Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૪૯

 
Source: Anjalpani, Mahesh Yagnik   |   Last Updated 1:42 AM [IST](01/01/2012)
 
 
 
 
 
દ્વિધામાં અટવાયેલો હેમાંગ હાથમાં વરમાળા પકડીને ઊભો હતો... ઘડીક એ મહેક સામે તાકી રહેતો અને પછી એની નજર જૂનાગઢવાળી રૂપસુંદર ઉપર સ્થિર થતી... શું કરવું? કઇ તરફ આગળ વધવું એની અવઢવમાં વારાફરતી બંને કન્યાઓ સામે તાકીને બાઘાની જેમ એ ઊભો હતો.

‘મ નુકાકાને ત્યાં મહેમાન આવ્યા એનો ફાયદો થઇ ગયો. મનુકાકા એમને રાજકોટની લકઝરીમાં મૂકવા ગયા એમાં હેમલાનું રિક્ષાભાડું બચી ગયું...’ ઓટલા પરથી ઘરમાં આવ્યા પછી શિવાનીએ બાપા સામે જોયું. ‘એ જૂનાગઢવાળી છોકરીને તમે ક્યારે જોયેલી? ખરેખર, ખૂબ રૂપાળી છે?’‘જટાશંકર જોડે સારા સંબંધ હતા ત્યારે કોઇક પ્રસંગમાં જૂનાગઢ ગયેલો. જટાશંકરની બહેન શકુંતલા પણ પચાસ બૈરાં વચ્ચે ઊભી હોય તોય સૌથી અલગ તરી આવે એવું એનું રૂપ છે. દીકરી પણ શકુ જેવી જ ઊંચી અને નમણી છે...’ દેવશંકરના અવાજનો રણકો બદલાયો. ‘અત્યારે એ છોકરી કરતાં પૈસાની ચિંતા છે. હેમલાને ત્રણ લાખ આપ્યા તો ખરા પણ મનમાં ઉચાટ રહે છે.

સવારે એ જટાશંકરને પહોંચાડી દે પછી ધરપત થશે... ત્યાં સુધી જીવ ઊંચો જ રહેશે...’‘ચિંતા કર્યા વગર જમવા બેસી જાવ...’ શિવાની રસોડા તરફ આગળ વધી. ‘હેમલો કોઇ નાનું બાળક તો છે નહીં. પૈસા સાચવવાની એનામાં આવડત છે...’ શિવાનીએ એમના માટે આસન બિછાવી દીધું અને થાળી પીરસી.મનુભાઇની કાર શિવરંજની તરફ આગળ વધતી હતી. સાંજના સમયે રોડ ઉપર ટ્રાફિક એટલો બધો હતો કે એ બહુ ધીરજથી કાળજીપૂર્વક કાર ચલાવી રહ્યા હતા. ‘રાત્રે નવ વાગ્યા અગાઉ લકઝરી બસોને સિટીમાં એન્ટ્રી નથી એટલે પાલડીને બદલે હાઇવે સુધી લાંબા થવું પડે છે...’ સુરતથી આવેલા ગણેશ દેસાઇને મનુભાઇ માહિતી આપતા હતા. સી. એન. વિદ્યાલય પાસે ટ્રાફિક જામ હતો.

‘ઘેરથી સહેજ વહેલાં નીકળ્યાં હોત તો સારું થાત....’ ટ્રાફિક જામમાં પંદર મિનિટ વેડફાઇ એટલે કાંડા ઘડિયાળ સામે તાકીને ગણેશે ચિંતા વ્યક્ત કરી. ‘સહેજ મોડું થશે તો બસ ઊપડી જશે...’‘ખોટી ચિંતા ના કર...’ મનુભાઇએ એને ધરપત આપી. ‘બધા પેસેન્જરને આ ટ્રાફિક નડે છે એની એમનેય ખબર હોય છે. ઇન્ડિયામાં પ્લેન પણ ટાઇમસર નથી ઊપડતાં... લકઝરીમાં તો સાતના સાડા સાત પણ થાય. સમજ્યો?’ગણેશ શાંત થઇ ગયો. ચિંતાતુર નજરે એ કાંઠા ઘડિયાળ સામે તાકી રહ્યો. ટ્રાફિક સહેજ સળવળ્યો એટલે મનુભાઇએ સફિતથી કારને આગળ સરકાવી અને ભગાવી, પરંતુ પાંચ મિનિટ પછી ફરીથી નહેરુનગર ચાર રસ્તા પરના ટ્રાફિકમાં અટવાયા. કીડીવેગે કાર આગળ વધતી હતી એ જોઇને ગણેશ કંઇ બોલતો નહોતો પણ એના ચહેરા પરની ચિંતા સ્પષ્ટ વરતાતી હતી.

