પરમ દિવસથી ઓફિસ જવાનું છે...ઓફિસમાં જઇશ એટલે પૂજા અને રણવીરની ઉઘરાણી ચાલુ થઇ જશે. એ નાલાયકો સાત લાખની રકમ આસાનીથી છોડે એવા નથી..
રસિલાનો પુત્ર ચંદ્રેશ પોળ છોડીને ગયો એ પછી એણે ક્યારેય પોળમાં પગ મૂક્યો નહોતો. એ સમજણો થયો ત્યારથી પોળમાં જે વાતો થતી હતી એ સાંભળીને એના મગજમાં રસિલા પ્રત્યે હડહડતો ધિક્કાર હતો. વાસણામાં પોતાના ફ્લેટમાં એણે ક્યારેય માને બોલાવી નહોતી. અત્યારે રસિલાના અવસાનના સમાચાર મળ્યા પછી એ એની પત્ની ચંદ્રિકાને લઇને પોળમાં પ્રવેશી રહ્યો હતો એટલે બધા જિજ્ઞાસાથી એની સામે તાકી રહ્યા હતા.
રાત્રે મા-દીકરા વચ્ચે ટેલિફોન ઉપર જે સંવાદો થયા હતા એ મહેકે સાંભળ્યા હતા. સગી માને કુલટા અને વેશ્યા જેવા શબ્દોથી ચંદ્રેશે સંબોધી હતી. મહેકે પોતાના ભાઇનાં કરતૂતની આ કાળી કથા દુગૉમાસીને સંભળાવી. એ સાંભળીને દુગૉમાસીનું લોહી ઊકળી ઊઠ્યું હતું.દુગૉમાસીએ બહાર આવીને ઓટલા પાસે ઊભેલા પુરુષોમાંથી પોતાના પતિ દિલીપભાઇને બોલાવ્યા. ઇશારાથી સમજાવ્યું કે દેવુભાઇને પણ સાથે લેતા આવો. એ બંને આવ્યા એટલે દુગૉમાસી ઝડપથી એમને પોતાના ઘરમાં લઇ ગયાં.
‘રસિલા બાપડી અમથી પંખે નથી લટકી. આ ચંદુડાએ એને એવા ડામ દીધા કે એ સળગી ઊઠી...’ મહેકે ગઇ રાતની વાત કહી હતી એ આ બંનેને સમજાવીને દુગૉમાસીએ ઉમેર્યું. ‘મહેક સાસરેથી પાછી આવી છે એટલે હવે શું કરવું એની ચર્ચા કરવા એમણે દીકરાને ફોન કરેલો પણ એ હરામીને એની બૈરી સાથે ઝઘડો થયો હશે કે કોણ જાણે કેમ એ ભયાનક ગુસ્સામાં હતો. આટલાં વર્ષોની બધી દાઝ એણે કાલે કાઢી નાખી. કાનમાંથી કીડા ખરી જાય એવા શબ્દો સગી માને સંભળાવ્યા.
દીકરાના આવા આક્ષેપ સહન કરવાની તાકાત રસિલામાં નહોતી. આખી દુનિયા ગમે તે બોલે તો રસિલાને એની પરવા નહોતી પણ પેટનો જણ્યો આવું બોલે એ એને માથાના ઘા જેવું લાગ્યું. પારાવાર પીડામાં વલોવાતી એ બિચારી મહેકને વળગીને રડતી રહી. દીકરો જે બોલ્યો હતો એ શબ્દોની શારડી એના હૈયામાં ઘુમરાતી રહી. મહેક ઊંઘી ગઇ એ પછી એણે આવો આકરો નિર્ણય લીધો...’
દુગૉમાસીએ દિલીપભાઇ અને દેવશંકર સામે જોઇને તાકીદ કરી. ‘રાત્રે ફોનમાં તો એ નાલાયકે એટલી હદે કહ્યું હતું કે તું મરી જઇશ તો પણ પોળમાં પગ નહીં મૂકું... અત્યારે એ ગુડાણો છે એટલે કહું છું કે ધ્યાન રાખજો. એ હરામી કેમ આવ્યો છે એ જાણી લેજો...’બંનેએ હકારમાં માથું હલાવ્યું અને દુગૉમાસીના ઘરમાંથી બહાર નીકળ્યા.
