Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalkatha
 

અંજળપાણી: મહેશ યાજ્ઞિક પ્રકરણ- ૫૨

 
Source: Anjal Pani, Mahesh yagnik   |   Last Updated 12:40 AM [IST](29/01/2012)
 
 
 
 
 
અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને એક સ્ત્રી તમારા ભરોસે ઘરમાં પ્રવેશે છે. નવો સંસાર વસાવવાની હોંશ એનાં અંગેઅંગમાં છલકાતી હશે-એ પછી અચાનક એ સ્ત્રી ઝેર પી લે છે! એ સમયે એના હૃદય પર શું વીત્યું હશે એ તમે કહી શકશો?

અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને એક સ્ત્રી તમારા ભરોસે ઘરમાં પ્રવેશે છે. નવો સંસાર વસાવવાની હોંશ એનાં અંગેઅંગમાં છલકાતી હશે-એ પછી અચાનક એ સ્ત્રી ઝેર પી લે છે! એ સમયે એના હૃદય પર શું વીત્યું હશે એ તમે કહી શકશો?

‘હેમલો અત્યારે શકુંતલાના ઘેર ગયો હશે...’ દેવશંકરે ઘડિયાળ સામે નજર કરી પછી શિવાની સામે જોયું. સ્કૂલમાંથી એકાદ કલાક વહેલી નીકળીને શિવાની ઘેર આવી ગઇ હતી. એ રસોડામાં ચા બનાવી રહી હતી. દેવશંકર ચોકમાં ખુરસી પર બેસીને બોલતા હતા. ‘જટાશંકર સમયપાલનમાં એકદમ પરફેક્ટ છે. એણે સવારે ફોનમાં કહેલું કે હેમાંગને સાંજે પાંચ વાગ્યે શકુના ઘેર લઇ જઇશ. એણે કહ્યું હોય એ ટાઇમે એ ત્યાં હોય જ...’‘શકુંતલાબહેનની દીકરીને તમે તો જોયેલી છેને?...’ શિવાનીના અવાજમાં જિજ્ઞાસા હતી. ‘નામ શું છે? દેખાવમાં આમ કોના જેવી લાગે?’

‘મેં તો સાત-આઠ વર્ષ અગાઉ જોયેલી. એની મા શકુંતલાને ઘણી વાર જોયેલી. મેં જોયેલી ત્યારે એ છોકરી શકુની સાથે જ ઊભી હતી. એકદમ ઊંચી અને પતલી... છોકરીના નામની તો મનેય ખબર નહોતી. સવારે જટાએ ફોનમાં કીધું ત્યારે ખબર પડી કે એનું નામ સુરભિ છે...’ શિવાનીનો પ્રશ્ન યાદ કરીને દેવશંકરે માથું ધુણાવ્યું. ‘એ સુરભિ એટલી રૂપાળી છે કે એના જેવી કોઇ છોકરી યાદ નથી આવતી. બધી છોકરીઓ એની પાસે ઝાંખી પડી જાય એવું દેવતાઇ રૂપ છે એનું...’ એમણે ફરીથી ઘડિયાળ સામે જોયું સાડા-પાંચ વાગ્યા હતા.

‘હેમલાનું નસીબ જોર કરતું હશે તો એ છોકરી હા પાડશે બાકી હરિઓમ્! શકુંતલા ભારે સિદ્ધાંતવાદી બાઇ છે. એનો સ્વભાવ જો સુરભિમાં ઊતર્યો હશે તો એ પાણી પણ ફૂંકી ફૂંકીને પીતી હશે. હાથમાં વરમાળા લઇને એ હેમલાની રાહ જોઇને ઊભી તો નહીં જ હોય... પહેલી બૈરી આપઘાત કરીને મરી ગઇ હોય એવા મુરતિયાની બીજી વારની કન્યા બનવા માટે એ થનગનતી નહીં હોય!...’

