કુરાન શીખવા જતી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની પુત્રી પર કૃત્ય આચરનારા શખ્સની મોડીરાતે ધરપકડ
મિસ્જદ જેવા પવિત્ર સ્થળ પર જ્યાં દિવસ-રાત અલ્લાહની બંદગી થાય છે એવી જગ્યાએ એક મૌલાનાએ સગીર કન્યા પર વાસના સંતોષ્યાની ધૃણાસ્પદ ઘટના ભુજમાં સોમવારે રાત્રે પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગઇ હતી.
સસ્પેન્ડ થયેલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર દોઢેક માસ પહેલાં બનેલી આ ઘટના અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે મૌલવીની ધરપકડ કરી લીધી હતી. શહેર પોલીસના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજના ગાંધીનગરી વિસ્તારમાં આવેલી મક્કી મિસ્જદમાં મૌલાના અબ્દુલ હફીઝ અબ્દુલ મજીદ ચૌધરી(ઉ.વ.૩૦)એ ૧૧ વર્ષની એક કન્યા પર દોઢેક માસ પહેલાં ત્રણ વાર રેપ કર્યો હતો. કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે સોમવારે રાત્રે ૧૧:૪પ વાગ્યે આરોપીની ધરપકડ કરી હતી.
આ વિશે તપાસ ચલાવતા સબ-ઇસ્પેકટર જે.કે. મૈયડે જણાવ્યું કે,ભોગ બનનારી બાળા મિસ્જદમાં દરરોજ સવારે કુરાનન શરીફ શીખવા જતી હતી. કેટલાક દિવસો પહેલાં તેણે ત્યાં જવાનું છોડી દીધું હતું, એટલે એની માતાએ તેને કહ્યું કે, કુરાન શીખવું જરૂરી છે તું કેમ જતી નથી ?
આ પ્રમાણે વારંવાર તેની માતાએ એને મિસ્જદે મોકલવાની હઠ કરતાં તેણે કહ્યું હતું કે, મિસ્જદના મૌલાનાએ દોઢેક માસ પહેલાં ફોસલાવીને તેને એકાંતમાં અંદર લઇ જઇને ખરાબ હરક્ત કરતો હતો અને આ વિશે કોઇને કહ્યું તો જાનથી પતાવી દેવાની ધમકી આપતો હતો. આ ઘટનાનો નરાધમ આરોપી મૌલાના મૂળ પાલનપુરનો વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી મક્કી મિસ્જદમાં નોકરી કરે છે.