સાતને વીસ મિનિટે એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે બધી લકઝરી બસો લાઇનસર ઊભી હતી. મનુભાઇએ છેક ત્યાં જઇને કાર ઊભી રાખી. હાંફળો-ફાંફળો ગણેશ કારમાંથી બહાર નીકળ્યો. લકઝરી ઉપર ટ્રાવેલ કંપનીનું નામ અને નંબર વાંચીને બે હાથમાં બે મોટી બેગ લઇને એ બસ તરફ દોડ્યો. એક હાથથી બેબીનો હાથ પકડીને અને બીજા હાથમાં નાની બેગ લઇને કવિતા પણ એની પાછળ ભાગી. એ લોકો મહેમાન હતા અને ટેન્શનમાં હતા એટલે એમને જવા દીધા પછી હેમાંગે કારમાંથી પોતાની સૂટકેસ લીધી અને જૂનાગઢની લકઝરી તરફ દોડ્યો. મનુભાઇ રાજકોટની બસ પાસે પહોંચ્યા અને ગણેશની બારી પાસે ઊભા રહ્યા.

જૂનાગઢની લકઝરી હજુ દસ મિનિટ પછી ઊપડવાની હતી એટલે હેમાંગ પાછો આવીને મનુભાઇની પાસે ઊભો રહ્યો. ‘ક્યારેક સુરત આવવાનું બને તો આપણા ઘેર આવજો...’ બારીમાંથી ગણેશે હેમાંગને કહ્યું. ‘એડ્રેસ મનુકાકા પાસેથી લઇ લેજો... ચોક્કસ આવજો...’‘શ્યોર...’ હેમાંગે હસીને એનું આમંત્રણ સ્વીકાર્યું. હળવા આંચકા સાથે બસ ઊપડી. મનુભાઇને આવજો કહીને હેમાંગ પોતાની બસમાં ઘૂસ્યો.

એની સીટ બારી પાસે હતી. સાડા સાત વાગ્યે ઊપડેલી બસ પરોઢિયે પાંચ વાગ્યે જૂનાગઢ પહોંચવાની હતી. બધા મુસાફરોએ પોતાની બેગ સીટ ઉપરની છાજલીમાં મૂકી હતી. સામાન્ય સંજોગો હોત તો હેમાંગ પણ બધાની જેમ બેગને ઉપર જ મૂકી દેતો પણ બેગની અંદરના જોખમથી એ સભાન હતો એટલે એણે બેગ પોતાની પાસે રાખી. બેસવામાં લગીર તકલીફ ભલે પડે પણ એ કોઇ ચાન્સ લેવા નહોતો માગતો. એટલે પોતાની સીટમાં જમણી તરફ બેગને એવી રીતે ગોઠવી કે સતત એના ઉપર હાથ રહે. બસ ઊપડી એટલે એણે બાજુમાં બેઠેલા મુસાફર સામે જોયું. ચાલીસેક વર્ષની ઉંમર, સહેજ લંબગોળ કરડો ચહેરો, તીણું નાક અને પૂળા જેવી મૂછો. આખા શરીર પર શાલ લપેટી હતી અને માથા ઉપર કાન ઢંકાય એ રીતે ઊનની ટોપી પહેરી હતી. બસ ઊપડ્યા પછી એમણે સીટ લાંબી કરી અને આંખો બંધ કરી દીધી.

