Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Bal Bhaskar
 

પક્ષી-પ્રાણીની વાતો જાણીએ કવિતારૂપી ખાસિયતો માણીએ

 
Source: Bal Bhaskar   |   Last Updated 2:33 AM [IST](06/09/2010)
 
 
 
 
 
બાળમિત્રો,

આ વિભાગમાં દર વખતે તમને જુદા-જુદા પ્રાણીઓ અને પક્ષીઓ મળવા આવે છે. દરેક પક્ષી અને પ્રાણી પોતાની વિશેષતા, ગુણ-અવગુણ અંગે તમારી સાથે વાતચીત કરે છે, પણ આજે આપણે કંઈક નવું કરીએ. એટલે કે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સાદી અને સરળ ભાષામાં કવિતારૂપી પોતાના સ્વભાવ, ગુણ-દોષ વિશે મન ભરીને વાતો માંડે છે...

પોપટ હું મીઠડો

પંખીમાં પોપટ હું મીઠડો,
લીલા વનનો વાસી,
લીલુડે આંબલિયે રહું હું,
નિત નિત હું ઉલ્લાસી.

લીલો, પીળો રંગ શરીરે,
ગળે કાંઠલો કાળો,
રાતી, વાંકી ચાંચ રૂપાળી,
મારો ઠાઠ છે રૂપાળો.

શાણો, સરળ, રસિક ને સુંદર,
સત્ય હું પ્રિય વદનારો,
લોકવાણી શીખવામાં ચંચળ,
જન મનને હરનારો.

દુ:ખ દઈ જન સૌ પાંજરે પૂરે,
તોય કરું ઉપકાર,
દોષ કદી ના દઉં કોઈને,
હું તો છું વદનાર.

મુજ પર જે જે વહાલ કરે,
તે સાથે સ્નેહ કરું છું,
પ્રિય બોલું જો પ્રિય કરી શકું,
જીવન સાર બતાવું.

બેં બેં કરતી બકરી

બકરી હું બેં બેં કરતી,
મોટી રખડુંમાં રખડું,
શોધો ભલે આખા ગામમાં,
તોય ક્યાંય ના હું જડું.

શેરી ગલીઓમાં હું ફરું,
ને પેસું ગમે તેના ઘરમાં,
મોઢામાં આવે તે ખાઈ જતી
પણ ઘરથી દૂર ક્યાંય ના જતી.

કદી ઊંચે ઊંચે ઓટલે ચડી,
બેસું હું છાનીમાની,
પાળે ચડું, ચડું વંડીએ,
કે ગઢ રાંગે તોફાની.

ખૂબ જોવાની મજા પડે,
બાળ ભેળાં જો થાય,
શિંગડાં કટ્ટાપટ્ટ બોલે,
ન થાક કદી ન ખાય.

ખાવું, રખડવું ઉતરચડ ને
કૂદાકૂદીના ખેલ,
નિત મને કરવા ગમે,
બાળક સંગે ગેલ.

કાકા કરતો કાગડો

કા...કા કરતો અહીં તહીં ઉડું,
કા...કા સૌને કહેતો,
મનમાં માનું કાકો જગનો,
કાકો થઈને રહેતો.
પંખી તણી નાતે પંકાતો,
ચતુર અને હોશિયાર,
ડહાપણમાં ને પંચાતમાં,
મને ન કોઈ પહોંચનાર.
એકલો-એકલો ઉડ-ઉડ કરતો,
રંગે કાળોમેશ,
લાંબી સીધી ચાંચ મજાની,
પણ કંઠ કેવો કર્કશ!
વહેલો ઊઠું રોજ સવારે,
માંદો કદી ન પડતો,
જીવું છું સો વર્ષો લગી ને,
આનંદે નિત ઉડતો.
હું મુજ શક્તિ ને ચતુરાઈ પર,
રાખું છું આધાર,
કોઈને ખુશ કરવા ન મથું હું,
મારી મેળે છું તરનાર.

અમે ભોળાં ઘેટાં

અમે ઘેટાં ડુંગરે ઊંચાણે ચરતાં,
બકરાં જેવા અમે પણ એ તો સાહસિક શૂરાં,
અમે જરીક ઘોંઘાટ થતામાં ભાગી જતાં એવા શૂરાં.

ચકચક કરતી ચકીરાણી

હું ચકલી ચકચક કરતી,
ધૂળમાં રોજ સવારે નહાતી,
જ્યાં બેસો ત્યાં આવી બેસું,
ને ચકચક ગીતડું ગાઉં.

હું નિર્દોષ નાનકડું પંખી,
ચકલાજીની સંગ ફરું,
સંગે રમતી સંગે ભમતી,
આકાશે ઉડ-ઉડ કરતી.

