મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૭૪
Anjalpani, Mahesh Yagnik
| Jul 08, 2012, 06:37AM IST

‘સી ધી સાદી સમજનો સવાલ છે...’ સુનિલના અવાજમાં ઠંડી ક્રૂરતા રણકતી હતી. ‘છુટાછેડા માટે પંદર લાખ આપવા કરતાં પાંચ લાખમાં તને પતાવી દેવાનું સસ્તું પડે... પેલી અદિતિ..’ અદિતિના નાામ સાથે ચાર-પાંચ ગાળ બબડીને સુનિલે બળાપો કાઢ્યો. ‘ફસકી ગઇ નાલાયક! એની સાથે લગ્ન કરવાની ઉતાવળ હતી એ વખતે તને પંદર લાખનું વચન આપેલું પણ એ હરામી છટકી ગઇ... એની વે, તારી પાસે પાંચ વાગ્યા સુધીનો સમય છે.
એક વાત સમજી લે. ત્રણ લાખ લઇને છુટા થવું હોય તો અતિ ઉત્તમ બાકી, તને મારવામાં મને જરાય દુ:ખ નહીં થાય...’ મહેકની નજર સામે બેઠેલા ત્રણેય ગુંડાઓ તરફ હતી. એ લોકો ખાસ્સા દૂર હતા એ છતાં સુનિલની ધમકી સાંભળીને જાણે ગભરાટથી પાછળ ખસતી હોય એમ હળવે હળવે નિરાશાથી માથું હલાવતી હલાવતી એ છેક ભીંત સુધી પહોંચી ગઇ. પ્રચંડ આઘાતની પીડા અનુભવતી હોય એવી વેદના ચહેરા ઉપર છલકાતી હતી. ‘ત્રણ લાખ લઇને જીવતા રહેવું છે કે પંદર લાખની લહાયમાં મરવું છે એ ફેંસલો કરી લે. પાંચ વાગ્યે આવીશ.’
સુનિલે વાત પૂરી કરી. ‘સુનિલિયા! ડિયર, તેં આવું કેમ કર્યું?...’ આઘાત અને વેદનાથી જાણે આખું શરીર વલોવાતું હોય એમ ધ્રૂજતા અવાજે મહેકે ચીસ પાડી. દેહમાં જાણે માતાજી આવ્યા હોય એમ એ માથું ધુણાવતી હતી. ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા અને સાડીનો છેડો સરકીને ભોંય પર પથરાયો હતો. પેલા ત્રણેયની નજર ત્યાં અટકી હતી. સુનિલે તો ફોન મૂકી દીધો હતો. અત્યંત ઝડપથી પેલા ત્રણેયને કલ્પના પણ ના આવે એટલી ચાલાકીથી મહેકે હેમાંગનો નંબર જોડી દીધો હતો. પેલા ત્રણેય ફાટી આંખે એના ધ્રૂજતા દેહ સામે તાકી રહ્યા હતા એ વખતે મોબાઇલના કપિડ ઉપર મહેકે આંગળીઓથી કરામત કરી લીધી. જાણે સુનિલને જ જવાબ આપતી હોય એ રીતે એણે બોલવાનું શરૂ કર્યું એટલે એ ત્રણેયને એમાં કોઇ વાંધો નહોતો.
‘સુનિલિયા, આટલાં વર્ષ સાથે રહ્યાં... મેં તારી એકેએક વાતનો ખ્યાલ રાખ્યો એ ઉપકાર પણ તું ભૂલી ગયો?... મિટિંગના બહાને બોલાવીને આ રીતે પકડી લાવવાનું શોભે છે તને? રિવોલ્વરવાળા ભાઇ અને બીજા બે ભાઇઓ તો બહુ સારા છે. એમની સામે મારે કોઇ ફરિયાદ નથી. ખરી લુચ્ચાઇ તો તેં કરી છે... હું તો હજુ તને પતિ પરમેશ્વર માનું છું ને તું મને પતાવી દેવાનો પ્લાન બનાવે છે?’સમજી-વિચારીને છતાં ઝડપથી શબ્દો ગોઠવીને બોલવાનું કામ આ પરિસ્થિતિમાં અઘરું હતું છતાં જબરજસ્ત હિંમત અને આત્મવિશ્વાસથી મહેકે હેમાંગને માહિતી આપવાનો મરણિયો પ્રયાસ ચાલુ રાખ્યો.
‘તારે ઉતાવળ છે એ સમજું છું એ છતાં છેલ્લે છેલ્લે બે-ચાર મિનિટ મને સાંભળી લે... સ્ટેશનની સામેથી પકડીને આ ભાઇઓ અહીં લાવ્યા ત્યારે આખા રસ્તે મને તારો જ વિચાર આવતો હતો. મને કહે કે મારો વાંક શું છે? હું પરાણે તો તારા ઘરમાં ઘૂસી નહોતી. સાજન-માજન સાથે જાન લઇને તું લેવા આવેલો... અને આજે? એક કેદીની જેમ મારી નાખવા માટે પકડીને લાવતાં તને શરમ ના આવી? વાન આપણા ઘરના રોડ પાસેથી પસાર થઇ ત્યારે સાચું કહું? મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં ને એ પછી દસ જ મિનિટમાં તો નવા બંધાતા નર્જિન બંગલામાં પુરાઇ ગઇ... સુનિલિયા, સમ છે તને. સાચું બોલ... આવું કેમ કર્યું? હું તને ક્યાં નડી?’
