નાગરો પાંચ ‘પ’ થી પ્રસિદ્ધ છે. પાટિયું (હિંચકો), પાટલો, પીતાંબર, પારણું અને પાન. હવે અહીં આપેલી શૌર્યગાથાઓ વાંચ્યા પછી છઠ્ઠો ‘પ’ પણ ઉમેરી દેજો. પાળિયાનો‘પ’.
ગયા બુધવારે આપણે ત્રણ શૌર્યવાન નાગરોની ખાંભીની વાત કરી હતી. તેમની કથા જાણવા જેવી છે. ઇ.સ.૧૬૮૫માં ગુજરાતના સુબા તરીકે સુજાતખાન (કારતલબ ખાન) નીમાયો. ત્યારે તેણે ૧૬ વર્ષ રાજ કર્યું હતું. ૧૭૦૧માં તેનું અવસાન થયું એટલે ઔરંગઝેબે પોતાના ત્રીજા પુત્ર શાહજાદા આઝમશાહને ગુજરાત અને જોધપુરનો સુબેદાર બનાવ્યો હતો. આઝમશાહ અમદાવાદ આવ્યો ત્યારે ભદ્ર (નો કિલ્લો)નું નિવાસસ્થાન તેને ગમ્યું નહોતું એટલે તેણે રુસ્તમબાગ અને ગુલાબ બાગ ખાતે નવાં શાહી રહેઠાણ બાંધવા હુકમ આપ્યો હતો અને એ રહેઠાણ બંધાયું ત્યાં સુધી પોતે તંબુમાં રહ્યો હતો. (સંદર્ભ : ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, મુઘલકાળ. ગ્રંથ-૬) એ વખતે ઔરંગઝેબની ઉંમર ૮૪ વર્ષની હતી.
તેણે કેટલાંક ફરમાન દરેક સુબાને મોકલ્યા હતા. તેમાં એક ફરમાન જયોતિષીઓને પંચાગ બનાવવા પર પ્રતિબંધ (ઇ.સ. ૧૭૦૨) લાદવા માટેનું હતું. બીજું ફરમાન ખંડિત સોમનાથ મંદિરમાં હિન્દુઓએ પૂજાપાઠ કરવાનું ચાલુ રાખ્યું હોય તો મંદિરનો સંપૂર્ણ નાશ કરવાનું હતું. શાહજાદા આઝમશાહે આ ફરમાનના અમલ માટે મલેક જીયા નામના સરદારને પ્રભાસ પાટણ મોકલ્યો હતો. તેને સમજાવવા માટે ગામના બ્રાહ્નણો, મહાજનો અને દેસાઇઓ ગયા હતા. મલેક જીયાએ આ લોકો સામે ગૌહત્યા કરી.
હિન્દુઓ ઉશ્કેરાયા તેથી સૈનિકો ભાગી ગયા હતા, પણ થોડા વરસ પછી મલેક જીયાનો પુત્ર મલેક ખાન પિતાનો બદલો લેવા પ્રભાસ પાટણ પર ચઢી આવ્યો. તેથી ગામના નાગર દેસાઇ મહાવજી ગણપતે દરવાજા બંધ કરાવી દીધા અને લોકોને ‘લડી લેવા માટે ’ તૈયાર કરી દીધા. જોકે કેટલાંક સ્થાનિક લોકોએ દગાખોરી કરી. પ્રભાસપાટણમાં મલેક ખાનના લશ્કરને અંદર આવવા દીધું. મહાવજી, તેમના ભાઈઓ અને અન્યોએ લડત આપી, પણ આ લડાઇમાં તેઓ શહીદી પામ્યા.
મલેક ખાન એટલેથી ધરાયો નહોતો. શંભુપ્રસાદ દેસાઇ લખે છે કે, તેણે મહાવજી દેસાઇનાં ઘર લૂંટયાં. તેના કુળદેવતાને પગે કચડ્યા અને ગૌવધ કર્યો. આખું નગર લૂંટી લીધું. આ પ્રસંગે આ પાંચ મૃતકો ( મહાવજી, તેમના બે ભાઈઓ, કુલગુરુ અને એક સેવક )ને અગ્નિસંસ્કાર કરવા માટે આજીજી કરવામાં આવી ત્યારે મલેક ખાને ‘સોના ભારોભાર’ જમીન આપી હતી. તે પણ એક શરતે. આ પાંચેય વીરપુરુષના અગ્નિસંસ્કાર સ્મશાનમાં ન કરવા.
જોકે પાછળથી મહાવજી દેસાઇના પુત્રએ ફરી પ્રભાસપાટણ પોતાના હસ્તક કરી લીધું હતું અને ફૂટેલા લોકોને સજા કરી હતી. સુરજમલ મહાવજી દેસાઇએ તેના પિતા અને કાકાના અગ્નિસંસ્કાર સ્થળે ખાંભી ઊભી કરી હતી. અત્યારે પ્રભાસપાટણમાં તે સ્થળ નાગરોના સ્મશાન તરીકે જાણીતું છે. એક સમયે તો દરિયામાં ભરતી આવે ત્યારે આ ખાંભીઓ પાણીમાં ડૂબી જતી હતી.
માધવપુર ઘેડમાં આવેલી રણછોડરાય નાગરની ખાંભીનો આધારભૂત ઈતિહાસ મળતો નથી પરંતુ કહેવાય છે કે ઇ.સ. ૧૭૨૭માં અમદાવાદના સૂબા તરીકે ઉડાઉ અને શોખીન સરબુલંદ ખાન આવ્યો. તેણે માધવરાયના મંદિરનો ધ્વંસ કરવા ચઢાઇ કરી ત્યારે રણછોડરાય નાગરે એકલે હાથ લડત આપી શહીદી વહોરી લીધી, પછી તેની ખાંભી બની હતી. સરબુલંદ ખાન તો એટલો ઉડાઉ હતો કે તેના લશ્કરનો પગાર ચઢી જતાં તેણે અમદાવાદના હિન્દુઓ પાસેથી બે તૃતિયાંશ અને વહોરાઓ પાસેથી એક તૃતિયાંશ લેવાનું નક્કી કરેલું અને તેમાં તેણે સૂબા તરીકે જવું પડ્યું હતું.
નાગરોની ત્રીજી ખાંભી વેરાવળ અને પ્રભાસપાટણ વચ્ચેના નવા કુંભારવાડા પાસે છે. ઇ.સ. ૧૮૭૬માં વેરાવળના પ્રભુદાસ નાગર પ્રભાસપાટણ જવા નીકળેલા. ચાર ધાડપાડુઓએ તેમનું ગાડું રોકર્યું અને ગાડામાં પ્રવાસ કરતી એક મેમણબાઈને લૂંટવાનું શરૂ કર્યું. એટલે પ્રભુદાસભાઈએ પોતાની ડાંગથી તેમને પડકાર્યા. એકને ડાંગ ઝીંકીને રામ શરણ કરી દીધો, પણ બીજા ત્રણે પ્રભુદાસભાઈ પર તલવારથી હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા. તેમની ખાંભી બનાવવામાં આવી હતી. પ્રભાસપાટણના મહાવજી દેસાઇ જુનાગઢના ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઇના આઠમા પૂર્વજ થાય. પ્રભુદાસભાઈના નાગર કુટુંબીઓ પણ હજુ વેરાવળમાં જ છે. નાગરો પાંચ ‘પ’ થી પ્રસિદ્ધ છે. પાટિયું (હિંચકો), પાટલો, પીતાંબર, પારણું અને પાન. હવે છઠ્ઠો ‘પ’ પણ ઉમેરી દેજો. પાળિયાનો‘પ’.