Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ-51

 
Source: Anjal Pani, Mahesh yagnik   |   Last Updated 12:39 AM [IST](22/01/2012)
 
 
 
 
 
ટ્રેમાં ચાના કપ લઇને સુરભિ ધીમા પગલે આગળ વધી રહી હતી એ વખતે હેમાંગનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું! પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઇ, સાગના સોટા જેવો ઘાટીલો દેહ, પૂરી શાલીનતાથી પહેરેલી સાડી, તરત વિશ્વાસ મૂકી શકાય એવી પારદર્શક આંખો, લાંબી પાંપણ અને આત્મગૌરવથી છલકાતી ચાલ...

ગણેશ દેસાઇ બારણા તરફ આગળ વધી રહ્યો હતો એ વખતે હેમાંગના હૃદયના ધબકારા વધી ગયા હતા. હોટલના આ રૂમમાં એંશી લાખના હીરાનો ઝળહળાટ એણે એક મિનિટ પહેલાં જ જોયો હતો. આ બધો કારોબાર બે નંબરનો હતો. આ રીતે અધીરાઇથી ડોરબેલ વગાડનાર જો પોલીસના માણસો હશે તો? એની કલ્પનાથી એ ફફડતો હતો. ગણેશની જોડે પોતે વગર વાંકે ઝડપાઇ જશે... બંને હાથની હથેળીઓ ભેગી કરીને એ બારણા સામે તાકી રહ્યો.

‘આવો...’ ગણેશે કોઇને પ્રેમથી આવકાર આપ્યો એ સાંભળીને એના ધબકારા શાંત થયા. ગણેશની સાથે રૂમમાં પ્રવેશેલી બે વ્યક્તિઓ સામે એ જોઇ રહ્યો. પચાસેક વર્ષના પ્રભાવશાળી પુરુષે સ્લેટિયા રંગનું સફારી પહેર્યું હતું. ગળામાં સોનાની જાડી ચેઇન અને જમણા હાથની ત્રણ આંગળીઓમાં હીરાની વીંટીઓ ચમકતી હતી. એની સાથે પાંત્રીસેક વર્ષનો સશકત યુવાન હતો. એનાં વર્તન અને કપડાં ઉપરથી લાગતું હતું કે એ સફારીવાળા શેઠની સાથે સહાયક તરીકે આવ્યો હશે.

એ બધા અંદર આવ્યા એ દરમિયાન હેમાંગ સોફા ઉપરથી ઊભો થઇ ગયો હતો. જાણે પોતાનું જ ઘર હોય એ રીતે સફારીવાળો આરામથી સોફા ઉપર બેસી ગયો. ‘પેલું પેકેટ ગાડીમાં જ મૂકીને આવ્યો?...’ એણે પેલા યુવાન સામે જોયું. ‘એ આ શેઠને આપવાનું છે. ફટાફટ લઇ આવ...’ એ યુવાન જાણે કોઇ આદેશની જ રાહ જોઇને ઊભો હતો. ઝડપથી પગ ઉપાડીને એ રૂમની બહાર ગયો.

સફારીવાળાની નજર હેમાંગ ઉપર પડી. ‘આ ભાઇ કોણ છે?’ એણે ગશેણને પૂછ્યું. જવાબમાં ગણેશ હસી પડ્યો. ‘એ ભાઇ અત્યારે અહીં ના હોત તો હું એમને શોધતો હોત અને મને શોધવા માટે તો તમે ગામ ગાંડું કર્યું હોત!...’ગણેશે સમજાવ્યું. ‘આ હેમાંગ ઘરનો જ માણસ છે. એના પગે પડીએ તોય અહેસાન ના ઊતરે એવું જોરદાર કામ કર્યું છે એણે. તમારા સંપેતરાવાળી બેગ બદલાઇ ગઇ હતી એની બેગ સાથે. જૂનાગઢથી ધક્કો ખાઇને રાજકોટ આવ્યો બેગ આપવા માટે...’ ગણેશ હેમાંગ સામે જોઇને સફારીવાળાનો પરિચય આપ્યો.

