Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Navalika
 

દુર્ગેશ ઓઝ: અલ્લડ

 
Source: Allad, Durgesh Oza   |   Last Updated 1:18 AM [IST](15/11/2011)
 
 
 
 
 
માવતરને ત્યાં બધું થાય, પણ સાસરે આવીને ગંભીર બનીને રહેવામાં ન તો મેધા માનતી હતી, ન તો હું કે મારાં માતાપિતા.

છોકરી કુંવારી હોય ત્યારે જ મજાકમસ્તી કરાય, સાસરે જાય ત્યારે બધું પિયરમાં ભૂલીને આવવાનું. એ અલ્લડતા, માછલી જેવી ચંચળ અને ચપળતા માવતરના ઘરે મૂકીને સાસરે ગંભીરતાનું આવરણ ઓઢીને શા માટે બેસવાનું? મેધાની દલીલો રેવાબહેનને પરેશાન કરી મૂકતી હતી. એમને માટે તો આ અલ્લડ દીકરી માથાનો દુખાવો હતી.

જમીને હું ઊભો થયો કે તરત જ રેવાબહેને મને રોકયો, ‘સાહેબ, થોડી વાર બેસશો? અગત્યની વાત કરવાની છે. સદ્ભાગ્યે આજે બધા ઘરમાં જ છે.’ હું બેઠો. બધા બેઠકરૂમમાં ભેગા થયા. રેવાબહેન વાત માંડે એ પહેલાં તો મેધા મને વિચારમગ્ન જોઇ બોલી ઊઠી. ‘ચિંતા ન કર. મોંઘવારી ભલે વધી. અમે કંઇ ઘરભાડું કે ‘ત્રણ ટંક’ જમવાના પૈસા વધારવાના નથી હોં! આમ શું જુએ છે? હું બરાબર જ બોલી છું. તારો ખોરાક કાંઇ રાંક નથી? તું ભાડું ન દે તોય કબૂલ, પણ એવી કોઇ વાત જ નથી. આજે તો મારી વાત થવાની છે. કેમ મારી માવડી, બરાબર ને?’ મેધાની વાત સાંભળી હું હસી પડ્યો, પણ રેવાબહેન ગંભીર થઇ ગયાં.

‘મને ખાતરી હતી કે બટકબોલી કડછો માર્યા વગર રહેશે જ નહીં. પાછી એને ખબર પણ છે કે આજે પોતાની ‘વટાવાની’ છે! ને એય, તમે બાપ થઇને આને એટલું તો કહો કે સાહેબને એ ‘તું’ કહીને ન બોલાવે! કમ સે કમ ‘હરેશભાઇ’ કહેવાની ટેવ તો પાડે! કોલેજના પ્રોફેસર સાથે આમ વાત ન કરાય. આખું ગામ સાહેબને પૂજે છે, માન આપે છે ને આપણી છોકરી એમને તુંકારે...?’

‘એક વાર નહીં, હજાર વાર એને ‘તું’ કહીશ. ગામ ભલે હરેશભાઇ કે સાહેબજી કહી સલામ ઠોકે, હું તો હરેશ જ કહીશ. હરિયો ય કહું લે! એને કાંઇ વાંધો નથી, એ કંઇ નથી બોલતો તો તમને પેટમાં શાનું દુખે છે? મારાથી બે જ વર્ષ મોટો છે ને છે સાવ બાળક જેવો ભોળો. એક વાર જીભેથી જે નીકળ્યું તે હવે કાંઇ બદલે નહીં, ખરું ને ‘હરિયા’?’

મેં હા પાડી ને હસી પડતાં ભૂતકાળમાં સરી પડ્યો. વીસેક વર્ષ પહેલાં અમે આ ગામમાં જ રહેતા હતા, ને એય પાછા રેવાબહેનના ઘરની સામે જ. હું ને મેધા સાથે ભણેલાં. તે બાલમંદિરમાં ને હું બીજા ધોરણમાં. પછી પિતાજીની બદલી થતાં અમે બીજે ગામ ચાલ્યા ગયા હતા. આજે વતનમાં નોકરી મળતાં મારે ફરી આ શહેરમાં આવવાનું થયું... મારી આ વિચારયાત્રાને અટકાવતાં મેધા બોલી ઊઠી.