કંઇક યાદ આવ્યું હોય એમ સહેજ અટકીને દેવશંકરે શિવાનીને સમજાવ્યું. ‘શકુંતલાનો સ્વભાવ કેવો ચીકણો છે એ તને ના સમજાયું? એ બહેન એક એક ડગલું સાવચેતીથી ભરે છે. તું વિચારી જો. જૂનાગઢમાં એનું ત્રણ માળનું મકાન છે. આખી જિંદગી નોકરી કરીને ખાસ્સી રકમ બચાવી હશે. હમણાં રિટાયર થઇ એટલે એના પણ પૈસા આવ્યા હશે. ટૂંકમાં, શકુ પાસે બેંકમાં કમસે કમ ત્રીસેક લાખ રૂપિયા પડ્યા હશે. જટાશંકર એનો સગો ભાઇ.

શકુ વિધવા થઇ ત્યારે જટાએ જ તકલીફ વેઠીને એને ભણાવેલી અને નોકરી પણ અપાવેલી. એ બહેન પાસે પચીસ-ત્રીસ લાખ રૂપિયા સ્પેરમાં પડ્યા છે, એ છતાં ત્રણ લાખ માટે થઇને જટાએ મુંબઇ જયંતી પાસે હાથ લાંબો કર્યો. બહેન પાસે ઉછીના માગીશ તો એ આપશે કે નહીં એની જટાને ખાતરી નહીં હોય એટલે એણે જયંતી પાસે માગ્યા. શકુનું જે કંઇ છે એ બધું સુરભિને અને એના વરને જ મળવાનું છે એટલે એ મા-દીકરી જે નક્કી કરશે એ પૂરી ચકાસણી કરીને જ કરશે... અત્યારે તો હેમલાનું નસીબ એ મા-દીકરીની મુઢ્ઢીમાં છે...’

‘બાપા, તમારી વાત સાચી પણ એક વસ્તુ નથી સમજાતી...’ શિવાનીએ દલીલ કરી. ‘હેમલો તો એમ કહેતો હતો કે જૂનાગઢથી જટાકાકાના રોજ ફોન આવે છે અને એ રીતસર કરગરે છે કે જૂનાગઢ આવો...’‘વિધવા ભાણીને સારું ઠેકાણું મળે એ માટે જટાશંકર ખરા દિલથી મથામણ કરતો હશે એ કબૂલ. પોળ હોય કે નાનું ગામ હોય, માણસોની મેન્ટાલિટી તો બધે સરખી જ હોય. આવી રૂપાળી અને જુવાનજોધ ભાણી ખોબા જેવડા ગામમાં રહેતી હોય એટલે લોકો ધડમાથા વગરની વાતો પણ કરે.

આ પરિસ્થિતિ જટાને નહીં ગમતી હોય. એણે શકુને વાત કરી હશે. શકુએ સંમતિ આપી હશે એ પછી જટો હેમલાની પાછળ પડી ગયો હશે...’ સહેજ અટકીને એમણે ઉમેર્યું. ‘હેમલાને એ લોકો વધાવી જ લેશે એની કોઇ ગેરંટી નથી. પોતાના જીવનનો નિર્ણય લેવાનો આવે ત્યારે એ ભાણી આગના ભડકા જેવી બની જાય, સગા મામાની પણ શરમ ના રાખે... એમાં કંઇ ખોટું નથી...’

બહાર પોળમાં રિક્ષા ઊભી રહેવાનો અવાજ આવ્યો. દેવશંકર હળવે રહીને ઊભા થયા અને ઓટલે જઇને જોયું. મનસુખ સોની, એની પત્ની સવિતા અને એમનો વચેટ દીકરો વિજય રિક્ષામાંથી ઊતર્યા. દેવશંકર પાછા ઘરમાં આવ્યા. ‘મનસુખનું ફેમિલી સુરેન્દ્રનગરથી આવી ગયું...’ શિવાની કપમાં ચા ગાળતી હતી એની સામે જોઇને દેવશંકરે માહિતી આપી. ‘માસ્તરની જેમ તેં ગઇકાલે એક કલાક સુધી વિજયને સમજાવેલો એનું શું પરિણામ આવ્યું એ હવે ખબર પડશે...’

