પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ
એક બસમાં વડોદરાના છાત્રો પ્રવાસ કરી રહ્યા હતા: સમાધાન થતાં પોલીસ ફરિયાદ ટળી
દયાપર-વિરાણી માર્ગ પર ગુરુવારે સવારે બે લકઝરી બસ વચ્ચે ટક્કર થઇ હતી. બસોમાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. સરદાર લોજ નજીક બનેલા બનાવમાં ગુરુવારે સવારે ૬:૩૦ કલાકે મઢથી નારાયણ સરોવર તરફ રહેલી વૈજનાથ વિદ્યાલય-વેજપુર સાવલી શાળાના પ્રવાસના વિદ્યાર્થીઓની લકઝરી બસ નંબર જીજે-ર-વી-૯પ૬૧ને સામેથી રોંગ સાઇડમાં આવેલી ખાનગી ઉતારું વર્માનગર, નલિયા લકઝરી બસ નં.જીજે-વી ૧૩-૧૧૬૩ વચ્ચે સામ સામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
જેમાં સદનસીબે પ્રવાસ કરી રહેલા બન્ને બસના ઉતારુંઓ તેમજ વિદ્યાર્થીઓનો ચમત્કારીક બચાવ થયો હતો, અકસ્માત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોનું ટોળું જમા થઇ ગયું હતું તેમજ અકસ્માતમાં મોટી કોઇ પ્રકારની નુકસાની ન હોવાથી બન્ને બસના ચાલક વચ્ચે સમાધાન થતાં પોલીસ ફરિયાદ કરાઇ ન હતી.