કચ્છમાં વધેલા ઔદ્યોગિકરણને પગલે વિકાસમાં હંમેશાથી યોગદાન આપી રહેલા રેલવે તંત્ર દ્વારા સુવિધાઓમાં પણ વધારો કરાઇ રહ્યો છે. આ માટે જ R સાત કરોડના ખર્ચે બનાવાયેલા ગાંધીધામ-આદિપુર વચ્ચેના ડબલ ટ્રેક પર આજે એન્જિન દોડાવી આ કામ પૂરું કરાયું હતું.
રેલવે તંત્ર દ્વારા કચ્છમાં અત્યાર સુધી ગાંધીધામ સુધી જ ડબલિંગ ટ્રેક તૈયાર કરાયો હતો. પણ ધીમે ધીમે પ્રવાસી અને માલ પરિવહનની કામગીરીમાં વધારો થતાં ગાંધીધામથી આદિપુર અને કંડલાથી ગાંધીધામ સુધીના સિંગલ ટ્રેકને ડબલ કરવાની યોજના હાથ પર લેવાઇ હતી. ગત વર્ષોમાં આ માટે પ્રોજેક્ટ તૈયાર કરાયા પછી છેલ્લા બજેટમાં તેને મંજૂર અપાઇ હતી.
આ અંતર્ગત મુન્દ્રાથી આદિપુર સુધીની ખાનગી રેલવે લાઇનના ડબલિંગ ખાનગી રીતે કરવા તેમજ R સાત કરોડના ખર્ચે ગાંધીધામ- આદિપુર લાઇનને ડબલિંગ કરવાના કામ આરંભાયા હતા. રેલવે તંત્રએ આ ડબલિંગનો પ્રોજેક્ટ તાજેતરમાં પૂરો કરી લેતા રવિવારે અધિકારીઓની ઉપસ્થિતીમાં નવા ટ્રેકનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં સફળતા મળી હતી.
આગામી દિવસોમાં પ્રથમ માલગાડી દોડાવાયા પછી સમયાંતરે તેના પર પ્રવાસી ગાડીઓ પણ દોડાવી શકાશે. આ કામગીરીમા એરિયા મેનેજર કમલેશ ગોસાઇ, ચીફ એન્જિનિયર વિકાસ કુમાર, એમ. સી. ગોડ, રાજેશ ગૌતમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.