સાયણમાં સામાન્ય બાબતે બે ભાઈઓએ બાપને સળિયો ઝીંકયો
કોટડા(જડોદર)માં પાડોશીઓ માટે દુશ્મન બની દિવાલ, કુહાડીથી હુમલો
લખપત તાલુકાના સાયણ ગામમાં બહેનને સાસરીયે મોકલવાની વાતે ઝઘડેલા બે સગા ભાઈએ પોતાના પિતાનો આદબ બાજુમાં મૂકીને તેમને માથામાં સળિયો ઝીંકીને લોહી લુહાણ કરી નાખ્યા હતા, તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના કોટડા(જડોદર) ગામમાં મકાન પાસેની દિવાલ અંગે ઝઘડો કરીને એક શખ્સે પોતાના પાડોશીને માથામાં કુહાડી મારી દીધી હતી.
નારાયણ સરોવર પોલીસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સાયણમાં ભામુ હિરા રબારી(૪૩)ની પુત્રી સાસરીયેથી માવતરે આવી હતી. કેટલાક સમય બાદ તેના સાસરિયા દ્વારા કહેવડાવાયું હતું કે, તેને પરત મોકલો. આ વિશે ભામુ રબારીના પુત્રો લાખા અને દિનેશે પણ પિતાને કહ્યુંહતું કે બહેનને તેના સાસરીયે મોકલી દેવી જોઇએ, આ બાબતે પિતા-પુત્રો વચ્ચે ઝઘડાનું રૂપ લઇ લીધું અને એમાં ઉશ્કેરાયેલા બન્ને પુત્રી લોખંડનો સળિયો લઇને બાપ પર તૂટી પડ્યા હતા.
જ્યારે નખત્રાણા પોલીસે કહ્યું કે, કોટડા(જ)ના રામપુરી હિરાપુરી ગોસ્વામી(ઉ.વ.૫૦)એ પોતાની જમીન પર દિવાલ ચણી છે. એ વિશે કેટલાક સમય અગાઉ તેના પાડોશી પ્રવીણસિંહ હાલાજી જાડેજા સાથે ઝઘડો થયો હતો. એ વાતનો મનમાં ડંખ રાખીને પ્રવીણસિંહે આધેડ સાથે ગુરુવારે બપોરે માથાકુટ કરી હતી અને કુહાડીથી તેમના માથાં તેમજ છાતીની ડાબી બાજુએ પ્રહાર કર્યો હતો.