Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૨૭

 
Source: Annajalpani, Mahesh Yagnik   |   Last Updated 12:48 AM [IST](31/07/2011)
 
 
 
 
 
સાચા માણસનો સામનો કરવાનો હોય ત્યારે બીક લાગે. લુચ્ચા માણસની સામે તો લાકડાની તલવારથી પણ લડાય.

પોળમાં ભાડવાત તરીકે આવેલા રવીન્દ્ર ચડ્ડાની વાત કહેતી વખતે મનુભાઇ અને રતુભાઇ ઉત્સાહથી બોલતા હતા કે આ વર્ષે નવચંડીનો બધો ખર્ચ એ આપવાનો છે પણ છેલ્લાં વાક્યો બોલતી વખતે રતુભાઇનો અવાજ ધીમો થઇ ગયો... ‘એ માણસના ધંધા એવા છે કે પોળમાં ગમે ત્યારે પોલીસની રેડ પડશે.’ દેવશંકર આશ્ચર્યથી મનુભાઇ અને રતુભાઇ સામે તાકી રહ્યા.

‘રવીન્દ્ર ચડ્ડાનું કામકાજ ભેદી છે. એ સવારે સાત વાગ્યે તૈયાર થઇને ઘરની બહાર નીકળી જાય છે. એ પછી એની મિસિસ એકલી ઘેર હોય છે. એ પંજાબણ પણ ખાસ્સી ઊંચી અને પિકચરની હિરોઇન જેવી રૂપાળી છે...’ પ્રતીક અને દેવશંકર સામે જોઇને મનુભાઇએ માહિતી આપી. ‘બટુક ભગત અને નવીન બંગડીવાળો ખાપરા-કોડિયાની જેમ આખો દિવસ પોળના બાંકડે બેસી રહે છે એમણે આટલી જાણકારી આપી. એની મિસિસનું નામ પૂનમ છે. બપોરે એક વાગ્યે એક માણસ બાઇક લઇને આવે છે. એ હવેલીની બહાર જ ઊભો રહે છે. પૂનમ એને ટિફિન આપે છે. એ લઇને પેલો જતો રહે છે.

રવીન્દ્ર ચડ્ડા એટલે કે આર. સી. નો પાછા આવવાનો કોઇ સમય નિશ્વિત નથી હોતો. લગભગ રાત્રે નવ પછી જ એ ઘેર આવે છે. બસ, આટલી ખબર છે. બાકી, આર. સી.ના કારોબાર વિશે કોઇને કંઇ ખબર નથી. આઠ-આઠ મોબાઇલ રાખનારો માણસ શાનો ધંધો કરે છે એ સમજાતું નથી. કોઇ કહે છે કે બીડી-સિગારેટનો હોલસેલ વેપારી છે, કોઇ કહે છે કે એનો સટ્ટાનો ધંધો છે. અમુક એમ માને છે કે એક કા તીન જેવી કોઇ સ્કીમ ચલાવે છે... ક્યારેક તો રાત્રે દોઢ-બે વાગ્યે પણ કાર લઇને ક્યાંક જાય છે...’

‘દાસકાકાનું મકાન ભાડે કોણે અપાવ્યું?...’ દેવશંકરે પૂછ્યું. ‘જેણે ભાડે અપાવ્યું એને કંઇક તો ખબર હશેને?’‘ના રે...’ મનુભાઇએ નકારમાં માથું ધુણાવ્યું. ‘ખાલી એટલી ખાતરી કરેલી કે દારૂ નથી પીતો અને નોનવેજ નથી ખાતો. પતિ-પત્ની સો ટકા શાકાહારી છે. ક્યારેય મોટા અવાજે બોલતાં પણ કોઇએ નથી સાંભળ્યાં... આર. સી. એની કાર પોળની બહાર જ રાખે છે. પોળમાં આવે અને જાય ત્યારે સ્ટ્રેઇટ ફોરવર્ડ-આજુબાજુ ક્યાંય જોયા વગર સીધું જોઇને ટટ્ટાર ચાલે છે...