‘જસુભાઇ ચંદારાણા...’જસુભાઇએ આગળ વધીને હેમાંગની સાથે ઉષ્માથી હાથ મિલાવ્યો. ‘થેંક્યુ દોસ્ત... થેંક્યુ વેરી મચ...’ એ જ વખતે પેલો યુવાન પાછો આવ્યો. એના હાથમાં મીઠાઇનાં હોય એવાં ત્રણ પેકેટ હતાં. એ એણે જસુભાઇના હાથમાં આપ્યાં.

‘આ બે તમારાં અને એક આ હેમાંગભાઇનું...’ જસુભાઇએ બોક્સની વહેંચણી કરી. ‘સ્પેશિયલ ઓર્ડર આપીને આ ત્રણ કિલો પેંડા બનાવડાવ્યા છે. આટલા કેસરવાળા પેંડા આખ્ખા ઇન્ડિયામાં ક્યાંય નહીં મળે...’ અચાનક એમની નજર ચાના ખાલી કપ અને નાસ્તાની પ્લેટ્સ ઉપર પડી એટલે એમણે ઠપકાભરેલી નજરે ગણેશ સામે જોયું.

‘સુરતીલાલા, આ તો અંચઇ કહેવાય. ચા-નાસ્તા માટે ઘેર બધી તૈયારી કરાવીને હું તમને લેવા આવ્યો અને તમે આંય બધું પતાવી દીધું... આ ના ચાલે...’‘ડોન્ટ વરી... ખાવા અને ખવડાવવાની મારી ડબલ કેપેસિટી છે...’ ગણેશે ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. ‘એ પહેલાં તમારા સંપેતરાનો વહીવટ પતાવી દઇએ એટલે માથેથી ટેન્શન ઓછું થાય...’ સુરતથી જે મિત્રે આ હીરા આપ્યા હતા એનો નંબર જોડીને ગણેશે વાત શરૂ કરી.

‘આ જસુભાઇ ચંદારાણા હોટલ પર આવી ગયા છે...’ એ જ વખતે હેમાંગને પોતાની દશાનું ભાન થયું. મોબાઇલ સ્વિચઓફ કરેલો છે. અમદાવાદમાં બાપા અને જૂનાગઢમાં જટાશંકર કાકા બંને આકુળવ્યાકુળ હશે... હળવે રહીને એ રૂમની બહાર નીકળ્યો. પેસેજમાં ઊભા રહીને એણે મોબાઇલ ચાલુ કર્યો અને ઘરનો નંબર જોડ્યો.

મનુકાકાના મહેમાન ગણેશ દેસાઇ સાથે કઇ રીતે બેગ બદલાઇ ગઇ હતી એ આખી રામકહાણી બાપાને ટૂંકમાં સમજાવીને એણે ઉમેર્યું. ‘બસ, હવે જૂનાગઢ જવા નીકળું છું.’ ‘ત્યાં જટાને બેગની આખી કથા કહેવાની જરૂર નથી...’ જટાશંકર જુનવાણી માણસ છે. હેમાંગ એની સગી ભાણીના ભાવિ ભરથાર તરીકે ત્યાં જઇ રહ્યો છે એનો દેવશંકરને ખ્યાલ હતો એટલે એમણે સમજાવ્યું. ‘એને એટલું જ કહેજે કે રાજકોટમાં તારા ભાઇબંધને ત્યાં રોકાઇ ગયો હતો... અત્યારે તું એને ફોન ના કરતો.

હું વાત કરી લઉં છું...’વાત પૂરી કરીને હેમાંગ પાછો રૂમમાં આવ્યો. ગણેશે જસુભાઇને એમના હીરા સોંપી દીધા હતા. ‘જૂનાગઢમાં પેલા લોકો રાહ જોઇને બેઠા હશે...’ હેમાંગે ગણેશની પત્ની કવિતા સામે જોઇને કહ્યું. ‘મારે નીકળવું પડશે...’ કવિતાએ ઊભાં થઇને પોતાની સૂટકેસ ખોલીને એમાંથી હેમાંગની ત્રણ લાખવાળી થેલી બહાર કાઢી.

