રાજ્ય સરકારે નર્મદા ડેમની ઉંચાઇ વધારવા સખત મહેનત લીધી છે, પરંતુ કેન્દ્ર સરકાર નર્મદા યોજનામાં દરવાજા ઊભા નહીં કરવા દેવા અને સરચાર્જની નીતિને કારણે મુશ્કેલી ઊભી થઇ છે. કેન્દ્ર સરકાર નર્મદા ડેમની ઉંચાઇ વધારવા મંજુરી આપે તો ટૂંક સમયમાં કચ્છને નર્મદાનું પાણી ગ્રેવિટીથી આપી શકાય તેવું અબડાસા તાલુકાના કોઠારા ગામે માર્કેટયાર્ડનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.
૧.૮૫ કરોડના ખર્ચે બંધાનારા સ્વ.ગિરીશકુમાર રવજીભાઇ માર્કેટયાર્ડના ભૂમિપૂજન પ્રસંગે ઉદ્બોધન કરતાં શિક્ષણમંત્રી રમણભાઇ વોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના કૃષિ મહોત્સવને કારણે ખેતવિકાસ દર ૧૨.૫ ટકા સાથે સમગ્ર દેશમાં ગુજરાત શિખર ઉપર પહોંચ્યું છે.
રાજ્ય સરકાર દરેક ખેડૂતના ઘેર ફોર વ્હીલ ગાડી હોય તેવું સપનું જોઇ રહી છે. ખેતીના વિકાસ માટે જળસંચયના આનુષંગિક પગલાં લીધા હોવાથી પાણીના તળ ઉંચાં આવી રહ્યાં છેરાજ્યમંત્રી વાસણભાઇ આહિરે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એપીએમસી બનતાં ખેડૂતોને ઉત્પાદનના વાજબીભાવ મળશે.
કોઠારામાં અબડાસા તાલુકા માટે માર્કેટયાર્ડના હેતુસર જમીન ફાળવવા બદલ રવજીભાઇ ભાનુશાલી પરિવારની દાતારીને બિરદાવતાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હવે અબડાસાની સમૃદ્ધિમાં વધારો થશે.જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીએ માર્કેટયાર્ડ કૃષિપુત્રો માટે આશીર્વાદરૂપ નીવડશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે માર્કેટયાર્ડ માટે ગોવિંદભાઇ રવજી ભાનુશાલીએ અંદાજે રૂપિયા પચાસ લાખની કિંમતી જમીના દાનમાં આપતાં મંત્રીએ શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.