‘કેમ, બધું જૂનું તાજું થઇ ગયું ને? તું આમ ભલે મોટો, પણ તને શરદી થતી ત્યારે હું જ તારું નાક લૂછી દેતી... ને મા, મને કહે જોઉં, ભગવાન તો બધાથી મોટા. સમસ્ત બ્રહ્નાંડના ધણી. તોય આપણે તેને ‘તું’ કહીને કેમ બોલાવીએ છીએ? તારી જ વાત કર. તું જ વારેઘડીએ ‘હે કેશવા, હે કેશવા’ કહીને શ્રીકૃષ્ણને તુંકારે નથી બોલાવતી! જેની હારે ઝાઝું ભડતું હોય એને ફાવે તેમ બોલાવો. એને માઠું ન લાગે. ઊલટું, ગમે.’

‘લ્યો, આ ચીબાવલી મને શીખવવા બેઠી! બસ સાહેબ, આ જ કામ માટે આજે તમને રોક્યા. મેધા હવે કાંઇ કીકલી નથી. સોટાની જેમ વધતી જાય છે, એ ને એની જીભડી. હજીય એની છોકરમત નથી ગઇ. દુનિયાદારી જેવું કંઇ હોય છે તે સમજાવો ને કહો કે ખોંચા કાઢવાના બંધ કરી ઝટ ‘હા’ પાડી દે. કોઇ મુરતિયો એને પસંદ પડતો જ નથી. કાં એવું બાલશિ વર્તન કરશે કે ચિત્રવિચિત્ર પ્રશ્નો પૂછશે કે સામેવાળા સમજીને જ... આમ ને આમ ચાલ્યું તો મારી દીકરી કુંવારી...’

‘ગમે તેને જાત સોંપી પિંજરે પૂરાવા કરતાં કુંવારા રહેવું સારું. મનગમતું અટકચાળું વાંદરું ન મળે ત્યાં સુધી કુંવારા રહી આઝાદીના ફુવારામાં સ્નાન કરતાં રહેવાનું. કેમ હું તમને ભારે પડું છું?’ ‘જોયું? પરણવાની વાત નીકળે એટલે એ આડુંઅવળું ભરડવા માંડશે. તમારો બોલ નથી ઉથાપતી. તમે ‘સાહેબ’ ખરા ને?’

મેધાએ મારી સામે અંગૂઠો બતાવ્યો, મલકાતાં જીભડી કાઢી. રેવાબહેને વાત આગળ ચલાવી. ‘તમે એને ટપારો કે આવા વાંદરવેડા આ ઉંમરે ન શોભે. હવે કોઇના ઘરની શોભા થઇ ઠરીઠામ બને. પંદર દી’ પહેલાં કોઇ જોવા આવ્યું’તું તો મુરતિયાને બહાર લઇ જઇ એના દેખતાં ઝાડ ઉપર ચડી, માર્યો ભૂસકો. પાછી પૂછે, ‘તમને આવું કરતાં આવડે?’ પેલો કહે ‘ના’... ને એની માએ પણ કહી દીધી ‘ના.’’

