Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Gandhidham
 

લોકોને કોણ છુટકારો અપાવશે ?

 
Source: Tushar Maheswari, Gandhidham   |   Last Updated 3:54 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ગાંધીધામની ભૂગોળ અદ્ભુત છે, કોઇ પણ રસ્તેથી ક્યાંય પણ જઇ શકાય છે. આવું જ ખુલ્લા પડેલા ખાડાનું છે, દરેક રસ્તે ખાડો મળી આવે

આવા તો અનેક ખાડાઓ શહેરભરમાં ખુલ્લા પડ્યા છે કે જે મંગળવારની રાતે પડયો હતો તેવા વરસાદમાં ગમે તેને ખેંચી શકે છે

ગાંધીધામમાં શનિવારે રાત્રે એક બાઇક સવાર ગટરના ખુલ્લા પડેલા ખાડામાં ડૂબી ગયો. ગણતરીના દિવસોમાં એક માતાના હાથમાંથી ફૂલ જેવી આઠ મહિનાની પુત્રી નાલામાં તણાઇ ગઇ અને ૨૪ કલાક જેટલો સમય વિતી જવા છતાં તેને જીવતી તો ઠીક મૃતદેહ પણ શોધી ના શકાયો.

આ બંને બનાવ મારા અને તમારા પરિવારમાં પણ બની શકે એવી ગાંધીધામની આજની સ્થિતિ છે. દિવ્ય ભાસ્કરની ટીમે ગાંધીધામને ચાર ચક્કર લગાવીને અનેક ખાડાઓ શોધી કાઢયા કે, જેમાં જરા જેટલા વરસાદમાં જમીનની સપાટીને ખાડા સમતળ થઇ જાય અને કોઇ પણ વ્યક્તિ જો ખ્યાલ ન હોય તો તણાઇ શકે.

ચાલુ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું અને વરસાદ પણ મન મૂકીને પડી રહ્યો છે, ત્યારે મેઘરાજાને તો ખબર ન હોય ને કે, ગાંધીધામ બાજુ ના જવાય, ત્યાં સરકારી તંત્રે અનેક ખાડાઓ, નાલાઓ, ગટરો ખુલ્લા રાખી દીધા હશે અને તેમાં નિર્દોષ માણસો તણાઇ જશે.
મંગળવારે અપનાનગર વિસ્તારમાં એક ભાનુશાલી સમાજની યુવતીએ ગજબની હિંમત દાખવીને ઉંડા ખાડામાં પડી ગયેલાં બાળકને બચાવી બહાદુરીનું કામ કર્યું હતું,પણ દરેક વખતે આવી બહાદુર વ્યક્તિ હાજર નહીં હોય અને ખાડામાં ગરકાવ થયા પછી મોટે ભાગે લાશ સિવાય કાંઇ બહાર આવતું જ નથી.

દિવ્ય ભાસ્કરની ટીમે સમગ્ર શહેરમાં ફરીને એક સર્વે કર્યો, ત્યારે એવા ૨૭ ખાડા મળી આવ્યા કે, જેમાં જો પડ્યા તો પછી.. રામ બોલો ભાઇ રામ. આવા ઉંડા ખાડા વરસાદની સીઝનમાં શા માટે ખોદવામાં આવ્યા છે. જો ખોદી જ નાખ્યા છે તો ગોકળગાયને પણ ઝડપી કહેવડાવે એવા ઠેકેદાર કે પછી તેના માટેના જવાબદાર અધિકારી સામે પગલાં કેમ ભરવામાં આવતાં નથી. લોકોના મનમાં આવા અનેક જાતના પ્રશ્નો છે કે, જેનો જવાબ કોઇ પાસે નથી, પણ એક વાત લોકોએ મક્કમતાપૂર્વક પોતાના લલાટે લખવી પડશે કે, ખાડાઓથી દૂર રહેવામાં જ તેનું લલાટ યથાવત્ રહેશે.

ડિઝાસ્ટરમાં કોણ કામ આવી શકે ?

માત્ર ગાંધીધામ જ નહીં, બલકે પૂરા ગુજરાતમાં જો કોઇ વ્Ûકિત ડૂબી જતી હોય તો તેને જીવતી બચાવી લેવા માટે માનવીય અભિગમ સિવાય સરકારનું કોઇ તંત્ર જ નથી. ગાંધીધામમાં રહેતા ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, તમે પોલીસને જાણ કરી શકો છો. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, પોલીસ કોઇ વ્યક્તિને બચાવવા તળાવમાં કે ગટરના ખાડામાં પડે છે, ત્યારે તેમનો જવાબ હતો કે, સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં પોલીસની પ્રેરણાથી જ જોડાતા હોય છે. હવે જો સ્થાનિકના જ યુવાનો આ કામ કરવાના હોય તો સરકારની કઇ મશીનરી કામ આવે તે બાબતનો તેમની પાસે કોઇ જવાબ ન હતો.

લોકો કોની પાસે અપેક્ષા રાખી શકે?

સાંસદ પૂનમબેન જાટ
ધારાસભ્ય નીમાબેન આચાર્ય
નગરપતિ ભાવેશ આચાર્ય
માજી સાંસદ ઉષાબેન ઠક્કર
માજી ધારાસભ્ય નિર્મલાબેન ગજવાણી
માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચા
નગરપતિ ઉપરાંતના ૪૧ નગરસેવકો અને કેટલાય સનદીકક્ષાના અધિકારીઓ આ શહેરમાં રહે છે કે, જે રાજ્ય-દેશનું વહીવટી તંત્ર સુપેરે ચલાવી શકે એવા શકિતમાન હોય છે. આવા અગ્રણીઓની પાસે જ લોકો અપેક્ષા રાખી શકે ને?

ચેમ્બરને થોકબંધ ફરિયાદો મળી છે

સુધરાઇ દ્વારા શહેરમાં ડ્રેનેજ લાઇન નાખવા માટે ઠેરઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે, તેમાંના ઘણાખરા ખાડાઓને કામ પૂરુ ના થયું હોવાથી જેમના તેમ છોડી દેવામા આવ્યા છે, જે અત્યંત જોખમી પુરવાર છે. મુશળધાર વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાયાં છે અને રસ્તા પરના પાણી અને ખાડાઓના પાણીની સપાટી સમાંતર થતાં અનેક રાહદારીઓ અને વાહનચાલકો ઇજાગ્રસ્ત થયા છે. એક બાઇકચાલકે જીવ ગુમાવ્યો છે, તો એક બાળકી લાપતા થઇ છે. આ અંગેની અનેક ફરિયાદો ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને મળતાં સુધરાઇને એક પત્ર લખી આવા જોખમી ખાડાઓને અગ્રતાના ધોરણે બંધ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.