મહેશ સંપ્રદાય પાળતા મહેશ્વરી સમાજના ભાઇઓએ આરાધના કરેલા માઘ સ્નાન વ્રતની ઉજવણી સાથે બારમતિ પંથના આધ્યસ્થાપક ધણીમાતંગ દેવની ૧૨૫૯મી જન્મતિથિની ઉલ્લાસમય રીતે ઉજવણી કરાશે, જેમાં જિલ્લાના દસેય તાલુકામાં ઠેર-ઠેર સમસ્ત મહેશ્વરી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.
માંડવી તા.ના દેવપુર(ગઢ)માં ધર્મગુરુની આગેવાનીમાં સમસ્ત ગામમાં શોભાયાત્રા નીકળશે. રાત્રે જ્ઞાનકથન, સવારે બારમતપિંથની વિધિમાં મહેશ્વરી સમાજના પ્રમુખ કરમશી ધેડા, કેશવજી રોશિયા, ગામના ઉપસરપંચ લધારામ કાનજી, એડવોકેટ રામજી ધેડાની આગેવાનીમાં ધર્મગુરુ મંગળ માતંગ, કારૂભાઇ માતંગ વિવિધ ધાર્મિક વિધિ સંપન્ન કરાવશે. નખત્રાણા તાલુકાના કોટડા(રોહા) ગામમાં મુખી વેલજી જેપારના નેજા હેઠળ વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ગામના સરપંચ શિવજી મહેશ્વરી, ધરમશી મારાજની આગેવાનીમાં ધર્મગુરુ ચાંપશી માતંગ, ખમુ ખીમજી જ્ઞાનકથન પીરસશે.
ગાંધીધામમાં સમસ્ત મહેશ્વરી સમાજની તા. ૧૦/૨ના બપોરે ર:૩૦ કલાકે શોભાયાત્રા સુંદરપુરીથી પ્રસ્થાન કરશે, જે સમસ્ત ગાંધીધામની મુખ્ય બજારોમાં ફરી ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે હારારોપણ કરીને પરત ફરશે, જેમાં કચ્છના સાંસદ પૂનમબેન જાટ, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગાંધીધામ કોમ્પલેકસના મહેશ્વરી સમાજના પ્રમુખ કાનજીભાઇ ભર્યા, વાલજી દનિચા, ગૌરીબેન મોહનભાઇ માંગલિયા, જે.પી.મહેશ્વરી, રામજી ધેડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. અંજાર તાલુકાના નાગલપર ધર્મગુરુ હરમૈસરદેવ અનિલ માતંગની આગેવાની હેઠળ મુખી પરષોત્તમ ધેડાના યજમાન પદે જ્ઞાનકથન, માઘસ્નાન ભાઇઓ જહેમત ઉઠાવશે. ભુજ તાલુકાના કૂરબઇ ગામમાં મુખી વેલજી રાણા જેપાર, સમાજ અગ્રણી શિવજી ધેડા, સરપંચ રામજી ઘેડાની વિશેષ ઉપસ્થિતિએ ધર્મગુરુ બાબુલાલ લાલણ વિવિધ ધાર્મિકવિધિ સંપન્ન કરાવશે. સાથે માંડવી, ભુજ, નખત્રાણા, મુન્દ્રા, અંજાર, આદિપુર વગેરે તાલુકામાં વસતા મહેશ્વરી સમાજ દ્વારા માઘસ્નાન વ્રતની પૂણૉહુતિ તથા ધણીમાતંગ દેવ જન્મતિથિ ધામધૂમથી ઉજવાશે.
ગાંધીધામમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગ દેવનો ૧૨૫૯મા જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ગાંધીધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે. સુંદરપુરીથી થઇને શહેરની મુખ્ય બજારોમાં પસાર થનારી શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાશે. બપોરના ૨:૩૦ વાગ્યે જુની સુંદરપુરી બસ સ્ટેશન્ડે મહેશ્વરી સમાજના તમામ ધર્મગુરુઓ, માઘસ્નાની વ્રતધારી સંઘો, વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત શોભાયાત્રા પ્રસ્થાન કરશે.
ત્યાર બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળાં પર હારારોપણ કરી ટાગોર પાર્ક સામેથી શોભાયાત્રા શહેરની અંદર વળાંક લેશે. ત્યાંથી જુની કોર્ટ, સોની બજાર, ઝંડાચોક, મુખ્ય બજાર થઇ ચાવલા ચોકમાં વળાંક લીધા બાદ આજ રૂટ પર પરત ફરશે, તો શુક્રવારે સવારે નવ વાગ્યે પ્રત્યેક સમાજ પોત પોતાના સામાજિક સ્થળો પર ધાર્મિક જ્ઞાન કથા યોજશે, તો શનિવારે દરેક સમાજ પોત પોતાના સ્થળે સવારના ભાગે પવિત્ર બારમતિ પંથવિધિ કરી બપોરે સમૂહ ભોજનનું આયોજન કરશે.