Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

સફળતા હૃદયની રાણી માફક ઘૂંઘટ તાણીને બેઠી હોય છે

 
Source: Dhummas, Raghavaji Madhad   |   Last Updated 1:12 AM [IST](01/09/2010)
 
 
 
 
 
તેમની આંખોમાં સ્વપ્નની દુનિયા રચાતી હતી. આશાના મિનારા ચણાતા હતા. એક અજાયબ વિશ્વાનાં દર્શન થતાં હતાં. બેઠા છે તે અધ્યતન અને ચકાચક બિલ્ડિંગ છે. ગુજરાતના મહાનગરનો આ પોશ વિસ્તાર છે.જોરૂભા ચોકીદાર માટેનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે. પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારી બનવાનું તેમનું સમણું છે અને સમણાને સાકાર કરવા મળેલી આ પગદંડી છે.

ટી.વી.-સ્ક્રોલ પર જાહેરાત વાંચી, ઓપન ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે. ગુજરાતી વિષયમાં બી.એ. ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમનું લક્ષ્ય નક્કી છે. નિશાન ઊચું છે. લક્ષ્ય સિદ્ધિ માટે જે પરિશ્રમ કરવો પડે તેની સંપૂર્ણ તૈયારી છે. દરેક યુવાને તેમની કારકિર્દી ઘડવા માટે લક્ષ્ય નક્કી કરવું પડે. દ્રોણાચાર્યની પરીક્ષા વખતે જેમ અર્જુનને પક્ષીની આંખ જ દેખાઇ તેમ લક્ષ્યની પગદંડી દેખાવી જોઇએ. પછી હોંશ અને તાકાતથી દોડવું પડે!

ગુજરાતીઓને ચોપડીમાં નહીં, ચોપડામાં રસ હોય છે. આ વાત હવે ખોટી પડવા લાગી છે. ગુજરાતના યુવાનો જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને નેશનલ લેવલે અગ્રેસર રહ્યા છે. તેઓને ગુજરાતી વિષય ક્યાંય નડ્યો નથી. કઠોર પરિશ્રમ લેખે લાગ્યો છે. લક્ષ્ય પ્રાપ્તિના રસ્તામાં સફળતા અને અસફળતા નામની સુંદર કન્યાઓ સ્માઇલ સાથે, સામે મળવાની. પણ અસફળતાની વચ્ચે જ સફળતા હૃદયની રાણી માફક ઘૂંઘટ તાણીને બેઠી હોય છે.

જોરૂભા પોતાની રીતે સ્પષ્ટ છે. ચોકીદારના લીધે શહેરમાં રહેવાનું મળે. આર્થિક સમસ્યા ઓછી થાય. સારું અને જરૂરી સાહિત્ય ખરીદી શકાય, મેળવી શકાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઇ શકે. એકઝામ કે ઇન્ટરવ્યૂમાં પાસ થવા બધા જ તૈયારી કરતા હોય છે. પણ ગધ્ધામજૂરીનો કોઇ અર્થ નથી. હાર્ડવર્ક અને સ્માર્ટવર્કનું જાતે જ આઇડેન્ટિફિકેશન કરવું પડે. કેટલું વાંચ્યું તેનું મહત્વ નથી, કેવું વાંચ્યું તેનું વિશેષ મહત્વ છે. આજે માહિતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે. માહિતી મેળવવામાં જિંદગી ઓછી પડે પછી નોકરી કરવાનો તો સવાલ જ રહેતો નથી. પણ શું વાંચવું અને શું ન વાંચવું તે પણ સમજપૂર્વક તારવવું પડે, નક્કી કરવું પડે.

ઇન્ટરવ્યૂ માટેનું ફોર્મ ભરી દીધું છે. હવે તો ચેમ્બરમાં બોલાવે તેની જોરૂભાને રાહ છે. તેઓ જિંદગીમાં જોયા ન હોય તેવા મોંઘાદાટ સોફા પર સજ્જ થઇને બેઠા છે. જમીન હતી તે પાણીના મૂલ્યે વેચાઇ ગઇ. હવે નોકરી સિવાયનો વિકલ્પ નથી અને સૌથી મોટી સમસ્યા હોય તો તે, મેરેજની છે. વેવિશાળ થઇ ગયું છે. સામાપક્ષે ઉતાવળ છે પણ નોકરીનું કાંઇ ઠેકાણું પડે તો, પરણવાનો પોરસ જાગે!

