- પ્રસૂતિ માટે મહિલા લાશો વચ્ચે કણસતી રહી હતી
- ભૂજ શહેરમાં ચારેબાજુ કાટમાળ અને મૃતકો જ જોવા મળ્યા હતા
- આખરે એ ગોઝારા દિવસે મધ્યરાત્રિએ જ પુત્રરત્ન અવતર્યું આ પરિવારમાં
ભૂજમાં જ્યારે 11 વર્ષ અગાઉ 26મી જાન્યુઆરી, 2001ના રોજ ગોઝારા ભૂકંપમાં સમગ્ર ભૂજ શહેર ધ્વંશ પામ્યું હતું ત્યારે વિસર્જનની તે ઘડીએ એક માતાની કોખ નવસર્જન માટે નિમિત બની હતી.
ભૂજ શહેરના નાગર ચકલા વિસ્તારમાં રહેતા પરિવારને આજે પણ એ ગોઝારો દિવસ યાદ છે જ્યારે ચારેબાજુ લાશો પડી હતી અને એ લાશો વચ્ચે સગર્ભા અનિલાબેને સંતાનને જન્મ આપ્યો હતો.
અહીંના નાગરચકલા વિસ્તારમાં માંડલિયા શેરીમાં રહેતાં અનિલાબેન ઠક્કરને ભૂંકપના દિવસે પ્રસવ પીડા ઉપડી હતી. તે સમયે ચારેકોર કાટમાળ અને બેઘર બનેલા તથા પરિવારજનો ગુમાવી બેસેલા હતાશ લોકો જ હતા.
તેઓ પરિવારના સભ્યો સાથે જેમ તેમ કરીને આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં રાત્રે તેમણે પુત્રરત્નને જન્મ આપ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે પ્રસૂતિ થઇ ત્યાં સુધી તેઓ લાશો વચ્ચે કણસતાં રહ્યાં હતાં.
જો કે તેમની માનસિક સ્થિતિ ના બગડે તે માટે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની આસપાસ દર્દીઓ સૂતા છે. અનિલાબેનનો દીકરો શાલિન પણ પોતાના જન્મ સમયની વાતો સાંભળીને રોમાંચ અનુભવે છે.