હાલે જહાજથી માલ નિકાસ કરવા જતાં ખેડૂતોએ અઢળક ખર્ચ કર્યા છતાં પણ લાંબી મુસાફરીના કારણે માલની ગુણવત્તા પર અસર થાય છે
કચ્છમાં હવે બાગાયતી પાકોનું ઉત્પાદન પૂરજોશમાં થઇ રહ્યું છે. લાખો ટન બાગાયતી પાકોની નિકાસ વિદેશમાં થાય છે. પરંતુ હાલે કચ્છને એરકાર્ગોની સુવિધા સરકારે પૂરી પાડી ન હોવાથી અનેક મુશ્કેલી તથા નુકસાનનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે.
વિદેશી નિકાસથી બાગાયતી પાક ઉગાડતા ખેડૂતો વર્ષે લાખોનું વિદેશી હુંડિયામણ સરકારને રળી આપે છે. છતાં પણ અનેકો વખતની માંગ છતાં સરકાર આંખ આડા કાન કરી ખેડૂતનોનું મનોબળ તોડી રહી છે. કચ્છથી ડાયરેક્ટ એરકાર્ગો અપાય તો માલની નિકાસમાં તથા હુંડિયામણની આવકમાં બમણો વધારો થઇ શકે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
હાલે કચ્છના ખેડૂતો મોટાપાયે દાડમ, પપૈયા, કેરી, ખારેક જેવા ફળોની દુબઇ, મસ્કત, લંડન જેવા દેશોમાં નિકાસ કરે છે. પરંતુ હાલે આ માટે જહાજના માધ્યમનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે મબલખ ખર્ચે કર્યા પછી પણ દિવસોના દિવસ નીકળી જાય છે માલ પહોંચતા પરિણામે તેની ગુણવત્તા પણ પર અસર પડે છે. જેથી ખેડૂતોને માલ ગુણવત્તા યુક્ત હોવા છતાં ઓછી કિંમત મળે છે.
એરકાર્ગો દ્વારા મૂકવાની સુવિધા મુંબઇથી ઉપલબ્ધ છે ત્યાં સુધી રોડ મારફતે માલ પહોંચાડવો નાના ખેડૂતોને પરવડે નહીં વળી તે પણ સમય અને માગી લે છે. વળી વિદેશમાં અમુક ગુણવતાવાળો માલ જ પાસ થાય છે. તેથી ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરકાર કચ્છ ખાતેથી આ સુવિધા આપે તે જરૂરી છે.
આ અંગે કેરીની વર્ષોથી નિકાસ કરતા પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદેશમાં ભીંડી, ગુવાર, પરવળ જેવા શાકભાજીની ભારે માંગ છે ત્યાંના લોકો આના મોં માગ્યા દામ આપે છે. કચ્છમાં બારેમાસ મુખ્ય પાકની વચ્ચે આંતરપાક તરીકે આને લઇ શકાય એમ છે પરંતુ આ માલ જહાજ દ્વારા મોકલી શકાય નહીં તેની ગુણવત્તા પર અસર પડે. જો એરકાર્ગો મળે તો નાના ખેડૂતો પણ શાકભાજીની નિકાસ કરીને કમાણી કરી શકે તેમ છે.
આ અંગે કરસનભાઇ પટેલે કહ્યું હતું કે હાલે નિકાસકારો પહેલાથી કચ્છનો માલ ખરીદતા નથી કારણ કે અહિંથી માલ મુંબઇ સુધી લઇ જવો ઝંઝટભર્યું છે. તેઓ પાસે કેરીની સીઝનમાં માલ પૂરો થાય પછી જ કચ્છનો ખરીદવા આવે છે. જો એરકાર્ગોની સુવિધા મળે તો એક્સપાર્ટરો પહેલાથી કચ્છનો માલ ખરીદી લે અને અહીંથી જ નિકાસ કરી શકે પરિણામે ખેડૂતોને વધુ લાભ મળી શકે.
ખેડૂતોને વિદેશી ઓર્ડર ગુમાવવા પડે છે
એરકાર્ગોમાં જો માલ નિકાસ થાય તો ૧ દિવસમાં ફ્રેશ જ માલ વિદેશની માર્કેટમાં પહોંચી જાય છે. જ્યારે જહાજમાં ૭ થી ૮ દિવસ લાગે છે. પરિણામે તેના ભાવ નીચા મળે છે. તેમજ ઘણી વખત ગુણવત્તા નબળી પડી ગઇ હોય તો ખેડૂતોને બીજા વર્ષે ઓર્ડર પણ ગુમાવવા પડે છે.