‘તુંય આવી જ હતી હોં. મેં વળી દયા ખાઇને હા પાડી દીધી. મારી દીકરીનો વાંક કાઢ મા, સમજી?’ સનતભાઇ બોલ્યા. રેવાબહેને વળતો પ્રહાર કર્યો. ‘શું કીધું તમે? તમે જ એને ચડાવી મારી છે. એટલે તો હજી એ ઝાડ પર ચડે છે. ભેગાભેગ એના ભઇલા મેહુલનેય ચડાવે છે. દીકરા, ઝાડ પર ચડાય?’ ‘શું કામ ન ચડાય? અમે તો ક્યારેક પેલા ડુંગર પર પણ ચડવા જઇએ છીએ.’ મેહુલે બહેનનો પક્ષ લીધો. ભાઇને તાળી આપી મેધા બોલી, ‘વાહ ભઇલા. એક વાર કાગડાને તરસ લાગવા છતાં તે નીચે ન આવ્યો, કુંજામાં નીચે રહેલા પાણીને ઉપર લાવવા તેણે ન તો કાંકરા નાખ્યા, ન તો નળી કે બીજું કંઇ, કારણ જાણે છે હરેશ? તે દી’ તેણે નર્જિળા એકાદશી કરેલી!’

‘સાહેબ, તમે કહો મારે કરવું શું? આના હાથ પીળા થઇ જાય એટલે ગંગા નાહ્યા. જાણે પોતે રૂપસુંદરી હોય એમ બધાને નાપાસ કરી દે છે. ભાઇસા’બ, હું તો થાકી. તમે આને બે શબ્દો કહો, નહીંતર...’ રેવાબહેન ગંભીર થઇ કહી રહ્યાં. મેધા ‘ખી...ખી...’ કરતી બહાર જઇને થોડી વારમાં પાછી ફરી, જુદા જ વેશમાં. રેવાબહેન ચોંકી ઊઠ્યાં, ‘આ શું લપેડા કર્યા છે? આ કેવું ચિતરામણ?...’ ‘મા, તે જ કીધું કે ‘જલદી હાથ પીળા થઇ જાય તો સારું’ એટલે મેં...’ મેધાએ શરીર હળદરથી રંગી નાખ્યું હતું. પીળી હથેળી બતાવી કામને વાજબી ઠેરવી રહી. ‘હળદર તો સારી. રોગ ન થાય. વાન ઊઘડે.’

રેવાબહેન મારી સામે આશાભરી મીટ માંડી રહ્યાં. મેં કહ્યું, ‘હું એને સમજાવીશ, બસ? મેધા, જો સાંજના છ વાગ્યે મારે ઘેર આવી જજે.’ ‘તારે ઘેર...!! એ ઘરેય મારું છે. અમારું ઘર પચાવી પાડવું છે કે શું? તારો ઇરાદો શું છે?’ ‘મેધા?’ રેવાબહેન ઊંચા અવાજે બોલ્યાં, પણ મેધા તો ખિલખિલ હસતી ભાગી ગઇ. સાંજે મેધા આવી એટલે મેં પૂછ્યું, ‘કેમ મોડી આવી?’

‘આવો મસ્ત મેઘો મંડાયો હોય ત્યારે ભીંજાઇને એનું સ્વાગત તો કરવું પડે ને? પહેલાં મેઘ આવ્યો, પછી મેધા ને આ મેધા અહીં મન મૂકીને વરસશે. આ કંઇ કોલેજ નથી. અહીં તો હું પ્રોફેસર..ને તું મારો વિદ્યાર્થી. તું મને સલાહ આપવા ટાંપીને બેઠો છે પણ પહેલાં તારે મારી વાત સાંભળવી પડશે. મને કહે કે નાનકડું પતંગિયું મોટું થતાં ઉડવાનું બંધ કરી દે છે? વાતા પવનને, વહેતા ઝરણાંને, નાચતા મોરને કોઇ વધતી ઉંમરનો હવાલો દઇ રોકે છે? ને એ રોકાય છે? તો પછી મને શા માટે? હું કંઇ ગેરવર્તન કરતી હોઉં તો ઠીક છે.

સ્વતંત્રતાને સ્વચ્છંદતાનું નામ આપી સરળતાને રુંધવાની રમતને તમે દુનિયાદારી કહો છો? જીવનભર બાળક બની રહેવું એ શ્રેષ્ઠ કલા છે. જે બનાવે આનંદમગ્ન તે સાચું લગ્ન. લગ્ન પછી હસીને વાતો કેમ ન થાય? બધી અલ્લડતાને પિયરની ખીંટીએ કેમ ટિંગાડી દેવાની? હું ખોટું શું કરું છું એ સમજાવો, વિદ્વાન પ્રોફેસર સાહેબજી?’

