સાત દિવસ સુધી ખાડા, સફાઇ, પાણી સહિતની સમસ્યાઓનું નિરીક્ષણ કરી અહેવાલ આપશે
વરસાદી પાણી અને ગટરના ખોદાયેલા ઉંડા ખાડાઓની પરિસ્થિતિ વચ્ચે નકૉગારમાં ફેરવાયેલા ગાંધીધામને ઉગારવા માટે જિલ્લા વહીવટી તંત્રે સીધો હસ્તક્ષેપ કરીને આગામી સાત દિવસો માટે ગાંધીધામને ઓબ્ઝર્વેશન હેઠળ મૂકી દીધું છે. આ માટે જિલ્લાના સાત જેટલા કલાસ વન અધિકારીઓ અંજારના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરભરની સમસ્યાઓનું નિરીક્ષણ કરીને અહેવાલ
તૈયાર થશે.
૧૦-૧૦ ફૂડ ઉંડા ખોદાયેલા ગટરના ખાડાઓમાં પડીને મોતની ઘટનાઓ બની રહી છે, ત્યારે કચ્છ કલેક્ટર એમ.થેન્નારસને ગાંધીધામની સ્થિતિની સમીક્ષા કરવા સીધા આદેશ છોડ્યા છે. અંજારના પ્રાંત અધિકારી હર્ષદ વોરાના નેજા હેઠળ વર્ગ-૧ના સાત જેટલા અધિકારીઓને શહેરની સમસ્યાઓ અંગે નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
માર્ગ- મકાન વિભાગ, સમાજ સુરક્ષા, પછાતવર્ગના તેમજ સિંચાઇ ખાતા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમ
સાથે શુક્રવારથી પોતાની કામગીરી સંભાળી લેશે. જે અંતર્ગત નગરમાં ફેલાયેલી ગંદકી, પાણી ભરાવું, ટેક્નિકલ મુદ્દા, સફાઇ તેમજ અન્ય સમસ્યાઓ માટે ચકાસણી કરાશે.
પ્રાંત અધિકારી વોરાના જણાવ્યા પ્રમાણે કલેક્ટરે આ કામ પાર પાડવા સાત દિવસનો સમય આપ્યો છે. જરૂર પડ્યુંે સમયમર્યાદા ૧૦ દિવસ સુધી પણ કરી શકાશે. આજે આ અંગે ગાંધીધામ સુધરાઇમાં સવા બે કલાક સુધી ઉપરોકત તમામ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. તેમાં થયેલી ચર્ચા મુજબ શહેરના વોર્ડ, સોસાયટી તેમજ અન્ય વિસ્તારો મુજબ નિયત ટુકડી કામે લાગશે.
સમસ્યાઓનો હલ કરવા એકશન પ્લાન પણ અમલમાં મુકાય એવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી. સફાઇ અને ગંદા પાણીના નિકાલ માટે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રૂપિયા ૨૭ લાખના ખર્ચે ફાળવાયેલું જેટિંગ મશીન આજે જ શહેરની પાલિકાને સુપરત કરાયું છે. જે શુક્રવારથી કાર્યરત થઇ જશે.
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ, પાલિકામાં યોજાયેલી બેઠકમાં એક પદાધિકારીએ નાના કર્મચારીઓ દ્વારા માધ્યમો સુધી આવી વિગતો ન પહોંચે એ માટેની સૂચના સાથે દબાવવામાં આવ્યા હોવાનું પણ માહિતગારોએ કહ્યું હતું.