‘હવે સાચવીને લઇ જજો...’ એણે હસીને ઉમેર્યું ‘અને બેગ બદલાય નહીં એની કાળજી રાખજો...’બેગના તિળયે પૈસાની થેલી મૂકીને હેમાંગે કાળજીપૂર્વક બેગ લોક કરી. ‘આ પેંડાનાં બે બોક્સ તારે લઇ જવાનાં છે...’ ગણેશે સમજાવ્યું. ‘એક મનુકાકાને ત્યાં આપી દેજે...’ કવિતાએ પેંડાના બંને બોક્સ વ્યવસ્થિત પેક કરી આપ્યાં.

હાથમાં એ પેકેટ અને બેગ લઇને હેમાંગ ઊભો થયો. ‘અમારી ભૂલને લીધે તારે દોડાદોડી થઇ ગઇ...’ એને વિદાય આપતી વખતે ગણેશ ખરા હૃદયથી બોલતો હતો. ‘ક્યારેક સુરત આવવાનું થાય તો ઘેર આવજે એવું હવે નથી કહેતો... ખાસ મારે ત્યાં મહેમાનગતિ માણવા આવવું પડશે..’‘સ્યોર...’ કહીને હેમાંગ પગ ઉપાડે એ અગાઉ જસુભાઇએ એને રોકયો.

‘ભવિષ્યમાં ક્યારેય પણ જો રાજકોટનું કંઇ પણ કામ પડે તો જસુભાઇ ચંદારાણાનું નામ યાદ રાખજે...’ એમણે પેલા યુવાનને આદેશ આપ્યો. ‘આ ભાઇને લીમડા ચોક મૂકી આવ અને જૂનાગઢની લકઝરીમાં બેસાડજે...’ જસુભાઇનો એ માણસ હેમાંગને કારમાં બેસાડીને લીમડાચોક લઇ ગયો. જૂનાગઢની લકઝરીમાં હેમાંગ બેઠો એ પછી એ ગયો.

પેંડાનું પેકેટ છાજલીમાં અને બેગ પોતાની પાસે મૂકીને હેમાંગ બેઠો હતો. બસ જૂનાગઢ તરફ આગળ વધતી હતી. આખી રાતનો લગભગ ઉજાગરો અને પરોઢિયાથી અત્યાર સુધી ઉચાટ સાથેની દોડધામને લીધે અત્યારે ઊંઘ આવતી હતી છતાં એ લાલચમાં પડ્યો નહીં. આંખો ખુલ્લી રાખીને બારી બહારનાં દ્રશ્યો સામે તાકી રહ્યો. દૂરથી ઝાંખો ઝાંખો ગિરનાર પર્વત દેખાયો.

હેમાંગ નાના બાળકની જેમ એ તરફ તાકી રહ્યો. રાણકદેવી, રા નવઘણ, રા ખેંગાર, નરસિંહ મહેતા... ગિરનાર અને જૂનાગઢ વિશે વાંચેલું હતું એ બધું યાદ આવવા લાગ્યું. અડીકડી વાવ, નવઘણ કૂવો, દાતારની ટેકરી, દામોદર કુંડ, અશોકના શિલાલેખ... આ ઐતિહાસિક જગ્યાનાં બધાં પાત્રો અને સ્થળો વિશે ઘણું વાંચ્યું હતું પણ મુલાકાતની તક આજે પહેલી વાર મળી હતી એ પણ માત્ર એક દિવસ પૂરતી... વિચારોની દિશા બદલાઇ.

પપ્પાના કાકાના દીકરા ભાઇ એટલે મુંબઇવાળા જયંતીકાકા. એ જયંતીકાકાના મસિયાઇ ભાઇ એટલે જૂનાગઢમાં રહેતા જટાશંકરકાકા. એ જટાકાકાની બહેન શકુંતલા અને શકુંતલા ઉર્ફે શકુની દીકરી કે જેના નામની હજુ સુધી ખબર નથી છતાં આજે એને જોવાની છે!... બાપાએ કહ્યું હતું એ મુજબ છોકરી ગોરી, ઊંચી અને દેખાવડી છે... હકીકતમાં એ કેવી દેખાતી હશે?... હેમાંગની આંખ સામે એક કલ્પનાચિત્ર સર્જાતું રહ્યું... સવારે ઊભી રહી હતી ત્યાં મજેવડી દરવાજા પાસે લકઝરી ઊભી રહી.

