મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૭૫
Anjalpani, Mahesh Yagnik
| Jul 15, 2012, 06:05AM IST

ચાંદખેડામાં બહેન-બનેવીના ફલેટના પાર્કિંગમાં બાઈક મૂકીને હેમાંગ ધડાધડ સીડી ચઢી ગયો. મનીષા ડાઇનિંગ ટેબલ પરથી બધું સમેટી રહી હતી. ઝભ્ભો-લેંઘો પહેરેલો પ્રતીક વોશબેઝિન પર હાથ ધોઈ રહ્યો હતો. ‘પેલા સુનિલે મહેકને કિડનેપ કરી છે..’ અંદર આવીને બોલતી વખતે હેમાંગનો અવાજ ધ્રૂજતો હતો...એને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે..’ મનીષા અને પ્રતીક બંને ચમક્યાં. જાણે દોડીને આવ્યો હોય અને એના થાકથી ફસડાઈ પડ્યો હોય એમ હેમાંગ ત્યાં ખુરશી પર જ બેસી ગયો. ‘રિલેકસ’ પ્રતીકે આવીને હેમાંગના ખભે હાથ મૂક્યો અને બાજુની ખુરશી પર બેસીને પૂછ્યું, ‘થયું છે શું ? શાંતિથી વાત સમજાવ.’
‘મિટિંગના બહાને મહેકને વડોદરા બોલાવીને એ હરામીએ સ્ટેશન પરથી જ એનું અપહરણ કર્યું...’ મનીષાએ આપેલો પાણીનો ગ્લાસ એક ઘૂંટડે ખાલી કરીને હેમાંગે ધીમે ધીમે બધું સમજાવ્યું.’ જાણે સુનિલને ફોનનો જવાબ આપતી હોય એ રીતે ચાલાકીથી મારો નંબર જોડીને એણે એક્ઝેટ લોકેશનનો ખ્યાલ આપ્યો..’ એના અવાજમાં મહેક પ્રત્યેનો આદર ઊભરાયો. ‘પોળની છોકરી છે એટલે આવી પરિસ્થિતિમાં પણ બુદ્ધિ વાપરીને એણે છુટવાનો રસ્તો શોધી કાઢ્યો...’ એણે આશાભરી નજરે પ્રતીક સામે જોયું. ‘હવે બધો આધાર આપણા ઉપર છે. એણે એની રીતે માહિતી આપી. હવે વડોદરા જઈને એને છોડાવવાની જવાબદારી આપણી છે.’ એના ચહેરા પર વ્યગ્રતા છલકાતી હતી. ‘પ્રતીકકુમાર, ફટાફટ તૈયાર થઈને ભાગવું પડશે. પરોઢિયે પાંચ વાગ્યા સુધીનો જ સમય છે આપણી પાસે... મોડા પડીશું તો પેલો મારી નાખશે મહેકને...’ વિગત લખેલો કાગળ હેમાંગના હાથમાં ધ્રૂજતો હતો.
‘મગજ શાંત રાખ.’ પ્રતીકે સાળાને ધરપત આપી. એના હાથમાંથી લોકેશનની વિગત લખેલો કાગળ પોતાના હાથમાં લીધો. એના ઉપર નજર સ્થિર કરીને એણે સમજાવ્યું. ‘ત્યાં મહેકની ચોકી કરવા માટે ત્રણ ગુંડાઓ એટેન્શનમાં બેઠા છે. એમાંથી એકની પાસે રિવોલ્વર છે. આ ઉપરાંત, વાનના ડ્રાઇવરને ગણતરીમાં લઈએ તો ચાર માણસ થયા. કોઈની કાર લઈને વડોદરા જઈએ તો બે કલાકમાં પહોંચી જવાય પરંતુ સવાલ એ છે કે હથિયાર વગરના આપણે બે ત્યાં ધસી જઈએ એનાથી શું ફેર પડે ?...’ વહેલામાં વહેલી તકે વડોદરા પહોંચી જવાની તાલાવેલી અને ઉશ્કેરાટને લીધે હેમાંગ જે રીતે રઘવાયો થયો હતો એ જોઈને પ્રતીકે એને શાંત પાડ્યો.
