સાંસદના સગાના જામીન માટે ખૂદ સરપંચ આગળ આવ્યા
બન્ને શખ્સ જામીન પર મુક્ત થયા
અબડાસા તાલુકાના તેરા ગામમાં વિદ્યાર્થિનીઓના જાતીય સતામણીના ચકચારી કેસમાં છેવટે કાયદાની ભીંસમાં આવેલા આરોપી શિક્ષકો ગુરુવારે ગામમાં આવતાં પોલીસે બેય વાસના લોલુપની ધરપકડ કરી હતી. સવારે ગિરફ્તારી બાદ આ શખ્સોને નલિયા કોર્ટમાં રજૂ કરાયા હતા અને સાંજે તેમને જામીન મળી જતા મુકત થયા હતા. સાંસદ પૂનમ જાટના સગા એવા આરોપીના જામીન ખૂદ તેરા ગામના સરપંચ બન્યા હતા.
નલિયા પોલીસના સબ-ઇન્સપેક્ટર વી. આર. ચાવડાએ જણાવ્યું કે, તેરાના હાઈસ્કૂલમાં છાત્રાને અડપલાં કરવાના ગુનામાં આરોપી એવા શિક્ષકો મોહન મહેશ્વરી અને દિનેશ દેસાઇની ગુરુવારે સવારે તેરા ગામમાં જ સવારે ૮:૩૦ વાગ્યે ધરપકડ કરી લેવામાં આવી હતી, તો સાંજે ૪:૦૦ વાગ્યે બેયને નલિયા કોર્ટમાં રજૂ કરાતા જામીન લાયક ગુનો હોવાથી બન્ને આરોપીને બેલ મળી ગયા હતા.
બીજી બાજુ સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદના સગા એવા આરોપી મોહન મહેશ્વરીના જામીન તરીકે તેરા ગામના સરપંચ આદમ મૂસા લોધરા રહ્યા હતા, તો આરોપી દિનેશ દેસાઈના જામીન અજીતસિંહ દોલતસિંહ ગરાસિયા પડ્યા હતા.
આરોપી ગામમાં આવી ગયા બાદ તેમની ધરપકડ કર્યાનું ગૌરવ પોલીસે મેળવ્યું હતું તો આ સમયે ગામલોકોમાં પણ આક્રોશની લાગણી જોવા મળી હતી. તેરામાં શુક્રવારે એક મહત્વની બેઠક પણ મળવાની હોવાનું જાણવા મળે છે, જેમાં આ સંદર્ભે ગામલોકો કોઇ અગત્યનો નિર્ણય લે એવી પણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે તેરા ગામના બન્ને શખ્સ સામે એક છાત્રાએ ફરિયાદ નોંધાવી હતી, કે દિનેશ દેસાઈ અને મોહન મહેશ્વરી નામના બેય ટીચર તેની સાથે શારીરિક અડપલાં કરતા હતા અને બિભત્સ વાતો કરતા હતા. ફોજદારી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં પણ એવી હકીકત સામે આવી કે, આ શખ્સો છેલ્લાં સાતેક વર્ષથી વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરતા હતા, આ ઘટના એ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે અને શિક્ષણ જગતમાં કલંક બની છે.
શિક્ષક નહીં, શિક્ષિકા જોઈએ
શિક્ષકો દ્વારા છાત્રાઓની આબરૂ લેવાના પ્રયાસો થવાથી ગામ લોકો સખત નારાજ જોવા મળ્યા છે, આ વિશે શુક્રવારે યોજાયેલી ગામલોકોની બેઠકામાં એવી માગણી કરવામાં આવશે કે હવે હાઈસ્કૂલને શિક્ષક નહીં શિક્ષિકા આપવામાં આવે અને ટ્રસ્ટી તરીકે પણ કોઈ જાગૃત વ્યક્તિને મૂકવામાં આવે જે સ્કૂલની કાળજીપૂર્વક સંભાળ લઇ શકે.
પોલીસે છનામાના કરી ધરપકડ
વિદ્યાના બદલે વાસનાના પ્રેમી બનેલા તેરાના બન્ને શિક્ષકને પોલીસે વહેલી સવારે જ સકંજામાં લઈ લીધા હતા, જોકે આ અંગે ગામમાં કોઈને કાનોકાન ખબર પણ ન પડે એવી રીતે પોલીસે ધરપકડ કરી હોય એવો ઘાટ ઘડાયો હતો. છેક સાંજે જામીન મુકત થયા ત્યારે બધું જાહેર થતાં આશ્ચર્ય સર્જાયું હતું.
સાંસદનું ઋણ ચૂકવાયું?
તેરા ગ્રામ પંચાયતને ગામના વિકાસ કરવા માટે ઢગલાબંધ ગ્રાન્ટ મળી છે, કદાચ એનું ઋણ ચૂકવવા માટે જ સરપંચ આદમ લોધરા સાંસદના સગા માટે જામીન પડ્યા હોય, એવું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.