કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ નોંધણીના મામલે ધમાલ
Bhaskar News, Bhuj | Jul 01, 2012, 05:55AM IST

ગેસ્ટ હાઉસમાં સેનેટ સભ્યે બોગસ સ્ટેમ્પ બનાવી મતદાનયાદી તૈયાર કરી
કચ્છ યુનિવર્સિટીમાં યોજાનારી સેનેટ મેમ્બરની ચૂંટણી અંગેના મેમ્બર શિપ માટેના ફોર્મ ભરવાની ૩૦મી જૂન છેલ્લી તારીખે ભાજપ અને કોંગ્રેસપક્ષના આગેવાનો સામસામે આવી ગયા હતા અને કચ્છ યુનિવર્સિટીના ભાજપ સેનેટ મેમ્બર સામે બોગસ સિક્કા બનાવી અને સેનેટ મેમ્બરોની બોગસ મતદારયાદી તૈયાર કરવાના આક્ષેપો કોંગ્રેસના આગેવાનોએ કર્યાં હતા.
આ અંગે માંડવી વિધાનસભા યૂથ કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ કુલપતિ તથા રાજ્યપાલ સમક્ષ ફરિયાદ કરી છે કે, હાલમાં કચ્છ યુનિવર્સિટી હસ્તક યુનિ.એકટની કલમ ૧૬(૧) Rclass ll A (iv) S અન્વયે નોધાયેલા સ્નાતક માટે નોંધણીની પ્રક્રિયા ચાલુમાં છે, ત્યારે નોંધણી અરજીપત્રક જમા કરવા માટે ૩૦મી જૂનના અંતિમ દિને યુનિવર્સિટીના ગેસ્ટહાઉસના રૂમનં.૨૦માં ભાજપ તથા એબીવીપીના કાર્યકરો દ્વારા નોધાયેલા સ્નાતક નોંધણી ફોર્મમાં ફોટો પ્રમાણીત કરવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇરિગેશન સબ ડિવિઝન ભુજનો બોગસ સ્ટેમ્પ પેપર સાથે ફોટો પ્રમાણીત કરતા જણાયા હતા. જેમની સામે ફોજદારી પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
યુનિવર્સિટીના સેનેટ મેમ્બર જયંત માધાપરિયા ૨૯મી જૂનના યુનિવર્સિટીની મુખ્ય ઇમારતમાં ૧૦૬ નંબરના ઇસી મેમ્બરના રૂમમાં એબી વીપીના કાર્યકરો સાથે સ્નાતક નોંધણી ફોર્મ અંગેની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે યુનિવર્સિટીના વડા દ્વારા અન્યત્ર આ પ્રક્રિયા કરવા સૂચવવામાં આવ્યું હતું, જેથી તેઓ ૩૦મીના યુનિવર્સિટીના જયંત માધાપરિયાના નામે યુનિવર્સિટી ગેસ્ટહાઉસમાં રૂમ ૨૦ નંબરનો બુક કરી બોગસ સિક્કા બનાવી બોગસ મતદારયાદી તૈયાર કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો આવી ચડતાં મામલો બીચકાયો હતો અને એકબીજા પર હાથાપાઇ કરી હતી.
પત્રકારો યુનિવર્સિટીની બી બ્લોકમાં ચાલી રહેલી પત્રકાર પરિષદમાં હાજર હોતાં તત્કાલ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ભાજપ-કોંગ્રેસના અસભ્ય વર્તનના સાક્ષી બન્યા હતા. યુનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં એબીવીપીના પ્રદેશ સહમંત્રી દર્શિલ બ્ર?ભટ્ટ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિનોદ ચાવડા, ભુજ તાલુકાના ઉપપ્રમુખ હરિશ ભંડેરી સહિતના આગેવાનો બોગસ સ્ટેમ્પ સાથે ફોટો પ્રમાણીત કરતા હતા, ત્યારે અચાનક આવી ચડેલા કોંગ્રેસના આગેવાનો સામે હાથાપાઇ કરતાં મામલો કુલપતિ સામે પહોંચ્યો હતો. કુલપતિએ કોઇ અચ્છનીય બનાવ બને તે પહેલાં પોલીસને ફોન કરી પરિસ્થિતિને થાળે પાડી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ વીસીની ચેમ્બરમાં જઇ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટી સેનેટ ચૂંટણીની સ્નાતક નોંધણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરનારા સામે ફોજદારી ફરિયાદ કરવા જણાવ્યું હતું જ્યારે યુનિવર્સિટી વાઇસ ચાન્સિલર શશિરંજન યાદવે સેનેટ મેમ્બરોની ઇન્કવાયરી કમિટી બનાવી આ કેસ વહેલીતકે પૂરો કરવાની ખાતરી ઉચ્ચારી હતી, તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, યુનિવર્સિટીના પરિસરમાં આ પ્રક્રિયા થઇ શકે છે તથા યુનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં કોના નામે રૂમ બુક કરવામાં આવ્યો હતો.
