આ છોકરી રડે છે એ સંભળાય છે તમને? તમારું પહેલું સંતાન એના પેટમાં ઊછરી રહ્યું છે એ જ વખતે તમને આવો હલકો વિચાર આવે છે? આવી ક્રૂરતા તમને શોભતી નથી સુનિલકુમાર!...
‘આ પંજાબી બિલ્ડર રવીન્દ્ર ચડ્ડા પોળમાં રહેવા આવ્યો એ પછી એને ત્યાં દૂધ-દહીંનો વપરાશ જોઇને બધી સ્ત્રીઓ મેળવણ લેવા માટે એના ઘેર જ જતી હતી. રવીન્દ્રની પત્ની પૂનમનો સ્વભાવ માયાળુ હતો. એકલાં રહેતાં મણિમાસીને અચાનક લકવો થઇ ગયો અને એ પડી ગયાં. બધા પોળવાળા એમને હોસ્પિટલ લઇ ગયા. એ પછી ઓટલે બધી સ્ત્રીઓ વચ્ચે જે ચર્ચા થઇ એ પૂનમે સાંભળી હતી. દસેક મિનિટ પછી રતુભાઇનાં પત્ની હસુબહેન એને ત્યાં મેળવણ લેવા ગયાં ત્યારે પૂનમે પોતાના મનમાં ઘૂંટાતો સવાલ પૂછ્યો.
‘માસી, આ માજીને હોસ્પિટલમાં ખાસ્સો ખર્ચ થશે. એ બધું કોણ મેનેજ કરશે? દીકરાઓને તો જાણ પણ નથી કરવાની, તો પછી રૂપિયા કોણ કાઢશે?’‘પોળમાં રહેવાનું આ એક જ સુખ છે. આખી પોળ જાણે એક મોટું કુટુંબ હોય એ રીતે બધા રહીએ છીએ...’ હસુબહેને એને સમજાવ્યું. ‘કોઇ એક ઘરમાં સુખનો અવસર હોય ત્યારે સાથે મળીને બધા જલસા કરીએ છીએ અને કોઇને ત્યાં આપત્તિ આવે ત્યારે બધા એની પડખે ઊભા રહીએ છીએ...’‘પણ પૈસા? અત્યારે તો પૈસા વગર એક ડગલુંય આગળ ના વધાય...’ ‘આવા પ્રસંગે કોઇ પૈસાની સામે ના જુએ. પોતાની શક્તિ પ્રમાણે મદદ કરે.
આ અમીબહેન અને મનુભાઇ છેને? એ બહુ સધ્ધર પાર્ટી છે. અમારે પણ ઇશ્વરની મહેરબાની છે. પેલા સવિતાબહેનના મિસ્ટર મનસુખભાઇ મનના રાજા છે. દેવુકાકા તન અને મનથી મદદ કરવા ચોવીસેય કલાક ખડે પગે ઊભા રહે એવા સજજન છે... ટૂંકમાં, કોઇનું કામ અટકી ના પડે. ઘરના માણસોને ખબરેય ના પડે અને પોળવાળા બધો વહીવટ સંભાળી લે...’બંને સ્ત્રીઓ વચ્ચે આ વાત ચાલતી હતી એ વખતે પોળના નાકે બકો દરજી, નવીન અને બટુક ત્રણેય વચ્ચે મહેક અને એના પતિ સુનિલ વિશે ચર્ચા ચાલતી હતી. રસિલાબહેન મૃત્યુ પામ્યાં ત્યારે જમાઇ તરીકે સુનિલે આવવું જોઇએ પણ એ નહોતો આવ્યો.
