વંદના તામસી પ્રકૃતિની હતી અને ટપૂડો તો મમ્મીને ય ટપી જાય તેવો હતો.દસ-અગિયાર વરસનો છોકરો આટલી હદે હરામખોર હોઇ શકે એ બાબત સોસાયટીના રહીશો માટે માનસશાસ્ત્રીય કોયડો હતી.
આખી સોસાયટી શ્વાસ થંભાવીને આવનારા તોફાનની પ્રતીક્ષામાં ઊભી રહી ગઇ. તેર નંબરના બંગલામાં રહેતા પપ્પુએ વંદનાબહેનના ટપૂડાને બહુ ક્રૂર રીતે માર માર્યો હતો. હવે એનું આવી બન્યું સમજો! એકલા પપ્પુની નહીં, પણ એના મમ્મી-પપ્પાની હાલત પણ બગડી જવાની. વંદનાબહેનની આ જૂની ને જાણીતી ખાસિયત હતી. તોફાનની શરૂઆત એમનો ટપૂડો કરે, પણ એનો અંત વંદનાબહેન લાવે! મા-દીકરાના ત્રાસથી આખી સોસાયટી ગળે આવી ગઇ હતી.
લોકોની સ્મૃતિમાં જૂનો ઈતિહાસ સચવાયેલો હતો. છએક મહિના પહેલાં ટપૂડો ચીસો પાડતો ઘરમાં આવ્યો, ‘મમ્મી! મમ્મી! મીનુ આન્ટીના મુન્નાએ મને બેટ માર્યું...’
જો વંદનાબહેન દીકરાને પહોંચેલી ચોટ તપાસવા રોકાયાં હોત તો સમજી શક્યાં હોત કે એને ખાસ વાગ્યું ન હતું. જો એમણે બીજા છોકરાઓને પૂછપરછ કરી હોત તો એય જાણવા મળ્યું હોત કે ઝઘડાની શરૂઆત એમના સુપુત્રે જ કરી હતી, પણ એ તો સીધાં બેટ સાથે ધસી ગયાં મીનાબહેનના ઘરમાં. આગળ-પાછળનો સંબંધ વિચાર્યા વગર એમણે ત્રાડ નાખી, ‘એ...ઇ, મીનકી! ક્યાં સંતાઇ ગઇ છે? બહાર આવ! જો તારા નાલાયક છોકરાએ મારા ટપૂની કેવી દશા કરી છે...?’
મીનાબહેન ચહેરા ઉપર ક્ષમાયાચનાનો ભાવ પાથરીને બહાર આવ્યાં, ‘સંતાણી તો ક્યાંય નથી, વંદનાબહેન! હું તો રસોડામાં કામ કરતી હતી. મને ખબર પડી કે તરત જ મેં મારા મુન્નાને ઠપકો આપ્યો છે. છોકરાઓ વચ્ચે આવું તો ચાલ્યા જ કરવાનું! આવો ને, બે’ન, ચા બનાવું...’
‘હું ચા પીવા નથી આવી, ચાંપલી! હું તો તારા મુન્નાનું લોહી પીવા આવી છું!’ વંદના સ્ત્રી મટીને વીફરેલી વાઘણ બની ગઇ.
મીનાને છેલ્લું વાક્ય માથામાં વાગ્યું, ‘વંદનાબે’ન! મનમાં આવે એ બધું બોલાય નહીં. મારો છોકરો કંઇ ગાંડો નથી થઇ ગયો કે કારણ વગર તમારા છોકરાને બેટ મારી બેસે. તમારા ટપૂડાએ મારા મુન્નાને મા સમાણી ગાળ આપી, એ પછી જ...’
‘ગાળ આપી એમાં શું થઇ ગયું? ગાળના બદલામાં તારા છોકરાએ સામી ગાળ દઇ દેવી હતી ને! આમ કંઇ બેટ મરાતું હશે? તેં એનામાં સંસ્કાર જ રેડ્યા નથી. મોટો થઇને મવાલી થશે તારો મુન્નો! લોકોના ખૂન કરતો ફરશે...’ આટલું કહીને વંદનાએ ગુસ્સામાં અંધ બનીને બેટનો છુટ્ટો ઘા કર્યો. ડ્રોઇંગરૂમમાં મૂકેલા ટી.વી. સેટ ઉપર જઇને બેટ અથડાયું. વીસ હજારનું ટી.વી. ભંગારમાં ફેરવાઇ ગયું. રાત્રે મીનાનો પતિ ઘેર આવ્યો ત્યારે શરૂમાં તો એય ઊકળી ઊઠ્યો, પણ પછી અડોશી-પડોશીઓએ એને સાચવી લીધો, ‘એ મા-દીકરા સાથે બાખડવા જેવું નથી. તદ્દન લાજ-શરમ વગરનાં છે એ લોકો! જેની ને તેની સાથે ગમે તે ક્ષણે ઝઘડો કરવા માટે તૈયાર જ હોય છે. ભગવાનનો પાડ માનો કે વીસ હજારમાં મામલો પૂરો થયો! બાકી પૂછવું હોય તો આઠ નંબરવાળા અનિલભાઇને પૂછી આવો!’