હેમાંગને લોકેશનનો બરાબર ખ્યાલ આવે એ રીતે આંખમાં આંસુ સાથે મહેક બોલતી હતી. પેલા ત્રણેય હજુ ફાટી આંખે એની સામે તાકી રહ્યા હતા.
‘જીવતા રહેવા માટે તેં પરોઢિયે પાંચ વાગ્યા સુધીની મુદત તો આપી પણ તને સમાધાનનો વિચાર નથી આવતો? એક સેકન્ડ માટે પણ મારી યાદ નથી આવતી? મારામાં શું ખામી છે? એકબીજાની ભૂલો ભૂલીને ફરીથી સાથે રહેવાનું કેમ નથી વિચારતો?...’ સામે બેઠેલા ત્રણેય જડભરત શ્રોતાઓને વાતમાં રસ પડે અને તદ્દન સ્વાભાવિક સંવાદ લાગે એ રીતે મહેક બહુ ચાલાકીથી શબ્દો ગોઠવી રહી હતી.
‘ડિયર! હું તો એક મિનિટ પણ તને ભૂલી નથી... રસ્તામાં સમ્રાટ ટાવરનું બોર્ડ દેખાયું કે તરત યાદ આવ્યું કે આપણે ત્યાં દીકરો આવે તો એનું નામ સમ્રાટ પાડવાનું નક્કી કરેલું... આ બધા સુખના દિવસો પણ તું ભૂલી ગયો? છેલ્લે વાને ટર્ન લીધો ત્યારે તો આટલા દુ:ખ વચ્ચે હસવું આવી ગયું. મોહન હેરકટિંગ સલૂનનું બોર્ડ જોઇને આપણે છેલ્લે જે ઝઘડો થયેલો એ આંખ સામે તરવરી ગયો. તેં દાઢી વધારેલી અને બાવા જેવો લાગતો હતો ત્યારે લડી-ઝઘડીને હું તારી સાથે છેક હેરકટિંગ સલૂન સુધી આવેલી એ પણ યાદ નથી તને? સલૂનમાં બધા હસતા હતા અને આપણે લડતાં હતાં... બાજુમાં જય અંબે સ્વીટ માર્ટ જોઇને સુનિલિયા, તરત તારી કુટેવ યાદ આવી. ડોક્ટરે હજાર વાર મીઠાઇની ના પાડેલી, હું પણ ટોકતી હતી તોય તેં મીઠાઇ બંધ કરેલી? મારું કહ્યું માનવાની તો તને ટેવ જ નથી પણ બકા, વિચાર... હું તો તારા ભલા માટે જ ના પાડતી હતીને?...’
ઊંડો શ્વાસ લઇને મહેકે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘ડિયર! પાંચ વાગ્યા સુધી પળે પળ તને યાદ કરીને વિચારીશ...! જિંદગી અને મોતનો ફેંસલો મારે કરવાનો છે એ છતાં સામા પક્ષે તું પણ યાદ રાખજે. મને મારીને તું ક્યારેય સુખી નહીં થાય... સમાધાન કરવા હું તૈયાર છું. તું પણ વિચારી જો... મારા જેવી બૈરી તને સાત જનમમાં પણ નહીં મળે... પાંચ વાગ્યા સુધી શાંતિથી વિચાર... સમાધાન કરીને સાથે રહેવામાં મને કોઇ વાંધો નથી... તું કહીશ તો સાત વાર પગે પડીને તારી માફી માગીશ.’
ભયાનક હતાશા અને પીડાથી હૈયાફાટ રડતી હોય એમ મહેકે માથું ધુણાવીને વિલાપ શરૂ કર્યો. ‘સુનિલિયા, મારે મરવું નથી... તારી સાથે જીવવું છે...’ બોલતી વખતે આખું શરીર ધ્રુજાવવાની સાથોસાથ મોબાઇલના કપિડ ઉપર આંગળીઓની કરામત ચાલુ હતી. જોડેલા નંબરની યાદીમાંથી હેમાંગનો નંબર ડિલિટ કરતી વખતે પણ જાણે સુનિલને કરગરતી હોય એ રીતે રડવા-કકળવાનું નાટક એણે ચાલુ રાખેલું.
હળવેથી ઘા કરીને એણે મોબાઇલ નીચે નાખ્યો. અત્યારે અચાનક આ બધું કઇ રીતે સૂઝી ગયું એ એને ખુદને સમજાતું નહોતું. જબરજસ્ત જિજીવિષા વચ્ચે કોઇ અર્દશ્ય શક્તિએ જાણે મદદ કરી હતી. પ્રચંડ માનસિક તણાવમાંથી મુકત થઇને એણે ઊંડો શ્વાસ લીધો અને બે હાથ વચ્ચે માથું પકડીને એ ખુરસીમાં ફસડાઇ પડી. ‘હાશ...’ એ બબડી. ત્રણેય શ્રોતાઓ પણ થોડી વાર માટે તો એની વેદનાથી હચમચી ગયા હતા.