અત્યારે એ અચાનક કેમ આવ્યો હશે એ પ્રશ્ન ત્રણેયને મૂંઝવતો હતો. ‘અલ્યા નવલા, હજુ તું હોસ્પિટલ નથી ગયો?...’ પોળની બહાર નીકળતા રતુભાઇએ નવીન અને બટુકને ત્યાં ઊભેલા જોઇને કાર ઊભી રાખીને નવીનને ઠપકો આપ્યો. ‘તું ત્યાં જઇશ પછી મનસુખભાઇ છુટા થશે એ ખબર નથી? તું નવરોભૂત છે, પણ એમને તો કામધંધો હોયને? ઘેર જમવાનું થયું નથી...’ નવીને ઢીલા અવાજે ખુલાસો કર્યો. ‘મને એમ કે જમીને જાઉં તો પછી રાત સુધી નિરાંત...’‘તારી ભલી થાય ભલામાણસ! મને વાત તો કરવી હતી... અહીં આવ...’ નવીન અને બટુક કાર પાસે ગયા. રતુભાઇએ એમને પૈસા પકડાવ્યા.
‘વી.એસ.ની આજુબાજુ ઘણી હોટલો છે. ખાવા માટે ઘેર ધક્કો ખાવાની જરૂર નથી. જે કંઇ ખચોg થાય એનો હિસાબ રાખજો. મણિમાસી ત્યાં રહે એટલા દિવસ તમારે બંનેએ ત્યાં જ રહેવાનું છે. પૈસા ખૂટે તો મારી પાસેથી માગી લેજે... હવે ભાગો...’નવીન અને બટુક બંનેને હોટલમાં જમવાના ચટાકા તો બહુ થતા હતા પણ આર્થિક મજબૂરીને લીધે એમનો એ શોખ પૂરો થતો નહોતો એની રતુભાઇને ખબર હતી એટલે એમણે ઇરાદાપૂર્વક ખાસ્સી મોટી રકમ નવીનના હાથમાં પકડાવી હતી.
આ બહાને બંને હોંશે હોંશે હોસ્પિટલમાં રહેશે એવી એમની ધારણા હતી. આ બાજુ દેવશંકરે ફરીથી ખુરસીમાં બેસીને અધૂરું મૂકેલું અખબાર હાથમાં લીધું. ફટાફટ રસોડામાં ઘૂસીને શિવાની બાકીની રસોઇ પૂરી કરવા લાગી. બહારથી આવીને દેવશંકરે બુશર્ટના ખિસ્સામાંથી કાઢીને ચશ્માં છેક આગળના રૂમમાં મૂક્યા હતા. છાપું હાથમાં લીધું કે તરત એનો ખ્યાલ આવ્યો એટલે એ ઊભા થઇને આગળના રૂમમાં આવ્યા. હાથમાં બ્રફિકેસ લઇને આવતા સુનિલ ઉપર એમની નજર પડી એટલે એ ચમક્યા.
‘શિવબેટા, જલદી આવ તો...’ એમણે બૂમ પાડી એટલે તરત શિવાની આવીને એમની પાસે ઊભી રહી. ‘આ આવે છે એ મહેકનો મિસ્ટર જ છેને?’, ‘એ જ છે. કાલે જ એણે ફોન કરીને મહેકને કહ્યું હતું...’ શિવાનીએ બાપા સામે જોયું. ‘મારે ત્યાં જવું પડશે. મહેકે કરગરીને કહ્યું છે...’‘નો પ્રોબ્લેમ...’ દેવશંકરે હસીને રસોડા તરફ જોયું. ‘બાકીની રસોઇ હું પતાવી દઇશ...’ બાપ-દીકરી રસોડામાં આવ્યાં. અંદરના રૂમમાં જઇને શિવાનીએ સાડી વ્યવસ્થિત કરી અને વાળ ઉપર કાંસકો ફેરવ્યો.
બહાર નીકળવા માટે એ આગળ વધી કે તરત દેવશંકરે એને રોકી. ‘એક મિનિટ બેટા,...’ એમના પરપિકવ અવાજમાં ગંભીરતા હતી. ‘મહેકમાં હજુ બાળકબુદ્ધિ છે એટલે એની પડખે રહેજે. એનો મિસ્ટર શું કહેવા આવ્યો છે એ ધ્યાનથી સાંભળજે. મહેક આપણી પાડોશી છે પણ એ એના પતિ સાથે કઇ રીતે રહેતી હતી એની આપણને ખબર નથી. એ માણસને કંઇક ફરિયાદ તો હશે જ. બૂટ ક્યાં ડંખે છે એની ખબર પહેરનારને જ હોય. એટલે એની વાત પણ શાંતિથી સાંભળજે.’
