આજે તમારી શંકાનું કાયમી સમાધાન કરી લો... સમ છે મારા... જોઇ લો આ ખભા લાકડા જેવા સ્ટીફ છે કે નહીં? શુક્લ સાહેબ, પ્લીઝ,... ફરી વાર આવી તક નહીં મળે...
ઢીલોઢસ હેમાંગ ધીમા અવાજે બોલતો હતો. સામે બેઠેલો પ્રતીક ધ્યાનથી સાંભળતો હતો.‘પ્રતીકકુમાર, તમે માનો કે ના માનો પણ હકીકત એ છે કે પૂજાના ઘરે જતી વખતે આખા રસ્તે મારા મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો... એ ડફોળ છોકરી ઓફિસનો નિયમ તોડીને ફાઇલ ઘરે લઇ ગઇ. કામ પણ ના પતાવ્યું. ખભા જકડાઇ ગયા છે એ બહાને રજા પાડી દીધી અને મને દોડતો કરી મૂક્યો. ગણાત્રાસાહેબ કે બીજા કોઇને ન ખબર પડે એ રીતે ગૂપચૂપ ફાઇલ પાછી લાવીને મોડે સુધી બેસીને પણ કામ પતાવવું પડશે... બસ, આ એક જ ધૂન મગજમાં હતી.
એ રૂપસુંદરી ઘેર એકલી છે અને એણે મને બોલાવ્યો છે એ વિશે લગીર પણ વિચાર્યું નહોતું. ઓફિસનું ટેન્શન અને ગણાત્રાસાહેબની બીકને લીધે જ આ ધક્કો ખાધો હતો...’આગળ બોલવા માટે જાણે હિંમત ભેગી કરતો હોય એમ હેમાંગે પાણીનો બીજો ગ્લાસ ખાલી કર્યો અને નીચું જોઇને રામકહાણી આગળ વધારી.
‘ઇસનપુરમાં રામવાડીથી સહેજ આગળ જમણી તરફ સ્કૂટર વાળ્યું કે તરત એના ફ્લેટનું બોર્ડ દેખાયું. સ્કૂટર ત્યાં પાર્ક કરતો હતો ત્યારે ફ્લેટનો વોચમેન મારી સામે તાકી રહ્યો હતો... પૂજાનો ફ્લેટ ચોથા માળે હતો. હેમાંગ લિફ્ટમાં ચોથા માળે પહોંચ્યો. ચારેય ફ્લેટના દરવાજા બંધ હતા. રણવીર ચૌહાણની નેઇમ પ્લેટ હતી એની ડોરબેલ વગાડીને હેમાંગ ઊભો રહ્યો. પૂજા બારણું ખોલે કે તરત એને ધમકાવવાની પૂરી તૈયારી સાથે એ બારણા સામે તાકી રહ્યો.
‘વેલકમ શુક્લ સાહેબ વેલકમ! આજે તો અમારું નસીબ ઊઘડી ગયું... આંગણું પાવન થઇ ગયું... પધારો...’ બારણું ખોલીને પૂજાએ બંને હાથ પહોળા કરીને એવા લહેકાથી એને આવકાર્યો કે હેમાંગનું મગજ ચકરાઇ ગયું. ઓફિસમાં કાયમ પંજાબી ડ્રેસમાં આવતી પૂજાએ અત્યારે આછા આસમાની રંગની સાડી પહેરી હતી. એ જ રંગનું લો કટ બ્લાઉઝ અને ખુલ્લા લહેરાતા વાળમાં એ એટલી અદભૂત લાગતી હતી કે એને જોઇને હેમાંગ મુગ્ધ બની ગયો. ધમકાવવા માટે જે જે વાક્યો એણે વિચાયાઁ હતાં એ કોણ જાણે ક્યાં ખોવાઇ ગયાં!
‘પધારો...’ ડ્રોઇંગરૂમના સોફા તરફ પૂજાએ આંગળી ચિંધી. હેમાંગ આગળ વધીને સોફા પર બેઠો. ફ્લેટનું બારણું બંધ કરીને પૂજા પણ એની સામેના સોફામાં ગોઠવાઇ. ‘શુક્લ સાહેબ, શું લેશો? ચા-કોફી કે આઇસક્રીમ?...’ હેમાંગની સામે ઝૂકીને એણે પૂછ્યું અને પછી ઊભી થઇને એની સામે આવીને ઊભી રહી. ‘તમારું જ ઘર છે એમ માનો. જરાયે સંકોચ ના રાખતા. જે માગો એ બધુંય મળશે...’ આંખ સામે રૂપનો દરિયો લહેરાતો હતો. એના ઘૂઘવાટ જેવા આ શબ્દો સાંભળીને હેમાંગ થોથવાઇ ગયો. ધ્રૂજતા અવાજે એ બબડ્યો. ‘એક ગ્લાસ ઠંડું પાણી...’
