Advertisement
Home >> Jokes >> Navalkatha >> Anajalpani, Mahesh Yagnik Navalkatha Part 79

મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ- ૭૯

Anajalpani, Mahesh Yagnik | Aug 12, 2012, 04:20AM IST
 
 

‘બે લાખ? બાપા પાસેથી?’ હેમાંગની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘માગનાર તો માગે. એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. નવાઈની વાત તો એ છે કે જાવેદ અન્સારી નામના એ ડોસાને બાપાએ રોકડા બે લાખ ગણી આપ્યા!’ ‘હોય નહીં!’ હેમાંગનું આશ્ચર્ય ચરમસીમા પર હતું.

‘શિવાનીબહેન, ઈફ યુ ડોન્ટ માઈન્ડ, મારું એક સૂચન છે. મનીષા, તું પણ સાંભળ..’ દેવશંકર અને હેમાંગની ગેરહાજરીમાં શિવાનીએ જાવેદ અન્સારી પ્રકરણ ઉખાળ્યું હતું. એણે જે કહ્યું એ સાંભળ્યા પછી પ્રતીકે બંને બહેનો સામે જોયું. ‘મારી વાત સાંભળો. એ વિશે વિચાર કર્યા પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.’‘બોલો’, મનીષાએ આરામથી બેસીને પતિની વાતમાં સંમતિ આપી. ‘બાપા અને હેમલો આવે એ અગાઉ જે કહેવું હોય એ કહી દો.’

પ્રતીકે સહેજ ગંભીરતાથી વિચારીને શબ્દો ગોઠવ્યા. ‘ઘરમાં રોકડા બે લાખ રૂપિયા પડ્યા હતા એ વાતની હેમાંગને ખબર ના પડે એટલા માટે આપણે એ વાત હેમાંગથી છાની રાખી હતી. આપણા બધાના આશ્ચર્ય વચ્ચે બાપાએ એ રૂપિયા જાવેદ અન્સારીને આપી દીધા.’ પ્રતીકે શિવાની સામે જોયું.’ હવે તમે કહો છો એ મુજબ મામલો સહેજ ગંભીર છે. આ પરિસ્થિતિમાં, બાપાથી છાનામાના આપણે તપાસ કરીએ એ અગાઉ, આઈ થિન્ક, આપણે હેમાંગને વાત કરવી જોઈએ. ગમે તેમ તોય હું આ ઘરનો જમાઈ છું જ્યારે હેમાંગ આ ઘરનો દીકરો છે.’

શિવાની અને મનીષા બંને વિચારમાં પડી ગયાં. બંનેની સામે જોઈને પ્રતીકે આગળની વાત સમજાવી. ‘કાલે ઊઠીને આ પ્રકરણમાં વધુ ગૂંચવાડો ઊભો થાય અને એ પછી હેમાંગને ખબર પડે તો એને મનમાં એવું થાય કે પ્રતીકકુમાર અને બંને બહેનોએ મને અંધારામાં રાખ્યો. હવે ઘરમાં એવો કોઈ દલ્લો તો પડ્યો નથી કે એનાથી છુપાવવું પડે. બાપા આઘાપાછા હોય એ વખતે હેમાંગને પાસે બેસાડીને આખી ઘટના કઈ રીતે બનેલી એ એને કહી દેવાની.’ પ્રતીકનો અવાજ વધુ ગંભીર બન્યો.’ ન કરે નારાયણને જાવેદની વાતમાં કંઈક ભોપાળું હોય તો આપણે બાપાની સાથે એને પણ વાત કરવી પડશે. એ વખતે હેમાંગ આપણી સાથે રહે એ ખૂબ જરૂરી છે. આખી વાત કહીને હેમાંગને આપણા પક્ષમાં રાખવો એ મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. ‘સહેજ અટકીને પ્રતીકે બંને બહેનો સામે જોયું. ‘બહુ વિચાર્યા પછી મને આવું લાગે છે, બાકી તમારી મરજી.’