શક્ય હોય ત્યાં સુધી ઊંઘવું નથી એવું હેમાગે મનોમન નક્કી કરી લીધું હતું. પંદરેક મિનિટ પછી સામે એલ.સી.ડી. સ્ક્રીન ઉપર ફિલ્મ શરૂ થઇ. મારધાડથી ભરપૂર એ ફિલ્મની ડીવીડી સારી હતી એટલે હેમાંગે ફિલ્મમાં ધ્યાન પરોવ્યું. ધડાધડીની ફિલ્મ અને અવાજ પણ ખાસ્સો મોટો હતો એટલે અઢી કલાક ક્યાં પસાર થઇ ગયા એની હેમાંગને ખબર પણ ના પડી. પાંચેક મિનિટના વિરામ પછી બીજી એવી જ મારધાડની ફિલ્મ શરૂ થઇ. હેમાંગને આનંદ થયો. કેટલાય સમયથી આ રીતે સળંગ આખી ફિલ્મ જોઇ નહોતી એટલે એને તો પહેલી ફિલ્મમાં પણ મજા પડી હતી. બીજી ફિલ્મ પૂરી થવા આવી ત્યાં અમુક મુસાફરોએ વાંધો લીધો કે અમારે ઊંઘવું છે, ફિલ્મ બંધ કરો.

ફિલ્મ બંધ થઇ ગઇ. આખી બસમાં અંધારું હતું. બહાર પણ ભીષણ અંધકાર હતો. ફિલ્મ ચાલુ હતી ત્યાં સુધી હેમાંગને ખ્યાલ નહોતો આવ્યો. બસની ભયાનક ગતિની એને હવે ખબર પડી. જમણો હાથ હજુ બેગ ઉપર જ હતો. બાજુમાં બેઠેલા મુસાફરનાં નસકોરાંનો તાલબદ્ધ અવાજ સંભળાતો હતો.

અધૂરી રહેલી ફિલ્મમાં હવે આગળ શું બનશે એની કલ્પનાઓ અનાયાસે જ મગજમાં ઘુમરાવા લાગી. ફિલ્મમાં બે નાયિકાઓ હતી. ફિલ્મનો હીરો એક બેંક લૂંટીને કરોડપતિ બન્યો હતો. અગાઉની ગરીબ પ્રેમિકાને એ અપનાવે છે કે બેંક લૂંટમાં સાથીદાર બનેલી યુવતીને સ્વીકારશે એ રહસ્ય એના માટે અકબંધ રહ્યું હતું.

પોતે જૂનાગઢ શા માટે જઇ રહ્યો છે એ વિચાર મગજમાં ઝબકયો. આંખ ઘેરાવાની શરૂઆત થઇ ચૂકી હતી. અડધી ઊંઘની અવસ્થામાં એની આંખ સામે ફિલ્મમાં હતું એવું જ ર્દશ્ય તરવરી રહ્યું હતું. ભરતકામવાળો ઝભ્ભો, સુરવાલ અને સાફો પહેરીને પોતે વરરાજા બનીને હાથમાં ફૂલની માળા લઇને આગળ વધી રહ્યો છે... સામે બે બારણાં દેખાય છે. શરણાઇના સૂર રેલાઇ રહ્યા છે... બંને બારણાં ઉપર આસોપાલનાં તોરણ ઝૂલી રહ્યાં છે. પહેલું બારણું ખૂલે છે. હાથમાં વરમાળા લઇને મહેક ઊભી છે. મંદ મંદ હસતી મહેક હળવેથી પૂછે છે... હેમલા, હવે શું વાંધો છે? પેલા સાથે છુટાછેડાના પેપર્સ તો ફાઇલ થઇ ગયા છે... તંદ્રાવસ્થાની દશામાં હેમાંગને બધું બહુ સ્પષ્ટ દેખાતું હતું.