‘જો હુકમ...’ ખિલખિલાટ હસીને પૂજાએ વ્યંગમાં મોં મચકોડ્યું. ‘જો માંગોગે વહી મિલેગાનું વચન આપ્યું અને માસ્તર! તમે એક ગ્લાસ પાણી માગ્યું!...’ હસતી હસતી એ રસોડા તરફ ગઇ. હેમાંગે રૂમમાં નજર ફેરવી. રસોડા પાસે ડાઇનિંગ ટેબલ હતું. બે બેડરૂમ પૈકી સામેના એક બેડરૂમનું બારણું ખુલ્લું હતું. ડબલ બેડનો પલંગ અને એની પાછળ બારીમાં ઝૂલતો પરદો અહીં સોફા ઉપરથી દેખાતો હતો.
‘આપના ઓર્ડર મુજબ એક ગ્લાસ પાણી...’ હાથમાં ટ્રે લઇને પૂજા પાછી આવી. ગ્લાસ ઉઠાવવા માટે હેમાંગે હાથ લંબાવ્યો. પૂજાએ એ રીતે ગ્લાસ પકડીને એના હાથમાં આપ્યો કે પૂજાની ચારેય આંગળીઓ એની હથેળીને સ્પર્શી. વીજળીનો કરન્ટ લાગ્યો હોય એમ આ સ્પર્શથી હેમાંગ રોમાંચિત થઇ ગયો. એની આંખોમાં આંખો પરોવીને પૂજા તાકી રહી હતી. એ જ વખતે બેડરૂમમાં પલંગ પર પડેલો પૂજાનો મોબાઇલ રણકયો. ‘આવો ને...’ બેડરૂમ તરફ જતી વખતે પૂજાએ એને આમંત્રણ આપ્યું. વશીકરણની અસરમાં આવી ગયો હોય એમ હેમાંગ એની પાછળ બેડરૂમમાં પ્રવેશ્યો.
પલંગનાં બે ઓશિકાં પાસે મોબાઇલ રણકી રહ્યો હતો. બંને ઓશિકાં ખસેડીને પૂજા ત્યાં બેઠી અને મોબાઇલ હાથમાં લીધો. એની નજર હેમાંગ સામે હતી. હેમાંગ પલંગના આ છેડે ઊભો હતો. એની પીઠ રૂમના બારણા તરફ હતી.‘અરે ભાઇ! શા માટે ભરબપોરે ડિસ્ટર્બ કરો છો?...’ સામેથી જે કહેવાયું એ સાંભળીને પૂજાએ ફોન કરનારને ધમકાવ્યો. ‘કોઇ લોન નથી જોઇતી...તારા ઓફિસ સમય સાથે મારે શું? ઓફિસ શબ્દ કાને પડ્યો અને માથા ઉપર હથોડો ઝિંકાયો હોય એમ હેમાંગ ચમકયો. પોતે ઓફિસેથી ક્યા કામ માટે આવ્યો છે અને આ શું થઇ રહ્યું છે એનું ભાન થયું કે તરત એ ધ્રૂજી ઊઠ્યો.
પૂજાએ બંને હાથ ઊંચા કરીને આળસ મરડી. ‘મૂડ ખરાબ કરી નાખે છે આ મૂખૉઓ!...’ તિરસ્કારથી માથું ધુણાવીને એણે હેમાંગ સામે જોયું. હેમાંગ ફાટી આંખે એની સામે તાકી રહ્યો હતો. આળસ મરડતી વખતે પૂજાનો સાડીનો છેડો સરકી ગયો હતો. એ વ્યવસ્થિત કરવાની પરવા કર્યા વગર એ હેમાંગ સામે તાકી રહી.
હેમાંગના માથામાં જાણે ફરીથી હથોડો ઝિંકાયો. ‘ફાઇલ ક્યાં છે?...’ એણે ધ્રૂજતા અવાજે પૂછ્યું. ‘ગણાત્રાસાહેબ મારો જીવ લઇ લેશે... તેં કામ પતાવ્યું નહીં અને મોટા ઉપાડે ફાઇલ લઇને આવી. એમને ખબર પડશે તો નોકરો જશે!...’ ધૂંધવાયેલા હેમાંગનો અવાજ તરડાઇ ગયો. ‘ખભા જકડાઇ ગયા છે એવું બહાનું કાઢીને મારું ટેન્શન વધારી દીધું.’