બાપ-દીકરીએ સાથે બેસીને ચા પીધી. એક્ટાણું હોવાથી દેવશંકરને સાંજે જમવાનું નહોતું. પોતાના એકલા માટે શું બનાવવું? શિવાનીએ વધુ વિચાર્યા વગર બે ભાખરીનો લોટ બાંધી દીધો. એ રસોડામાંથી બહાર આવી ત્યાં જ સવિતાબહેન ઘરમાં ધસી આવ્યાં. એમના ચહેરા ઉપર અને અવાજમાં હરખ છલકાતો હતો. આવીને સીધાં જ એ ગળગળાં બનીને શિવાનીને ભેટી પડ્યાં.

‘છોકરી, તારા હાથમાં જશરેખા છે. છોકરીને પણ એ ગમી ગયો. તેં તો અમારી ચિંતા અડધી કરી નાખી... છોકરી પૈસાવાળા ઘરની છે પણ જરાયે ઉછાંછળી નથી, શાંત અને ઠરેલ છે... રૂપિયો અને નાળિયેરની વિધિ પણ પતાવી દીધી. ઉનાળામાં પહેલું મૂરત આવે ત્યારે જાન જોડીને સુરેન્દ્રનગર જવાનું નક્કી!...’

‘સવિતાબહેન, ખરાં છો તમે...’ દેવશંકરે હસીને ટકોર કરી. ‘આટલા સારા સમાચાર આપવા દોડતાં આવ્યાં પણ સાવ ખાલી હાથે?’‘હરખમાં ને હરખમાં મગજ કામ નથી કરતું. આખી પોળમાં વહેંચવા વઢવાણથી પાંચ કિલો પેંડા લાવી છું... હમણાં જતલા જોડે મોકલાવું છું...’‘અરે મારી બહેન, બ્રાહ્નણ તરીકે આવી મશ્કરી કરવાની મને તો ટેવ છે. વિજયને સારી કન્યા મળી અને હેમખેમ બધું પાર ઊતર્યું એ જ આનંદની વાત છે...’

‘સાવ એવું નથી...’ સવિતાબહેનનો અવાજ લગીર ઢીલો થઇ ગયો. ‘એક વાતમાં નાછુટકે સંમતિ અપાવી પડી. છોકરીના બાપાએ રોકાણ કરવા માટે ગામના ગોંદરે છેક એસ.જી. હાઇવે પાસે કોઇક ફ્લેટની સ્કીમમાં પૈસા રોક્યા છે. એમણે શરત મૂકી કે લગ્ન પછી મારી દીકરી એ ફ્લેટમાં રહેશે. તમારા દીકરાએ પણ ત્યાં જ રહેવું પડશે. ભવિષ્યમાં બીજો ફ્લેટ ભાડે કે વેચાતો ના લઇએ ત્યાં સુધી વિજયાએ એના સાસરાના ફ્લેટમાં રહેવું પડશે...’ એમણે શિવાની સામે જોયું.

‘બહુ તાણવામાં તૂટી જાય એવું હતું એટલે મેં અને તારા માસાએ વેવાઇની શરત સ્વીકારી લીધી....’ એમણે દેવશંકર સામે જોયું. ‘મોટાને અને એની વહુને હજુ આ વાત નથી કીધી. એ બંનેને થોડું દુ:ખ થશે. કદાચ ઝઘડા જેવું પણ થઇ જાય... અમે બંનેએ નક્કી કર્યું છે કે તમારી હાજરીમાં જ મોટાને અને એની વહુને આ વાત કહીશું. કાલે કે પરમ દિવસે સાંજે તમને બોલાવીશું. તટસ્થ વડીલ તરીકે તમે એ બંનેને સમજાવશો તો બહુ વાંધો નહીં આવે...’

