ડોક્ટર ગૌરાંગનું સાંનિધ્ય મને ગમવા લાગ્યું. ધીમંતના મૃત્યુ પછીનો ખાલીપો જાણે ગૌરાંગના આગમનથી ભરચક બની ગયો. એ ઘેર આવવાનો હોય એના કલાક પહેલાં જ મારું મન એની પ્રતીક્ષામાં પરોવાઇ જતું. એક વિધવા આ રીતે પરપુરુષની વાટ જુએ એ વિચિત્ર લાગે એ છતાં એના આગમન માટે હું તરસતી હતી.
એકબીજાના શ્વાસના અવાજ સાંભળી શકાય એવી સ્તબ્ધતા વચ્ચે ઓરડાની અંદર હેમાંગ અને સુરભિ સામસામે બેઠાં હતાં. આરંભમાં હેમાંગના મગજની દશા ડામાડોળ હતી. પછી સુરભિની પરિપક્વતા જોઇને એને આશા બંધાઇ હતી. છેલ્લે સુરભિએ પહેલા વાક્યમાં જે કહ્યું એ સાંભળીને તો ઊભા થઇને આખા ઓરડામાં નાચવાનું એને મન થયું હતું. એ જાણે આકાશમાં ઊડવા લાગ્યો હતો પરંતુ બીજા વાક્યમાં સુરભિએ જે શરત મૂકી એ સાંભળીને એ ધરતી ઉપર આવી ગયો. કાન સરવા કરીને સુરભિ હવે શું કહે છે એ શબ્દો ઝીલવા એ તત્પર બનીને બેઠો હતો. એકીટશે એ સુરભિના રૂપાળા ચહેરા સામે તાકી રહ્યો.
‘પૂરી વાત સાંભળ્યાં પછી તમે જે નિર્ણય કરશો એ આંખ-માથા ઉપર...’ તદ્દન સંયત અવાજે સુરભિ પૂરી ગંભીરતાથી બોલી રહી હતી. ‘તમારી આંખો જે કહે છે એ સાંભળી શકું છું. તમારો ચહેરો સરળતાથી વાંચી શકું છું. મારી વાત સાંભળ્યા વગર પણ તમે મને અપનાવવા માટે બેતાબ છો એ પારખી શકું છું. એ છતાં પ્લીઝ, વચ્ચે અટકાવ્યા વગર કે કંઇ પૂછ્યા વગર પાંચ મિનિટ મને બોલવા દો.
એ પછી તમારા તમામ પ્રશ્નોના ઉત્તર આપવા તૈયાર છું... રાઇટ?’‘નો પ્રોબ્લેમ...’ હેમાંગ હતાશ થઇ ગયો હતો એ છતાં બીજો કોઇ વિકલ્પ નહોતો એટલે એણે ધીમા અવાજે સંમતિ આપી. ‘બોલો...’‘મારાં લગ્ન ડોક્ટર ધીમંત સાથે થયાં એ વખતે મારી જાતને હું આખી દુનિયાની સૌથી સુખી સ્ત્રી માનતી હતી. ઘરમાં ધીમંત અને એની મમ્મી એ બે જણ જ રહેતાં હતાં. ધીમંતનો નાનો ભાઇ કેનેડા સેટલ થઇ ગયો હતો. ઘરમાં હું, મારાં સાસુ અને ધીમંત ત્રણેય મજાથી રહેતાં હતાં. મારાં સાસુને સિવિયર ડાયાબિટીસ હતો. ડોક્ટર ધીમંતને ચાર ટાઇમ ચા અને બે ટાઇમ જમવા સિવાય કોઇ વ્યસન નહોતું. જનરલ ફિઝિશિયન તરીકે ધીખતી પ્રેક્ટિસ ચાલતી હતી.
સવારે નવથી બપોરે એક અને સાંજે પાંચથી રાતના દસ વાગ્યા સુધી ધીમંત એના િકલનિક પર હોય એ દરમિયાન હું ને મારાં સાસુ ઘરમાં મા-દીકરીની જેમ રહેતાં હતાં...’ સુરભિ યાદ કરીને બોલતી હતી. હેમાંગ અદબ વાળીને શાંતિથી સાંભળતો હતો.‘હનિમૂન માટે અમે નૈનિતાલ ગયાં હતાં. એ દસ દિવસ દરમિયાન બહારની દુનિયા અમે ભૂલી ગયાં હતાં. જૂનાગઢના બધા ડોક્ટરોનું એક ગ્રૂપ છે. દર મહિને એકાદ વાર ફેમિલી સાથેના કાર્યક્રમનું અચૂક આયોજન હોય જ. અમે લોકો નૈનિતાલ ગયાં એ દરમિયાન ધીમંતને મારી સાસુની ચિંતા હતી.