‘હાલના તબક્કે આપણી પાસે બે પ્લસ પોઈન્ટ છે. મહેકે ચાલાકી વાપરીને સ્થળની માહિતી આપી એ પહેલો પ્લસ પોઈન્ટ... અને ત્રિવેદીસાહેબ અત્યારે વડોદરા છે એ બીજો બગિ પ્લસ પોઈન્ટ...’ હેમાંગ પ્રતીક સામે તાકી રહ્યો હતો. ‘આકળ-વિકળ થઈને આંધળુકિયાં કરીને વડોદરા દોડી જવાની જરૂર નથી..’ હેમાંગના ખભે હાથ મૂકીને પ્રતીકે એને ધરપત આપી.’ આ બધી ડિટેઇલ ત્રિવેદીસાહેબને ફોન ઉપર સમજાવું છું. એ એમની ટીમને કામે લગાડશે તો મહેકનો વાળ પણ વાંકો નહીં થાય. એક-બે કલાકમાં તો એ આઝાદ થઈ જશે...’ હજુ પણ હેમાંગ વ્યગ્ર છે એ જોઈને પ્રતીકે હસીને ઉમેર્યું. ‘આપણે એમને ફોન કરીને પછી વડોદરા જઈએ છીએ... ડોન્ટ વરી...’
મહેકની માહિતીવાળો કાગળ ટેબલ પર મૂકીને પ્રતીકે મોબાઇલ હાથમાં લીધો. ‘ત્રિવેદીસાહેબ, પ્રતીક પંચાલ. હોમ ડિપાર્ટમેન્ટ..’ એક પણ મુદ્દો ચૂકી ના જવાય એની કાળજી રાખીને પ્રતીકે એમને વાત સમજાવી અને સ્થળની વિગત આપી. પોતાનો સાળો આ યુવતી સાથે લગ્ન કરવાનો છે એ પણ કહ્યું. ‘અમે બંને વડોદરા આવી રહ્યા છીએ...’ એણે છેલ્લે ઉમેર્યું.‘પ્રતીકભાઈ, યુ આર લકી..’ ત્રિવેદીસાહેબના પ્રભાવશાળી છતાં સૌમ્ય અવાજથી પ્રતીકની ચિંતા હળવી થઈ ગઈ.’ મારી સામે ઇન્સપેક્ટર રાઠોડ બેઠા છે. વાઘોડિયા રોડનો વિસ્તાર એમના માટે હોમ ગ્રાઉન્ડ જેવો છે. એમને હું ડિટેઇલ્સ આપીશ એટલે કામ પતી જશે.
તમે લોકો સીધા મારી ઓફિસે આવો...’ અમદાવાદમાં પ્રતીક એના મિત્રને કાર માટે ફોન કરી રહ્યો હતો એ વખતે ત્રિવેદી એમના હાથ નીચેના ઈન્સ્પેકટર રાઠોડને લોકેશનની વિગત આપીને આખો મામલો સમજાવી રહ્યા હતા. ત્રીસ મિનિટ પછી પ્રતીક અને હેમાંગ કારમાં બેઠા હતા. પ્રતીક સ્ટિયરિંગ સંભાળી રહ્યો હતો. કાર વડોદરા તરફ આગળ વધી રહી હતી. એ વખતે વડોદરામાં ઈન્સ્પેકટર રાઠોડની જીપ વાઘોડિયા રોડ તરફ ધસી રહી હતી. જીપમાં એમની સાથે એક સબ ઇન્સપેક્ટર અને આઠ કોન્સ્ટેબલો સુસજજ થઈને બેઠા હતા. સમ્રાટ ટાવરનું બિલ્ડિંગ વટાવ્યા પછી રાઠોડની શકરાબાજ જેવી આંખો રોડની બંને તરફની દુકાનોનાં બોર્ડ તપાસી રહી હતી.
‘એકદમ ધીમી કર...’ દૂરથી મોહન હેરકટિંગ સલૂન અને જયઅંબે સ્વીટ માર્ટનાં બોર્ડ જોઈને રાઠોડે કોન્સ્ટેબલને સૂચના આપી. એ બંને દુકાનની સામે ગલી પડતી હતી. રાઠોડે જીપને એ અગાઉ ઊભી રખાવી. રોડા પરથી દેખાય નહીં એ રીતે સામેની ગલીમાં જીપને છુપાવીને એ લોકો આગળ વધ્યા. ચંદ્રના આછા અજવાળામાં નવી બંધાતી સોસાયટીનાં મકાનો ખંડેર જેવાં દેખાતાં હતાં. સૌથી છેલ્લા બંગલાની બહાર પડેલી વાન જોઈને રાઠોડની આંખ ચમકી. બંને હાથ પહોળા કરીને એમણે આખી ટીમને બે સેકન્ડ માટે રોકી. ‘બિલકુલ શાંત.. બૂટનો પણ અવાજ નહીં.’ તદ્દન ધીમા અવાજે એમણે હવે પછીની વ્યૂહરચના સમજાવી.