મનસુખનો મોટો દીકરો અને એની પત્ની પોળમાં જ રહેતાં હતાં. એમનાં લગ્ન થયાં એ પછી તરત અલગ રહેવા માટે એમણે બહુ ધમપછાડા કર્યા હતાં પણ મનસુખ અને સવિતાએ નમતું જોખ્યું નહોતું. લડી-ઝઘડીને થાક્યાં પછી નાછુટકે એ બંનેએ પોળમાં રહેવું પડ્યું હતું. હવે, જો વિજયને આ રીતે અલગ રહેવા મળે તો એમને એ ખૂંચે અને ઘરમાં નવેસરથી કજિયા શરૂ થાય.

આ બધી શક્યતાઓ વિચારીને દેવશંકરે સમજાવ્યું. ‘અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી. આમાં તમે તો ચિત્રમાં આવતાં જ નથી. વિજયનો સસરો ફ્લેટ આપવાનો છે...’ દેવશંકરે વ્યવહારુ ઉપાય બતાવ્યો. ‘આ વાત અમને કહી એ કહી. બાકી, પોળમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી. મનુભાઇ, રતુભાઇ કે પનાકાકાને પણ જાણ નહીં કરવાની. ઘરમાં આ મુદ્દે એક અક્ષરેય બોલવાનો નહીં. શાંતિથી લગ્નની તૈયારી કરો. એ વખતે પડશે એવી દેવાશે. આવતી કાલની પીડાને નોતરું આપીને આજે બોલાવવાનો કોઇ ફાયદો ખરો?...’ દેવશંકરે સવિતાબહેનને ધરપત આપી. ‘ચિંતા ના કરો. એ વખતે મોટાને હું સમજાવી દઇશ. ઘેર જઇને મનસુખને મારી પાસે મોકલો...’

અમદાવાદની શંભુ શુક્લની પોળમાં આ ર્દશ્ય ભજવાઇ રહ્યું હતું એ વખતે જૂનાગઢના વણઝારી ચોકીનું વાતાવરણ સાવ અલગ હતું. શકુંતલાબહેનના ઘરમાં એમના ભાઇ જટાશંકર એમની પત્ની સાથે સોફા ઉપર બેઠા હતા. શકુંતલાબહેન હિંડોળા ઉપર બેઠાં હતાં. એમની પાતળી ગરદન ઘુમાવીને એ પાછળ સીડી તરફ તાકી રહ્યાં હતાં. જટાશંકર અને એમની પત્નીની નજર પણ સીડી સામે જ સ્થિર હતી. પૂરા આત્મવિશ્વાસથી સીડીનાં પગથિયાં ચઢીને હેમાંગ ઉપરના ઓરડા તરફ જઇ રહ્યો હતો. શકુંતલાની યુવાન વિધવા પુત્રી સુરભિ બારણા તરફ નજર રાખીને હેમાંગની રાહ જોઇ રહી હતી.

રૂમમાં પ્રવેશતાં અગાઉ હેમાંગે હાથની આંગળીઓથી માથાના વાળ સરખા કર્યા. બુશર્ટ સહેજ ખેંચીને શર્ટિંગ સરખું કર્યું. બારણા પાસે જઇને એ ઊભો રહ્યો.‘આવો...’ ચાંદીની ઘૂઘરીઓ રણકતી હોય એવા મીઠાશ સુરભિના અવાજમાં હતી. ખુરસી પરથી ઊભાં થઇને એણે હેમાંગને આવકાર આપ્યો. આખા રૂમની દીવાલો સફેદ રંગની હતી. સાવ ખાલી રૂમમાં પાછળની દીવાલ પાસે સામસામે બે ખુરસીઓ ગોઠવાયેલી હતી. બાજુમાં નાનકડી ટિપોઇ ઉપર પાણીના બે ગ્લાસ ઢાંકેલા હતા.