ડાયાબિટીસ બહુ હેવી હતો એટલે મારી સાસુની જવાબદારી ડોક્ટર ગૌરાંગ ગણાત્રાને સોંપીને અમે નીકળ્યાં હતાં. ગૌરાંગ એમ.ડી. મેડિસિન છે અને આખા ગ્રૂપના કાર્યક્રમોના આયોજનની જવાબદારી એ જ સંભાળતો હતો. ગ્રૂપના બાવીસેક સભ્યો પૈકી એ એક માત્ર કુંવારો ડોક્ટર હતો. સ્વભાવ હસમુખો અને સેન્સ ઓફ હ્યુમર એટલી શાર્પ કે બધાનો એ લાડકો હતો...’ ‘હનિમૂન પરથી આવ્યાં પછી ધીમંતે િકલનિકમાં ધ્યાન પરોવ્યું. દિવસો તો પંખીના ટહુકાની જેમ ક્યારે ઊગીને ક્યારે આથમી જતા હતા એનો પણ ખ્યાલ નહોતો આવતો. લગ્નના ત્રણ મહિના પછી ધીમંતે એની કાર બદલી. અગાઉ નાની કાર હતી.
મોટી સેડાન કારની એને બહુ ઇચ્છા હતી એ પૂરી કરી. નવી કાર આવ્યાના ત્રીજા દિવસે અંબાજી જવાનું નક્કી કર્યું. ધીમંત ભરપૂર આત્મવિશ્વાસથી જીવતો હતો. પ્રવાસ લાંબો હતો એટલે મેં એને ડ્રાઇવર લેવાનું સૂચન કર્યું તો એણે હસીને પૂછ્યું કે મારા ઉપર વિશ્વાસ નથી? અરે ગાંડી, આ કાર લઇને અંબાજી તો શું છેક અમૃતસર સુધી નોનસ્ટોપ ચલાવવાની તાકાત છે મારી... મારી સાસુ પાછળની સીટ ઉપર આરામથી બેઠાં હતાં.
ઝરમર વરસાદ વચ્ચે પાણીના રેલાની જેમ કાર સરક્તી હતી. હું ધીમંતની પાસે બેઠી હતી. સ્પીડોમીટરનો કાંટો જોઇને મારો જીવ ગભરાતો હતો. હું એને ટોકતી હતી પણ એ તો જાણે હવા સાથે સ્પર્ધા કરવા માગતો હોય એમ કાર ભગાવતો હતો...’ એકધારું આટલું બોલને જાણે થાકી હોય એમ સુરભિ અટકી. આંખ સામે જાણે એ બધાં ર્દશ્ય દેખાતાં હોય એમ આંખો સ્થિર કરીને સામેની દીવાલ તરફ તાકીને એણે ધીમા અવાજે ફરીથી બોલવાનું શરૂ કર્યું.
‘જૂનાગઢથી અમે સવારે છ વાગ્યે નીકળ્યાં હતાં. હાઇવે પર સવારમાં વાહનોની ભીડ નહોતી. નવી નક્કોર ગાડીનું સ્ટિયરિંગ હાથમાં અને સાવ ખુલ્લો રોડ જોઇને ધીમંત જાણે નશામાં આવી ગયો હતો. હું ફફડતી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ ધીમંત ઝનૂનથી કાર ચલાવતો હતો. મારું કહ્યું માનતો નહોતો એટલે મેં ટોકવાનું બંધ કરી દીધું હતું... ચોટીલા પાસે...’સુરભિ લગીર અટકી. હવે પછીની ઘટનાની સ્મૃતિ જાણે પીડા બનીને એના ચહેરા પર છલકાતી હતી. એના અવાજમાં અનાયાસે જ ભીનાશ ભળી. ‘ચોટીલા પાસે ધીમંત એક લકઝરીને ઓવરટેઇક કરવા ગયો એ વખતે એની ગણતરીમાં અડધી સેકન્ડનો ફેર પડી ગયો.