અનિલભાઇના અનુભવને અઢી મહિના થયા. એમનો અક્કી સાંજના સમયે ક્રિકેટ રમતો હતો. બોલિંગ કરતી વખતે દડો એના હાથમાંથી છટકી ગયો. બેટિંગ કરી રહેલા ટપૂના કપાળમાં જઇ પડ્યો. ટી.વી. ઉપર આવતી લાઇવ ક્રિકેટ મેચો જોઇ-જોઇને દડા-પારખુ બની ગયેલા ટપૂએ તરત જ અક્કીની ફેંટ ઝાલી, ‘બદમાશ! તારા બાપ સામે બાઉન્સર ફેંકે છે?’
અક્કી બાપ સામેની ગાળ શેનો સાંખી લે? એણે એક મુક્કો ટપૂના ગાલ પર જડી દીધો. પરાજિત ટપુ રડતો-રડતો મમ્મીના શરણમાં આવી ગયો. વંદનાબહેન વળતી ક્ષણે મેદાનમાં આવ્યાં. અનિલભાઇ ઘરમાં જ હતા. એમને વંદનાના તામસી સ્વભાવની ખબર હતી, એટલે એ પત્ની અને દીકરા સાથે ઘરમાં જ પુરાઇ ગયા. વંદનાબહેને ઘણા પડકારા-દેકારા મચાવ્યા, પણ એમણે બારણું જ ન ખોલ્યું.
‘એમ? તું એવું માને છે કે હું તને છટકી જવા દઇશ? લે, જોઇ લે ત્યારે મારા હાથનો ચમત્કાર!’ વંદનાબહેને બાજુમાં પડેલો વજનદાર પથ્થર ઊંચકીને ત્યાં પાર્ક થયેલી કાર ઉપર માર્યો. અનિલભાઇની નવી નક્કોર મારુતિ સ્વિફ્ટ કારનો કાચ ફોડી નાખ્યો. બોનેટના પતરામાં પણ મોટો ગોબો પાડી દીધો.
ધાર્યું હોત તો અનિલભાઇએ વંદના ઉપર પોલીસ ફરિયાદ દર્જ કરી દીધી હોત, પણ એ આ ફેમિલીની સાથે પંગો લેવાનો અંજામ બરાબર જાણતા હતા. ગાડીનો ઇન્શ્યોરન્સ હતો, એટલે એમણે વાત ખતમ કરી લીધી.
વંદના આમ તો ખૂબસૂરત હતી. કોલેજમાં હતી ત્યારે ‘મિસ કોલેજ’નો ખિતાબ જીતી ચૂકી હતી. વિશાલ સાથેના બાર વરસના લગ્નજીવન બાદ પણ અને એક સંતાનની મા બની ગયાં પછી પણ એનો દેહ હજુ આકર્ષક રહી શક્યો હતો. પૈસે ટકે પણ તેઓ સુખી હતાં. વિશાલનો ઠીક ઠીક જામેલો કહેવાય તેવો ‘બિઝનેસ’ હતો. આ સોસાયટીમાં ત્રણ બેડરૂમ-હોલ-કિચનનો સુંદર બંગલો હતો. એક ગાડી હતી, બે દ્વિચક્રી વાહનો હતાં. જો કોઇ એક ચીજની ખામી હોય તો તે સંસ્કારની હતી.
વિશાલભાઇની આબરૂ સારી હતી. એમનો સ્વભાવ શાંત હતો. માત્ર એમની પત્ની વંદના જ તામસી પ્રકૃતિની સ્ત્રી હતી અને ટપૂડો તો એની મમ્મીનેય ટપી જાય તેવો હતો. દસ-અગિયાર વરસનો છોકરો આટલી હદે હરામખોર હોઇ શકે એ બાબત સોસાયટીના રહીશો માટે માનસશાસ્ત્રીય કોયડો હતી.