મેધાને કહેવા માટે મેં કરેલી પૂર્વતૈયારી ‘હવા’ થઇ ગઇ. હું જાતને સમજાવી રહ્યો. મેં એનો હાથ દાબ્યો ને મારા મનમાં ઘોળાતી વાત એની સમક્ષ મૂકી. ‘જો મેધા, તું કે તારી વાત ખોટી છે એવું મેં ક્યારેય કીધું છે? મને તો તારી આ નિર્દોષ અલ્લડતા બહુ ગમે છે, પણ મા-બાપનો આશય તું સમજ. એમને તારા તોફાનો સામે વાંધો નથી, પણ તારા તોફાન તારા લગ્નજીવનમાં તોફાન ન મચાવી દે એની ચિંતા છે. તું વાતનો મર્મ પકડ.’

‘કેમ? કામેકાજે હું ક્યાંય પાછી પડું એમ નથી. મારું રમતિયાળપણું એમાં ક્યાંય નડતરરૂપ નથી બનતું ને મારી માની લાગણી હું ન સમજું!? પણ ‘માવતરે જે કરવું સાચું હોય, તે સાસરે જઇને મૂકી દેવાનું, નહીંતર ખરાબ લાગે’ એ વાત કેવી વિચિત્ર? રહી મારી વાત, તો હું પાત્ર જ એવું ગોતીશ કે જે હું જેવી છું તેવી રાજીખુશીથી સ્વીકારે ને હું પણ એમ જ કરું. એકબીજાની સ્વતંત્રતા અને મસ્તીના આદર સાથે તેને પ્રેમ પણ કરવાનો.’

‘તારી વાતમાં દમ છે. મનેય આવું ગમે. દીકરી પિયરમાં હોય ત્યારે બધા એવી રીતે વર્તે, જ્યાં મજાકમસ્તી હોય, પણ આછકલાઇ ન હોય. ગુસ્સામાંય પ્રેમ વરસતો હોય, ઊતારી પાડવાની કે અપમાન કરવાની વાત જ ન હોય... આ વાત સાસરે પણ કેમ શક્ય ન બને?’ ‘વાહ હરેશ, અંતે તું પણ મારા પક્ષમાં આવી ગયો. તું કહે છે કે મનેય આવી અલ્લડતા, મસ્તી ગમે. કહેવું સરળ છે, કરવું કઠણ. તારા જીવનમાં આવું પાત્ર આવી ચડે તો તું સ્વીકાર કરે? તારા મા-બાપ રાજી થાય?’

‘કેમ નહીં? તું મને આટલા વખતથી ઓળખે છે ને? તને એવું લાગ્યું કે મેં તને કે કોઇને રોક્યા-ટોક્યા હોય? મેં હંમેશાં મારી જાતને બાળકની જેમ જીવવાની ટેવ પાડી છે. હું ય મસ્તીનો માણસ છું ને મારા મા-બાપ પણ.’ ‘બસ, તો પછી તું રેવાબહેનનું ઉપરાણું રે’વા દે. લગ્નના આગલા દિવસે મહેંદી મૂકી ઇ મૂકી. પછી કોઇ દી’ મૂકવાની નહીં. આ છેલ્લો આનંદ, છેલ્લી ધીંગામસ્તી.