રિવોલ્વરવાળાએ ઊભા થઇને મોબાઇલ ઉઠાવીને કોટના ખિસ્સામાં મૂક્યો અને સેલોટેપ લઇને આગળ વધ્યો. મહેક નીચું જોઇને ચૂપચાપ બેસી રહી. પેલાએ કાળજીપૂર્વક એના મોઢા ઉપર સેલોટેપ લગાવી અને પાછો ખુરસીમાં બેસી ગયો. હવે તારે હાથ-પગ બાંધવા હોય તો પણ કોઇ વાંધો નથી... મહેક મનોમન બબડી... મારે જે કરવાનું હતું એ કામ પતી ગયું છે... હવે ઇશ્વર કરે એ ખરું... આંખો બંધ કરીને મહેક મૂર્તિની જેમ ખુરસીમાં બેઠી હતી. બહાર વાનનો ડ્રાઇવર વાનમાં જ ઊંઘી ગયો હતો. ત્રણેય ગુંડાઓ મોઢામાં ગુટકા ઓરીને એટેન્શનમાં બેઠા હતા.
આ બાજુ અમદાવાદમાં હેમાંગ હચમચી ઊઠ્યો હતો. અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો અને મહેકનો અવાજ સાંભળ્યો ત્યારે એ ચોંકી ઊઠ્યો હતો. સુનિલને સંબોધીને જે કહેવાનું હતું એનો અક્ષરે અક્ષર એણે ધ્યાનથી સાંભળ્યો હતો. મહેકે જે સફિતથી આખી વાત કરી હતી એના આધારે તાળો મેળવવાનું કામ અઘરું નહોતું. સુનિલે મિટિંગના બહાને મહેકને વડોદરા બોલાવીને બસ સ્ટેશન પાસેથી જ એનું અપહરણ કરાવ્યું હતું એ વાસ્તવિકતા સમજાયા પછી એના લમણાની નસો ફાટફાટ થતી હતી.
મગજમાંથી કોઇ મુદ્દો વિસરાઇ જાય નહીં એ માટે તરત એણે કાગળ-પેન હાથમાં લીધા. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ત્વરિત નિર્ણય લઇને મહેકે જે રીતે ફોન કર્યો એ જોઇને એણે મહેકની બુિદ્ધને મનોમન સલામ કરી. એ જે જે નિશાનીઓ બોલી હતી એને હેમાંગે કાગળ ઉપર ટપકાવી. સ્ટેશનથી ઉઠાવીને એને એના ઘર એટલે કે વાઘોડિયા રોડથી દસેક મિનિટ દૂર કોઇ નવા બંધાતા ઘરમાં રાખવામાં આવી છે.
એક રિવોલ્વરવાળો અને બીજા બે એમ ત્રણ માણસો એની ચોકી કરી રહ્યા છે... વાઘોડિયા રોડ પછી જે રસ્તે સમ્રાટ ટાવર આવે એ રસ્તા પર આગળ જવાનું... એ પછી રોડ ઉપર મોહન હેર કટિંગ સલૂન અને જય અંબે સ્વીટ માર્ટનું બોર્ડ દેખાય ત્યાંથી સામેની સાઇડમાં અંદર ઘૂસવાનું છે... બંગલાની આસપાસનો વિસ્તાર નર્જિન છે પણ બંગલાની બહાર વાન ઊભી હશે...કાગળ ઉપર આટલી નોંધ ટપકાવીને એ ઊભો થયો. ફટાફટ તૈયાર થઇને બૂટ પહેરતાં અગાઉ એણે એના બનેવી પ્રતીકકુમારનો મોબાઇલ નંબર જોડ્યો.
મોબાઇલ મનીષાએ ઉઠાવ્યો. ‘હલ્લો...’ ‘પ્રતીકકુમાર નથી? ક્યાં ગયા છે?...’ભાઇના અવાજમાં જે વ્યગ્રતા હતી એ પારખીને બહેનને ચિંતા થઇ. ‘એ બાથરૂમમાં છે. શું કામ હતું?’‘હું ત્યાં આવું છું...’ બોલતી વખતે હેમાંગનો અવાજ ધ્રૂજતો હતો. ‘જમવાનું બાકી હોય તો પતાવી દો... હું આવું છું...’ મનીષા આગળ કંઇ પૂછે એ અગાઉ હેમાંગે વાત પૂરી કરીને બૂટ પહેર્યાં. ફ્લેટને તાળું વાસીને એણે બાઇક સ્ટાર્ટ કરી. હવા સાથે હરીફાઇ કરતો હોય એ રીતે હેમાંગ બાઇક ચલાવતો હતો, એ છતાં નારણપુરાથી ચાંદખેડાનો રસ્તો એને આ અગાઉ આટલો લાંબો ક્યારેય નહોતો લાગ્યો.
(ક્રમશ:)
mahesh_yagnik@yahoo.com