ચંદ્રેશના આગમનથી બાબુ ધોબી પણ સચેત બની ગયો હતો. આગળ વધીને એ એની સાથે જોડાઇ ગયો. ચંદ્રેશ અને બાબુની સાથોસાથ દિલીપભાઇ અને દેવશંકર પણ ઓરડામાં આવ્યા. રૂમની વચ્ચોવચ સાથરા ઉપર નનામીમાં બાંધેલી રસિલા પાસે પોળની સ્ત્રીઓ બેઠી હતી. ભારેખમ વાતાવરણ વચ્ચે ઘીનો દીપક ઝળહળી રહ્યો હતો. અગરબત્તીની આછી સુવાસ ઓરડામાં પ્રસરેલી હતી. ચંદ્રેશની પાછળ આવેલી એની પત્ની ચંદ્રિકાએ સાડીનો પાલવ માથે ઓઢ્યો.
મૃત માતાની સામે તાકીને ચંદ્રેશ બે-ચાર પળ સુધી તો જડની જેમ ઊભો રહ્યો. પછી અનાયાસે જ એની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. ‘અલી રસિલા,... આંખ ખોલીને જો... તારો દીકરો આવ્યો છે...’ અંદર બેઠેલી સ્ત્રીઓમાંથી કોઇકે આટલું કહીને ઠૂઠવો મૂક્યો. એ સાંભળીને ચંદ્રેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. નનામીના પગ પાસે માથું મૂકીને એ ફસડાઇ પડ્યો. ચંદ્રિકા માથે ઓઢીને બે હાથ જોડીને ઊભી હતી.
‘ચંદુડા, પ્રદક્ષિણા કરીને પગે લાગ...’ પોળની બધી સ્ત્રીઓમાંથી મણિમાસી સૌથી મોટી ઉંમરનાં હતાં. છોંતેર વર્ષના મણિમાસી કાણાને કાણો કહેવામાં જરાયે શરમ નહોતાં રાખતાં. આ પતિ-પત્ની સામે જોઇને એમણે મોટા અવાજે સૂચના આપી. ‘જીવતે જીવ તો એ બચાડીને બહુ દુભવી છે. એ બધું યાદ કરીને ખરા હૃદયથી માફી માગી લો. બળ્યો-જળ્યો તોય માનો જીવ છે. તરત માફ કરીને ઉપરથી આશીર્વાદ આપશે... પગે લાગો...’ બાબુએ હળવે રહીને ચંદ્રેશને ઊભો કર્યો.
એ હજુ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. પતિ-પત્નીએ નનામીની પ્રદક્ષિણા કરી. પગ પાસે ફૂલ મૂક્યાં અને પગે લાગીને નીચું જોઇને ઊભાં રહ્યાં. મહેક ઊભી થઇને ભાઇ-ભાભી પાસે આવી વારાફરતી ભાઇ-ભાભીને વળગીને એણે રડવાનું શરૂ કર્યું. પેલા બંને પણ રડી પડ્યા અને ઓરડાનું વાતાવરણ એકદમ ગમગીન બની ગયું.
‘એટલો માસિવ એટેક આવ્યો કે ગણીને અઢી મિનિટમાં તો ખેલ ખતમ!...’ દુગૉમાસીએ નજીક આવીને ચંદ્રેશ અને ચંદ્રિકાના ખભે હાથ મૂકીને ભીના અવાજે કહ્યું. ‘મારી બહેનપણી તો વાઘ જેવી હતી. પાંચને પહોંચી વળે એવી હતી પણ કાલે રાત્રે શું થયું કે બાપડીના હૈયામાં ડચૂરો વળી ગયો... મહેકે ચીસ પાડી એ સાંભળીને અમે દોડીને આવ્યા પણ ત્યાં સુધીમાં તો જીવ નીકળી ગયો હતો...’ચંદ્રેશ અને ચંદ્રિકા નીચું જોઇને સાંભળતાં હતાં. એ જ વખતે બહારથી કોઇએ બૂમ પાડીને જણાવ્યું કે શબવાહિની આવી ગઇ છે. બધી સ્ત્રીઓ હળવે રહીને ઊભી થઇ.
‘સપ્તર્ષિના આરે વિધ્યુત સ્મશાનગૃહમાં જવાનું છે...’ ચંદ્રેશના ખભે હાથ મૂકીને બાબુએ સ્પષ્ટતા કરી. ‘તારા આવવાનું નક્કી નહોતું એટલે પોળના વડીલોની સલાહ મુજબ નક્કી કર્યું છે...’‘રામ બોલો ભાઇ રામ...’ ચંદ્રેશ, બાબુ, દિલીપભાઇ, દેવશંકર, બટુક ભગત બધાએ કાંધ આપીને નનામી ઊંચકી. એ અગાઉ બકા દરજીને દોણી લઇને રવાના કરી દીધો હતો. માથું પટકીને મહેક જે આક્રંદ કરી રહી હતી એ સાંભળીને પથ્થરદિલ માણસની આંખમાં પણ ઝળઝળિયાં આવી જાય એવું કરુણ વાતાવરણ હતું. મનીષા અને શિવાની મહેકને સંભાળી રહ્યાં હતાં. ચંદ્રિકા પણ એ બંનેની સાથે જોડાઇને નણંદને સાંત્વના આપી રહી હતી.