‘એ બંનેના ઝઘડામાં હું એકલી ન્યાયાધીશ નથી, દુગૉમાસી પણ હશે. જે કંઇ કહેવા જેવું હશે એ બધું વડીલ તરીકે એ જ કહેશે...’ શિવાનીએ દેવશંકરની ચિંતા હળવી કરી નાખી અને બહાર નીકળી. દેવશંકરના ઘર પછી મહેકનું ઘર અને એ પછી દુગૉબહેનનું ઘર હતું.‘દુગૉમાસી...’ એમના બારણે જઇને શિવાનીએ હળવેથી બૂમ પાડી. એ તૈયાર જ હતાં. એ બહાર આવ્યાં. બંને મહેકના ઘરમાં પ્રવેશ્યાં. મહેકના ઘરમાં પણ આગળનો રૂમ બેઠક તરીકે વપરાતો હતો. એ પછી ચોક અને ચોકની જમણી તરફ રસોડું હતું. એ પછી અંદરનો રૂમ હતો. સુનિલ અંદરના રૂમમાં ખુરસી પર બેઠો હતો. મહેક રસોડામાં ચા બનાવી રહી હતી. અમે આવી ગયાં છીએ. ચિંતા ના કરતી. મહેકની સામે જોઇને દુગૉમાસીએ એને આંખોથી જ ધરપત આપી.
‘સુનિલકુમાર, આવો... પધારો...’ દુગૉમાસીએ અંદર જઇને હસીને પૂછ્યું. ‘ઓળખો છો કે ભૂલી ગયા? હું દુગૉમાસી અને આ દેવુભાઇની શિવાની. રસિલા મારી બહેનપણી હતી. એ બાપડી પરલોક ગઇ એ પછી તમારી આ મહેક સાવ એકલી પડી ગઇ છે. હું અને શિવાની એનું ધ્યાન રાખીએ છીએ.’‘તમને બંનેને કઇ રીતે ભુલાય?...’ સુનિલે ઊભા થઇને દુગૉમાસીને પ્રણામ કર્યા અને શિવાનીને હાથ જોડીને નમસ્કાર કર્યા. ‘વડોદરા હતી ત્યારે મહેક અવારનવાર તમને બંનેને યાદ કરતી હતી એટલે એ રીતે પણ તમારો પરિચય તાજો જ રહ્યો હતો...’ સહેજ અટકીને સુનિલે શિવાની સામે જોયું.
‘મારાં સાસુનું અવસાન થયું ત્યારે તમે ફોન કરેલો પણ એ વખતે મગજ ઠેકાણે નહોતું એટલે વ્યવસ્થિત જવાબ નહોતો આપ્યો...’ સુનિલે નિખાલસતાથી કબૂલ્યું. ‘હકીકતમાં, મારે એ વખતે આવવું જોઇએ. સો ટકા આવવું જોઇએ, પણ વાતાવરણ એવું હતું કે આવ્યો નહીં. એ પછી વિચાર કર્યો ત્યારે લાગ્યું કે એ મારી ભૂલ હતી. રિયલી, આઇ એમ સોરી...’દુગૉમાસી અને શિવાનીએ તરત એકબીજાની સામે જોયું. ચાલો, શરૂઆત તો સારી થઇ. આ માણસને એની ભૂલનો અહેસાસ તો છે. બંનેએ આંખના ઇશારાથી જ સંતોષ વ્યક્ત કર્યો. હાથમાં ટ્રે લઇને મહેક ઓરડામાં આવી. ટ્રેમાં ચાર કપ હતા.