સહેજ પણ અવાજ ના થાય એની કાળજી રાખીને એ દસેય પોલીસો સાવધાનીપૂર્વક બંગલા તરફ આગળ વધી રહ્યા હતા. હવે એ લોકો બંગલાથી પંદરેક ફૂટ દૂર હતા. વાનનો ડ્રાઇવર વાનમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. રાઠોડે ઈશારો કર્યો એટલે બે કોન્સ્ટેબલ વાનની પાસે જઈને ગોઠવાઈ ગયા. ડ્રાઇવરને અત્યારે દબોચવામાં એ કદાચ ચીસાચીસ કરે તો અંદરવાળા સાવધ થઈ જાય એવી શક્યતા વિચારીને રાઠોડે એ બંનેને બહાર ઊભા રહેવાની જ સૂચના આપી હતી.
અંદર એક ગુંડા પાસે રિવોલ્વર છે એની માહિતી હતી એટલે રાઠોડે અને એની સાથેના સબ ઇન્સપેક્ટરે રિવોલ્વર હવે હાથમાં જ રાખી હતી. બંગલાના ઓટલાનાં પગથિયાં ચઢતી વખતે એ બંને આગળ હતા. છ કોન્સ્ટેબલ એમની પાછળ હતા. આવું કશું બનશે એવી કલ્પના પણ નહોતી એટલે અંદર રિવોલ્વરવાળો બોસ, મુચ્છડ અને ટકલુ ત્રણેય નિશ્વિંત બનીને બેઠા હતા. એ ત્રણેયની પીઠ બારણા તરફ હતી. વચ્ચે ફાનસ હતું. મોં પર સેલોટેપવાળી મહેક બારણા તરફ જોઈ રહી હતી. બિલ્લીપગે રૂમમાં પ્રવેશેલા રાઠોડે નાક ઉપર આંગળી મૂકીને મહેકને શાંત રહેવા ઈશારો કર્યો. એક સાથે આઠ પોલીસને અંદર આવેલા જોઈને મહેક ઉત્તેજિત થઈ ગઈ હતી પણ રાઠોડના ઇશારાને સમજીને એણે પોતાના સુખદ આશ્ચર્ય ઉપર કાબૂ રાખ્યો અને ચૂપચાપ બેસી રહી.
બોસે રિવોલ્વર ખોળામાં મૂકી હતી. એ એને હાથમાં લેવાની તક પણ ના મળી. વીજળીના ચમકારાની જેમ રાઠોડ ત્રાટકયો અને ત્રણેયની ધોલાઈ શરૂ થઈ ગઈ. બહાર ઊભેલા બંને કોન્સ્ટેબલોએ વાનમાંથી ડ્રાઇવરને બહાર ખેંચી કાઢ્યો અને ઢસડીને અંદર લીધો. વીસ મિનિટ સુધી કશું પૂછ્યા વગર એ ચારેયની એવી ધોલાઈ થઈ કે એ લોકો સાવ ઢીલાઢસ થઈ ગયા. પોલીસનું આ આખું ધાડું કઈ રીતે અહીં આવી પહોંચ્યું એ એમને સમજાતું નહોતું. મહેકના મોં પરથી સેલાટેપ દૂર થઈ ગઈ. બોસની રિવોલ્વર, ટકલુની છરી અને બધાના મોબાઈલ હવે રાઠોડના કબજામાં હતા. રૂમની દીવાલને અડીને ચારેય ગુંડાઓ બેઠા હતા. રાઠોડના આદેશ મુજબ એ ચારેય બંને હાથ માથા ઉપર રાખીને બેઠા હતા. એક કોન્સ્ટેબલે પાણીની બોટલ ઉઠાવીને મહેકને આપી. કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય એમ મહેક હજુ અસ્વસ્થ હતી.
‘આરામથી પાણી પી લે બેટા,..’ રાઠોડે એની સામે જોયું. ‘હવે ગભરાવાનું કોઈ કારણ નથી..’ મહેકને સાંત્વના આપીને રાઠોડ ઊભો થયો. બોસની પાસે જઈને એ એવી રીતે ઊભો રહ્યો કે પેલાના ચહેરો ગભરાટથી ફિક્કો પડી ગયો. ‘હવે પછીનો તમારો શું કાર્યક્રમ હતો?’ એણે કરડાકીથી પૂછ્યું. ‘તમને જેણે કામ સોંપેલું એ તમારો બાપ અહીં આવવાનો છે?’ બોસના કપાળ ઉપર પરસેવો ચમકતો હતો. એણે કંઈ જવાબ આપ્યો નહીં એટલે રાઠોડે કચકચાવીને લાત મારીને ત્રાડ પાડી. ‘જવાબ આપ. એ હરામી કેટલા વાગ્યે આવવાનો છે ?’ પેલો પીડાથી ચીસ પાડી ઊઠ્યો. ‘પાંચ વાગ્યે. પરોઢિયે પાંચ વાગ્યે આવવાનું કહ્યું છે..’ એ રડમસ અવાજે બબડ્યો.