ચંદ્રેશ, બાબુ અને બીજા ચારેક યુવાનો શબવાહિનીમાં બેઠા. મનુભાઇ અને રતુભાઇની કારમાં સમાયા નહીં એ બધા રિક્ષામાં કે સ્કૂટર ઉપર રવાના થયા. દેવશંકર, હેમાંગ અને પ્રતીક હવે પોતાના ઘરના ઓટલે બેઠા હતા. હરિતાની બારમા-તેરમાની સંયુક્ત વિધિ આજે જ હતી એટલે એ લોકો ગોરમહારાજની રાહ જોઇ રહ્યા હતા. શબવાહિની રવાના થઇ એ પછી દસેક મિનિટમાં શુક્લજી રિક્ષામાં આવી ગયા.
‘અલ્યા, તેં હજુ મુંડન નથી કરાવ્યું?...’ આવીને તરત શુક્લજીએ હેમાંગને તતડાવ્યો. ‘તારા બાપાએ પણ કંઇ કહ્યું નહીં તને? ફટાફટ મુંડન કરાવીને ખોટા રૂપિયાની જેમ પાછો આવ...’ હેમાંગ ચંપલ પહેરીને આગળ વધ્યો એ વખતે શુક્લજીએ સૂચના આપી. ‘આપણામાં શિખા રાખવાની હોય છે એટલે હજામને પહેલાં સૂચના આપજે... આખું માથું બોડું ના કરાવતો...’
દુગૉમાસીને મહેકની દયા આવતી હતી. એ છોકરી રડી રડીને અડધી થઇ છે અને સવારથી પાણીનું ટીપું પણ મોંમાં નથી નાખ્યું એ એમના ધ્યાનમાં હતું. એકલી મહેક માટે ચા લાવે તો એ છોકરી ના પીવે એની એમને ખાતરી હતી એટલે પોતાના ઘરમાં થઇને પુત્રવધૂને વીસેક કપ ચા બનાવવાનું કહ્યું. ચા બની ગઇ એ પછી શિવાની અને મનીષાને સમજાવ્યું કે તમે પણ ચા પીવો અને મહેકને મનાવીને પીવડાવો. ઓટલે બેઠેલા દેવશંકર, પ્રતીક અને ગોર મહારાજને પણ દુગૉમાસીએ ચા પહોંચાડી.
હેમાંગ મુંડન કરાવીને આવી ગયો એટલે ઘરના ચોકમાં શુક્લજીએ વિધિ શરૂ કરી. વીસ-પચીસ મિનિટમાં અહીંની વિધિ પતાવીને એ ઊભા થયા. હવે, બાકીની વિધિ માટે સુભાષબ્રિજના છેડે નારણઘાટ જવાનું હતું. નદીકિનારાની એ વિધિ માટે બધી સાધન-સામગ્રી લઇને પ્રતીક, હેમાંગ અને શુક્લજી રિક્ષામાં બેઠા. એ ત્રણેય રવાના થયા પછી ચમનલાલ ચવાણાવાળો દેવશંકરની રાહ જોઇને જ બેઠો હતો. એ બંને રિક્ષામાં બેસીને સપ્તર્ષિના આરે ગયા.
‘ચંદુડાને કંઇ ખબર નથી પડીને?...’ રસ્તામાં ચમનલાલે દેવશંકરને પૂછ્યું. દેવશંકરે નકારમાં માથું ધુણાવીને જવાબ આપ્યો. ‘બાબુએ આખો મામલો સંભાળી લીધો છે. ચંદુ આવ્યો ત્યારથી એ પડછાયાની જેમ એની સાથે ને સાથે જ રહ્યો છે. વિધ્યુતભઢ્ઢીમાં એક વાર ડેડબોડી અંદર જાય એ પછી કોઇ ચિંતા નહીં. બાબુએ અમને કહી દીધું કે ત્યાં પણ એ ચંદુની સાથે જ રહેવાનો છે. પોળના કોઇ ખાટસવાદિયાની હિંમત નથી કે બાબુની હાજરીમાં ચંદુને કંઇ કહે!...’
