહોતો. બહુ ઓછી મિનિટોમાં પ્લેન ઊંચી ઉડાન સાથે ચોક્કસ ગતિ પકડી લે છે. ઇન્દોર, ભોપાલ અને અગિયાર સુધીમાં તો રાયપુર આવી જશે ! કોઇ ખાસ કારણ વગર હેમલતાના મનમાં અજંપો જાગ્યો, ઉતાવળ ઉદભવી. તેણે પ્લેનની ગતિ માફક જ ઔપચારિકતાનાં આવરણો હટાવી કે વટાવીને પૂછ્યું : ‘ખાસ કામ માટે રાયપુર જતા હશો !?’
નયનેશ સહજે ચોંકયો. સતર્ક થયો. હેમલતાની તગતગતી આંખોના પડળ છેદ્યાં પછી મોં મલકાવીને કહ્યું : ‘વાગ્દાતાને મળવા, મનાવવા અને થોડી ચોખવટ કરવા જાઉં છું !’મારે ના પૂછવું જોઈએ છતાં પૂછું છું કે શેની ચોખવટ કરવા જાવ છો?
હેમલતાના વેધક સવાલનો જવાબ આગળ વધારતાં નયનેશે કહ્યું : ‘રિસામણાં, મનામણામાં બીજું શું હોય - શંકા, અવિશ્વાસ !’
શંકાનું નામ પડતાં જ હેમલતાની છાતીમાં સબાકો આવ્યો. ન ખમી શકાય તેવો પ્રહાર પંડમાં પ્રસરી ગયો.
‘અમે મૂળ બસ્તર વિસ્તારના’ નયનેશે માંડીને વાત કરી : ‘ગુજરાતમાં અમારો સમાજ સાવ ઓછો તેથી છત્તીસગઢના કાંકર શહેરમાં મારી સગાઇ થઇ છે. અમે એસએમએસ, ચેટિંગ... આમ રોમાન્સસભર મળતાં રહીએ છીએ. પણ થોડા દિવસો પહેલાં ઇન્ટરનેટ પર ઓરકૂટ સાઇટ પર બીજાની પ્રોફાઇલ પર મેં તેના ફોટા જોયા. ફોટા ગંદા કે અશ્લીલ નહોતા. પણ...’
‘શંકા જન્મી છે એમ જ ને !?’ હેમલતાએ મનની વાત ઝડપથી કહી દીધી : ‘શું કરશો હવે?’
નયનેશ મોં ફેરવી બારી બહાર જોવા લાગ્યો. અદ્ભુત નજારો હતો. નીચેથી આકાશ તરફ વાદળાઓ જોયાં હતાં અને અત્યારે ઉપરથી નીચે તરફ રૂના મોટા મોટા ઢગ જેવાં વાદળાં દેખાતાં હતાં. તેમાં વળી સૂરજનાં સોનેરી કિરણ એક નવતર ડિઝાઈન રચતાં હતાં. જાણે શંકાનાં વાદળો વચ્ચે ઉજાસની કેડી પ્રગટી ! ‘શું કરશો તમે હવે ?’ આમ ફરી સવાલ કરીને હેમલતા પોતાની સમસ્યાનું સોલ્યુશન શોધતી હોય એવું લાગ્યું. કારણ કે પોતાનું જીવન પણ શંકાની સોયે વીંધાઇને સાવ જર્જરિત થઇ ગયું છે. ‘આ છે ટેક્નોલોજીની કમાલ અને ધમાલ.’ નયનેશ સહેજ ઊંચા અવાજે બોલ્યો : ‘સમુદ્રમંથન પછી અમૃત અને ઝેર બંને નીકળ્યાં હતાં. એવી ટેક્નોલોજી જીવનને સુવિધાથી ભરી દે છે એમ ઝેર જેવી દુવિધાઓ પણ નફામાં આપે છે. વળી આ તકનીકીને નથી આંખ કે નથી હૃદય... વાપરનારે આ વિચારવું જોઇએ.’
હેમલતાનો સવાલ અડિંગો લઇને ઊભો હતો તેથી નયનેશે સાવ સહજતાથી કહ્યું : ‘પૂછીશ, હકીકત જાણીશ... મારી શંકા ખોટી હશે તો હું ભૂલનો સ્વીકાર કરીશ. પણ શંકા સાચી ઠરશે તો ત્યાં જ એ સગાઇનો છેડો ફાડીને ચાલ્યો આવીશ. શંકાના ઓછાયા તળે જીવન રિબાવું તેના કરતાં સામે ચાલીને ચોખવટ કરવી સારી.’
એક દાયકા બાદ હેમલતાને જાણે તેની સમસ્યાનું ઔષધ મળી ગયું હોય તેમ લાગ્યું. તે મનોમન બોલી : ‘હું રૂબરૂ જઇને પૂછીશ કે, તમારી છાતીએ ચોંટેલો લાંબો વાળ કોનો હતો ?