ટિપોઇ ઉપર ટ્રે મૂકીને એણે સુનિલ સામે જોયું. ‘લ્યો...’ પછી દુગૉમાસી અને શિવાની તરફ જોયું. ‘તમે પણ આરામથી બેસો...’ સુનિલે હાથ લંબાવીને ચાનો કપ લીધો. દુગૉમાસી અને શિવાની પણ હાથમાં કપ લઇને સામે પાટ પર બેઠાં. મહેક એ બંનેની વચ્ચે ગોઠવાઇ ગઇ. ‘અલી મહેક, પંખો ચાલુ કર. આ મૂઇ કુદરતમાંય કળજુગ આવ્યો છે. કારતક મહિનામાં ઉનાળા જેવી ગરમી લાગે છે...’ દુગૉમાસીએ કહ્યું એટલે મહેકે ઊભાં થઇને પંખો ચાલુ કર્યો. ચાનો ઘૂંટડો ભરીને દુગૉમાસીએ તરત મહેક સામે જોયું. ‘અલી, ચામાં આદું-ફુદીનો કંઇ નથી નાંખ્યું? સાંજે તો મારી સાથે જ લારીમાંથી ફુદીનો ખરીદેલો...’‘એમને એવી ચા નથી ભાવતી...’ મહેકે તરત જવાબ આપ્યો.
‘ચાની સાથે કોઇ નાસ્તાની પણ એમને આદત નથી.’ ‘આટલું યાદ રહ્યું એ સારી વાત છે...’ સુનિલના અવાજમાં ડંખીલો વ્યંગ હતો. ‘મને તો એમ કે અહીં આવ્યાં પછી એ બધું ભૂલી ગઇ હશે...’‘સુનિલકુમાર, અમારી છોકરીને આ રીતે મેણાં ના મારો...’ અગાઉ ક્યારેક મહેકે કહેલી વાત યાદ કરીને દુગૉમાસીએ તરત જવાબ ઊપજાવી કાઢ્યો. ‘અહીં આવી છે ત્યારથી એક પળ માટેય એ તમને ભૂલી નથી. કાલે જ શાકની લારીમાં તુવેરો જોઇને એણે કહેલું કે અમારા એમને રિંગણ-તુવેરના દાણાનું શાક બહુ ભાવે. ગમે તેટલાં મોંઘાં હોય તો પણ બજારમાં આવે કે તરત તુવેર લઇ આવે...’ ‘તમારી વાત સાચી હશે માસી.
આવી રીતે એ મને યાદ કરતી હશે એ પણ કબૂલ. પરંતુ એક વાત સમજી લો. સમયની સાથે સંબંધોનાં સમીકરણ બદલાઇ ગયાં છે. અમે બંને એવા તબક્કે આવી ગયાં છીએ કે હવે શું કરવું એના વિશે ગંભીરતાથી નિર્ણય લેવો પડશે...’સુનિલના અવાજમાં રહેલી ગંભીરતા પારખીને દુગૉમાસીના ચહેરા ઉપર લગીર ચિંતાની લાગણી પથરાઇ. ‘જુઓ, સુનિલકુમાર, અમે પણ આ છોકરીને એ જ સમજાવીએ છીએ કે જીદ પકડીને આવી રીતે ક્યાં સુધી જીવશો? સાચું કહું છું જમાઇરાજ! આ તમારું સાસરું. આ તરફ મારું ઘર અને આ બાજુ શિવાનીનું ઘર. છતાં અમારા સંબંધોને એ ભીંતનું નડતર નથી.
સળંગ એક જ ઘર હોય એ રીતે અમે રહીએ છીએ. કોઇ પડદો પણ નથી અમારી વચ્ચે. બધાની એકેએક વાતની બધાને ખબર હોય. કશુંય ખાનગી નથી અમારી વચ્ચે...’ પૂરી જવાબદારીથી દુગૉમાસી ગંભીરતાથી બોલી રહ્યાં હતાં. ‘એમાંય હું તો વડીલ છું. જરૂર હોય ત્યાં કાન પકડીને આ બંનેને શિખામણ દેવાનો અધિકાર છે મને. તમે નહીં માનો, તમારી સાથે ઝઘડીને એ અહીં આવેલી ત્યારે બિચારી રસિલા તો રડતી હતી. આંખ લાલ કરીને હું જ મહેકને લડેલી. ધમકાવીને કહેલું કે અરે મૂરખ! આવી રીતે ઘર ના છોડાય. ઉંબરાની બહાર પગ મૂકતાં અગાઉ અઢાર વાર વિચારવું પડે. પરણીને જે ઘેર ગયાં હોઇએ એ ઘર છોડવાની મૂર્ખામી ના કરાય... બહુ વટ રાખવામાં વાંધો પડી જાય... બહુ તાણવામાં બધું તૂટી જાય...’