રાઠોડે ખુરશીમાં બેસીને બે ઘૂંટડા પાણી પીધું અને ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. ‘ત્રિવેદીસાહેબ, કામ પતી ગયું. દીકરી તદ્દન સલામત છે. ચાર નમૂના ઝડપાયા છે. પોઈન્ટ ફોર્ટી ફાઇવની એક રિવોલ્વર અને લટકામાં નવ ઇંચનો છરો હતો એમની પાસે...’ ગર્વથી આટલું કહીને એણે ઉમેર્યું. ‘પેલો હરામી તો છેક પાંચ વાગ્યે આવવાનો છે.’, ‘વેલ ડન...’ ત્રિવેદીએ રાઠોડને અને એની ટીમને અભિનંદન આપ્યાં પછી સમજાવ્યું. એ નાલાયક માટે પાંચ વાગ્યા સુધી ફિલ્ડિંગ ભરવાની જરૂર નથી એક કામ કરો..’ હવે શું કરવાનું છે એ વિશે એ સૂચના આપતા હતા અને રાઠોડ ધ્યાનથી સાંભળતો હતો. ‘જી સર..’ રાઠોડે વાત પૂરી કરી અને મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. ‘મારો મોબાઇલ અને પર્સ આ લોકો પાસે છે..’ મહેકે એની સામે જોઈને કહ્યું.
‘એ બધું આ રૂમના ખૂણામાં મૂકર્યું છે.’ બાજુના રૂમ તરફ હાથ લંબાવીને બોસે તરત માહિતી આપી. રાઠોડ ઊભો થઈને લાત મારીને પૂછે એના પહેલાં એણે ઝડપથી જવાબ આપી દીધો. રાઠોડે આંખથી ઇશારો કર્યો એટલે એક કોન્સ્ટેબલ જઈને પર્સ લઈ આવ્યો અને મહેકના હાથમાં આપ્યું. ‘તમારા રિલેટિવ વડોદરા આવવા નીકળી ચૂક્યા છે અને અમારા સાહેબ એમની સાથે સંપર્કમાં છે..’ મહેક પર્સમાંથી મોબાઇલ બહાર કાઢતી હતી. એને રાઠોડે સૂચના આપી. ‘માટે પ્લીઝ, અત્યારે કોઈને ફોન ના કરતા.’, ‘અહીં આવ..’ રાઠોડે ચપટી વગાડીને બોસને આદેશ આપ્યો અને ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને હાથમાં રાખી. પેલો ઊભો થઈને ડરતો ડરતો આગળ આવ્યો અને રાઠોડની ખુરશી પાસે બંને હાથ માથા ઉપર રાખીને ઊભો રહ્યો. ‘તારા બાપને ફોન જોડ..’ એનો મોબાઇલ એના હાથમાં આપીને રાઠોડે કરડાકીથી સૂચના આપી. એક પણ શબ્દ આડોઅવળો બોલીશ તો કાચી સેકન્ડમાં ખોપરીનો લોચો થઈ જશે.’ એના કપાળ ઉપર રિવોલ્વરનું નાળચું અડાડીને રાઠોડે એને શું બોલવાનું છે એ સમજાવ્યું.
‘શેઠિયા, તાત્કાલિક આવો.’ બોસના કપાળ ઉપર પરસેવો હતો. સુનિલની સાથે મોબાઈલ ઉપર વાત કરતી વખતે એની નજર રિવોલ્વર સામે હતી અને અવાજ ધ્રૂજતો હતો. ‘છોકરી બેભાન થઈ ગઈ છે. હાથ-પગ ખેંચાય છે અને મોઢામાંથી ફીણ નીકળે છે. જલદી આવો... મોબાઇલની બેટરી લો છે... ફટાફટ આવો, નહીં તો ઉપાધિ થઈ જશે.’ એ આટલું બોલી રહ્યો કે તરત રાઠોડે એના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો.‘આ વળી નવી ઉપાધિ...’ એક્સાથે ચાર-પાંચ ગાળ બબડીને સુનિલે જવાબ આપ્યો.’ એ કૂતરીને કંઈ થવાનું નથી... ડોન્ટ વરી... વીસ મિનિટમાં આવું છું.’
(ક્રમશ)
mahesh_yagnik@yahoo.com