‘ખભાનું તમને બહાનું લાગે છે?...’ પૂજાએ તીણા અવાજે પૂછ્યું. ‘ઓફિસમાં જેટલી વાર ખભા જકડાઇ ગયા છે એમ કહું છું ત્યારે કાયમ શંકાથી જ મારી સામે જુઓ છો!... તમારી આંખમાં છલકાતો અવિશ્વાસ સહન નથી થતો મારાથી... આજે ચાન્સ મળ્યો છે તો નહીં છોડું તમને! દુનિયામાં જે સૌથી વહાલામાં વહાલું હોય એના સમ છે તમને... ચેક કરી લો...’ બંને હાથ કોણીથી વાળીને એના અંગૂઠા ખભા તરફ વાળીને પૂજા રડમસ અવાજે એકધારું કરગરી.
‘શુક્લ સાહેબ, પ્લીઝ,... ફરી વાર આવી તક નહીં મળે... જરાયે સંકોચ રાખ્યા વગર આવો, ચેક કરી લો... હું પીડા ભોગવું છું છતાં તમને બહાનું લાગે છે ને? આજે રાઇટ ટાઇમે આવી ગયા છો...’ બંને હાથ પહોળા કરીને જાણે પડકાર ફેંકતી હોય એમ એણે હેમાંગ સામે જોયું. ‘મને જરાયે છોછ નથી છતાં કેમ શરમાવ છો? આ રહ્યા ખભા... સગા હાથે ચકાસી લો. જકડાઇને લાકડા જેવા થઇ ગયા છે ને તમને કામચોરીનું બહાનું લાગે છે? આજે આ વાતનો ફેંસલો થઇ જવો જોઇએ. ઓફિસમાં સતત શંકા કરો છો એ સહન નથી થતું. આ તમારી સામે બેઠી છું... આ રહ્યા ખભા. જાતે દબાવીને ખાતરી કરી લો... પછી ક્યારેય એક શબ્દ પણ કહેતા નહીં...’
ભૂખ્યો માણસ મીઠાઇની દુકાનમાં જે રીતે તાકી રહે એ રીતે હેમાંગ એકીટશે પૂજા સામે તાકી રહ્યો હતો. પલંગ ઉપર એ પગ લંબાવીને બેઠી હતી. સાડીનો પાલવ એની આસપાસ પથરાઇને પડ્યો હતો. હાંફતી હાંફતી એ ભીના અવાજે બોલતી હતી. એની આંખોમાં જે આમંત્રણ હતું એનો અસ્વીકાર કરવાનું કામ દુનિયાના કોઇ પણ પુરુષ માટે અસંભવ હતું. હેમાંગ અવશ બની ગયો. સંમોહિત અવસ્થામાં જ બંને ઢીંચણ પલંગ પર મૂકીને બંને હાથ પણ પલંગ પર મૂક્યા અને ચાર પગે આગળ વધ્યો.
એક ડગલું, બીજું ડગલું અને ત્રીજા ડગલે એના બંને હાથ પૂજાના ખભા પર હતા! એના ગરમ શ્વાસ એ પોતાના ચહેરા પર અનુભવી શકતો હતો. એના પરવાળા જેવા હોઠ એના હોઠથી માત્ર અડધો ઇંચ દૂર હતા. રૂંવાડે રૂંવાડે જાગેલા ઉન્માદ ઉપર કાબૂ મેળવવાનું હેમાંગ માટે હવે શક્ય નહોતું. બંને હાથથી ભીંસીને એણે પૂજાને બથમાં જકડી લીધી. એ જ પળે હળવી ચીસ પાડીને પૂજાએ એને દૂર હડસેલ્યો. હેમાંગે ફરીથી એને જકડી લીધી.
સટ્ટાક... વીજળીની ઝડપે પૂજાનો જમણો હાથ વિંઝાયો. શરીરની સમગ્ર તાકાત ભેગી કરીને એણે હેમાંગના ગાલ ઉપર જે તમાચો માર્યો એનો અવાજ આખા ઓરડામાં પડઘાયો. ‘નીચ... હલકટ... હરામી...’ ભયાનક ગુસ્સાથી પૂજાનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો. ખુલ્લા વાળની લટો ચહેરા ઉપર ધસી આવી હતી. તીણા અવાજે ચીસ પાડીને એ બોલી ‘શરમ નથી આવતી કૂતરા?’હેમાંગ થીજી ગયો હતો. સ્વર્ગની અપ્સરા એક જ સેકન્ડમાં સાક્ષાત્ કાળકામાતા કઇ રીતે બની ગઇ એ રહસ્ય એને સમજાય એ અગાઉ એના બરડામાં જોરદાર લાતનો પ્રહાર થયો અને એ પલંગ પાસે ફસડાઇ પડ્યો.