બધા મુસાફરો ઊતરી ગયા પછી હેમાંગ શાંતિથી ઊતર્યો. ‘નાગર ફિળયા...’ બેગ અને પેંડાનું પેકેટ લઇને એ રિક્ષામાં બેઠો. રિક્ષાવાળાએ રિક્ષા સ્ટાર્ટ કરી. જૂનાગઢના રસ્તાઓ પણ ઢાળવાળા હતા. ચઢાણ આવે ત્યારે રિક્ષા જાણે હાંફી જતી હોય એમ લાગે અને ઢાળ ઊતરતી વખતે રિક્ષાવાળો એન્જિન બંધ કરી દે.

‘કોના ઘેર જવાનું છે?...’ નાગર ફિળયામાં પહોંચીને રિક્ષાવાળાએ પૂછ્યું. ‘જટાશંકરભાઇ લોજવાળા...’ રિક્ષાવાળાએ સહેજ આગળ જઇને જમણી તરફ વાળી. ઘર પાસે રિક્ષા ઊભી રહી એટલે જટાશંકર બહાર આવ્યા.‘મેમાન પાસેથી પૈસા ના લેતો. લોજે આવીને લઇ જજે...’ હેમાંગ રિક્ષાવાળાને પૈસા ચૂકવે એ અગાઉ ઓટલે ઊભેલા જટાશંકરે મોટા અવાજે બૂમ પાડી.

એમનો આદેશ સાંભળીને રિક્ષાવાળો રવાના થઇ ગયો.‘આવ ભાઇ આવ...’ જટાશંકરે હેમાંગને આવકાર આપ્યો. ‘તું રાજકોટ ઊતરી ગયો અને અમને ચિંતા થતી હતી...’ કશો જવાબ આપ્યા વગર હેમાંગે માત્ર મોઢું મલકાવ્યું અને ઝૂકીને એમના ચરણસ્પર્શ કર્યા. કાકી પણ રસોડામાંથી બહાર આવીને ઊભાં હતાં. હેમાંગે એમના પણ ચરણસ્પર્શ કર્યો.

અંદરના દીવાનખંડમાં વચ્ચોવચ જૂની ઢબનો હિંડોળો હતો. કાકા અને કાકી હિંડોળા પર બેઠાં. હેમાંગ એમની સામે સોફા ઉપર બેઠો. સાંઠ વર્ષની ઉંમરે જટાશંકરની છ ફૂટ ઊંચી કદાવર કાયા અડીખમ હતી. સફેદ ઝભ્ભા-લેંઘા ઉપર કથ્થાઇ રંગની બંડી, તામ્રવર્ણની ત્વચા, માથા ઉપર આછા સફેદ વાળ અને ગળામાં રુદ્રાક્ષની માળા... એમની તુલનામાં કાકીનો બાંધો એકવડો હતો.

‘અમે ડોસા-ડોસી એકલાં રહીને જલસા કરીએ છીએ...’ જટાશંકરે હસીને કહ્યું. ‘બે દીકરીઓ સાસરે સુખી છે. તારા જેવડો દીકરો છે. એને સ્વતંત્ર ધંધો કરવો હતો. બે વર્ષ અગાઉ જામનગરમાં મોકાની જગ્યા મળતી હતી ત્યાં એણે ડાઇનિંગ હોલ બનાવ્યો. વાળી-ઝૂડીને મારી બધી મૂડી એમાં નાખી દીધી. એ, વહુ ને એનાં બે ટેણિયાંઓ સાથે એ જામનગર રહે છે. અહીંની લોજ સારી ચાલે છે પણ કોમ્પિટિશનમાં ટકવા નવું ફર્નિચર કરાવવું પડે એવું છે.

ત્રણેક લાખનો પ્રોબ્લેમ હતો. મુંબઇ જયંતીને ફોન કર્યો. એ તો રાજામાણસ છે. તરત કહ્યું કે મોકલાવી દઇશ. એ જ વખતે શકુએ વાત કરી અને મેં તને ફોન કર્યો...’હેમાંગ બેગ ખોલીને એમાંથી હજાર-હજારનાં ત્રણ પેકેટ કાઢીને કાકાના હાથમાં આપ્યાં. કાકાએ એ ત્રણ લાખ રૂપિયા કાકીના હાથમાં આપ્યા. કાકી એ લઇને અંદરના ઓરડામાં ગયાં.હેમાંગના વગર કહ્યે કાકાએ ટિપોઇ પરથી મોબાઇલ ઉઠાવીને નંબર જોડ્યો. ‘જયંતી, હેમાંગ આવી ગયો છે. ત્રણ લાખ મળી ગયા છે.