પ્રભાતમાં છીછરા જળમાં,
નહાતી હું ફફડાવી પાંખ,
ચાંચ વતી પાણી ઉડાડું,
મારી બંધ કરીને આંખ.

બળવાળો બળદિયો

મારું નામ બળદિયો બળવાળો,
છોને લોક કહે ભાર વહેવાવાળો.
જગ સૌનું હું પોષણ કરતો,
કરી મહેનત અન્યનું દુ:ખ હરતો.
હું તો ખેતર ખેડી સાફ કરું,
ને આળસ જરીય ન અંગ ધરું.
કદી કોશથી પાણી કાઢું છું,
ને પાકને પહોંચાડું છું.
સૌ સ્વાર્થની નજરે જુએ,
મારા ગુણ ભૂલે ને દોષ જુએ.
મને પાળો, પોષો તો હું ન્યાલ કરું,
સૌને તારું ને હુંય તરું.

પવનવેગે ઊડતો ઘોડો

હું છું મસ્તમજાનો ઘોડો,
ચાલુ ને તબડાટી બોલાવું,
પવન વેગ કરું મારો,
કોઈનો ઝાલ્યો ન ઝલાઉં,
મિજાજમાં હું ખારો.
પૂંછ હલાવું ચાલું ને,
વળી ઊંચી રાખું ડોક,
હણહણાટ કરતો હું જ્યારે,
બાળક બીતા કોક.
ભૂખ મને ખૂબ લાગે ત્યારે,
કરતો હું જોગાણ,
કડબડ કડબડ ચણા ચાવતો,
પહેરી તોબરો કાન.
ગામની શેરી, ગલીઓમાંથી,
નીકળું છું હું જ્યારે,
ગાય, ગધેડા, બળદ માનમાં,
મારગ દેતાં ત્યારે.
સદાય ઊભા પગે રહેતો,
જવા નિત તૈયાર,
થાક ન જાણું, બીક ન જાણું,
હું બહાદુર, હોશિયાર.
બેસું નહીં હું કદી સૂતો,
ખરો મર્દ હું બંકો,
સેવામાં ને વફાદારીમાં,
વાગે જગમાં મારો ડંકો.

હું વનરાવનનો મોરલો

હું વનરાવનનો મોરલો,
મારા ટહુકા વન-વન ગાજે.
માથે તે કલગી રાજે સુંદર રે,
મારા પીંછાંનો ભાર વિરાજે.
કરું કળા ને નાચું થન થન,
હું નાચતો ઢેલ કાજે.
વર્ષામાં મેઘને બોલવતો રે,
મને સાંભળીને મેઘ મિત્ર ગાજે.
પોપટ ને કાળી કોયલ રે,
મુજ સંગ હરીફાઈમાં લાજે.

હું બગલો જોગી જેવો

હું બગલો નદી નીરે ઊભો,
ધ્યાની જોગી જેવો.
એક પગ ઊંચો એક પગ નીચો,
અંગે રૂ-ઢગ જેવો.
કામથી કામ બીજે મારે કંઈ,
કોની છે દરકાર?
માછલાંને ડબ લઈ પકડું,
વાટ ન જોઉં કશાની.
સાંજ, બપોર, સવાર,
મને જુઓ એકતાન.
હું તમને એક વાત શીખવું,
બાળ જો શીખવા ધારો.
ધ્યાન દઈને કર્તવ્ય બજાવો,
ખોટા ત્યજી વિચારો.

હુપ હુપ કરતા વાંદરાં

અમે રામજીની સેના તણાં વાંદરા,
કરતાં તે હૂપાહૂપ,
અમે નાચતાં, કૂદતાં ને ઠેકતાં,
તરૂ ડાળ કરી ઝુકાઝુક.
અમારા મોઢાં લંબગોળ,
ભયાઁ આંખ મહીં તોફાન,
લાલ, કાળાં મોઢાળામાં અમે વાંદરા,
જોવા જેવા અમારા કાન.
અમે ચંચળ નિત કરતા ચાળાં,
ઠરી બેસવું ગમે ના ઠામ,
અમે ફળનાં ભોગી ભારે સદા,
ખાવું બીજું છે અમને હરામ.
અમે પૂંછ માટે મગરૂર હોં,
જેનો ભારે મોટો વિસ્તાર,
અમે ફાવે તેમ એને રાખીએ,
કહો કોણ અમને પૂછનાર!
અમે રામજીની ફોજે ચડી જઈ,
માર્યો રાવણ રાક્ષસ મહાન,
અમે રામનો જયકાર બોલાવીયો,
કહો ને કોને ન એની જાણ!
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.