બાપાએ જૂનાગઢવાળી કન્યાનું જ વર્ણન કરેલું એ મગજના અગોચર ખૂણામાં ધરબાઇ રહેલું. અત્યારે એણે ઉછાળો માર્યો. જોરદાર સંગીતના અવાજ સાથે મહેકની બાજુનું બીજું બારણું ખૂલ્યું. તેજનો ઝબકારો થયો. વરરાજા બનેલો હેમાંગ ચકાચૌંધ બનીને એ બારણમાં ઊભેલી કન્યા સામે તાકી રહ્યો. સાગના સોટા જેવી રૂપસુંદરી હાથમાં વરમાળા લઇને એની સામે સ્મિત ફરકાવી રહી હતી... પધારો... જૂનાગઢમાં ક્યારની તમારી રાહ જોઇને જ બેઠી છું... એકસાથે હજારો ઘંટડીઓ રણકતી હોય એવા મીઠા અવાજે એણે હેમાંગને આમંત્રણ આપ્યું... દ્વિધામાં અટવાયેલો હેમાંગ હાથમાં વરમાળા પકડીને ઊભો હતો... ઘડીક એ મહેક સામે તાકી રહેતો અને પછી એની નજર જૂનાગઢવાળી રૂપસુંદરી ઉપર સ્થિર થતી... શું કરવું? કઇ તરફ આગળ વધવું એની અવઢવમાં વારાફરતી બંને કન્યાઓ સામે તાકીને બાઘાની જેમ એ ઊભો હતો...અચાનક આંચકા સાથે બસ ઊભી રહી અને હેમાંગ હોશમાં આવ્યો.

રસ્તા પર કોઇ પ્રાણી પસાર થતું હશે એટલે ડ્રાઇવરે જોરદાર બ્રેક મારેલી... ઊંઘ ઊડી ગઇ એ પછી હેમાંગે હાથ ફેરવીને બેગ સહીસલામત છે એની ખાતરી કરી લીધી. જબરજસ્ત આંચકાને લીધે મોટા ભાગના ઊતારુંઓની ઊંઘ બગડી હતી અને એ બધા કકળાટ કરતા હતા.

પોતે જે સ્વપ્ન જોયેલું એ યાદ આવ્યું એટલે હેમાંગના હોઠ મલક્યા. જે છોકરીને અગાઉ ક્યારેય જોઇ નથી એ સ્વપ્નમાં તો અદભૂત રૂપાળી દેખાતી હતી. દેશી લોજવાળા જટાશંકરની ભાણી અને શકુંતલા ઉર્ફે શકુની એકમાત્ર સંતાન એવી એ કન્યા હકીકતમાં કેવી દેખાતી હશે? જટાકાકાના આટલા ફોન આવ્યા પણ એમણે કન્યાના નામનો ઉલ્લેખ કર્યો નહીં અને પોતે પૂછ્યું નહીં... એ અનામિકા કેવી હશે?... હેમાંગનું મગજ હવે ગંભીરતાથી વિચારી રહ્યું હતું... હરિતાની વિદાય પછી જીવનમાં ખાલીપો છે. મહેક પરાણે પાછળ પડેલી છે અને આ અનામિકાનું અણધાર્યું આગમન થયું છે... આ ગૂંચવાડામાં કયો નિર્ણય લેવો?ગોલી માર ભેજે મેં... એણે પોતાની જાતને સલાહ આપી. અત્યારે બેગ સાચવીને આરામથી ઊંઘી જા. કાલે એ કન્યાને સદેહે જોયા પછી નિર્ણય કરજે... બેગ ઉપર હાથ ફેરવીને એણે આંખો બંધ કરી.

પરોઢિયે સાડા પાંચ વાગ્યે જૂનાગઢ આવ્યું. મજેવડી દરવાજા પાસે લકઝરી બસનું સ્ટેન્ડ હતું. કોઇ ઉતાવળ નહોતી એટલે બધા મુસાફરો નીચે ઊતરી ગયા પછી હેમાંગ સીટ ઉપરથી ઊભો થયો. નીચે ઊતરીને એણે ચારે તરફ નજર ફેરવી. ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું આખું શહેર હજુ ઊંઘતું હતું. સામેની હોટેલ પ્રકાશથી ઝળહળી રહી હતી. પાંચ-છ રિક્ષાઓ ઊભી હતી. રોડ ઉપર ચાની કીટલીવાળાનો પ્રાઇમસ ધમધમી રહ્યો હતો. જટાકાકા નાગર ફળિયામાં રહેતા હતા. નાગર ફળિયામાં આવીને નાના છોકરાને પણ પૂછીશ તોય ઘર બતાવશે એવું એમણે કહ્યું હતું,પણ આટલા વહેલા કોઇના ઘેર જવાનું હેમાંગને ઉચિત નહોતું લાગતું.

