પરિવારની ઇજ્જતના નામે આડેસરમાં ભાગેલા પ્રેમીયુગલમાં યુવકના પરિવારના ૪ સભ્યોને યુવતીના પરિવારે રહેંસી નાખ્યો તે ઘટનાને સમગ્ર કચ્છવાસીઓ ધિક્કારી રહ્યા છે. બંને પ્રેમીઓ ક્ષત્રિય સમાજના જ હતા છતાં આ નરસંહાર પ્રથા-ઇજ્જતના નામે ખેલાયો તે એક રાક્ષસી કૃત્ય છે. આંતર જ્ઞાતિય કે, પ્રેમલગ્ન કોઇ ગુનો નથી, પરંતુ સમાજે પોતાના સ્વાર્થ માટે અન્ય ગુનાઓને માથા પર બેસાડી પ્રેમલગ્નને પાપમા ખપાવી દીધું છે. પરિણામે જડ વિચારસરણી આજે પણ ઘણા સમાજમાં જોવા મળે છે. ઇજ્જતના નામે શું આવા ઘાતકી પગલાં ભરવા જોઇએ, શું પ્રેમલગ્ન ગુનો છે ? ખરેખર આવા સમયે મા-બાપ-સમાજનું વલણ કેવું હોવું જોઇએ, તે વિશે જણાવે છે સમાજ અગ્રણીઓ.
સમજણવાળા આગેવાનોની જરૂર છે
સમાજની સમજણનો અભાવ છે ખરેખર આવા કૃત્યો થાય એ માનવતાને લાંછન છે. નાજૂક મુદ્દાઓ ઉપર સમજાવટથી રસ્તો કાઢવો જોઇએ આવા કૃત્યો રોકવા સમાજમાં સમજણ વાળા આગેવાનો જેટલા વધુ હશે એટલો સમાજ જડતામાંથી મુક્ત થશે. ઓનર કિલીંગના આ કિસ્સાઓ સમાજને સદીઓ પાછળ લઇ જાય છે.
-શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
શિક્ષણ કુ-વિચારોને ભગાવશે
જો શિક્ષણ આ કુટુંબમાં હોત તો આ ઘટના ન બની હતો, જ્યાં સુધી સમાજમાં શિક્ષણમાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પછાત સમાજ આ ગળ નહીં આવે આવી હિચકારી ઘટનાઓ બંધ કરાવવા દિકરા-દિકરીને ભણાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. શિક્ષણ થકી જ કુ-વિચારોને તિલાંજલિ મળે છે. શિક્ષણ એ સમાજની આંખ છે.
-વખતસિંહ જાડેજા, કેળવણીકાર
નિર્દોષ નું લોહી રેડવું યોગ્ય નથી
આ રાક્ષસી કૃત્ય કોઇ કાળે ન ચલાવી લેવાય, દીકરીનું કોઇ અપહરણ કરે તો કાનૂની પગલા ભરવા જોઇએ નહીં કે, નિર્દોષ વ્યક્તિઓનું લોહી રડવું જોઇએ. આવા ગુનાહિત માનસવાળી વ્યક્તિઓ સમગ્ર સમાજને કલંકિત કરે છે. હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું આવું કોઇ કાળે ચલાવી ન લેવાય.
-સાવજસિંહ જાડેજા, ક.રા.ક્ષ.સ. ઉપપ્રમુખ
પસંદગીથી લગ્ન એ ગુનો નથી
સમાધાનથી કામ લેવું જોઇએ. પસંદગીથી જ્ઞાતિ કે આંતરજ્ઞાતિય લગ્નો ગુનો નથી, પરંતુ મા-બાપને વિશ્વાસમાં લેવા જોઇએ છતા પણ જો સમસ્યા સર્જાય તો તે માટે સમાજની રૂઢિગત માન્યતાઓ જવાબદાર છે તથા બીજી બાજુ યુવાનોની રક્ષા માટે કાયદો છે જ તેમનું શરણુ લેવું જોઇએ.
-બળવંતસિંહ જાડેજા, ક.રા.ક્ષ.સ. ખજાનચી
નુકસાન કરતી પરંપરા શું કામની
કોઇ પ્રશ્નનો નિકાલ સમાધાનથી થાય આ રીતે ખૂનખરાબાથી નહીં. જ્ઞાતિની વાડાબંધી જો બંને પક્ષે વ્યવસ્થિત પાત્ર હોય તો જરૂરી નથી સમાજ -મા-બાપે સમજવું જોઇએ. જે પરંપરાના બંધનથી કોઇને નુકસાન થતુ હોય તો એ પરંપરા શું કામની ? આ જડ માન્યતાઓ થકી જ ગુનાહિત માનસ વિકસે છે પરિણામે આડેસર જેવા હત્યાકાંડ થાય છે.