અમારી કારની ગતિ ભયાનક હતી. સામેથી આવતી ધસમસતી ટ્રક... જોરદાર ધડાકો થયો. શું થયું એ વિચારું એ અગાઉ મારી દુનિયા લૂંટાઇ ચૂકી હતી. મને અને મારાં સાસુને સાધારણ ઇજા થઇ હતી. ધીમંતનો દેહ જે રીતે છૂંદાઇ ગયો હતો એ જોઇને હું બેભાન થઇ ગઇ...’ આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં અને ગળામાં ડૂમો ભરાઇ આવ્યો એટલે સુરભિ અટકી. લમણે હાથ દઇને એ દસ-પંદર સેકન્ડ બેસી રહી. ટિપોઇ પરથી ગ્લાસ ઊંચકીને એણે બે ઘૂંટડા પાણી પીધું.
‘એ કમકમાટીભર્યું ર્દશ્ય યાદ આવે છે ત્યારે ઊંઘ ઊડી જાય છે. મારાં સાસુની દશા તો મારાથી પણ વધુ દયાજનક હતી. અમને બંનેને હોસ્પિટલમાંથી રજા મળી એ પછી બે જીવતી લાશની જેમ અમે સાસુ-વહુ એકબીજાને ટેકો આપવા મથતાં હતાં. બંને એકબીજાની પીડાને સમજી શકતાં હતાં. મારો દિયર ધેટ મિન્સ ધીમંતનો નાનો ભાઇ કેનેડા હતો એને સમાચાર તો મોકલાવ્યા હતા પણ એણે નોકરી બદલી હતી એટલે નવી નોકરી છોડીને તાત્કાલિક નીકળવાનું એના માટે શક્ય નહોતું.
મારાં સાસુએ મોટું મન રાખીને એને કહ્યું કે કશો વાંધો નહીં. જે થવાનું હતું એ થઇ ગયું છે. તું મહિના-દોઢ મહિના પછી આવીશ તો પણ ચાલશે... ધીમંતના મિત્ર ડોક્ટરો અમને બધી રીતે મદદરૂપ થતા હતા...’બારીમાંથી આવતો સૂર્યનો તડકો વિદાયવેળાએ આછા રતાશ પડતા રંગનો થઇ ગયો હતો. સુરભિના આખા દેહ પર એ પથરાઇ રહ્યો હતો. ‘મારાં સાસુ મને હિંમત આપવા માટે મક્કમ હોવાનો ડોળ કરતા હતા પણ એ અંદરથી ભાંગી તૂટયાં હતાં. બારમા-તેરમાની વિધિ અને એ બધા દિવસો દરમિયાન એ પોતાની જાત પ્રત્યે સાવ બેદરકાર બની ગયાં હતાં.
જમવાનું પણ ગળે નહોતું ઊતરતું એ દશામાં દવા લેવાનું તો ક્યાંથી યાદ રહે? વીસેક દિવસ પછી એક સાંજે અચાનક એમની તબિયત બગડી. ડાયાબિટીસ એટલો તીવ્ર બની ગયો હતો કે એ કોમામાં જતાં રહ્યાં. અગાઉ તો મારી મમ્મી, મામી અને બીજી સ્ત્રીઓ સતત એમની પાસે રહેતી હતી પણ હવે એ બધાનું આવવાનું ઓછું થઇ ગયું હતું. આમ પણ તાજો ઘા હોય ત્યાં સુધી લોકો સંભાળ રાખે એ પછી તો દરેકે પોતાની લડાઇ જાતે જ લડવાની હોય છે. બધાને પોતપોતાની જિંદગીમાં નાના-મોટા પ્રશ્નો હોય. શરૂઆતના દિવસોમાં સાંત્વના આપીને ધીમે ધીમે બધા પોતપોતાનાં કામમાં પરોવાઇ ગયા હતા. સાસુજી અણધાર્યાં કોમામાં જતાં રહ્યાં એટલે ગભરાઇને મેં ડોક્ટર ગૌરવ ગણાત્રાને ફોન કર્યો.