પ્રત્યુત્તરમાં યાદવે જણાવ્યું હતું કે, સ્નાતક નોંધણીની પ્રક્રિયા ગમે ત્યાં થઇ શકે છે અને ગેસ્ટહાઉસનો રૂમ ગઇકાલે જયંત માધાપરિયા નામે બુક કરવામાં આવ્યો હતો. કોંગ્રેસપક્ષ વતી રજૂઆતમાં પ્રદેશ મહામંત્રી આદમ ચાકી, સુધરાઇના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતા રમેશ ગરવા, રવિ ત્રિવાડી, કચ્છ જિલ્લા અનુ.જાતિના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી, રાણુભા જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
ઘટના કેવી રીતે ઘટી
કચ્છ યુનિવર્સિટીમાં યોજનારી સેનેટ સભ્યની ચૂંટણી સંદર્ભે સ્નાતક ઉમેદવારો ગેજેટેડ ઓફિસરની હાજરીમાં ફોટો પર સહી અને સિક્કા મારી પ્રમાણીત કરે છે અને રૂ.પ૦ યુનિ.માં જમા કરાવી સભ્યની નોંધણી કરાવે છે, પરંતુ અહીં ભાજપ તથા એબીવીપીના કાર્યકરો દ્વારા ઇન્ટરનેટ પર નામ, યાદી તથા હંગામી માર્કશીટની નકલ ડાઉનલોડ કરી સભ્ય પદ માટે જરૂરી દસ્તાવેજ ઉમેદવારોની સહમતી વગર ભેગા કરવામાં આવ્યા હતા. એટલું નહીં પરંતુ બોગસ મદદનીશ ઇજનેર સિંચાઇ પેટા વિભાગ ભુજનો સિક્કો બનાવી સહી કરી દસ્તાવેજને પ્રમાણીત કરવામાં આવ્યા હતા. રૂ.પ૦ ભરી ઉમેદવારની નોંધણી કરાઇ છે. જેની પહોંચબૂકમાં યુનિવર્સિટીના સત્તાવાળા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. પહોંચ બૂક ફાળવવા માટે કલાર્ક ફાળવવામાં આવ્યા હતા તેમને કામગીરી બાબતે પણ મોખિક સૂચના આપવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર આજે ૨૪૦ જેટલા ફોર્મની નોંધણી કરવામાં આવી હતી, જ્યારે યુનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં પણ આ પહોંચ બૂકની નકલો મળી આવી છે. કયા નંબરની પહોંચ બૂક કયાં છે, તેનો સત્તાવાર ખુલાસો યુનિવર્સિટીના સત્તાવાળાઓ કરી શકયા નથી. સમગ્ર પ્રક્રિયા અથવા આ સિક્કાનો જ્યાં દુરુઉપયોગ કરાયો છે. સભ્યોને રદ્ કરવા કોંગ્રેસે જણાવ્યું હતું.
ફરિયાદ પોલીસ પગલા ભરી શકે
પશ્ચિમ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રાવાતે આ બાબતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં બબાલ થતાં સ્થળ પર ધસી ગયા હતા. જોકે, ઝગડો શાંત થઇ ગયો હતો. સ્નાતક નોંધણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરનારા સામે ફરિયાદ થયા બાદ અમે પગલાં ભરીશું. હાલ કોઇ ફરિયાદ થઇ નથી.
સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેરના સિક્કાનો દૂરુપયોગ
સ્નાતક નોધણી પ્રક્રિયામાં વપરાયેલો રબ્બર સ્ટેમ્પ સિંચાઇ ખાતાના આસિસટન્ટ ઇજનેરના હોદાનો વપરાયો હતો. વેરીફિકેશન માટે ફોટા સહિત ફોર્મમાં બે ત્રણ જગ્યાએ આ સ્ટેમ્પનો દુરુપયોગ કરીને થપ્પા મારવામાં આવેલા હોવાનું કોંગ્રેસના ઓપરેશન દરમિયાન પકડાઇ
આવ્યું હતું.
તપાસ સમિતિ રચાઇ :સત્તા પક્ષના પદાધિકારીને સમાવી કુલડીમાં ગોળ ભંગાશે ?
કેટલાક સભ્યોએ વાંધા લેતાં કુલપતિ દ્વારા તપાસ સમિતિની જાહેરાત કરાઇ હતી. જેમાં ડો. દર્શના ધોળકિયાને અધ્યક્ષ પદે મુકાયા છે. સમિતિના સભ્ય મુકેશ ઝવેરી ઇ.સી મેમ્બર ઉપરાંત રાજકીય ક્ષેત્રે ભાજપ સરકાર સાથે સંકળાયેલા છે. તેઓ સરદાર સરોવર નિગમના ડાયરેકટર છે. સેનેટ નોંધણીના મામલે ભાજપ-કોંગ્રેસની વિદ્યાર્થી પાંખો એબીવીપી અને એનએસયુઆઇ સામસામે આવી ગઇ છે ત્યારે તપાસ સમિતિમાં માત્ર સત્તાપક્ષના હોદ્દેદારને લીધા છે. જો મુકેશભાઇને સમાવાયા તો સામે પક્ષે કોંગ્રેસના કોઇ પણ સભ્યને તક આપવી જરૂરી મનાઇ રહી છે. કારણ કે માધાપરિયાનું નામ અહીં સંડોવાયું છે. કુલડીમાં ગોળ ભાંગવા જેવી પ્રક્રિયા થાય એમ શંકા આ સાથે સંકળાયેલા કેટલાક સૂત્રોએ વ્યક્ત કરી હતી. વા.ચા. ડો.યાદવને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી અને અહીંના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને સમિતિમાં સામેલ કરાયા છે. રાજકીય મુદ્દા જેવું કંઇ નથી. ૧પ દિવસમાં તપાસ અહેવાલ સમિતિ દ્વારા આપવામાં આવશે. સભ્યોમાં માજી કુલપતિ ડો. કે.વી.ગોર, માંડવી સાયન્સ કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ ડો. અનીલ ગોર, આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણીનો સમાવેશ થાય છે.