પાંચેક સેકન્ડ તો જાણે તમ્મર આવી ગયા. પીડાથી કણસતા કણસતા એણે આંખ ખોલી અને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. પૂજાનો પતિ રણવીર એની સામે ઊભો હતો!આટલી વાત કહેવાનો જાણે થાક લાગ્યો હોય એમ હેમાંગ અટક્યો. એની સામે બેઠેલો પ્રતીક સાળાની અહીં સુધીની રામકહાણી સાંભળીને સ્તબ્ધ બની ગયો હતો. આ ઘટના યાદ કરીને કહેતી વખતે જાણે એ હમણાં જ બની હોય એમ હેમાંગનો ચહેરો ગભરાટથી પરસેવો પરસેવો થઇ ચૂકયો હતો. વેઇટર કોફી મૂકી ગયો હતો.
‘કોફી પી લે...’ પ્રતીકે પોતાનો કપ હાથમાં લીધો અને બીજો કપ હેમાંગ તરફ ખસેડ્યો. આજ્ઞાંકિત બાળકની જેમ હેમાંગે કપ હાથમાં લીધો અને બે જ ઘૂંટડામાં ખાલી કર્યો.‘ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી...’ હેમાંગ લગીર સ્વસ્થ થયો હોય એવું લાગ્યું એટલે પ્રતીકે સહાનુભૂતિથી હસીને એની સામે જોયું. ‘પછી?’‘બસ, ત્યારથી મારી કમનસીબીનો આરંભ થયો...’ ફિક્કું હસીને હેમાંગે દયામણી નજરે પ્રતીક સામે જોયું. ‘દુનિયાની જૂનામાં જૂની ટ્રીક હતી છતાં બહુ આસાનીથી હું બેવકૂફ બની ગયો.
પૂજાનો પતિ રણવીર હાથમાં હેન્ડીકેમ લઇને ઊભો હતો. એના હાથમાં જે ધંધાદારી મૂવિ કેમેરા હતો એ જોઇને પાકી ખાતરી થઇ ગઇ કે એ બંનેએ જબરજસ્ત ચાલાકીથી મને જાળમાં ફસાવ્યો છે. હવે અહીં બેસવાની જરૂર નથી. આરામથી ડ્રોઇંગરૂમમાં બેસીને વાત કરીએ... રણવીરે મારી સામે જોઇને કહ્યું અને પછી હસીને પૂજાને સૂચના આપી કે તારા સાહેબ માટે હવે ચા બનાવ. એ બાપડાને ખરેખર જરૂર છે... કાપો તો લોહી ના નીકળે એવી દશામાં હું એ બંનેની સામે બેઠો.
હું ઓફિસે આવેલો ત્યારે તેં મારા વ્યવસાય અંગે પૂછેલું. બિઝનેસ કરું છું એમ કહીને એ વખતે હસીને વાત ઉડાડી દીધેલી પણ હવે તને ખ્યાલ આવી ગયો હશે કે મારો બિઝનેસ શું છે. વર્ષે એકાદવાર તારા જેવો આસામી મળી જાય એટલે દસ-પંદર લાખની કમાણી થઇ જાય... રણવીરે નફટાઇથી ખુલાસો કર્યો. એ નાલાયકે મને ટાર્ગેટ બનાવતાં અગાઉ વિગતવાર માહિતી મેળવી લીધી હતી. હરિતાના ભાઇઓની આર્થિક સધ્ધરતાનો પણ એને ખ્યાલ હતો.
પૂજાનો મોબાઇલ બેડરૂમમાં ગોઠવીને એ લોકોએ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. પૂજા પાણી લેવા ગઇ એ વખતે એણે બીજા મોબાઇલથી રણવીરને મિસકોલ મારીને યાદ કરાવ્યું હતું કે હવે પાંચ મિનિટ પછી બેડરૂમના મોબાઇલમાં રિંગ મારજે. રણવીર બાજુના બેડરૂમમાં જ સંતાયેલો હતો. એણે રિંગ મારી. એ બહાને પૂજા બેડરૂમમાં ગઇ અને પાછળ પાછળ મને બોલાવ્યો... મિનિટે મિનિટની ગણતરી સાથે એમણે જાળ બિછાવી હતી. બેડરૂમમાં સાડી સરકાવીને પૂજા એ રીતે બેઠી હતી કે એનું મોં બારણા તરફ રહે. મારું સમગ્ર ધ્યાન પૂજા સામે રહે અને મારી પીઠ પાછળ કેમેરા લઇને ઊભેલા રણવીરનો મને અણસાર પણ ના આવે એ પરિસ્થિતિ ઊભી કરવામાં એ લોકો સો ટકા સફળ થયા હતા...’ પ્રતીક એકાગ્રતાથી સાંભળતો હતો. હેમાંગના અવાજમાં હવે વ્યગ્રતા નહોતી. ધીમા અવાજે પૂરી સ્વસ્થતાથી એ આખી પરિસ્થિતિ સમજાવતો હતો.