એક વર્ષ પછી દૂધે ધોઇને પાછા આપીશ...’‘મેં પૂછ્યું તને?...’ જયંતીએ તરત કહ્યું. ‘મારે કોઇ ઉતાવળ નથી. ફોન હેમાંગને આપ...’ કાકાએ મોબાઇલ હેમાંગના હાથમાં આપ્યો. ‘હેમલા, જટાને ટાઇમસર પૈસા પહોંચાડી દીધા એ સારું કામ થઇ ગયું... હવે સાંભળ, વડીલ તરીકે બે જ વાક્યમાં શિખામણ આપું છું. જિંદગીનો રસ્તો બહુ લાંબો છે. એકલો એકલો થાકી જઇશ. અત્યારે એકલા રહેવામાં મજા આવશે પણ પાછલી જિંદગીમાં પેટ ભરીને પસ્તાવો થશે. સમજયો? શકુની છોકરી સુરભિ તારા માટે બધી રીતે યોગ્ય છે એટલે બહુ વિચાર ના કરતો.

સુરભિને રૂબરૂ મળ્યા પછી મન માને તો તરત હા પાડી દેજે...’‘જી... જી...’ વાત પૂરી કરીને હેમાંગે કાકાનો મોબાઇલ પાછો ટીપોઇ પર મૂક્યો. શકુંતલાની દીકરીનું નામ સુરભિ છે એ જાણીને એને સુખદ આશ્ચર્ય થયું. નામનો પણ કેવો જોગાનુજોગ? અર્થ એક જ ને પાત્રો અલગ... મહેક અને સુરભિ!‘તારા બાપાને પણ ફોન કરી દે...’ જટાકાકાએ સૂચના આપી. ‘એ બિચારા ચિંતા કરતા હશે...’ હેમાંગે મોબાઇલ કાઢીને પોળનો નંબર જોડ્યો. બાપા સાથે વાત કરી અને એ પછી જટાકાકાએ પણ વાત કરી.

‘હવે તારો કઇ રીતનો કાર્યક્રમ છે એ બોલ...’ જટાકાકાએ હેમાંગ સામે જોયું. ‘સાસણગીર જવું છે? ગિરનાર ચઢવો છે? કે પછી વેરાવળ-સોમનાથ અને દીવ ફરવા જવું છે? તું કહે એ રીતે કાલે ગાડીની વ્યવસ્થા કરાવી આપીશ...’‘રજાનો પ્રોબ્લેમ છે...’ હેમાંગે ધીમા અવાજે મજબૂરી બતાવી. ‘રાત્રે દસની લકઝરીની ટિકિટ કરાવીને જ આવ્યો છું... ફરી વાર આવીશ ત્યારે સોમનાથ અને દીવ જવાય એ રીતે રજા લઇને આવીશ...’‘તારું કામકાજ એકદમ ઇંગ્લિશ છે...’ જટાકાકા હસી પડ્યા.

‘નોકરીમાં રજાનું નડતર છે એટલે ખોટો આગ્રહ નહીં કરું...’ એ સીધા મુદ્દાની વાત ઉપર આવ્યા. ‘અત્યારે ચા-નાસ્તો પતાવીને તું નાહીં-ધોઇને ફ્રેશ થા એટલી વારમાં હું લોજ ઉપર આંટો મારી આવું છું. હું આવું પછી જમીને આરામ કરજે. આપણે પાંચ વાગ્યે શકુના ઘેર જવાનું છે... રાઇટ?’હેમાંગે હકારમાં માથું હલાવીને સંમતિ આપી.

