મીટિંગોના દોર, સ્થળ ઉપર જવામાં ધક્કાઓ વધતાં ભુજથી ઓફિસર ‘અપ-ડાઉન’ કરતા થઇ ગયા
કચ્છમાં ચાલી રહેલા ગરીબ મેળાઓ, ૧૯મીએ ભચાઉમાં થનારા મુખ્યમંત્રીના સદ્ભાવના ઉપવાસ અને ત્યાર બાદ એક મહિનાથી પણ વધુ સમય સુધી ચાલનારા રણોત્સવના કારણે સ્થિતિ એવી થઇ છે કે, લોકોના કામો અટકી ગયા છે.
મેળાઓ અને અવિરત કાર્યક્રમોની ભરમારને કારણે તંત્રના અધિકારીઓ ઇવેન્ટ મેનેજરનો રોલ અદા કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.તંત્રના અધિકારીઓને કાર્યક્રમ સફળ બનાવવા મીટિંગના દોરનો ડોઝ પણ તંત્રમાં પડી રહ્યો છે. ભુજથી રોજ દિવસે સાઇટ પર તૈયારીની સમીક્ષા કરવા ભચાઉ, નખત્રાણા કે માંડવી વગેરે સ્થળે જવું પડતું હોવાથી તેઓ જાણે કે અપ-ડાઉન કરતા હોય તેવું લાગી રહ્યું છે.
ઉપવાસ ટોપ પ્રાયોરિટી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભચાઉમાં સદ્ભાવના ઉપવાસની પ્રાયોરિટી સર્વોચ્ચ હોવાને કારણે ભુજ ખાતેની કલેક્ટર કચેરીમાં તો જનરલ બ્રાન્ચને જ સમગ્ર કાર્યક્રમની જવાબદારી સોંપી દેવામાં આવી છે, ઉપરાંત પ્રાંત અધિકારીઓ નોડલ ઓફિસર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.