ચંદુડો એક નંબરનો ડામીસ છે. મા મરી એના દુ:ખથી દોડીને નથી આવ્યો. મહેક પાસેથી આ મિલકત પડાવી લેવાનો મેલો ઇરાદો લઇને આવ્યો છે!
દુગૉમાસીનો દાવ સો ટકા સફળ થયો. તીર બરાબર નિશાન પર વાગ્યું. રસિલાની પુત્રવધૂ ચંદ્રિકાનાં વખાણ કરીને એમણે હળવે રહીને મમરો મૂક્યો અને જવાબમાં સચ્ચાઇ બહાર આવી ગઇ. ચંદ્રેશ અને ચંદ્રિકાના ઇરાદાની ખબર પડી ગઇ. કંઇક કાચું કપાયું છે એનું ચંદ્રિકાને ભાન નહોતું. શિવાની અને મનીષા અહોભાવથી દુગૉમાસી સામે જોઇ રહ્યાં હતાં. રડતી-કકળતી મહેકને કશો અણસાર નહોતો.
‘અલ્યા, કોઇ મને ઊભી કરો...’ મણિમાસીને પગે વાની તકલીફ હતી. શરીર પણ ભારે હતું. ખાસ્સા સમયથી એ બેઠાં હતાં એટલે ઊભા થવા માટે એમને કોઇની મદદ જોઇતી હતી. એમણે બૂમ પાડી એટલે બે સ્ત્રીઓએ એમને ટેકો આપીને ઊભાં કર્યા. ડગુમગુ ચાલતાં એ દુગૉમાસી, ચંદ્રિકા, મહેક, મનીષા અને શિવાની જ્યાં બેઠાં હતાં ત્યાં આવ્યાં. ‘વહુ, તું અને ચંદુ ટાઇમસર આવી ગયાં એ સારું કર્યું. મનમાં ગમે એટલી કડવાશ હોય તો પણ મરેલા માણસ જોડે દુશ્મનાવટ ના રખાય...’ ચંદ્રિકાના માથે હાથ મૂકીને મણિમાસીએ સમજાવ્યું. ‘તું આ પોળમાં એક દાડોય રહી નથી એટલે તને અહીંની કંઇ ખબર નથી.
બાજુવાળા દેવુભાઇના દીકરાની વહુનું આજે બારમું-તેરમું છે. વિધિ નિમિત્તે પોળમાં જમણવાર હતો. તારી સાસુનું આવું થયું એટલે દેવુભાઇએ ચોખ્ખા ઘીના લાડવા અનાથાશ્રમમાં મોકલાવી દીધા. રસિલા ગઇ એનું દુ:ખ અમને બધાયને છે પણ બગાડ ના થાય એટલે હોહા કર્યા વગર મૂંગા મૂંગા પૂરી, શાક અને દાળ-ભાત બધાએ જમી લેવાના છે. તારે અને ચંદુએ પણ જમવાનું છે. તારા પિયરનાં કોઇ સગાં-વહાલાં બહારગામથી આવ્યાં હોય તો એમને પણ જમાડી દેજે.
જરાયે સંકોચ ના રાખતી. સમજી?...’ મણિમાસીએ પગ ઉપાડતાં અગાઉ ઉમેર્યું. ‘જમણવાર જોઇને તારા મનમાં ખોટી છાપ ના પડે એટલે ખુલાસો કર્યો...’ ધીમે ધીમે ડગલાં ભરીને એ ઓટલે આવ્યાં. એમને જોઇને કાંતિ અને રમેશ ત્યાં દોડી આવ્યા. એ બંને ઘરઘાટી હતા અને બારેય મહિના મણિમાસીના ઓટલે સૂઇ રહેતા હતા. પગથિયાં ઊતરવામાં એ બંનેએ મણિમાસીને ટેકો આપ્યો.
‘દેવુભાઇના ઘેરથી પીવાના પાણીની બે ડોલ ભરીને તૈયાર રાખો...’ પોતાના ઘર તરફ જતાં અગાઉ મણિમાસીએ એ બંનેને સૂચના આપી. ‘દસ-પંદર મિનિટમાં બધા પુરુષો સ્મશાનેથી પાછા આવશે. એમને કોગળો કરાવવા લોટો લઇને ઊભા રહેજો...’ થોડીવાર પછી ધડાધડ બધાં વાહનો પોળમાં આવવા લાગ્યાં. પાણીની ડોલ લઇને રમેશ અને કાંતિ તૈયાર હતા. સ્મશાનેથી પાછા આવેલા બધા પુરુષો બે લાઇનમાં ઊભા રહી ગયા. કાંતિ અને રમેશે ત્યાં જઇને વારાફરતી બધાને કોગળા કરાવ્યા.