‘તું ચાલુ ઓફિસે અહીં આવ્યો અને આ માસૂમ છોકરી ઉપર બળાત્કારનો પ્રયત્ન કર્યો એ આરોપ બહુ આસાનીથી સાબિત થઇ જશે... રણવીરના ઘૂંટાયેલા અવાજમાં સ્પષ્ટ ધમકી હતી... નોકરી જશે, આબરૂ જશે અને જેલમાં જવું પડશે એ નફામાં. તારી એકેએક અદા આ પાવરફુલ કેમેરામાં સરસ રીતે ઝડપાઇ છે. એની ડીવીડી તારા ઘેર હરિતાને મળશે એ પળે ધરતીકંપ થશે... એ જે રીતે બોલી રહ્યો હતો એ સાંભળ્યા પછી મારા માટે કંઇ બોલવા જેવું રહ્યું નહોતું.
છતાં ડૂબતો માણસ તણખલું પકડે એમ મેં પૂજા સામે જોયું. તેં ફાઇલના બહાને બોલાવીને મને ફસાવ્યો... મારી દલીલ સાંભળીને એ જોગમાયા ખડખડાટ હસી પડી. ડફોળ, એ ફાઇલ તો ઓફિસમાં જ છે. તેં મારા ટેબલ પર તપાસ કરી હશે પણ સાંજે એ ફાઇલ મેં મનોજના ટેબલ ઉપર મૂકી દીધી હતી. અહીં આવવાનું તારી પાસે કોઇ કારણ નહોતું એ છતાં માત્ર અને માત્ર બદઇરાદાથી જ આવ્યો એ સાબિત કરવાનું ખૂબ સરળ છે...’લગીર અટકીને હેમાંગે બે ઘૂંટડા પાણી પીધું.
‘એ લોકોએ દસ લાખથી શરૂઆત કરી અને અંતે સાત લાખમાં સોદો પત્યો. એમણે મને એક મહિનાની મુદત આપી હતી. એક સાથે સાત લાખ આપી દેવાના હતા. બદલામાં જિંદગીભર શાંત રહેવાની એમણે ખાતરી આપી હતી. હું એવી કફોડી હાલતમાં હતો કે તમામ શરતો માન્યા સિવાય છુટકો નહોતો. બધાથી છાનું રાખીને સાત લાખ કઇ રીતે મેળવવા એ બહુ અઘરો સવાલ હતો મારા માટે. ત્રીજા દિવસે મુંબઇ જઇને જયંતીકાકા અને નીતિનકાકાને કરગર્યો. એ આપી શકે એવી સ્થિતિ છે, પણ એમણે બાપાની સંમતિ વગર આપવાની ના પાડી... દિવસો પસાર થતા હતા અને મારી ઊંઘ ઊડી ગઇ હતી... છેલ્લા ઉપાય તરીકે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો.
ક્યાંકથી રિવોલ્વર મળે તો રણવીર અને પૂજાને એક્સાથે ખતમ કરી નાખવાની પણ ઇચ્છા થતી હતી... ત્રીસ દિવસની મુદત પૂરી થશે એ પછી જે ભયાનક પરિસ્થિતિ સર્જાશે એની કલ્પના કરું કે તરત કપાળ પર પરસેવો વળી જાય અને ઊંઘ ઊડી જાય...’ હેમાંગ અટક્યો. જાતને સજા કરતો હોય એમ બંને હાથથી એણે પોતાના ગાલ ઉપર હળવેથી તમાચા માર્યા. એના અવાજમાં પારાવાર પીડા છલકાતી હતી. ‘જબરજસ્ત તંગદિલી અને હતાશા વચ્ચે કંઇ સૂઝતું નહોતું. અંતે, મોટી મૂર્ખામી કરી. સાત લાખ મેળવવા માટે જે રસ્તો વિચાર્યો એમાં તો બાવાના બેય બગડ્યા!...’