સગા ભાઇએ ઇદના બીજા દિવસે જ પતાવી દીધી હોવાની આશંકા, મૃતદેહ પી.એમ. માટે જામનગર મોકલાયો
ગોડપરના ઉપસરપંચના પુત્ર ઇઝાઝના ખૂન કેસમાં ગુરુવારે તેની પ્રેમિકા મરિયમની લાશને કબરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇઝાઝના હત્યારા મરિયમના ભાઇએ જ તેને પતાવી દીધી હોવાની શંકા વચ્ચે મૃતદેહને પી.એમ. માટે જામનગર મોકલવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગોડપરના ઉપસરપંચના પુત્ર ઇઝાઝ મોગલની તા.ર૦/૧૧/૧૧ના રોજ થયેલી હત્યામાં આરોપી તરીકે એની પ્રેમિકા મરિયમના ભાઇ ઇસ્માઇલ ઓસમાણ ત્રાયાને ઘટનાના પાંચમા દિવસે પકડવામાં આવ્યો હતો. ૧૮ વર્ષની મરિયમનું ત્રણેક માસ પહેલાં મોત થયું હતું.
ઇસ્માઇલની ધરપકડ બાદ એના પિતાએ મરિયમનાં મોત અંગે શંકા દર્શાવતાં પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધ્યો હતો. ઇઝાઝની હત્યા સમયથી જ મરિયમનું મોત શંકાસ્પદ હતું, પોલીસે ડિસેમ્બર ૧ ગુરુવારે સાંજે મરિયમને જ્યાં દફનાવી હતી તે કબ્રસ્તાનમાંથી તેની લાશ ખોદી કાઢવામાં આવી હતી. આ લાશને કબરમાંથી કઢાવી સાંજે પી.એમ. માટે જામનગર ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પી.એમ. રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે
ઇન્સપેક્ટર જે.જે. ધ્રાંગાએ જણાવ્યું કે, ઓસમાણ ત્રાયાએ મરિયમના મોત અંગે શંકા દર્શાવતા તેની લાશને તપાસ માટે બહાર કાઢવામાં આવી છે. મૃત્યુ પાછળનું ખરંુ કારણ પી.એમ. રિપોર્ટ બાદ ખબર પડશે.
ઇદના બીજા જ દિવસે મોત થયું હતું
મરિયમના ભાઇ કાસમે જણાવ્યું કે, ગત રમજાન ઇદના બીજા દિવસે સવારે તેનાં મોત વિશે ખબર પડી હતી. રાત દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું હતું. સવારે તેના રૂમમાં લાશ જોવા મળી હતી. તે બિમાર હતી તેને માસિકની કોઇ સમસ્યા હોવાથી સારવાર પણ ચાલતી હતી.