એ પછી જેને જ્યાં જગ્યા મળી ત્યાં ઓટલા પર કે બાંકડા ઉપર પોતપોતાની મંડળીમાં ગોઠવાઇ ગયા. ચંદ્રેશના જમણા હાથમાં નાનકડો અસ્થિકુંભ હતો. બાબુ ધોબી હજુ એની સાથે જ હતો. એ બંને ઘર તરફ આગળ વધ્યા. ‘અલ્યા ચંદુ, અસ્થિને ઘરમાં ના લઇ જવાય...’ દેવશંકરે એને સલાહ આપી. પછી બાબુ સામે જોઇને સમજાવ્યું. ‘ઉંબરાની બહાર સલામત જગ્યા જોઇને મૂકી દે. પાંચ-છ દિવસમાં જ્યારે અનુકૂળતા હોય ત્યારે સિદ્ધપુર જઇ આવજો...’
રતુભાઇ પોતાની ફરજથી સભાન હતા. સ્મશાનેથી આવીને એ સીધા પંઠામાં પહોંચી ગયા. રસોડામાં લશ્કર ક્યાં લડે છે એનું ધ્યાન રાખવાની જવાબદારી દેવશંકરે એમને સોંપી હતી. દાળ-શાક ચાખીને સ્વાદમાં કંઇ સુધારા-વધારાની જરૂર હોય તો મહારાજને એ પ્રમાણે સૂચના આપવાનો પણ એમનો અધિકાર હતો. વર્ષોથી પોળના બધા જમણવારમાં એ આ જવાબદારી પ્રેમની સંભાળતા હતા. ચંદ્રેશ ઘરમાં પ્રવેશ્યો એટલે મહેક એને વળગી પડી. ‘ભૈલા, તું મમ્મીને ક્યાં મૂકી આવ્યો?...’ માતાની અંતિમવિધિ પતાવીને આવેલા ભાઇને વળગીને બહેન ધોધમાર રડતી હતી. એના ખભા પર માથું પછાડતી હતી. ઓરડામાં બેઠેલી બધી સ્ત્રીઓ આ કરુણ ર્દશ્ય જોઇને ફરીથી ઢીલીઢસ થઇ ગઇ.
આ તરફ સુભાષબ્રિજના છેડે નારણઘાટમાં હરિતાની બારમા-તેરમાની વિધિ લગભગ પૂરી થવા આવી હતી. શુક્લજી મંત્રોચ્ચાર કરતા અને એમના આદેશ અનુસાર હેમાંગ પોતાની જનોઇને સવ્ય-અપસવ્ય કરતો હતો. ‘તમારે પોળમાં જાણ કરવી હોય તો કરી દે...’ શુક્લજીએ પ્રતીક સામે જોયું. ‘પંદર-વીસ મિનિટ પછી આપણે નીકળીશું.’ પ્રતીકે મોબાઇલ હાથમાં લીધો અને સસરાને આ સંદેશો આપ્યો. દેવશંકરે પ્રતીકની વાત સાંભળીને રતુભાઇને સૂચના આપી. ‘હેમાંગ ને એ લોકો અડધો કલાકમાં આવે છે. પંઠામાં આંટો મારી આવો. એમની રિક્ષા આવે કે તરત બધાને જમવા બેસાડી દો...’
રતુભાઇ રસોડા તરફ ગયા. પોળના સ્વયંસેવકોની ટોળી વગર કહ્યે એમની પાછળ પાછળ ત્યાં પહોંચી ગઇ. શુક્લજી, હેમાંગ અને પ્રતીક રિક્ષામાંથી નીચે ઊતર્યા. દક્ષિણા લઇને શુક્લજીએ વિદાય લીધી. એ પછી જમણવાર શરૂ થઇ ગયો. ગળે કોળિયો ઉતારી શકે એવી મહેકની સ્થિતિ નહોતી એ છતાં મનીષા થાળી બનાવીને અંદર લઇ ગઇ. એણે અને શિવાનીએ મનાવી મનાવીને મહેકને થોડું ખવડાવ્યું. પોળના જૂના મિત્રોની સાથે બેસીને ચંદ્રેશે પણ જમી લીધું. દુગૉમાસી ઓરડામાં આવ્યાં ત્યારે મહેકે જમી લીધું હતું. ચંદ્રિકા, શિવાની અને મનીષા એની પાસે બેઠાં હતાં. ‘શિવાની, તું અને મનીષા પણ સવારથી દોડાદોડીમાં છો...’ દુગૉમાસીએ સૂચક રીતે શિવાની સામે જોયું. ‘તમે બંને બહેનો આ ચંદુની વહુને લઇને જાવ અને જમી લો. મહેકની પાસે હું બેઠી છું.’