‘યુ આર રાઇટ.’ પ્રતીકે જે કહ્યું એનો અર્થ સમજાયો કે તરત શિવાનીએ સંમતિ આપી. ‘હવે હેમાંગને ઇન્વોલ્વ કર્યા વગર છુટકો નથી. જાવેદ પ્રકરણની એને જાણ થવી જોઈએ.’ શિવાનીએ હા પાડી એ પછી મનીષાએ પણ હકારમાં મસ્તક હલાવ્યું. દેવશંકરની સાથે હેમાંગ ઘરમાં આવ્યો. રાત્રે જમ્યા પછી દેવશંકર એમના મિત્રો સાથે પોળના ચોકઠામાં ગયા એ વખતે હેમાંગ પણ બાજુની પોળમાં એના કોઈ મિત્રના ઘેર જવાનું વિચારતો હતો. શિવાનીએ એને રોકી રાખ્યો. અંદરના ઓરડામાં પ્રતીક અને મનીષા પલંગ પર બેઠાં હતાં. સામે ખુરસીમાં હેમાંગ બેઠો હતો. શિવાની પોતાની ખુરસી સહેજ ખસેડીને હેમાંગ સામે મોં રહે એ રીતે ગોઠવી. ‘કોઈ પ્રોબ્લેમવાળી વાત છે?’ આ બધાંનું વર્તન જોઈને હેમાંગે પૂછ્યું.

‘પ્રોબ્લેમની નહીં, પણ પરિવારની વાત છે.’ મનીષાએ હસીને કહ્યું, ‘તું આ પરિવારનો એક જવાબદાર સભ્ય છે એટલે મોટીબહેન જે કહે એ શાંતિથી સાંભળ. બાપા ઘરમાં આવે એ પહેલાં કથા પૂરી કરવાની છે.’‘હેમલા, શાંતિથી બેસ અને સાંભળ.’ શિવાનીનો અવાજ ગંભીર હતો. ‘લગભગ દોઢેક મહિના પહેલાંની વાત છે. બાપાનો એક ભાઈબંધ જાણે અચાનક આકાશમાંથી ટપકી પડ્યો હોય એમ આપણા ઘેર આવેલો. બાપા એ વખતે ઘરમાં નહોતા. આટલાં વર્ષોમાં બાપાના મોઢે કોઈ દિવસ એનું નામ પણ નહોતું સાંભળ્યું કે નહોતો કોઈ વાર એ ઘેર આવેલો.’

‘એવો વળી કયો ભાઇબંધ આવેલો?’ હેમાંગે ઉત્સુકતાથી પૂછ્યું.‘વચ્ચે કંઈ પૂછયા વગર આખી વાત ધીરજથી સાંભળ.’ શિવાનીએ એને સૂચના આપી અને આગળ કહ્યું. ‘બાપા ઘેર નહોતા એટલે સિત્તેર-પંચોતેર વર્ષનો એ ડોસો કલાક પછી આવવાનું કહીને જતો રહ્યો. બાપા ઘેર આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે તમારો જુનો મિત્ર જાવેદ અન્સારી આવ્યો હતો.’‘જાવેદ અન્સારી? બાપાનો ભાઈબંધ?’ શિવાનીએ ના પાડી હતી છતાં હેમાંગે આશ્ચર્યથી પૂછ્યું. એની સામે ધ્યાન આપ્યા વગર શિવાનીએ બોલવાનું ચાલુ રાખ્યું. ‘એ ઘેર આવ્યો હતો એ જાણીને બાપા એકદમ બેબાકળા બની ગયા. આવીને એ માણસે શું કહ્યું હતું એ જાણવા માટે એ એટલા રઘવાયા થઈ ગયા કે મને નવાઈ લાગી. મેં બાપાને ધરપત આપી કે જાવેદ અંકલે કોઈ વાત કરી નથી. એ ફરીથી આવવાના છે.’

