સદભાવના મશિનમાં અટવાયેલી ભુજ પાલિકાની વેરા વસૂલાત કાર્યવાહી પુન: પાટે ચડતાંથી સાથે જ ત્રણેક એપાર્ટમેન્ટની દુકાન આકારણી વિના જ બેથી ત્રણ વાર ખરીદ-વેચાણ થયેલી માલૂમ પડી હતી. તમામને નોટિસ ફટકારાઇ છે.
આ અંગે મળતી વિગતો મુજબ સુધરાઇની ટીમ સવારથી ચેકિંગમાં નીકળી, ત્યારે સંસ્કારનગર પાસે આવેલા રાઘવદર્શન, અયોધ્યા અને ઇન્દ્રપ્રસ્થ ૧-૨ એપાર્ટમેન્ટમાં ઘણા ભાગની દુકાનો આકારણી વગરની માલૂમ પડી હતી. એટલું જ નહીં, બેથી ત્રણવાર સોદા થઇ ગયા બાદ પણ વેરાનું ક્લિયરન્સ થયું નહોતું.
મુખ્ય અધિકારી ચેતન ડુડિયાએ કહ્યું કે, મિલકત વેચતી વખતે વેરો ભરાયેલો છે કે નહીં તેની ચકાસણી તુરંત કરાવવી પડશે. આ કાર્યવાહી વધુ કડક બનશે. એટલે જેની આકારણી કે, વેરા બાકી હોય તેઓએ તત્કાળ ભરી જવા જણાવાયું છે.
જીઆઇડીસીનું પાણી જોડાણ કપાયું
જીઆઇડીસીનું પાણી કનેકશન કાપી નખાયું છે. જીઆઇડીસીની દોઢથી બે લાખ જેટલી રકમ બાકી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. અહીં કુલ ૧૧૦ એકમો છે. તે પૈકી જેટલાના પ્રોપર્ટી ટેક્સ બાકી છે તેવા ૧૪/૧૫ એકમને નોટિસ ફટકારાઇ છે. આ પ્રક્રિયા અંતર્ગત રોજેરોજ નોટિસો પાઠવવામાં આવશે. દરમિયાન જીઆઇડીસીના વસંતભાઇએ કહ્યું કે, પાલિકાના પ્રમુખને મળીને કોઇ હલ નીકળે તેવો પ્રયાસ થશે.