કાકીની રસોઇ અદભૂત હતી. કાકા-કાકીએ આગ્રહ કરીને જમાડ્યો. એ પછી દોઢ કલાક સરસ ઊંઘ આવી ગઇ. દાઢી કરીને એણે કપડાં બદલ્યાં. ઘેરા રાખોડી રંગનું શર્ટ અને કાળું પેન્ટ. શટિ•ગ વ્યવસ્થિત કરીને એણે બેલ્ટ પહેર્યો. કાકા-કાકી તૈયાર થઇને ઊભાં હતાં. ખુરશી પર બેસીને એ મોજાં પહેરતો હતો ત્યારે કાકા એની નજીક આવીને ઊભા રહ્યા. ‘જતાં પહેલાં મારી એક શિખામણ સાંભળી લે...’ એમના રણકતા અવાજમાં ગંભીરતા હતી. ‘મારી ભાણી છે એટલા માટે વખાણ નથી કરતો, પણ જે હકીકત છે એ કહું છું. તારા માટે આ ગોલ્ડન ચાન્સ છે.

સુરભિ જેવી છોકરી મળે તો એ ઇશ્વરની કૃપા કહેવાય. શકુએ આખી જિંદગી નોકરી કરીને ખાસ્સી બચત કરી છે. ગયા વર્ષે એ સ્કૂલના પ્રિન્સપાલ તરીકે રિટાયર થઇ. આખી દુનિયામાં એને જે ગણો એ આ એક સુરભિ જ છે...’ સહજે અટકીને એમણે ઉમેર્યું. ‘આમ તો તમે બંને સમદુખિયા છો એ છતાં, તારા કરતાં એનું સ્ટેટ્સ ઊંચું કહેવાય... સમજયો?’હેમાંગ ગૂંચવાયો. એણે નકારમાં માથું ધુણાવ્યું.

‘યુવાનવયમાં જ સુરભિએ એનો વર ગુમાવ્યો અને તેં તારી બૈરી. એ રીતે તમારી દશા એક્સરખી કહેવાય. પણ એનો વર કાર એક્સિડન્ટમાં મરી ગયેલો, એણે આપઘાત નહોતો કર્યો!...’ એમણે હળવેથી હેમાંગના ખભે હાથ મૂક્યો. ‘મારો મુદ્દો સમજાયો? તને દુભવવા માટે કે હલકો પાડવા માટે નથી કહેતો પણ વાસ્તવિકતા સ્વીકારીને સાચો નિર્ણય લઇ શકે એ માટે તારું ધ્યાન દોર્યું... સુરભિ જેવી શાંત અને સુશીલ છોકરી પછી ક્યારેય નહીં મળે...’ ગાલ ઉપર તમાચો પડ્યો હોય એમ હેમાંગ સમસમી ઊઠ્યો પરંતુ જટાકાકાના અવાજમાં અને વર્તનમાં સો ટચના સોના જેવી સાચી લાગણી છલકાતી હતી એટલે ચૂપચાપ માથું હલાવીને એમની વાત સ્વીકારી લીધી.

હરિતાએ આત્મહત્યા કરી હતી એ હકીકતની બધાને ખબર હતી. કાકા, કાકી અને હેમાંગ રિક્ષામાં ગોઠવાયાં. રિક્ષા વણઝારી ચોક તરફ આગળ વધતી હતી. ‘ત્યાં ડાબા હાથે છેલ્લા ઘર પાસે ઊભી રાખ...’‘આવો...’ ઓટલા પર આવીને શકુંતલાબહેને ભાઇ-ભાભીની સાથે આવેલા હેમાંગને આવકાર આપ્યો.અંદરના ડ્રોઇંગરૂમમાં સાદાઇ અને સૌંદર્યનો સમન્વય હતો. જટાકાકાના ઘરની જેમ રૂમની વચ્ચે હિંડોળો હતો.

બેઠા ઘાટના લાકડાના જે સોફા હતા એની ગાદીઓ અને તકિયાના સૌમ્ય રંગોને લીધે અંદર આવ્યા પછી માનસિક શાંતિનો અનુભવ થતો હતો. શકુંતલાબહેનની ઊંચાઇ જટાકાકાની જેમ ખાસ્સી વધારે હતી. પાતળો દેહ, ચાંદી જેવા સફેદ વાળ, તીણું નાક અને વિશાળ આંખોને લીધે એમનું વ્યક્તિત્વ સૌમ્ય છતાં પ્રભાવશાળી લાગતું હતું.‘લીલાબહેન, પાણી આપો...’ નોકર તરીકે ચાલીસેક વર્ષનાં જે બહેન હતાં એ પાણીના ગ્લાસ ટ્રેમાં મૂકીને લાવ્યાં.