હવે પછી એ બધું બંધ. એમ કેમ?!’ ‘હે મેધાજી, હવે ખમૈયા કરો. તું જીતી ને હું હાર્યો બસ? હવે રાજી?’ ‘હરેશ, રાજી થવાની મૂળ વાત તો હવે આવે છે, અત્યાર સુધી હું બધા ઉમેદવારને ના પાડતી હતી કારણ કે મેં... મેં મારું મનગમતું પાત્ર શોધી લીધું છે.’ ‘શું વાત કરે છે તું મેધા?’ ‘હા, મને વિશ્વાસ હતો કે તે મારી ધારણા મુજબનો જ હશે ને તે સાચો ઠર્યો. તું એને ઓળખે છે પણ હમણાં એનું નામ નહીં કહું. આ વાત તારે કરવાની છે. કરીશ ને?’

પહેલાં તો સૌ ચોંકી ઊઠ્યા. મેં માંડીને વાત કરી એટલે બધા સંમત થયા. રેવાબહેન બોલ્યાં, ‘પણ બેટા, તું તો સાહેબનેય એની પૂરી એંધાણી નથી આપતી. એ છે કોણ? ને સાહેબ, મેધાના કહેવા મુજબ તમે એને ઓળખતા હો, છોકરો સંસ્કારી ને કુટુંબ ખાનદાન હોય તો અમને શેનો વાંધો હોય? મેધાની ઇચ્છા મુજબનું મનગમતું અટકચાળું વાંદરું એટલે કે પાત્ર મળતું હોય તો...’

‘પણ મા, એક વાંધો પડશે. એ સંસ્કારી છે, તમારી આબરુ વધારશે, પણ આવકમાં થોડો ઘટાડો કરાવશે. રહેવા-જમવાનું ભાડું ગ્યું સમજો. હવે ત્યાં તમારા ‘સાહેબ’ નહીં રહે, પણ મારા મનનો માણીગર રહેશે. હું... ને મારા ‘ઇ’.’ ‘એટલે?! તું સાહેબને ઘર ખાલી કરાવશે? તારો ઇ પૈસેટકે નબળો હોય તો એના રહેવાની બીજી વ્યવસ્થા કરીશું, પણ સાહેબને કાઢવાની વાત શું કામ?’ જવાબમાં મેધાએ હસીને એના ‘ઇ’નું નામ આપી મારી સામે જોયું. ચમકવાનો વારો મારો હતો. જોકે એણે મારા મનની વાત કહી દીધી હતી, જે અત્યાર સુધી હું કહી નહોતો શક્યો.

મેધા બોલી, ‘જોયું ને? હું નહોતી કે’તી કે તમારા સાહેબ મકાન પચાવી પાડવા માંગે છે?’ રેવાબહેન બોલી ઊઠ્યાં, ‘બેટા, એને મકાન નહીં, ‘ઘર’ કહેવાય. સાહેબ, તમે તો અમારી દીકરીને જ પચાવી પાડી. આવું હોય તો ઝટ બોલી દેવાય.’ ‘રેવાબહેન, તમે મેધાની જેમ? પણ હા, હું ભાડું તો આપવાનો જ. મેધા, તેં તો...’ ‘હા, મારા હરીયા, હવે હું તમને પ્રાણનાથ કહીશ. હવે આ આપણું ઘર શું સમજયો?’ ‘તારો ‘ઇ’ બધું સમજી ગ્યો. મને તો બધી ખબર હતી. મેધાએ જ મને અગાઉથી... ને આ રેવા.. કાંખમાં છોકરું ને ગામમાં ગોતે.’ સનતભાઇ બોલ્યા. રેવાબહેને કૃત્રિમ ગુસ્સો કર્યો ને બધા હસી પડ્યાં.

... ને અમે બંને પરણી ગયાં. લગ્ન વખતે મારા મા-બાપ સાથે મેધાને ઝાઝું રહેવાયું નહોતું, પણ વેકેશનમાં અમે એકાદ મહિનો રોકાયા. મેં માને પૂછ્યું, ‘કેવી લાગી પોરબંદરની માછલી?’‘મુરખ, આ માછલી નહીં, આ તો દરિયાનું મોતી છે.’ રેવતીબહેન મલકાઇને કહી રહ્યાં.

દુર્ગેશ ઓઝા
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.