‘હું અને મમ્મી આખો દિવસ નીચે જ હોઇએ છીએ...’ હેમાંગ ખાલી રૂમમાં નજર ફેરવી રહ્યો હતો એ જોઇને સુરભિએ ખુલાસો કર્યો. ‘ઉપરના આ બધા ઓરડા ભાગ્યે જ કોઇ મહેમાન આવે ત્યારે વપરાય છે...’ એણે ખુરસીમાં બેસીને સામેની ખુરસી તરફ હાથ લંબાવીને હેમાંગ સામે જોયું. ‘આરામથી બેસો...’હેમાંગ મંત્રમુગ્ધ બનીને સુરભિ સામે તાકી રહ્યો હતો. અમદાવાદથી જૂનાગઢ આવવા નીકળ્યો એ વખતે જાણે માત્ર આવવા ખાતર જ આવવાનું હોય એવી એની મનોદશા હતી.

સુરભિનું સૌમ્ય રૂપ આટલું પ્રભાવપૂર્ણ હશે એની એને કલ્પના નહોતી. અત્યારે જાણે વશીભૂત થઇ ગયો હોય એમ એ ખુરસીમાં બેઠો હતો. સામે બઠેલી સુરભિના રૂપથી એ અંજાઇ ગયો હતો. પૂરી શાલીનતાથી સાડી પહેરીને બેઠેલી સુરભિ ઉપર બારીમાંથી આથમતા સૂર્યનો તડકો પડતો હતો. આછા સૂર્યપ્રકાશને લીધે એનો નમણો ચહેરો દૈદીપ્યમાન લાગતો હતો. માથાના વાળ ઉપર મેંદીની ઝાંય ચમકતી હતી.

‘હું આ ઓરડાની વાત કરતી હતી...’ સહેજ હસીને સુરભિએ સામે જોયું એટલે હેમાંગ સભાન બન્યો. ‘જટામામાને મારી બહુ ચિંતા રહે છે એટલે છેલ્લા બાર મહિનામાં એ ત્રણ મુરતિયાઓને પકડી લાવ્યા હતા... આ ઓરડામાં જ એ ત્રણેય સાથે ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા...’ લાંબી પાંપણવાળી આંખોથી હેમાંગનું નખશીખ નિરીક્ષણ કરીને એણે ઉમેર્યું. ‘આજે ચોથા મુરતિયા તરીકે તમે પધાર્યા...’ આ છોકરી મશ્કરી કરે છે કે શું? હેમાંગે એના ચહેરા સામે ધ્યાનથી જોયું.

તદ્દન હળવાશથી અને બિલકુલ સ્વાભાવિકતાથી જાણે કોઇ મિત્ર સાથે વાત કરતી હોય એમ એ બોલતી હતી. મજાક કરતી હોય એવું એના ચહેરા ઉપરથી તો નહોતું લાગતું. એ છતાં હેમાંગથી રહેવાયું નહીં. ‘તમારા જટામામા મારી પાછળ પડી ગયા હતા...’ એકેએક શબ્દ છુટો પાડીને હેમાંગે સહજ ચિડાઇને કહ્યું. ‘મારા મોબાઇલ ઉપર એમણે સોળ વાર ફોન કર્યો એ પછી હું એમના ઘેર આવ્યો અને એ મને અહીં લાવ્યા...’

‘અરે શુક્લજી બહુ નાજુક સ્વભાવ છે તમારો! આપણે એકબીજાને ઓળખતાં નથી એટલે વાતાવરણ હળવું રહે એ આશયથી મેં આવું કહ્યું અને તમે તો ગુસ્સે થઇ ગયા...’ એણે એ રીતે ખિલખિલાટ હસીને કહ્યું કે હેમાંગ ખસિયાણો પડી ગયો. ‘સોરી... મને લાગ્યું કે પેલા ત્રણની જેમ મને ભગાડવા માટે તમે ઓરડાની વાત શરૂ કરી...’ એ ધીમેથી બબડ્યો.