હાથમાં બેગ પકડીને એ ચાની કીટલી તરફ આગળ વધ્યો. હવામાં આછા અંધકારની સાથે ગુલાબી ઠંડી હતી. બેગ ખોળામાં મૂકીને એ બાંકડા ઉપર બેઠો. ‘આખા દૂધની રજવાડી બનાવ...’ એણે કીટલીવાળાને ઓર્ડર આપીને પૂછ્યું. ‘આટલામાં કોઇ છાપાવાળો નથી?’‘છાપાં હજુ અડધો કલાક પછી આવશે...’ લકઝરીના ડ્રાઇવર અને કંડકટર પણ આવીને બાજુના બાંકડા ઉપર ગોઠવાયા. નાનકડી ખરલમાં કીટલીવાળો આદું વાટી રહ્યો હતો. એ અવાજ અને પ્રાઇમસના ધમધમાટ સિવાય બિલકુલ શાંતિ હતી. બાંકડા ઉપર બેગ મૂકીને હેમાંગ બે ડગલાં આગળ વધ્યો. પાણીની કોઠીમાંથી લોટો ભરીને પાણી લઇને એણે મોં ધોયું અને કોગળા કર્યા.

ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢવા ગયો ત્યારે ખબર પડી કે રૂમાલ નથી. બેગમાં નેપિ્કન મૂકેલો હતો. બેગ ખોળામાં મૂકીને એણે ખોલવા પ્રયત્ન કર્યો. બેગ ખૂલી નહીં એટલે એ ચમકયો. બેગને નંબરવાળું લોક હતું પણ એ બંધ નહોતું કર્યું એની એને ખાતરી હતી. તો પછી બેગ ઊઘડી કેમ નહીં? કીટલીવાળાની પાસે નાનકડી ટ્યૂબલાઇટ હતી. બેગ લઇને હેમાંગ એ લાઇટ પાસે આવ્યો. બેગની સામે ધ્યાનથી જોયું અને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.

આ બેગ એની નહોતી! જીણી આંખો કરીને એણે ફરીથી ચકાસ્યું. બેગ ઉપર અંગ્રેજી ‘જી’ અને ‘ડી’ અક્ષરો જોઇને એને ખ્યાલ આવ્યો કે આ બેગ પેલા સુરતવાળા ગણેશ દેસાઇની છે! લકઝરી પકડવાના રઘવાટમાં એ લોકો ભૂલથી મારી બેગ લઇ ગયા અને એમની આ બેગ રહી ગઇ. એક જ બ્રાન્ડની અને એક જ મોડેલની સરખી બેગ હોવાથી આ લોચો થઇ ગયો...હવે? હેમાંગના હૃદયના ધબકારા વધી ગયા, આટલી ઠંડીમાં પણ આખા શરીરે પરસેવો વળી ગયો.

એ લોકો તો રાત્રે અગિયાર વાગ્યે જ રાજકોટ પહોંચી ગયા હશે. મનુકાકાના સંબંધી છે એટલે માણસ તો ખાનદાન હશે એ છતાં લગ્નમાં આવ્યા છે એટલે ભીડમાં એમના સામાન સાથે મારી બેગ ગઇ હશે... ત્યાં બીજા બધા માણસો પણ હશે. બેગને લોક નહીં કરવાની મૂર્ખામી બદલ હેમાંગને પોતાના ગાલ ઉપર તમાચા મારવાની ઇચ્છા થતી હતી... ત્રણ લાખ રોકડા જોઇને કોઇની પણ દાનત બગડે...‘સાહેબ, ચા...’ બે હાથ વચ્ચે માથું પડકીને બેઠેલા હેમાંગ સામે જોઇને ચાવાળાએ પૂછ્યું.

‘તબિયત તો ઠીક છે ને?’ એને કંઇ જવાબ આપ્યા વગર હેમાંગે ચાનો કપ હાથમાં લીધો અને ગટગટાવી ગયો... ‘બીજી આવી જ ચા બનાવ...’એને ઓર્ડર આપીને હેમાંગ બેગની સામે તાકી રહ્યો. બેગ બદલાઇ ગઇ એની ખબર ના પડી અને આખી રાત બેવકૂફની જેમ ગણેશ દેસાઇની આ બેગની ચોકી કરતો રહ્યો!મહેક અને અનામિકા બંને રૂપસુંદરીઓ મગજમાંથી ક્યાંય દૂર હડસેલાઇ ગઇ હતી. હજાર-હજારની નોટના ત્રણ પેકેટ આંખ સામે તરવરતાં હતાં. ચાનો બીજો ડોઝ લીધા પછી મગજ સક્રિય બન્યું.