બસ, આવી રીતે રહે છે એટલે બીજા કોઇ પંચાત નથી કરતા...’‘એની મિસિસ આખો દિવસ ઘેર રહે છે. એટલે એ પોળની બીજી લેડિઝ જોડે તો વાતો કરતી હશેને? એમાંથી કંઇ ખબર નથી પડી?’‘પૂનમબહેન બધાની સાથે હળતી-ભળતી નથી. શાકવાળી કંકુ આવે ત્યારે શાક લેવા બહાર આવે. એ વખતે કોઇ કંઇ પૂછે તો સાવ ટૂંકો જવાબ આપીને વાત પતાવે. ઘરમાં એકલી રહીને ઊનના સ્વેટર ગૂંથ્યા કરે છે. એમાં એની માસ્ટરી છે એવું પોળની છોકરીઓ કહેતી હતી. કોઇક છોકરીએ અમસ્તું પૂછ્યું તો હસીને આમંત્રણ આપ્યું કે સ્વેટર ગૂંથતા શીખવું હોય તો ઘેર આવજો. શિખવાડીશ...’

દેવશંકર આ બધું ધ્યાનથી સાંભળતા હતા. જે કંઇ ખબર હતી એ માહિતી આપીને મનુભાઇ અને રતુભાઇ ખાલી થઇ ગયા એ પછી જાણે મનમાં બોલતા હોય એમ દેવશંકર બબડ્યા. ‘વધુ પડતો ચોખલિયો છું અને ચીકણો સ્વભાવ છે એટલે પૂછ્યા વગર નથી રહેવાતું. એ પંજાબીના પૈસે નવચંડી થશે અને એના પૈસામાંથી આખી પોળ મહાપ્રસાદ ખાશે પણ એ કમાણી ક્યાંથી આવે છે એની કંઇક તો ખબર હોવી જોઇએને? જાકૂબીના ધંધા કરતો હોય અને એની હરામની કમાણીમાંથી પોળને જમાડે તો એ ઠીક ના કહેવાય...’ દેવશંકર જે બોલતા હતા એ સાંભળીને બધા વડીલો ચૂપચાપ નીચું જોઇને ઊભા હતા.

રવીન્દ્ર ચડ્ડા દાસકાકાના હવેલી જેવા મકાનમાં ભાડે રહેતો હતો. અહીં જે ઊભા હતા એ બધા પૈકી પનાકાકાનું ઘર એની સૌથી નજીક હતું. સહેજ વિચારીને પનાકાકાએ ઉપાય સૂચવ્યો. ‘હું ટ્રાય કરીશ...’ એમના અવાજમાં આત્મવિશ્વાસ હતો. ‘કાલે કંઇક બહાનું કાઢીને અમે બંને જઇશું. આર. સી. ઘેર હોય એ વખતે જ એન્ટ્રી લઇશું. વાતવાતમાં એવી રીતે પૂછીશ કે એણે સાચું બોલવું જ પડશે...’ એમણે વટથી બધાની સામે જોયું. ‘બીજું બધું તો ઠીક પણ એક વાત નથી સમજાતી.’ અત્યાર સુધી મૌન રહેલા મનસુખ સોનીએ મમરો મૂક્યો.

‘લાંબીલચક લકઝરી કાર રાખતો હોય અને આઠ મોબાઇલ પરવડે એવો ધંધો કરતો હોય એ માણસ ભાડે રહેવાનું વિચારે તોય પ્રહ્લાદનગર કે એસ. જી. હાઇવે બાજુ બંગલો ભાડે રાખે. એ પંજાબી પોળમાં કેમ પધાર્યો એ ટપ્પી નથી પડતી.’

‘આ મુદ્દેથી જ વાત શરૂ કરીશ...’ પનાકાકાએ ઉત્સાહથી કહ્યું. ‘કહીશ કે મારા મામાના છોકરાને પોળમાં એક રિલેટિવનું મકાન મફતમાં રહેવા મળતું હતું તોય મુંબઇથી આવીને એ એસ. જી. હાઇવે પર મોંઘાદાટ બંગલામાં ભાડે રહેવા ગયો... આવું કહીશ એટલે સામે કંઇક તો એ બોલશેને?...’

અહીં આ ચર્ચા ચાલતી હતી એ વખતે શિવાની રસિલાબહેનના ઘરમાં પ્રવેશી. અંદરના ઓરડામાં મહેક ટંૂટિયું વાળીને બેઠી હતી. મનીષા એની સાથે હતી. ઓરડામાં બીજું કોઇ હતું નહીં એટલે શિવાની એ બેની વચ્ચે જઇને બેસી ગઇ. ચંદ્રેશ પોળના નાકે ખેતાજીની કીટલી પાસે ગયો હતો. એની પત્ની ચંદ્રિકા બહારના ઓરડામાં દુગૉમાસી અને પોળની બીજી સ્ત્રીઓ વચ્ચે ઘેરાયેલી હતી.