એમની રિક્ષા સપ્તર્ષિના આરે પહોંચી એ વખતે પ્રતીક, હેમાંગ અને શુક્લજીની રિક્ષા નદીકિનારે નારણઘાટ પર પહોંચી ચૂકી હતી. પ્રતીકે સફેદ ઝભ્ભો-લેંઘો પહેર્યો હતો. માથે મુંડન કરાવેલ હેમાંગ ધોતિયાભેર હતો. શુક્લજી પાટલા ઉપર પિંડની અને દર્ભની બધી વ્યવસ્થા ગોઠવવામાં લીન હતા ત્યારે હેમાંગે દયામણી નજરે પ્રતીક સામે જોયું. ‘પરમ દિવસથી ઓફિસ જવાનું છે...’ એનો અવાજ ઢીલો થઇ ગયો. ઓફિસમાં પૂજાનો સામનો થશે એ વિચારથી એ ફફડી ગયો હતો એનો પ્રતીકને ખ્યાલ આવી ગયો.
એ છતાં મૌન રહીને એ હેમાંગ સામે તાકી રહ્યો. હેમાંગ શું કહેવા માગે છે એ સાંભળ્યા પછી જવાબ આપવાનું એણે નક્કી કર્યું. હેમાંગ સહેજ અટકયો પણ પ્રતીક મૂંગો રહ્યો એટલે એણે ગરીબડા અવાજે કહેવું પડ્યું. ‘ઓફિસમાં જઇશ એટલે પૂજા અને રણવીરની ઉઘરાણી ચાલુ થઇ જશે. એ નાલાયકો સાત લાખની રકમ આસાનીથી છોડે એવા નથી...’ પ્રતીક થાંભલાના ટેકે ઊભો હતો. હેમાંગ એની સામે ઊભો હતો. નદી તરફથી આવતા જોરદાર પવનને લીધે હેમાંગની શિખા હવામાં ફરક્તી હતી. એક ડગલું આગળ વધીને પ્રતીકે એના ખભે હાથ મૂક્યો. ‘ચિંતા ના કર... તું ઓફિસે જઇશ એટલે તરત ને તરત એ લોકો તૂટી નહીં પડે... એ લોકોને ઘાટમાં લેવાના છે એ નક્કી પણ એ બંને ઘંટ છે.
એમને પહોંચી વળવા પાકા પાયે બાજી ગોઠવવી પડશે. આપણી ચાલમાં એકાદ છેડો ઢીલો રહી જશે તો મૂરખ બનીશું અને એ લોકો ચઢી બેસશે એ નફામાં. ઉતાવળ કરીને બાજી બગાડવાનો કોઇ અર્થ નથી...’ પ્રતીકના અવાજમાં આત્મવિશ્વાસનો રણકાર હતો. ‘બિલકુલ ચિંતા કર્યા વગર આરામથી જલસા કર. આ આખો પ્રોબ્લેમ હવે તારો નથી, મારો છે. મારા મગજમાં એની પ્રોસેસ ચાલુ જ છે. તારી મદદની જરૂર પડશે ત્યારે તને કહીશ. ત્યાં સુધી ઓફિસમાં જાણે કંઇ બન્યું જ નથી એ રીતે રહેજે...’
‘હેમાંગ, અહીં બેસી જા...’ શુક્લજીએ આ બંને સામે જોઇને આદેશ આપ્યો. હેમાંગ ત્યાં જઇને શુક્લજીની સામે આસન પર બેઠો. શુક્લજીએ વિધિ શરૂ કરી. એમનાથી સહેજ દૂર બેસીને પ્રતીક નદીની સામે તાકી રહ્યો. પૂજા અને રણવીરને કઇ રીતે લપેટમાં લેવા એ માટેના એક પછી એક પેંતરા મગજમાં ગોઠવાતા હતા, પરંતુ પૂરો સંતોષ થાય એવી કોઇ જબરજસ્ત ચાલ હજુ સૂઝતી નહોતી.
પોળના વાતાવરણમાં હજુ ઉદાસી છવાયેલી હતી. બધી સ્ત્રીઓ થોડી થોડી વારે ઊભી થઇને પોતાના ઘેર ચક્કર લગાવી આવતી હતી. હરિતાના બારમા-તેરમા નિમિત્તે બધાએ પોળમાં જમવાનું હતું એટલે કોઇના ઘેર રસોઇ બનાવવાની ચિંતા નહોતી.