પંદર મિનિટમાં એ આવી ગયો. માજીના કેસ હિસ્ટ્રીની એને ખબર હતી. એટલે એણે તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. રાત્રે આઠ વાગ્યે એ આવેલો. એની જ કારમાં માજીને હોસ્પિટલ લઇ ગયાં. ભૂખ-તરસ કે ઊંઘની પરવા કર્યા વગર રાત્રે એક વાગ્યા સુધી એ રોકાયો. બે દિવસ હોસ્પિટલમાં રાખ્યાં પછી માજીને ઘેર મૂકી ગયો. એ પછી સવાર-સાંજ રોજ એકાદ કલાક આવીને એ બેસતો. જુવાનજોધ દીકરાના અકાળ મૃત્યુથી માજી પોતાની જિજીવિષા ગુમાવી બેઠાં હતાં. મને પણ જીવનમાં કોઇ રસ રહ્યો નહોતો. ગૌરવના વ્યક્તિત્વમાં જાણે જાદુ હતો.
એ આવીને અમારા બંનેની સાથે વાતો કરતો એટલી વાર જાણે વાતાવરણ હળવુંફૂલ થઇ જતું. સામેના માણસની વેદના કઇ રીતે હળવી કરવી એ આવડત કુદરતે એને આપી હતી. એની પાસે જાણે કોઇ માયાવી જડીબુટ્ટી હોય એમ એની હાજરીમાં હું ને મારાં સાસુ ધીમંતનો શોક ભૂલી જતાં...’ હેમાંગ તલ્લીન બનીને સાંભળી રહ્યો હતો. સુરભિએ સહેજ અટકીને એની સામે જોયું. હવેની વાત જાણે વધુ મહત્વની હોય એમ એનો ચહેરો વધુ ગંભીર બની ગયો. ‘મારા માટેની આસિકત તમારી આંખમાં છે એ પારખી શકું છું... એટલે હવે પછી જે કહીશ એ કદાચ તમને સાંભળવું નહીં ગમે.
એ છતાં જે હકીકત છે એને તમારાથી નહીં છુપાવું... ઇશ્વરે આપણા હૃદયની કરામત એવી કરી છે કે એ ક્યારે શું કરશે એની કોઇને સમજ નથી પડતી. ભલભલા વિદ્વાનો ગોથાં ખાઇ જાય એવું ગરબડિયું તંત્ર છે આ હૃદયનું... એની અપરંપાર માયામાં મહામેધાવી માનવી પણ મગતરાં જેવું વર્તન કરી બેસે છે. મારી સાથે એવું જ બન્યું. ડોક્ટર ગૌરાંગનું સાંનિધ્ય મને ગમવા લાગ્યું. ધીમંતના મૃત્યુ પછીનો ખાલીપો જાણે ગૌરાંગના આગમનથી ભરચક બની ગયો. એ ઘેર આવવાનો હોય એના કલાક પહેલાં જ મારું મન એની પ્રતીક્ષામાં પરોવાઇ જતું. એક વિધવા આ રીતે પરપુરુષની વાટ જુએ એ વિચિત્ર લાગે એ છતાં એના આગમન માટે હું તરસતી હતી.
માજીને બિચારાને આ વાતનો ખ્યાલ નહોતો. ગૌરવ કુંવારો હતો એ તો મેં અગાઉ તમને કહી દીધું છે. આ આગ માત્ર મારા હૃદયમાં જ નહોતી લાગી. એ પણ મારા માટે બેચેન હતો. જો હું હા પાડું તો એ હોંશે હોંશે લગ્ન કરવા ઉત્સુક હતો...’ હેમાંગની આંખોમાં આંખો પરોવીને એણે બોલવાનું ચાલુ રાખ્યું. ‘સાવ નિખાલસતાથી મારા મનની વાત કહું છું એમાં તમને હું નફ્ફટ કે બેશરમ લાગું તો માફ કરજો. શબ્દો ચોર્યા વગર કબૂલ કરું છું કે અમે બંને ખૂબ આગળ વધી ગયાં અને લગ્નનો નિર્ધારકરી લીધો... એ જ અરસામાં મારો દિયર કેનેડાથી આવ્યો. માજીને એ પોતાની સાથે કેનેડા લઇ ગયો. હું મમ્મીના ઘેર આવી ગઇ.