‘મહેક, મારી વાત ધ્યાનથી સાંભળ...’ મહેકનો હાથ પોતાના હાથમાં લઇને શિવાનીએ એને સમજાવ્યું. ‘આમ તો આજે ને આજે આ ચર્ચા કરવાનું નથી ગમતું પણ તું આખી પરિસ્થિતિ સમજી લે એટલા માટે કહું છું.
ચંદુડો અને એની વહુ ચંદ્રિકા બંને ભેગાં થઇને તને એમની સાથે એમના વાસણાના ફ્લેટે લઇ જવા આગ્રહ કરશે. શરૂઆતના થોડા દિવસ સારી રીતે રાખશે પછી વગર પૈસાની ગુલામડીની જેમ તારી પાસે ઢસરડા કરાવશે. ચંદુડાને આ ઘર વેચીને રોકડી કરવી છે. ખોરા ટોપરા જેવી દાનત છે એની...’ અત્યંત ધીમા પણ સ્પષ્ટ અવાજે શિવાની મહેકને સમજાવતી હતી. ‘તેં એમની સાથે જવાની ના પાડી એમાં તો ચંદુડાની કમાન છટકી.

પોળના બધા વડીલો ઉપર ચિડાઇને એ બબડાટ કરતો હતો...’ શિવાનીના અવાજમાં ચંદ્રેશ પ્રત્યેનો ધિક્કાર છલકાયો. ‘એના પાપે માએ મોત વહાલું કર્યું તોય જાણે તારો વાલેસરી હોય એમ સાથે લઇ જવાની વાત કરતો હતો. મકાન વેચી પૈસા હડપ કરી જવાની એની નાલાયકીનો ખ્યાલ આવી ગયો હતો એટલે મારાથી ના રહેવાયું. એ વખતે કોણ જાણે સૂઝી ગયું અને ગપ્પું મારી દીધું કે રસિલામાસીએ વકીલ બોલાવીને વિલ કરેલું છે અને આખું મકાન એકલી મહેકને આપી દીધું છે!...’ આશ્ચર્યથી આંખો પહોળી કરીને મહેક શિવાની સામે તાકી રહી હતી. મનીષાને પણ નવાઇ લાગી.

‘હવે સાંભળ...’ શિવાનીએ ભારપૂર્વક સમજાવ્યું. ‘ચંદુડો અત્યારે તો ઘીસ ખાઇ ગયો છે. મેં કહ્યું એ સાંભળીને ઊતરેલી કઢી જેવું મોં થઇ ગયું હતું એનું. નવ્વાણું ટકા તો એ હિંમત નહીં કરે એ છતાં તને કંઇ પૂછે તો ગોળ ગોળ જવાબ આપજે. કહેજે કે મમ્મીએ વકીલને બોલાવીને સ્ટેમ્પ પેપર ઉપર કંઇક લખાણ કરેલું છે. જુઠ્ઠાની માને જુઠ્ઠો પરણે! બિન્દાસ કહી દેજે કે સાક્ષી તરીકે દેવુકાકા અને મનુકાકાએ સહી કરેલી છે. વકીલનું નામ પૂછશે. તો કહી દેજે કે ખબર નથી. દેવુકાકાએ બધી ગોઠવણ કરેલી એટલું કહીશ એ પછી એ ઠંડો થઇ જશે...’ વિમાસણમાં પડેલી મહેકની આંખોમાં આંખો પરોવીને શિવાનીએ પૂછ્યું. ‘આ રીતે બોલવાનું ફાવશેને? જરાયે બીક નહીં રાખવાની... મેં કહ્યું એ જ રીતે સટાસટ બોલી જવાનું. સમજી?’

‘વકીલ આવ્યો ને વિલ બન્યું અને એ બધું મોટીબહેને કહ્યું એ પ્રમાણે જ બન્યું છે એ વાત સો ટકા હકીકત હોય એ રીતે તારા મગજમાં કોતરી લે...’ મનીષાએ એને સરળ ટ્રિક શીખવાડી અને ઉમેર્યું. ‘સાચા માણસનો સામનો કરવાનો હોય ત્યારે થોડીક બીક લાગે. લુચ્ચા માણસની સામે તો લાકડાની તલવારથી પણ લડાય! સમજણ પડી?’ મહેકે માથું હલાવીને હા પાડી અને આભારવશ નજરે બંને બહેનો સામે તાકી રહી. એ જ વખતે ચંદ્રિકા અંદર આવી અને વાતનો વિષય બદલાયો.