એ ત્રણેય ગયા અને પછી મહેકે દુગૉમાસીના ખોળામાં માથું નાખ્યું અને આડી પડી. એની આંખનાં આંસુ હજુ સુકાતાં નહોતાં. થોડી થોડી વારે એ ડૂસકાં ભરીને રડી પડતી હતી. ‘મહેક બેટા, મારી વાત સાંભળ...’ દુગૉમાસીએ પૂરી ગંભીરતાથી એને સમજાવવાનું શરૂ કર્યું. પેલા લોકો જમીને આવ્યા ત્યાં સુધી એ મહેકની સાથે વાતો કરતાં રહ્યાં. ‘હવે અમે છીએ. માસી, તમે જમી લો...’ શિવાનીએ કહ્યું એ પછી એ ઊભાં થયાં. બહાર હવે બધા વડીલો જમતા હતા. એમાં દેવશંકર, મનુભાઇ અને રતુભાઇ હાજર નહોતા. એ ત્રણેય અત્યારે દેવશંકરના ઘરના અંદરના ઓરડામાં બેઠા હતા. એ ત્રણેય પાટ ઉપર બેઠા હતા.
એમની સામે ખુરશીમાં દુગૉમાસી અને એમના પતિ દિલીપભાઇ બેઠાં હતાં. ‘મહેકે બધી વાત કહેલી ત્યારે હું હબક ખાઇ ગયેલી...’ બધા પુરુષોની વચ્ચે દુગૉમાસી ગંભીરતાથી બોલતાં હતાં. ‘રાત્રે ફોન ઉપર ઝઘડો થયો ત્યારે ચંદુડાએ સગી માને કુલટા અને વેશ્યા જેવા શબ્દો કહેલા. દીકરાના એ શબ્દો સાંભળીને રસિલા ધ્રૂજી ઊઠેલી. એણે કહેલું કે તું આવું કહીશ તો હું મરી જઇશ... એ પળે એ નાલાયકે જવાબ આપેલો કે મરી જા... તું મરીશ તોય હું પોળમાં પગ નહીં મૂકું...’
ચારેય પુરુષો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બોલતી વખતે ચંદ્રેશ પ્રત્યેનો ધિક્કાર દુગૉમાસીના ચહેરા પર તરવરતો હતો. ‘એ પછી સવારે મરણના સમાચાર મળ્યા કે તરત એ હરામી એની બૈરીને લઇને આવી ગયો એટલે મને લાગ્યું કે દાળમાં કંઇક કાળું છે. એમાંય એની બૈરીએ વહાલ વરસાવીને મહેકને કહ્યું કે તમારે અમારી સાથે વાસણા ફ્લેટમાં રહેવા આવવાનું છે... એણે જે પ્રેમ દર્શાવ્યો એ જોઇને શંકા વધુ ઘેરી બની. પાંચ મિનિટ માટે પોળમાં આવીને માની ખબર પૂછવાની પણ પરવા નથી એ ભાઇ મહેક માટે આવી મમતા શા માટે વરસાવે?...’
સહેજ અટકીને દુગૉમાસીએ ચારેયની સામે જોયું. ‘ચંદુડાની વહુને એક જ નજરમાં પારખી લીધેલી. રૂડી, રૂપાળી અને અભિમાનની પૂતળી છે પણ થોડીક અક્કલની ઓછી છે એવો ખ્યાલ આવી ગયેલો. એટલે એને એના જ હથિયારથી મારી. મધમીઠા અવાજે એનાં ભરપેટ વખાણ કરીને હળવેથી પૂછ્યું કે પછી આ પોળના મકાનનું શું? એ અક્કલમઠી તરત લપેટમાં આવી ગઇ અને ભાંડો ફોડી નાખ્યો કે ચંદુડો એના કોઇ ભાઇબંધને આ મકાન વેચવા માગે છે. પેલાને અહીં ગોડાઉન કરવું છે પણ વાઘ જેવી રસિલા જીવતી હતી ત્યાં સુધી આ શક્ય નહોતું.
મા મરી ગઇ એટલે દીકરો એમ માને છે કે જાણે લોટરી લાગી ગઇ!... મહેક તો બાપડી સાવ ભોળી છે. આ ધણી-ધણિયાણીએ એવો કારસો કર્યો છે કે મહેકને એમની સાથે વાસણા લઇ જાય. પછી આ ઘર વેચી નાખવાનું... બિચારી મહેક એમને ત્યાં ગુલામડીની જેમ રહે અને વૈતરું કરે... ના ફાવે તોય એ ઓશિયાળી છોકરી પછી ક્યાં જાય? એની પાસે તો પગ મૂકવાની જગ્યાય ના બચી હોય... ચંદુડો એક નંબરનો ડામીસ છે. મા મરી એના દુ:ખથી દોડીને નથી આવ્યો. મહેક પાસેથી આ મિલકત પડાવી લેવાનો મેલો ઇરાદો લઇને આવ્યો છે!...’