કો’ક ભેજાબાજ તો ક્યારેક ટીખળમાં પૂછી પણ લેતો, ‘આ ટપૂડો એના બાપ વિશાલભાઇનો જ દીકરો હશે? મંજીરા બનાવવાની ફેક્ટરીમાં આ ખંજર કેવી રીતે પેદા થયું?! મને તો બુંદફેર લાગે છે!’
આવા ખૂંખાર વંદનાબહેન માટે આજે ‘કસૌટી જિંદગી કી’ જેવી ક્ષણ આવીને ઊભી હતી. એમના લાડકા ટપૂને આજે બરાબરનો માર પડ્યો હતો.
ટપૂડાને ટિંગાટોળી કરીને લાવનારા છોકરાઓએ જે માહિતી આપી તે ચોંકાવી મૂકે તેવી હતી, ‘આન્ટી! આન્ટી! આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ટપૂડાનો સહેજ પણ વાંક ન હતો. અમે રમતા હતા, ત્યાં અચાનક તેર નંબરવાળા પપ્પુએ ગમ્મતમાં ને ગમ્મતમાં બાજુમાં પડેલું લાકડાનું કાંટાવાળું ઝાંખરું ઉઠાવીને ટપૂના મોંઢા ઉપર મારી દીધું! એની એક ડાળખી તો ટપૂની આંખમાંયે ઘૂસી ગઇ! જુઓ ને, એની જમણી આંખ ફૂટી તો નથી ગઇ ને?’
વંદનાબહેને સાડલાના પાલવથી દીકરાનો ચહેરો સાફ કર્યો, જમણી આંખમાંથી ફરી પાછું લોહી ઝરવું શરૂ થયું. પણ છોકરાઓના આશ્ચર્ય વચ્ચે વંદનાબહેન તદ્દન શાંત હતાં, ‘ચાલ, બેટા! તને આંખના ડોક્ટર પાસે લઇ જાઉં!’
‘ના, મમ્મી!’ ટપૂએ ચીસો પાડી, ‘ડોક્ટર પાસે પછી લઇ જજે, પહેલાં એ પપ્પુના ઘરે લઇ જા. પેલું ઝાંખરું એ બદમાશની આંખમાં ખોસી દે! પછી જ...’
‘ચૂપ, નાલાયક! હું એ છોકરાને ઓળખું છું. એની મમ્મીનેય ઓળખું છું. એ આવું કરે જ નહીં. નક્કી તારો જ વાંક હશે. ચાલ, ઊભો થા, નહીંતર હું તને ફટકારીશ!’
આખી સોસાયટીમાં આ વાત ફરી વળી. માણસો આશ્ચર્યના અરબી સમુદ્રમાં ગરકાવ થઇ ગયા. આ દુર્યોધનની સ્ત્રી-આવૃત્તિ આમ અચાનક મધર ટેરેસા કેવી રીતે બની ગઇ! આ ફેરફારનું રહસ્ય કોઇને સમજાયું નહીં.
એ રાત્રે મોડેથી જ્યારે ઘર-ઘરમાં સ્ત્રી-પુરુષો નિદ્રાધીન થઇ ગયા હતા, ત્યારે બે જણાં દબાયેલા અવાજમાં સેલફોન પર વાત કરી રહ્યા હતા. વંદના તેર નંબરના બંગલામાં રહેતા પૃથ્વીસિંહને કહી રહી હતી, ‘પૃથ્વી, જોયું ને? તારા દીકરાએ આપણા દીકરાને કેટલો ખરાબ રીતે માર્યો? એની જમણી આંખ સહેજ માટે બચી ગઇ. એને સમજાવજે કે દિમાગને શાંત રાખે.’
પૃથ્વીસિંહે ઘેરા, ખુમારીભર્યા સ્વરમાં જવાબ આપ્યો, ‘સમજાવવાનું કામ તારે કરવાનું છે, ડાર્લિંગ! ટપૂડાને કે’જે કે મારા પપ્પુના આક્રમણથી બચીને ચાલે! તારા ટપૂમાં તો મારું એકલાનું ગરમ લોહી ઊતર્યું હશે, પણ મારા પપ્પુમાં તો મારું ને મારી ક્ષત્રિયાણીનું એમ બેવડું ખૂન ઊતર્યું છે. છોડ એ બચ્ચાંઓની વાત! તું મને ક્યારે મળવાની છે એની વાત કર!’ રાત જામતી રહી, વાત ખૂલતી રહી, વાઘણ જેવી ખૂંખાર વંદના એના શિકારીની આગળ મસ્તીખોર મૃગલી બની ગઇ.