પરિવાર સાથે મુંબઈ ગયા અને બંધ દરવાજા, કબાટના તાળાં તૂટ્યાં
ભુજમાં રહેતા એક કવિના ઘરમાં ત્રાટકેલા તસ્કરોનો ખ્વાબ જાણે બખૂબી પૂર્ણ થયો હોય એમ R બે લાખ જેવી મત્તા ચોરીને એ અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. કવિ પરિવાર સાથે મુંબઇ ફરવા ગયા હતા ત્યારે રેઢાં પડેલાં બંધ ઘરને હરામખોર શખ્સોએ નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજા તેમજ કબાટના તાળાં તોડીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના ઉપાડી ગયા હતા.
કચ્છના ખ્યાનામ કવિ મદનકુમાર અંજારિયા ખ્વાબના ભુજના સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલા નિવાસ સ્થાને બુધવારે રાતે ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સો મુખ્ય દરવાજા તથા કબાટનો તાળું તોડીને એમાંથી R પાંચ હજાર રોકડા અને સોના -ચાંદીના મૂલ્યવાન આભૂષણ ઉપાડી ગયા હતા. કવિ પરિવાર સાથે ગત તા. પાંચથી મુંબઇ ફરવા ગયા હતા તેમના પુત્ર જય અંજારિયા ગુરુવારે ફ્લાઈટ મારફતે મુંબઈથી ભુજ આવતાં સમગ્ર હકીકત જાણવા મળી હતી. ઘરમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરો માત્ર કિંમતી સામગ્રી જ લઈ ગયા હતા, જે જવેલરી નકલી હતી એને હાથ પણ લગાડયો નહોતો.
જોકે આ અંગે ગુરુવાર રાત સુધી પણ પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નહોતું. દરમિયાન ચોરી વિશે પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.