‘જુઓ હેમાંગભાઇ, હું જન્માક્ષર કે જન્મકુંડળીમાં જરાયે માનતી નથી...’ શકુંતલાબહેને સીધી જ વાતની શરૂઆત કરી. ‘અગાઉ વિશ્વાસ કરતી હતી પણ સુરભિ સાથે જે બન્યું એ જોયા પછી લાગ્યું કે એ બધું હબંગ છે... સુરભિના પપ્પાના અવસાન પછી હું ભાંગી પડી હતી પણ મને મારા પિયરપક્ષની મોટી ઓથ હતી. આ જટાભાઇ અને મારી બે બહેનો મારી પડખે ઊભી હતી એટલે બી.એડ્ કરીને નોકરીમાં લાગી ગઇ અને સુરભિને મોટી કરી...’ સહેજ અટકીને એમણે ઉમેર્યું. ‘સુરભિને કોઇ ભાઇ કે બહેન છે નહીં. આખા ઘરમાં અમે મા-દીકરી અત્યારે તો એકબીજાની હૂંફમાં જીવીએ છીએ.

એ છોકરીને આવતી કાલે તકલીફ ના પડે એટલા માટે અમે સારું પાત્ર શોધતા હતા. જયંતીભાઇ અને જટાભાઇએ તમારું કુળ અને કુટુંબ જોઇને વાત આગળ વધારી... હેમાંગભાઇ, તમે અને સુરભિ બંને પરપિકવ છો. અમે વડીલો હવે ક્યાંય ચિત્રમાં નથી. તમે બંને શાંતિથી મળીને એકબીજાને સમજો. થોડું ઘણું જતું કરીને પણ જો તમને લાગે કે સાથે રહેવાથી સુખી થવાશે તો અમને કહો. અમે તો આશીર્વાદ આપવા તૈયાર છીએ...’ ગજબનાક સમજદારી છે આ સ્ત્રીની...! એમના નમણા ચહેરા સામે તાકીને હેમાંગ વિચારતો હતો.

‘સુરભિબેટા, ચા-નાસ્તો લાવો...’હેમાંગ ફાટી આંખે જોઇ રહ્યો. આખા રૂમમાં જાણે અજવાળું-અજવાળું થઇ ગયું હોય એવું એને લાગ્યું. લીલાબહેનના હાથમાં નાસ્તાની પ્લેટ્સ હતી. ટ્રેમાં ચાના કપ લઇને સુરભિ ધીમા પગલે આગળ વધી રહી હતી એ વખતે હેમાંગનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું! પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઇ, સાગના સોટા જેવો ઘાટીલો દેહ, પૂરી શાલીનતાથી પહેરેલી સાડી, કોણી સુધીનું બ્લાઉઝ, મા જેવું જ તીણું નાક, પાતળા હોઠ, તરત વિશ્વાસ મૂકી શકાય એવી પારદર્શક આંખો, લાંબી પાંપણ અને આત્મગૌરવથી છલકાતી ચાલ... નાસ્તામાં કઇ વાનગી હતી અને ચાનો સ્વાદ કેવો હતો એની પણ હેમાંગને સૂધ નહોતી રહી. ખાલી કપ ટ્રેમાં મૂકીને સુરભિ ગઇ એની પીઠ પર લહેરાતા લાંબા ઢીલા ચોટલાની સામે એ તાકી રહ્યો.

‘હેમાંગભાઇ, સુરભિ ઉપરના રૂમમાં છે...’ બે મિનિટ પછી શકુંતલાબહેને હેમાંગ સામે જોયું. ‘તમે ઉપર જાવ... નિખાલસતાથી એકબીજાને જે કંઇ પૂછવું હોય તે પૂછી લો...’ હેમાંગ ઊભો થયો. ધીમાં પગલે સીડી તરફ આગળ વધ્યો.

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.