અંદરના ઓરડામાં મહેક હજુ પૂરેપૂરી સ્વસ્થ નહોતી થઇ. પાંચેક મિનિટ ગૂમસૂમ બેઠાં પછી અચાનક ઓ મારી મા રે... કહીને એ ડૂસકાં ભરતી. ભોંય પર માથું પટકીને હૈયાફાટ રુદન શરૂ કરે એ વખતે એની પાસે બેઠેલી મનીષા અને શિવાનીની આંખો પણ ભીની થઇ જતી. દુગૉમાસી તરત એનું માથું ખોળામાં લઇને આશ્વાસન આપતાં કે તું એકલી નથી, અમે બધા તારી સાથે જ છીએ...‘હવે પંદર-વીસ મિનિટમાં બધા પુરુષો આવવા જોઇએ...’ કોઇ વડીલ સ્ત્રીએ ઘડિયાળ સામે જોઇને અનુભવના આધારે આગાહી કરી. ‘બધું પતી ગયું હશે.’
‘આખી જિંદગી લોકોનાં મેણાંટોણાંની આગમાં સળગતી રહી અને આજે સાચેસાચી આગમાં બળીને રાખ થઇ જશે બિચારી!... એ અભાગણી જીવી ત્યાં સુધી આગમાં જ શેકાતી રહી...’ તૂટક તૂટક અવાજે આટલું બબડીને મહેકે પોક મૂકીને રડવાનું શરૂ કર્યું.
‘મહેકબહેન, મમ્મી નથી, પણ ભાઇ-ભાભી હજુ જીવે છે...’ મહેકની પીઠ ઉપર હળવેથી હાથ પસવારીને ચંદ્રિકાએ એને ધરપત આપી. ‘તમારે કોઇ ચિંતા નથી કરવાની. અહીં પોળમાં એકલાં રહેશો તો સતત મમ્મીની યાદ આવશે અને પાગલ થઇ જશો. કશી ચિંતા કર્યા વગર અમારી સાથે વાસણા આવી જવાનું છે. ફ્લેટ ખાસ્સો મોટો છે. આરામથી અમારી જોડે રહેવાનું છે...’
ચંદ્રેશની પત્ની ચંદ્રિકાના આ શબ્દો સાંભળીને દુગૉમાસી, શિવાની અને મનીષા ત્રણેયને આશ્ચર્ય થયું. એક્સાથે વારાફરતી ત્રણેયે એકબીજાની સામે જોયું. દુગૉમાસીની કોઠાસૂઝ જબરી હતી. જે દીકરા-વહુએ સગી માતાને એક કલાક માટે પણ પોતાના ફ્લેટ પર નથી બોલાવેલ એ લોકોને મહેક માટે આવી મમતા ક્યાંથી જાગી? માતાની ખબર પૂછવા માટે પાંચ મિનિટ માટે પણ પોળે નથી આવેલો એ દીકરો બહેનને જોડે રાખવા માટે કઇ રીતે તૈયાર થઇ ગયો? કાગડાના મોઢામાં રામનામ ક્યાંથી?... ઝડપથી આ બધું વિચારીને એમણે ઠાવકાઇથી ચંદ્રિકા સામે જોયું. અહીં આવતાં અગાઉ આ પતિ-પત્નીએ ચર્ચા કરીને કંઇક વિચાર્યું હશે એની એમને ગળા સુધી ખાતરી હતી.
ચંદ્રિકાના મનનો તાગ લેવા માટે અવાજમાં મીઠાશ ભેળવીને એમણે ચંદ્રિકા સામે જોયું. ‘તારી લાગણી તો લાખ રૂપિયાની છે વહુ! આજના જમાનામાં સામેથી નણંદને રહેવા બોલાવે એવી ભાભી તો પુણ્યશાળીને જ મળે...’ સહેજ અટકીને એમણે સાહજિકતાથી ઉમેર્યું. ‘પણ પછી પોળનું આ તોતિંગ મકાન પડ્યું પડ્યું બગડી જશે. ઊધઇના રાફડા જામશે...’‘એમનો એક ભાઇબંધ ગોડાઉન માટે ક્યારનો માગે છે. મોં માગ્યા પૈસા આપવા તૈયાર છે.’ દુગૉમાસીની લપેટમાં આવીને ચંદ્રિકાએ તરત ફોડ પાડ્યો. ‘મમ્મી જીવતા હતા એટલે વાત લટકી ગઇ હતી. હવે કોઇ વાંધો નથી!...’