મિરજાપરના હનુમાન મંદિરમાંથી ૧૩૨૦૦ના આભૂષણો ઉઠાવી ગયા
ભચાઉ ગામમાં સોનીની એક દુકાનમાં તસ્કરોએ ઘૂસીને રૂ.૧.૭પ લાખના દાગીના ઉઠાવી ગયા હતા. જ્યારે તાલુકાના વાંઢિયા ગામમાં પણ જવેલરીની એક દુકાન નિશાન બની હતી, જેમાંથી ૧પ હજારના દાગીના ચોરાયા હતા, તો ભુજ તાલુકાના મિરજાપરના હનુમાન મંદિરમાં હરામખોરોએ ઘૂસીને રૂ.૧૩૨૦૦ના આભૂષોની સફાઇ કરી હતી.
ભચાઉમાં માંડવી ચોક સોની બજારમાં આવેલી અંબીકા જવેલર્સ નામની દુકાનમાં બુધવારે મોડી રાત્રે તસ્કરો પાછળની ગેલેરીની છતમાંહવા માટે રાખવામાં આવેલા સિળયા તોડીને બાથરૂમ વાટે અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને કુલ રૂ.૭પ૦૦૦ના મુદ્દામાલનો સફાયો કર્યો હતો.
ભલાભાઇ સોનીની દુકાનમાં થયેલ ચોરી મામલે પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. જ્યારે વાંઢિયા ગામમાં આશાપુરા જવેલર્સ નામની દુકાનમાં રાત્રે ૧થી ગુરુવારે સવાર દરમિયાન અજાણ્યા શખ્સો લાકડાંના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને રૂ.૧પ૦૦૦ના ઘરેણા ઉપાડી ગયા હતા. દુકાનના માલિક નરેન્દ્ર સોનીએ જણાવ્યું કે, દુકાન પાસે તસ્કરો બાઇક પર આવ્યા હોવાના નિશાન જોવા મળ્યાં હતાં. આધોઇ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.
મિરજાપરમાં કષ્ટભંજન હનુમાન મંદિરમાં થયેલી ચોરી વિશે તાલુકા પોલીસે જણાવ્યું કે, તા.૩૦/૧૧ની રાતથી તા.૧/૧રની સવાર દરમિયાન અજાણ્યા શખ્સોએ તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરીને રૂ.૧રપ૦૦નું ચાંદીનું છત્તર અને રૂ.૭૦૦ની રૂદ્રાક્ષની માળાની ચોરી કરી હતી, આ વિશે ગોવિંદ નાથા હિરાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં એક જ રાત દરમિયાન ત્રણ મહત્વની જગ્યા પર તસ્કરીના કિસ્સા સામે આવતાં સમગ્ર પોલીસ તંત્રમાં પ્રારંભીક શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગરમાવો આવી ગયો હતો.
મંદિરમાં ચોરને કાચ લાગ્યો
મિરજાપરના હનુમાન મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને કાચની ફ્રેમવાળો દરવાજો તોડતી વખતે લાગી ગયો હતો. સબ ઇન્સપેક્ટર જી.બી. પરમારે જણાવ્યું કે, મંદિરમાં લોહીના ટીપાં જોવા મળ્યાં હતાં. શક્ય છે કે, તસ્કરે ભુજમાં કોઇ દવાખાનામાં સારવાર લીધી હોય.