‘બાપ રે...’ સુરભિએ પોતાના બંને હાથે કાનની બૂટ પકડી લીધી. ‘તમને એમ ને એમ ભગાડી મૂકવાનું વિચારું તો જટામામા મને જીવતી ના મૂકે!... એની વે, તમારી સામે બેઠી છું...’ ગંભીર બનીને અદબ વાળીને એ હેમાંગ સામે તાકી રહી. જે પૂછવું હોય એ પૂછો... આપણે બંને મેચ્યોર છીએ એટલે પૂરી નિખાલસતાથી એકબીજાને જે પૂછવું હોય એ પૂછીશું... પૂછો...’‘સાચું કહું? તમને જોયાં પછી અને આટલી વાત કર્યા પછી કંઇ પૂછવાનું મન જ નથી થતું...’ અત્યંત સાહજિકતાથી હૈયામાં ઘૂંટાતી વાત હેમાંગના હોઠ પર આવી ગઇ. ‘ખરેખર, તમને નફટાઇ લાગે તો નફટાઇ અને નિખાલસતા કહો તો નિખાલસતા જૂનાગઢ આવવા માટે જટાકાકા ફોન પર આગ્રહ કરતા હતા એ વખતે તમારું વર્ણન કરવામાં એમણે બહુ કંજૂસાઇ કરેલી... અધરવાઇઝ, ગયા અઠવાડિયે જ આવી જતો!...’

સુરભિના હોઠ મલક્યા. શરમાઇને એ નીચું જોઇ ગઇ. થોડી વાર પછી ગરદન ઊંચી કરીને એણે હેમાંગની આંખોમાં પરોવી. ‘શુક્લજી, એક સલાહ આપું? માત્ર બાહ્ય રૂપ જોઇને વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ વિશે ધારણા બાંધવામાં ક્યારેક માર ખાઇ જશો...’ હેમાંગ એકદમ ગંભીર બની ગયો છે એ જોઇને એણે હળવાશથી ઉમેર્યું. ‘માણસને પારખવાનું કામ સરળ નથી.

ઘણી વાર તો આખી જિંદગી સાથે રહ્યાં પછી પણ પતિ-પત્ની એકબીજાને પૂરેપૂરાં ઓળખી શકતાં નથી...’ સહેજ અટકીને એણે ઊંડો શ્વાસ લીધો. ‘ટુ બી વેરી ફ્રેન્ક. અગાઉના ત્રણેય મુરતિયાઓની તુલનામાં યુ આર ધ બેસ્ટ. દેખાવ, અભ્યાસ, કુટુંબ અને નોકરી... આ બધી બાબતમાં તમે ચડિયાતા છો... જટામામા છેલ્લે જે મુરતિયાને લઇ આવેલા એની તો કેશોદમાં ભજિયાની લારી હતી!...’

એણે હસીને હેમાંગ સામે જોયું. ‘બારમું ધોરણ પાસ એ નમૂનો મને જાત જાતના સવાલો પૂછતો હતો ત્યારે એને ઊંચકીને બારીમાંથી ફેંકી દેવાનું મન થતું હતું!...’ એણે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘આટલું રૂપ છે અને મમ્મી પાસે ખાસ્સી પ્રોપર્ટી છે. મમ્મીની એકની એક દીકરી છું. વળી, મારા મિસ્ટર એક્સિડન્ટમાં અવસાન પામેલા એટલે એમના ઇન્શ્યોરન્સની પણ મોટી રકમ મળી છે. આ બધાને લીધે જટામામાને સતત ટેન્શન રહે છે. અમારું ગામ આમ તો મોટું ગામડું જ કહેવાય. જુનવાણી મગજના લોકોની વાતો સાંભળીને મામાનો ઉચાટ વધી જાય છે. કોઇપણ ભોગે સારો બ્રાહ્નણ મુરતિયો શોધવા એ ઘાંઘા થયા છે... તમને વારંવાર ફોન કરવા પાછળનું કારણ એમની ચિંતા...’

