મુંબઇથી કચ્છ આવેલી ટ્રેનના વેગનમાંથી ભુજના ટ્રાન્સપોર્ટરનો રેડિમેડ કપડા, મોબાઇલ એક્સેસરીઝ સહિતની ચીજો ચોરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અવારનવાર બનતા આ પ્રકારના કિસ્સામાં વધુ એક ઘટના બનતા રેલવે પોલીસ પણ ધંધે લાગી છે.
શહેરના સ્ટેશન રોડ પર આવેલા મારાજ ટ્રાન્સપોર્ટના માલિક વસંત અજાણીએ જણાવ્યું કે, મુંબઇથી આવેલો અમારો સામાન કચ્છ એક્સપ્રેસના વેગનમાં સવારે ૧૦ વાગ્યે ભુજ પહોંચ્યો હતો.
જેમાંથી રેડિમેડ શર્ટ, પેન્ટ, મોબાઇલ એક્સેસરીઝ, સ્પિકર અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ભરેલા ૨૦થી વધુ પાર્સલ હતા. સવારથી બોગીનું લોક ખૂલતું નહોતું તેથી રેલવે -કર્મચારીઓની હાજરીમાં છેક સાંજે લોક ખૂલતાં કેટલોય માલ ચોરી થયાનું જાણવા મળ્યું હતું, આ મામલે રેલવે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
એક અંદાજ મુજબ મુંબઇથી સામાન નીકળ્યા બાદ ચાલુ ટ્રેઇને થયેલી આ ચોરીમાં તસ્કરોએ વેગનના બાથરૂમમાં ધુસી હથિયારો વડે બોગીમાં મૂકાયેલા સામાન સુધી પહોંચ્યા હતા અને પાર્સલમાં રહેલા લાખો રૂપિયાના સામાનનો સફાયો કરીને ભાગી છુટયા હતા.