પ્રતીક અને મનીષા ચૂપચાપ બેઠાં હતાં. હેમાંગ ઉત્સુકતાથી મોટીબહેનની વાત સાંભળતો હતો.‘બાપાએ ખુલાસો કર્યો કે એ જાવેદ જોરદાર નાટકિયો છે. સાચી-ખોટી વાત ઊપજાવીને લોકોના ઘરમાં કંકાસ કરાવવાનો એને શોખ છે. કલાક પછી જાવેદ આવ્યો. એ ડોસો એના મોટા દીકરા જોડે પૂના રહે છે. એના બીજા બે દીકરા મુસ્તાક અને અનવર અહીં જમાલપુરમાં રહે છે. હવેલી જેવું મોટું મકાન છે. અહીં રહેતા દીકરાઓની આર્થિક સ્થિતિ સારી નથી એવી એણે બાપા પાસે રજુઆત કરી. એક દીકરો ટ્રકનો માલિક હતો અને સારું કમાતો હતો પણ ટ્રકને અકસ્માત થયો એમાં એના પગ ભાંગી ગયા. ટ્રકના પણ ડૂચા નીકળી ગયા અને વીમાના પૈસા આવ્યા એ સામેની પાર્ટીને આપી દેવા પડ્યા. ટૂંકમાં, બંને દીકરાની દશા અત્યારે તો હેન્ડ ટુ માઉથ જેવી છે.

બાપ તરીકે જાવેદને એવી ચિંતા હતી કે આર્થિક તંગીને લીધે એના બંને દીકરાઓ દારૂ, જુગાર કે ચરસ જેવી અસામાજિક પ્રવૃત્તિમાં ખેંચાઈ જશે. બંને દીકરાઓ ઇમાનદારીથી જીવે અને મહેનતનો રોટલો રળી શકે એ માટે એ બંનેને રિક્ષા અપાવવાની જાવેદની ઇચ્છા હતી. બે હાથ જોડીને એ બાપા પાસે કરગર્યો કે છોકરાંઓની જિંદગી સારી બને એ માટે મદદ કરો. જમાલપુરનું મકાન હવેલી જેવું મોટું છે, પણ અશાંત વિસ્તારના કાયદામાં આવે છે એટલે એના ઉપર કોઈ બેન્ક લોન આપવા તૈયાર નથી. ઢીલાઢસ અવાજે આજીજી કરીને એણે બાપા પાસે બે લાખ રૂપિયા માગ્યા.’

‘બે લાખ? બાપા પાસેથી?’ હેમાંગની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.‘માગનાર તો માગે. એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. નવાઈની વાત તો એ છે કે જાવેદ અન્સારી નામના એ ડોસાને બાપાએ રોકડા બે લાખ ગણી આપ્યા!’‘હોય નહીં!’ હેમાંગનું આશ્ચર્ય હવે ચરમસીમા પર હતું.

‘એક્સાથે રોકડા બે લાખ બાપાએ આપ્યા કઈ રીતે? એ લાવ્યા ક્યાંથી?’‘એ આખી વાત અલગ છે.’ શિવાનીએ ચાલાકીથી શબ્દો ગોઠવ્યા.’ ‘તું જુનાગઢ કન્યા જોવા ગયો એ વખતે તારી સાથે રોકડા ત્રણ લાખ બાપાએ આપેલાને જુનાગઢમાં જટાકાકાને એ પૈસા તેં આપેલા એ યાદ છે ને? હકીકતમાં, એ વખતે મુંબઈથી જયંતીકાકાએ પાંચ લાખ રૂપિયા મોકલાવેલા પણ જટાકાકાને ત્રણ લાખની જ જરૂર હતી. એટલે બાકીના બે લાખ આપણા ઘરમાં જ પડ્યા હતા!’ શિવાનીએ હળવેથી સમજાવ્યું. બાપાએ જયંતીકાકાવાળા બે લાખ જાવેદને આપી દીધા.