‘‘‘

વાદળ ઘેરાયાં હતાં પણ વરસાદ આવ્યો નહીં અને નવચંડીનો આખો કાર્યક્રમ નિવિgઘ્ને પૂરો થયો એને લીધે પોળવાળા ખુશ હતા. બહાર મહાપ્રસાદ રૂપે જમણવાર શરૂ થઇ ગયો હતો. ઉપરના ઓરડામાં મનીષા સૂટકેસમાં કપડાં ભરી રહી હતી. પ્રતીક એની સામે બેઠો હતો. ‘સસરાજી બહુ ચીકણા મળ્યા છે...’ પ્રતીકે મજાકમાં કહ્યું. કપડાનું કામ બંધ કરીને મનીષાએ ચીડાઇને એની સામે જોયું. ‘મારા બાપાની ચીકાશ તમને ક્યાં નડી?...’

‘જસ્ટ જોકિંગ...’ પ્રતીક હસી પડ્યો. ‘પોળમાં પંજાબી રહેવા આવ્યો છે એણે આ બધા ખર્ચ ઉઠાવવાની વાત કરેલી ત્યારે પૂજય દેવશંકર શુક્લે પોળના બધા વડીલોને હચમચાવી નાખેલા. પંજાબીના પૈસા કાળા છે કે ધોળા એ જાણવા માટે મમત કરેલી...’ ‘પછી?’ મનીષાએ નજીક બેસી પૂછ્યું.

‘પછી શું? પોળના પનાકાકા જેમ્સ બોન્ડની જેમ પંજાબીના ઘેર જઇને માહિતી લઇ આવ્યા. એ રવીન્દ્ર ચડ્ડાનો બંગલો સેટેલાઇટમાં છે. રિનોવેશનનું કામ આઠ-દસ મહિના ચાલે એવું છે એટલે એ એની બૈરીને લઇને પોળમાં રહેવા આવ્યો છે. એ પોતે નાનપણમાં ગોમતીપુરની કોઇ ચાલીમાં મોટો થયેલો એટલે એની વાતો એણે પત્નીને કહેલી. અમૃતસરમાં મહેલ જેવી કોઠીમાં ઉછરેલી એની પત્નીને આ ટાઇપનું સમૂહજીવન જોવાની હોંશ થઇ એટલે પંજાબીએ બીજા બંગલાને બદલે પોળનું હવેલી જેવું મકાન ભાડે રાખ્યું. કરોડપતિ પાર્ટી છે અને ચાંગોદરમાં આખી ટાઉનશિપની સ્કીમ મૂકી છે.

ત્યાં રાઉન્ડ ધ કલોક કામ ચાલે છે એટલે આ બાપડો સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી એમાં પરોવાયેલો રહે છે. છસો ફ્લેટની સ્કીમ છે. એ અને એનો મોટોભાઇ કરોડોનું રોકાણ કરીને બેઠા છે એટલે પૂરી ચીવટથી ધ્યાન રાખે છે. ક્યારેક અડધી રાત્રે પણ સાઇટ ઉપર દોડવું પડે. પોળમાં કોઇને આ બધી ખબર નહોતી એટલે બધા એને એક રહસ્યમય પાત્ર સમજતા હતા. સાચી હકીકત જાણ્યા પછી બધા એને માનથી જુએ છે...’સહેજ અટકીને પ્રતીકે પૂછ્યું. ‘આપણે રાત્રે નીકળવું છે કે કાલે સવારે?’

‘સવારે...’ મનીષાએ મલકીને કહ્યું. બીજી જ સેકન્ડે એનો ચહેરો ગંભીર બની ગયો. ‘છેલ્લા બે-ત્રણ દિવસથી હેમાંગભાઇનું વર્તન બદલાઇ ગયું છે. કંઇક ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય એમ ગુમસુમ બેસી રહે છે... તમે પૂછજો એને...’ ભાઇ પ્રત્યેની લાગણીથી એનો અવાજ ભીનો થઇ ગયો. ‘એકલો એકલો મનમાં મૂંઝાતો હશે તોય તમારી પાસે કદાચ હૈયું ઠાલવશે.’