‘માસી, તમારી લાગણી સમજુ છું. એ છતાં એક વાત સાંભળી લો. બહુ તાણવામાં તૂટી જાય એ તમારી વાત સો ટકા સાચી છે. અત્યારે બધું એ રીતે તૂટી ગયું છે કે હવે એ સંધાય એવી કોઇ શક્યતા નથી. સમાધાનનો સમય વીતી ગયો છે...’ એના ગંભીર અવાજમાં થોડીક અકડાઇ ઉમેરાઇ. ‘ખાસ એના માટે જ ધક્કો ખાધો છે. વધુ કડવાશ નથી ઉમેરવી.
‘તૂ...તૂ...મૈં... મૈં... કરવાનો કોઇ મતલબ નથી. કોઠી ધોઇશું તો કાદવ જ નીકળશે... વધુ મનદુ:ખ ઊભું કર્યા વગર બહુ શાંતિથી છુટા પડવાનો નિર્ધારકરીને આવ્યો છું. કોઇ દલીલ કે સામસામે આક્ષેપમાં સમય વેડફવાની જરૂર નથી. મારો નિર્ણય અફર છે. એ એની રીતે આઝાદ થઇને અમદાવાદમાં શાંતિથી જીવે અને હું વડોદરામાં મારી રીતે જિંદગી વિતાવીશ. સાથે રહીને સુખી નહીં થવાય. બંનેના સુખ માટે અલગ રહેવું એ એક જ ઉત્તમ ઉપાય છે...’
એકબીજા શ્વાસના અવાજ સાંભળી શકાય એટલી સ્તબ્ધતા વચ્ચે એકેએક શબ્દ છુટો પાડીને સુનિલે મક્કમતાથી પોતાનો નિર્ધારજણાવ્યો. ‘છુટા થઈ જવાનો નિર્ણય રાજીખુશીથી નથી લીધો, પણ બહુ વિચારીને લીધો છે. ભવિષ્યનું વિચારીને એવું લાગ્યું કે સાથે રહેવામાં સાર નથી. પુરુષ તરીકે મારી સહનશક્તિની સીમા આવી ગઈ છે. અત્યાર સુધીમાં જે કંઈ બની ગયું તેમાં થોડોઘણો મારો પણ વાંક હશે’ સુનિલે આ બધા સામે બે હાથ જોડ્યાં. ‘હવે પછી અહીં આવવાનું કોઈ કારણ રહેતું નથી. આજે છેલ્લી વાર આવ્યો છું ત્યારે મારી એ તમામ ભૂલ બદલ ખરા હૃદયથી માફી માગું છું.’ તેના અવાજનો રણકાર બદલાયો.
‘મારા આ નિર્ણયથી મહેકને કદાચ દુ:ખ થશે, પણ એ એણે ભોગવવું પડશે. મેં પણ ઘણી પીડા વેઠી છે એના પાપે.’ એણે મહેકની સામે તિરસ્કારથી જોયું અને બોલવાનું ચાલુ રાખ્યું. એ અત્યારે કંઈ બોલતી નથી. શાણી થઈને શાંતિથી બેઠી છે, પણ તેને બધો ખ્યાલ છે. શા માટે હું એને છુટી કરી રહ્યો છું તેના કારણની પૂરેપૂરી એને ખબર છે...તેના વિશે ચર્ચા કરીને લોહીઉકાળા નથી કરવા.’ સહેજ અટકીને એણે ઊંડો શ્વાસ લીઘો, ‘બસ, આનાથી વિશેષ મારે કંઈ જ કહેવાનું નથી, કંઈ સાંભળવાની પણ તૈયારી નથી.
છુટાછેડાની ફોમૉલિટીના બધા કાગળ કુરિયર દ્વારા મોકલાવી આપીશ...’ એનું બોલવાનું પૂરું થયું કે તરત મહેકે રડવાનું શરૂ કરી દીધું. જોરજોરથી એ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. દુગૉમાસી એના માથા ઉપર અને પીઠ ઉપર હાથ પસવારી રહ્યાં હતાં. શિવાનીનો ચહેરો તંગ હતો. આ પરિસ્થિતિ સાથે જાણે કશુંય લાગતું-વળગતું ના હોય એમ સુનિલ નીચું જોઇને બેઠો હતો.