ગૌરાંગ સાથે ફોન ઉપર લાંબી લાંબી વાતો ચાલુ હતી એમાં હું મમ્મીના હાથે પકડાઇ ગઇ. મેં પ્રામાણિકતાથી કબૂલ કરી લીધું. મમ્મીના માથે આભા તૂટી પડ્યું. રડી-કકળીને એણે મામાને બોલાવ્યા. હું ફરીથી લગ્ન કરીને નવા જીવનનો આરંભ કરું એની સામે એ બંનેને કોઇ વાંધો નહોતો. શરત માત્ર એ હતી કે મુરતિયો બ્રાહ્નણ હોવો જોઇએ! બ્રાહ્નણ સિવાયના કોઇ મુરતિયા માટે એ બંનેની જરાય તૈયારી નહોતી. જડભરતની જેમ એ બંને એમની જીદ પર અડગ છે. મામાએ તો ફટાફટ તપાસ શરૂ કરી. એક પછી એક મુરતિયાઓ શોધવા લાગ્યા.
ડોક્ટર ગૌરાંગને મારા હૃદયમાંથી ભૂંસવા માટે એ બંને મરણિયા બનીને મને ઠેકાણે પાડવા મથામણ કરી રહ્યાં છે. આ ઓરડામાં એક પછી એક મુરતિયાઓ આવતા રહ્યા અને હું એમને ભગાડતી રહી. મામા છેલ્લે છેલ્લે તો કેશોદના ભજિયાવાળાને પકડી લાવ્યા ત્યારે મારે એમની સાથે જામી ગઇ... હું ઉગ્ર બની એટલે એ બંનેમાં થોડી અક્કલ આવી. એ છતાં અંતિમ ઉપાય તરીકે તમને પસંદ કર્યા...’સહેજ અટકીને સુરભિએ શબ્દો ગોઠવ્યા. ‘એમણે એક શરત કરી છે. જો તમે હા પાડશો તો એ લોકો તરત લગ્નની તારીખ નક્કી કરી નાખશે. જો તમે ના પાડશો તો મને-કમને એ લોકો મને ગૌરાંગ સાથે લગ્ન કરવાની સંમતિ આપશે... મારી વાત સમજાય છે તમને? ના તમારે પાડવાની છે.
મામા અને મમ્મીને તમારે કહેવું પડશે કે મારે સુરભિ સાથે લગ્ન નથી કરવાં... સમજયા?’અચાનક એણે હેમાંગનો હાથ પકડી લીધો. ‘પ્લીઝ, મારા માટે થઇને આટલું કરો. જો તમે હા પાડશો તો તમારી સાથે લગ્ન કર્યાં વગર મારે છુટકો નથી. હું પરણીશ પરંતુ મનથી ક્યારેય તમારી નહીં બનું. આ હાડ-માંસનો લોચો તમને રમવા મળી જશે પણ અંતરથી હું તમને ધિક્કારીશ... મારા શરીરનું રૂંવાડેરૂંવાડું તમને શાપ આપશે...’ ઉશ્કેરાટથી એનો આખો દેહ ધ્રૂજતો હતો. એ એકશ્વાસે બોલતી હતી.
‘એક મદદગાર મિત્ર તરીકે આટલી મહેરબાની કરો. ગમે તે બહાનું કાઢીને ના પાડૉ. કહી દો કે સુરભિ નથી ગમતી... કહી દો કે એ ઊંચી તાડ જેવી છે-એનો સ્વભાવ તોરીલો છે... કહી દો કે એ અભિમાનની પૂતળી સાથે મને નહીં ફાવે... જે ફાવે તે કહીને ચોખ્ખી ના પાડી દો... તમે ના પાડશો એટલે મારો રસ્તો ખુલ્લો થશે... ખરા દિલથી તમને આશીર્વાદ આપીશ. જીવીશ ત્યાં સુધી તમારી મહેરબાની યાદ રાખીશ.
ગૌરાંગને આ વાત કહીને નખશિખ સજજન મિત્ર તરીકે તમારો પરિચય આપીશ. અમે બંને જીવનભર તમારા ઓશિયાળા રહીશું... પ્લીઝ, તમને મારાથી પણ સારી કન્યા મળી જશે.’‘ઓ. કે. ટ્રાય કરું...’ હેમાંગ હળવેથી ઊભો થયો.‘ટ્રાય નહીં શુક્લજી! સીધી ના જ પાડવાની છે...’ એણે હેમાંગ સામે બે હાથ જોડ્યાં. ‘બધો આધાર તમારા ઉપર છે. મિત્ર ગણો તો મિત્ર ને બહેન ગણો તો નાની બહેન સમજીને આટલી મહેરબાની કરો...’ એ કરગરતી હતી. સીડી ઊતરતી વખતે હેમાંગના મગજમાં એક્સાથે અનેક ગણતરીઓ ચાલતી હતી.