એક શ્વાસે આટલું કહીને એ અટકી ગઇ. હેમાંગે પાણીનો ગ્લાસ લઇને બે ઘૂંટડા પાણી પીધું. નીચું જોઇને બેઠેલી સુરભિ સામે એ તાકી રહ્યો. સુરભિએ જે કહ્યું, એ સાંભળ્યા પછી મહેક સાથે એણે મનોમન તુલના કરી. સુરભિ સાથેની સરખામણીમાં મહેક બધી રીતે બહુ પાછળ રહી જતી હતી. સુરભિ હિરોઇન જેવી લાગતી હતી જ્યારે મહેક ટોળામાં નાચતી એક્સ્ટ્રા છોકરી જેવી દેખાતી હતી.

‘યસ, આઇ એમ રેડી...’ એણે આશાભરી નજરે સુરભિ સામે જોયું. ‘જે કંઇ પૂછવું હોય એ પૂછો...’‘હું પૂછીશ તો તમારા આળા હૈયાને ઠેસ વાગશે...’ સુરભિના અવાજમાં સમજદારી હતી. ‘વળી, મારા પ્રશ્નનો જવાબ તમે સાચો આપશો કે કેમ એ પણ શંકા છે...’ એનો અવાજ વધુ ગંભીર બન્યો. ‘અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને એક સ્ત્રી તમારા ભરોસે ઘરમાં પ્રવેશે છે.

નવો સંસાર વસાવવાની હોંશ એનાં અંગેઅંગમાં છલકાતી હશે-એ પછી અચાનક એ સ્ત્રી ઝેર પી લે છે! એ સમયે એના હૃદય પર શું વીત્યું હશે એ તમે કહી શકશો? કેવી ભીષણ યાતનાઓ વેઠ્યાં પછી એણે મોત વહાલું કર્યું હશે એની સાચી માહિતી આપશો તમે?...’ગાલ પર તમાચો પડ્યો હોય એમ હેમાંગ ડઘાઇ ગયો. સુરભિ હળવેથી ઊભી થઇ. હેમાંગના ખભે હાથ મૂકીને એ ઊભી રહી. ‘શુક્લજી! સંસારનાં અમુક રહસ્યો કાયમ પરદા પાછળ ઢંકાઇ રહે એમાં જ આપણું હિત સમાયેલું છે. બધાના ચહેરાઓ પરથી મહોરાંઓ હટી જાય તો આ દુનિયામાં કોઇ જીવી જ ના શકે!...’

ફરીથી પોતાની ખુરસીમાં બેસીને એણે હેમાંગની આંખોમાં આંખો પરોવી. ‘તમારી પત્નીની આત્મહત્યાના મુદ્દે સો એ સો ટકા તો તમારી જવાબદારી નહીં હોય. એમનો પણ કોઇક દોષ હશે. એ બધું વિચારીને હું તમને શંકાનો લાભ આપું છું... બધો વાંક તમારો નથી એમ વિચારીને આ ચર્ચા પૂરી કરીએ...’ એ લગીર અટકી.

ગર્ભદ્વારના દીવાની જ્યોતિ જેવી એની નિષ્કંપ આંખો હેમાંગના ચહેરા ઉપર સ્થિર હતી. ‘નીચે બધા રાહ જોઇને બેઠા છે. તમારી સાથે લગ્ન કરવામાં મને બીજો કોઇ વાંધો નથી, માત્ર એક તકલીફ છે... મિત્ર તરીકે મારી વાત શાંતિથી સાંભળો... એ પછી તમે જે નિર્ણય કરો એ મને માન્ય રહેશે...’એ અટકી. એના પાતળા ગુલાબી હોઠ ફફડ્યા. શ્વાસ રોકીને હેમાંગે એકીટશે એની સામે તાકી રહ્યો.

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.