‘નો પ્રોબ્લેમ...’ હેમાંગના વર્તન વિશે મનીષાએ કહ્યું એ સાંભળીને તરત પ્રતીકને પૂજા અને રણવીરનું સ્મરણ થયું. ઓફિસે જવાનું શરૂ થશે કે તરત પૂજાનો સામનો કરવો પડશે એ ખ્યાલથી હેમાંગ ફફડી ગયો હશે એવી એને ખબર હતી પણ એ વાત મનીષાને કહેવાની નહોતી. એટલે એણે હસીને ઉમેર્યું. ‘હું એને સંભાળી લઇશ... પૂછીશ કે ભાઇ, પ્રોબ્લેમ શું છે?’ પરંતુ પ્રતીકને પૂછવાની નોબત ના આવી. સવારે નાસ્તા પછી એ અને મનીષા જવાની તૈયારી કરતાં હતાં. દેવશંકર છાપું વાંચતા હતા. શિવાની રસોડામાં હતી એ વખતે હેમાંગ અંદરના ઓરડામાંથી બહાર આવ્યો.

‘પ્રતીકકુમાર, તમે અને મનીષા થોડી વાર રોકાઇ જાવ...’ એનો અવાજ ગંભીર હતો. ‘તમારી હાજરીમાં મોટીબહેન અને બાપા જોડે થોડી વાત કરવી છે. પ્લીઝ...’ એણે જે રીતે કહ્યું એ સાંભળીને દેવશંકરે અખબાર બાજુ પર મૂકર્યું અને આશ્ચર્યથી તાકી રહ્યા. ‘બાપા, મોટીબહેન...’ હેમાંગે અંદરના ઓરડામાં પાછો ગયો. એ પાટ ઉપર બેઠો. શિવાની અને મનીષા એની ડાબી-જમણી બાજુ પર બેઠી. દેવશંકર અને પ્રતીક સામે ખુરસી પર બેઠા.

‘વાત એવી છે કે જીભ ઊપડતી નથી એ છતાં કહ્યા વગર છુટકો નથી...બહુ વિચાર કર્યા પછી નિર્ણય કર્યો છે. જન્મથી માંડીને લગ્ન સુધી આ પોળમાં રહ્યો છું. લગ્ન પછી હરિતા સાથે નારણપુરા ફ્લેટમાં રહેવા ગયો. હરિતાનાં અવસાન પછી સત્તર-અઢાર દિવસ તમારી સાથે રહ્યા પછી ત્યાં ફ્લેટમાં સાવ એકલું એકલું લાગશે એ જાણું છું, છતાં પોળમાં તો નથી જ રહેવું.’ બધા આશ્ચર્યથી હેમાંગ સામે તાકી રહ્યા હતા. હેમાંગે દેવશંકર અને શિવાની સામે જોયું.

‘તમારા બંનેના મનમાં શું છે એ ખબર નથી પણ આપણે ત્રણેય સાથે રહીએ એવું હૃદયથી ઇચ્છું છું. આપણે સાથે રહીએ એ તમને પણ ગમતું હશે. પોળમાં રહેવાનું મારા માટે શક્ય નથી. આપણે સાથે રહેવું હોય તો તમે બંને આ પોળની માયા મૂકીને મારી સાથે આવો. ચોવીસેય કલાક પાણીની સગવડ અને સરસ હવાઉજાસવાળો ફ્લેટ છે. આ બધી સગવડનો લાભ એ એક ફાયદો અને આપણે સાથે રહીશું એ સૌથી મોટો લાભ... વિચારી જુઓ... સાથે રહેવા માટે તમારે આ પોળ સિવાય કંઇ ગુમાવવાનું નથી...’

સહેજ અટકીને હેમાંગે ગંભીરતાથી ઉમેર્યું. ‘બધી બાજુથી વિચારીને મેં નિર્ણય કર્યો છે એટલે મારા ફેંસલામાં કોઇ ફેર નહીં પડે. બાજી તમારા હાથમાં છે. મારી સાથે નારણપુરા આવવું છે કે અહીં પોળમાં રહેવું છે એ હવે તમારે નક્કી કરવાનું છે.’ જવાબની રાહ જોઇને હેમાંગ દેવશંકર અને શિવાની સામે જોઇ રહ્યો હતો. દેવશંકર નીચું જોઇને કંઇક વિચારી રહ્યા હતા. પ્રતીક ગંભીરતાથી વારાફરતી બાપ-દીકરાની સામે તાકી રહ્યો હતો. એકબીજાના શ્વાસનો અવાજ સાંભળી શકાય એવા વાતાવરણમાં કંઇક આધાર ઝંખતી હોય એમ શિવાનીએ નાનીબહેન મનીષાનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો.

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.