‘સુનિલકુમાર, તમારી વાત ગળે નથી ઊતરતી...’ ધૂંધવાયેલા દુગૉમાસીએ તીણા અવાજે કહ્યું. ‘તમારા જેવા સમજદાર માણસ પાસેથી આવા શબ્દોની આશા નહોતી. સાવ બેજવાબદારની જેમ હાથ અધ્ધર કરવાની વાત ના કરો. કંઇક તો જવાબદારીનું ભાન રાખો. હવે તમે નાના નથી. મહેક તમારા બાળકની મા બનવાની છે એનો તો વિચાર કરો...’ કશો પ્રતિભાવ આપ્યા વગર સુનિલ હજુ નીચું જોઇને જ બેસી રહ્યો હતો. ઊભા થઇને દુગૉમાસી એની સામે જઇને ઊભાં રહ્યાં. ‘મારી વાત સમજાય છે તમને સુનિલકુમાર?...’ એમણે ચીસ પાડીને પૂછ્યું.
‘આ છોકરી રડે છે એ સંભળાય છે તમને? તમારું પહેલું સંતાન એના પેટમાં ઊછરી રહ્યું છે એ જ વખતે તમને આવો હલકો વિચાર આવે છે? આવી ક્રૂરતા તમને શોભતી નથી સુનિલકુમાર!...’ સુનિલે માથું ઊંચું કરીને એમની સામે જોયું. એટલે સહેજ અટકીને દુગૉમાસીએ નરમાશથી ઉમેર્યું, ‘આજની તારીખે એકેએક ઘરમાં મતભેદ હોય છે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા તો ચાલ્યા કરે... એમાં જ જીવવાની મજા આવે.
એકબીજાની ભૂલને ભૂલી જઇને નવેસરથી જીવવાનું અને ખાટા-મીઠા ઝઘડા વચ્ચે જલસા કરવાના... એમાં આવું અંતિમવાદી પગલું ના લેવાય મારા ભાઇ! મહેકની કોઇ ભૂલ હોય તો મોટું મન રાખીને એને ક્ષમા આપો. તમે કહો તો એ બે હાથ જોડીને માફી માગશે. એનાથી પણ સંતોષ ના થાય તો આ ઉંમરે હું તમારા પગે પડીને એના વતી માફી માગીશ... બસ? આનાથી વિશેષ શું જોઇએ તમારે?’રડવાનું બંધ કરીને મહેક સુનિલની સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહી હતી. સુનિલ શું જવાબ આપે છે એ સાંભળવા માટે શિવાની શ્વાસ રોકીને એ તરફ જોઇ રહી હતી. દુગૉમાસીના ચહેરા ઉપર ઉચાટ હતો.
સુનિલના હોઠ ફફડ્યા. જવાબ આપતાં અગાઉ મનમાં જાણે શબ્દો ગોઠવતો હોય એમ એણે વિચાર્યું. આંસુ લૂછીને મહેક હોઠ બીડીને પોતાની સામે સળગતી નજરે તાકી રહી છે એનો એને ખ્યાલ આવ્યો. ‘માસી, આ તમારી છોકરી તો છાની રહી ગઇ...’ મહેક સામે હાથ લંબાવીને એણે દુગૉમાસી સામે જોયું. ‘એને તો આવા કંઇક નાટક આવડે છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી...’ એના અવાજમાં તીખાશ ઉમેરાઇ. ‘મારી ચિંતા કરો. લોકો મારી સામે આંગળી ચિંધે નહીં એ રીતે મને જીવવા દો... મારે વધારે કંઇ કહેવું નથી. બાંધી મુઢ્ઢી રાખીને રાજીખુશીથી છુટાછેડા લઇએ એ અમારા બંનેના હિતમાં છે... છુટાછેડા સિવાય કોઇ વિકલ્પ નથી...’