સવારના છ વાગ્યા હતા. અહીં જૂનાગઢમાં જટાકાકો રાહ જોઇને બેઠા હશે. અમદાવાદ બાપા ફોન સામે તાકીને ચિંતા કરતા હશે. પેલા ગણશે દેસાઇ રાજકોટમાં આરામથી ઊંઘતો હશે... અને પોતે (ગાળ) (ગાળ) ત્રણ લાખના ટેન્શનમાં તરફડી રહ્યો હતો!... સહેજ સ્વસ્થ થઇને એણે વિચાર્યું અને ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો. ગણેશ દેસાઇ પાસે પહોંચી જવાનું કામ સૌથી અગત્યનું હતું. મનુકાકાના ઘરનો ફોન નંબર જોડતી વખતે એની આંગળીઓ ધ્રૂજતી હતી. મનુકાકા અત્યારે ઊઠીને છાપું વાંચતા હશે એનો એને ખ્યાલ હતો.

‘મનુકાકા, તમારે ત્યાં મહેમાન હતા એ ગણેશભાઇનો મોબાઇલ નંબર આપો... પ્લીઝ, જરા જલદી... પછી નિરાંતે આખી વાત સમજાવીશ...’ મનુકાકા કંઇ પૂછે એ અગાઉ એકશ્વાસે હેમાંગ કરગર્યો. ‘વાત શું છે? કોઇ પ્રોબ્લેમ છે?...’ ‘અત્યારે એમનો નંબર આપો ને... પ્લીઝ...’મનુભાઇએ જે નંબર કહ્યો એ લખીને તરત હેમાંગે ફોન કાપી નાખ્યો. ગણેશ દેસાઇ સાથે કઇ રીતે વાત કરવી? હેમાંગ અવઢવમાં હતો. એ માણસ રાજકોટમાં અત્યારે ક્યાં છે એ જાણીને એ મુજબ વાત કરવાનું મગજમાં વિચારીને એણે નંબર જોડ્યો.

‘ગુડ મોર્નિંગ ગણેશભાઇ, હેમાંગ શુક્લ બોલું... કાલે મનુકાકાની કારમાં આપણે સાથે હતા એ... યાદ આવ્યું ને?’‘વેરી ગુડ મોર્નિંગ...’ ગણેશ અડધી ઊંઘમાં જ બોલતો હોય એવું હેમાંગને લાગ્યું. ‘સોરી... હજુ ઊંઘો છો?’‘નો પ્રોબ્લેમ...’ ગણેશનો અવાજ હજુ ઊંઘરેટો જ હતો. ‘રાત્રે બે વાગ્યા સુધી મહેફિલ જામેલી હતી એટલે...’‘રાજકોટમાં ક્યાં છો તમે?’‘ઇમ્પિરિયલ હોટેલમાં... રૂમ નંબર ૩૦૫...’ હાશ! એનો જવાબ સાંભળીને હેમાંગને થોડી ધરપત થઇ. હોટેલમાં છે એટલે સામાન વ્યવસ્થિત રીતે હશે.

બેગની વાત કહ્યા સિવાય સીધા રાજકોટ પહોંચી જવાનો એણે ઝડપથી નિર્ણય કરી લીધો.’ ‘ઓ.કે. હું રાજકોટ આવું છું. તમે હોટલમાં જ છોને?’ ‘બપોર સુધી તો છીએ જ...’ ‘હું તો હમણાં જ આવું છું.હોટેલ ક્યા એરિયામાં છે?’ ‘એ તો મનેય ખબર નથી પણ રાજકોટની નંબર વન હોટેલ છે એટલે બધાને ખબર હશે...’ ગણેશ હજુ ઊંઘમાં જ જવાબ આપતો હતો એટલે હેમાંગ વાત પતાવી ‘રાહ જોજો... આવું છું...’સદ્નસીબે દસ મિનિટમાં જ રાજકોટ જતી લકઝરી મળી ગઇ.