‘ત્રીસ નંબર!’

પોતાના હાથમાં રહેલા ટોકનના નંબરની ખરાઇ કરી જોરૂભા લાઇનમાં ગોઠવાઇ ગયા. શું પૂછશે? જવાબ આવડશે કે નહીં... આવી મૂંઝવણ જોરૂભાને સતાવવા લાગી.ઇન્ટરવ્યૂ આપવો તે પણ એક કલા છે. સામી વ્યક્તિને ઇમ્પ્રેસ કરવો કે ઉલ્લુ બનાવવો તેનો સઘળો આધાર ઉમેદવારની સ્માર્ટનેસ પર રહેલો હોય છે. તમને જે આવડતું હશે તેના જવાબ તો તમે આત્મવિશ્વાસ સાથે આપશો પણ નહીં આવડતા સવાલોનું શું? ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમારો જવાબ સાચો કે ખોટો છે તે કરતાં તમે કેવી રીતે અને કેવો જવાબ આપો છો તે મહત્વનું બનતું હોય છે. અહીં વ્યક્તિ નહીં તમારા વ્યક્તિત્વને તપાસવાનો ઉપક્રમ પણ હોય છે.

ટોપ લેવલના એક ઇન્ટરવ્યૂમાં પેનલના સભ્યે, ઉમેદવારને કાચનો ગ્લાસ આપીને કહ્યું : ‘આના કેટલા ટુકડા થઇ શકે?’ ઉમેદવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગ્લાસને ફરસ પર ઝીંકયો. ગ્લાસ તૂટીને, ટુકડા થઇ ગયો. પછી ઉમેદવારે જવાબ આપતાં કહ્યું: ‘આટલા ટુકડા થઇ શકે!’ નિર્ણય શક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે.

જોરૂભાએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો. પરિચય વિધિ થઇ. ગ્રેજ્યુએટ હોવા છતાં ચોકીદારી કરવા તૈયાર છો... તેનો જોરૂભાએ ખૂબ જ સંતોષકારક જવાબ આપ્યો.

ક્રિકેટ અને ખેલ જગત વિશે સવાલો કર્યા. આવડ્યા તે જવાબો આપ્યા. પછી પૂછ્યું : ‘કમ્પ્યૂટર અને ઈન્ટરનેટ વિશે જાણો છો?’ નમ્રતાપૂર્વક જોરૂભાએ ના પાડી.

ત્યાં બીજી વ્યક્તિએ મર્માળુ હાસ્ય સાથે સવાલ કર્યો : ‘તમે ગામડાના છો, ખેતીના વ્યવસાયે ખેડૂત છો તો કહો : ભેંસનો ગર્ભકાળ કેટલો?’ સવાલ સાંભળીને જોરૂભા સજ્જડબંધ થઇ ગયા. બે ઘડી તેમને સમજાતું નહીં કે ચોકદારીને અને આ સવાલને શું લાગે વળગે! ઘણી જગ્યાએ આમ બને છે, તમે વિષય કે કામગીરીના અનુસંધાને તૈયારી કરીને ગયા હો અને સવાલ તો સાવ જુદા જ પુછાય!

વળી બીજો સવાલ આવ્યો, ‘જોરૂભા... ‘તમે રાત્રિના સમયે ચોકીદારી કરો છો. કોઇ લૂંટારાઓ લૂંટના ઇરાદે આવે તો તમે શું કરો?’

‘હું જીવના જોખમે પણ તેમનો સામનો કરું!’ જોરૂભાએ દ્રઢતાપૂર્વક કહ્યું: ‘પણ ધારો કે...લૂંટારાઓએ તમને મારી નાખ્યા. પછી તમે શું કરો!?’

જોરૂભા સવાલનો ટોન પામી ગયા. તેમણે કહ્યું: ‘સર! હું ઉત્તમ જીવનની આશા સાથે આવ્યો છું, મરવાનું મેં વિચાર્યું પણ નથી...’‘પણ એમ બને તો...!’

જોરૂભાના ચહેરાનો રંગ બદલાઇ ગયો. રૂંવે રૂંવે સ્વાભિમાનની જયોત પ્રગટવા લાગી. તેમણે પડછંદ સ્વરમાં સંભળાવ્યું: આપના કહેવા પ્રમાણે હું મરીશ તો પણ મારી ખુમારી જીવશે, અમારી વફાદારી જીવશે...!

ધુમ્મસ, રાઘવજી માધડ

ra_madhad@yahoo.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.