નિરાશાથી માથું ધુણાવીને દુગૉમાસીએ વારાફરતી બધાની સામે જોયું. ‘આટલી ખાતરી થઇ ગઇ એટલે મહેકને તો મેં સમજાવી દીધું કે આ ભાઇ-ભાભી તારા દુશ્મન છે. એમની વાતમાં ના આવતી. મા આવી રીતે મરી ગઇ એ જોઇને એ છોકરી અંદરથી વલોવાઇ રહી છે એમાં ભાઇ-ભાભીની આવી ચાલબાજી જોઇને એ હબકી ગઇ છે. રસિલાની જોડે આપણે વ્યવહાર નહોતા રાખતા પણ આ ફૂલ જેવી છોકરીની પડખે ઊભા રહેવું પડશે. એને આ ધુતારાથી બચાવવી પડશે... આ કામ કરવા જેવું છે અને આપણે કરવાનું છે...’ દુગૉમાસીએ જે કહ્યું એ સાંભળીને ચારેય પુરુષો સ્તબ્ધ હતા. ચંદ્રેશની આવી ચાલાકીનો એમને અણસાર પણ નહોતો.
‘દુગૉબહેન, ચિંતા ના કરતાં...’ ઓરડાનું વાતાવરણ ભારેખમ બની ગયું હતું એમાં મનુભાઇએ રણકતા અવાજે ખાતરી આપી. ‘મહેકને રોડ ઉપર લાવી દેવા ચંદુડો ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ એને ફાવવા નહીં દઇએ.’
‘તમે આખી વાત જાણી લાવ્યા એ બહુ સારું કર્યું...’ દેવશંકરે દુગૉમાસી સામે જોયું. ‘મહેકનું હિત જોખમાય નહીં એ જવાબદારી હવે અમારી.’‘પોળમાં પોપાબાઇનું રાજ નથી ચાલતું...’ ગુસ્સાને લીધે રતુભાઇનો અવાજ ધ્રૂજતો હતો. ‘આપણા બધા ઘરની વચ્ચે ગોડાઉન કઇ રીતે બનાવી શકાય? અમે બધા પડખે ઊભા રહીશું. મહેકને ઘરમાંથી કાઢી મૂકવાની કોઇની તાકાત નથી...’ એ જ વખતે મનસુખ સોનીએ ઓરડામાં પ્રવેશ કર્યો. ‘દેવુભાઇ, તમે બધા જમી લો એટલે માણસો છુટા થાય. આપણે પાંચ-છ જણા જ બાકી છીએ...’ બધા ઊભા થઇને મનસુખની પાછળ બહાર આવ્યા.
સાંજે ચાર વાગ્યે ઓટલા પર દેવશંકરની પાસે રતુભાઇ, મનુભાઇ અને મનસુખ સોની બેઠા હતા. પ્રતીક ઘરમાંથી બહાર આવ્યો અને આ વડીલોની વચ્ચે બેઠો. ‘પ્રતીકકુમાર અને મનીષા કાલે સવારે જવાનું કહે છે...’ દેવશંકરે બધાની સામે જોઇને કહ્યું. ‘મેં આગ્રહ કર્યો પણ માનતા નથી.’ ‘આવું ના ચાલે પ્રતીકકુમાર! રવિવારે પોળમાં નવચંડી છે. ત્યાં સુધી રોકાવું પડશે. નવચંડીનો પ્રસાદ લીધા સિવાય જવાનું નથી...’ રતુભાઇનો અવાજ આમ પણ થોડો મોટો હતો. પ્રેમ અને અધિકારથી આદેશ આપીને એમણે ઉમેર્યું. ‘વળી, મનીષા તો મહેકની બહેનપણી છે. ચારેક દિવસ રોકાશે તો એ બિચારીનું દુ:ખ હળવું થશે...’ મનુભાઇ અને મનસુખે પણ ખૂબ આગ્રહ કર્યો. એ બધાની સામે પ્રતીકે હાર કબૂલી લીધી.
તે જ વખતે ચંદ્રેશ ત્યાં આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ હતો. ‘હજુ પંચાત કરવાની ટેવ સુધરી નથી તમારી? બીજાના ઘરમાં સળી કરવાની મજા આવે છે તમને? ઉશ્કેરાટથી અવાજ તરડાઈ ગયો. પોળના મોટા ભા થઈને ફરો છો પણ એક વાત સાંભળી લો. બધી ખબર પડી ગઈ છે, કોઈને છોડવાનો નથી. એકે એકની પથારી ફેરવી નાંખીશ.’
(ક્રમશ:)
mahesh_yagnik@yahoo.com