સીટની ઉપર છાજલીમાં બેગ મૂકીને હેમાંગ આરામથી બેઠો. બસમાં બેઠા પછી હેમાંગે પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો જેથી બાપા કે જટાકાકાને જવાબ આપવો ન પડે. એના હૃદયના ધબકારાની ગતિ હજુ સ્થિર નહોતી થઇ. ગણેશ સાથે બેગ બદલ્યા વગર જટાકાકા કે બાપા સાથે વાત કરવાનો કોઇ અર્થ નહોતો. એ બંને ફિકર કરતા હોય તો ભલે કરે... બસ આગળ વધતી હતી અને હવે શું થશે? એ ચિંતા સાથે હેમાંગ ફફડતો હતો.

રાજકોટ ઊતર્યા પછી પહેલી જે રિક્ષા મળી એ પકડીને એ ઇમ્પિરિયલ હોટલ પહોંચ્યો. થ્રીસ્ટાર હોટલ ભવ્ય હતી. રિસેપ્શન કાઉન્ટર પરનો માણસ કોઇની સાથે ફોન ઉપર વાત કરતો હતો એટલે ત્યાં સમય બગાડ્યા વગર હેમાંગ સીધો લિફ્ટ પાસે પહોંચી ગયો. ૩૦૫ ન઼બરના રૂમની બહાર ઊભા રહીને એણે મનોમન ઇશ્વરનું સ્મરણ કર્યું અને ડોરબેલ દબાવી. ‘જસ્ટ વન મિનિટ...’ ગણેશ દેસાઇએ ઊંઘમાં જ જવાબ આપ્યો હોય એવું હેમાંગને લાગ્યું. શ્વાસ રોકીને એ બારણું ખૂલવાની રાહ જોઇને ઊભો રહ્યો.

ઝભ્ભો-લેંઘો પહેરેલા ગણેશ બગાસાં ખાતાં-ખાતાં જ બારણું ખોલ્યું. ‘યસ્સ... વોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ!...’ એણે હાથના ઇશારાથી જ હેમાંગને આવકાર આપ્યો.‘ઉતાવળમાં બેગ બદલાઇ ગઇ ને મારું ટેન્શન વધી ગયું...’ વાતાનુકુલિત રૂમની વચ્ચોવચ પલંગમાં ગણેશની પત્ની અને બેબી ધાબળો ઓઢીને હજુ ભરઊંઘમાં હતાં. એમને ખલેલ ના પડે એટલા ધીમા અવાજે આટલું કહીને હેમાંગે ગણેશ સામે જોયું. હાથમાં રહેલી બેગ ગણેશના હાથમાં આપી અને પૂછ્યું. ‘મારી બેગ?’‘અહીં આવ્યા પછી સામાનનો વહીવટ નોકર-ચાકર કરતા હતા.

અમે તો સગાં-સંબંધીઓ સાથે એટલાં બિઝી રહ્યાં કે આવી કંઇ ખબર જ નથી...’ એણે બેગ લઇને પગ ઉપાડ્યા અને વોર્ડરોબ ખોલ્યું. એની બે મોટી સૂટકેસની સાથે પડેલી પોતાની બેગ જોઇને હેમાંગના ધબકારા થોડા શાંત થયા. ‘આ જ તમારી બેગ છેને?...’ બેગ લાવીને એણે હેમાંગના હાથમાં આપી. ‘એક જ બ્રાન્ડની સેઇમ સાઇઝની છે એટલે બટ નેચરલ કે ભૂલ થઇ જાય...’ત્યાં સોફા ઉપર બેસીને હેમાંગે ટિપોઇ પર બેગ મૂકી. ટુવાલ, કપડાં, દાઢીના સામાનથી માંડીને બધું એમનું એમ હતું. શ્વાસ રોકીને હેમાંગ એક પછી એક બધી વસ્તુઓ કાઢીને ટિપોઇ ઉપર મૂકતો હતો. એના કપાળે પરસેવો ચમકતો હતો અને આંખો ચકળવકળ થતી હતી-બે વાર બધી વસ્તુઓ ચકાસ્યા પછી જાણે હૃદયના ધબકારા બંધ થઇ જશે એવું એને લાગ્યું. ત્રણ લાખ રૂપિયાવાળી કપડાંની થેલી બેગમાં નહોતી!

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.