અલબત્ત, ફોન કરીને એમણે જયંતીકાકાની સંમતિ લીધી હતી. હવે, મહત્વની વાત સાંભળ, એ વખતે જાવેદ ડોસાએ લખાણ કરી આપેલું. ડાયરેકટ બાપાના બેન્ક એકાઉન્ટમાં દર મહિને થોડી થોડી રકમ એના દીકરાઓ જમા કરાવશે એવું વચન આપેલું.. ડોસો તો એ વખતે ચાર-પાંચ દિવસ માટે જ અમદાવાદ આવેલો.’શિવાનીએ મનોમન તારીખ યાદ કરીને હેમાંગ સામે જોયું. એ વાતને લગભગ દોઢ મહિનો થઈ ગયો. ગઈકાલે મેં બેન્કમાં તપાસ કરેલી. બાપાના ખાતામાં એક નવો પૈસો પણ કોઈએ જમા કરાવ્યો નથી. પ્રથમ ગ્રાસે મક્ષિકા.’ હેમાંગ વિચારમાં પડ્યો.

‘હવે આખી વાત સમજ. શિવાની અટકી એટલે મનીષાએ મોટાભાઈ સામે જોયું. ‘આપણે ત્રણેય જેને ઓળખતા પણ નથી એવા ભાઈબંધ ઉપર બાપા વરસી કેમ પડ્યા? પોતે જાણે કર્ણનો અવતાર હોય એવી ઉદારતાથી પારકા બે લાખ એ ડોસાના હાથમાં ધરી દીધા! યાદ છે? આખો દિવસ પોળમાં બધાના ટાંપાટૈયા કરનાર બિચારા બટુકભગત અને નવીન બંગડીવાળાને નાનકડી રકમની જરૂર હતી ત્યારે બાપાએ એમને ચોખ્ખી ના પાડી હતી. એ વખતે તો એ રિટાયર થયા હતા અને ખાસ્સા પૈસા આવેલા હતા છતાં એ છોકરાઓનું દિલ તોડી કાઢેલું. આ જાવેદ ડોસાએ બાપા ઉપર શું જાદુ કર્યો એ સમજાતું નથી!’

‘મારી કે મનીષાની હિંમત ના ચાલે પણ શિવાની તો બાપાને પૂછી શકે.’ હેમાંગે સ્હેજ વિચારીને શિવાની સામે જોયું.’ મેં પૂછેલું?’‘પૂછેલું.’ શિવાનીના અવાજમાં નિરાશા હતી.’ જુની ભાઈબંધ અને એણે કરેલા ઉપકારોની ગોળગોળ વાત કરીને બાપાએ વાતનો વીંટો વાળી દીધો એટલે મેં તંત છોડી દીધો. પણ બેન્કમાં પૈસા જમા નથી થયા એટલે આખી વાત વિચિત્ર લાગે છે. આ રવિવારે હું, મનીષા અને પ્રતીકકુમાર જમાલપુર જઈને જાવેદના ઘરની મુલાકાત લેવાનાં છીએ. એ ડોસો તો પૂના રહે છે પણ અના બંને છોકરાંઓને મળીને ઉઘરાણી શરૂ કરવી પડશે.’ શિવાનીઅ ધીમા અવાજે ઉમેર્યું.’ ‘સાંભળ, અત્યારે બાપાને ખબર નથી પડવા દેવાની, સમજયો?’ હેમાંગે માથું હલાવીને સંમતિ આપી.

બારણું ખખડ્યું અને દેવશંકરના ચંપલનો અવાજ આવ્યો અટલે વાતનો વિષય બદલાઈ ગયો.રવિવારે સવારે પ્રતીક અને મનીષા પાછાં પોળે આવ્યાં. શિવાનીએ બંનેની રસોઈ બનાવી રાખી હતી. હેમાંગ પણ બાઈક લઈને આવી ગયો. જમ્યા પછી ઊંઘી જવાનો દેવશંકરનો કાર્યક્રમ હતો. હેમાંગ અને મહેક કોઈ ફિલ્મ જોવા જવાના હતા.પ્રતીક, મનીષા અને શિવાની પોળના નાકે આવ્યાં અને રિક્ષા રોકી. જાવેદ અન્સારીએ જે કાગળ લખી આપ્યો હતો એમાંથી શિવાનીએ સરનામું ઉતારી લીધું હતું. ‘પોળમાં હતી ત્યાં સુધી દર વર્ષે રથયાત્રા જોતી હતી પણ જગન્નાથ મંદિર હજુ સુધી અંદરથી નથી જોયું.’ મનીષાએ પ્રતીક સામે જોયું. ‘નો, પ્રોબ્લેમ. પહેલાં ત્યાં જઈને જગન્નાથજીના દર્શન કરીએ. પછી ઓપરેશન જાવેદ શરૂ કરીએ...’

મંદિરમાંથી દર્શન કરીને એ ત્રણેય બહાર નીકળ્યાં ત્યારે આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. જમાલપુર દરવાજા પાસે થઈને એ લોકો પગપાળા જ આગળ વધ્યા.બુરખા પહેરેલી સ્ત્રીઓ અને દાઢીવાળા પુરુષોની ભીડ વચ્ચે ચારેબાજુ નજર ફેરવતાં એ લોકો ધીમે ધીમે ચાલતાં હતાં. દસેક મિનિટ પછી ડાબી બાજુની પોળમાં અંદર ઘૂસ્યાં. ખાસ્સું અંદર ગયા પછી કોઈને પૂછ્યું અને જમણી તરફ વળ્યાં.

સાંકડી પોળમાં રિક્ષા અને બાઈકોની સાથોસાથ બકરીઓ અને મરઘીઓની પણ ભીડ હતી. પોળના છેવાડે હવેલી જેવું મકાન દેખાયું એટલે ત્રણેયની આંખ ચમકી. ઝડપથી પગ ઉપાડીને ત્યાં પહોંચ્યા ત્યારે ત્રણેયના પગ થંભી ગયા. બારણે મોટું તાળું હતું. જાણે વર્ષોથી કોઈએ એ મકાન ખોલ્યું ના હોય એવું પહેલી નજરે જ સ્પષ્ટ લાગતું હતું! જમણી તરફના ઓટલે એક પ્રૌઢા થાળીમાં ચોખા લઈને વીણતી હતી. ડાબી બાજુ લુંગી પહેરેલા બે યુવાનો મોટરસાઇકલને ધોઈ રહ્યા હતા.

‘આ મકાનવાળા જાવેદભાઈ અન્સારી... ‘શિવાનીએ એ પૌઢાને પૂછ્યું. પેલીએ ચશ્માં ઉતારીને આ ત્રણેયની સામે ધ્યાનથી જોયું. ‘જાવેદમિયાં તો વર્ષોથી પૂના રહે છે.’ એણે જવાબ આપ્યો.‘એમના બે દીકરા... મુસ્તાક અને અનવર ક્યાં છે?’ શિવાનીનો સવાલ સાંભળીને પેલા બંને યુવાનો આ ત્રણેયની પાસે આવ્યા.‘કોઈ લફડા હૈ?’ એણે પ્રતીકને પૂછ્યું. ‘જાવેદ જોકર તો કેટલાયને બાટલામાં ઊતારીને જતો રહ્યો. મુસ્તાક અને અનવર તો આઠ વર્ષથી દુબઈમાં જ રહે છે. ત્યાં ડ્રાઇવરની નોકરી કરીને કમાય છે...’ એણે હસીને પૂછ્યું.’ જાવેદકાકો કેટલામાં ખંખેરી ગયો છે?’

(ક્રમશ:)

mahesh_yagnik@yahoo.com
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment