મશીન તોડ્યું, પણ પૈસા કાઢી ન શક્યા, સીસીટીવી કેમેરામાં આરોપીની તસવીર કેદ
આદિપુરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પર તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં મશીનને તોડ્યું, પણ પૈસા કાઢવામાં હરામખોરોને સફળતા મળી નહોતી. આ ચકચારી કેસની પોલીસને ફરિયાદ થયા બાદ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાંઆવી હતી જોકે, ચોરનુંકોઇ પગેરૂં મળ્યું નહોતું.
આદિપુર પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુરુવારના રાત્રે ૧૦:૪૦ વાગ્યાથી શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. જેમાં કોઇ અજાણ્યા શખ્સો અહીંના ૬૪ બજારમાં આવેલા એસબીઆઇ ગાંધીધામ શાખાના એટીએમ પર ત્રાટક્યા હતા. ચોરીની આ કોશિશમાં ચોરે એટીએમ મશીન તો તોડી નાખ્યું પણ એમાંથી પૈસા કાઢી શક્યા નહોતા. એમાં પડેલી માતબર રકમ બચી ગઇ હતી અને પોલીસનું નાક કપાતાં બચી ગયું હતું.
આ બનાવ વિશે હેડ કોન્સ્ટેબલ ઇસ્માઇલ સુમરાએ જણાવ્યું કે, એટીએમની સુરક્ષા માટે બેંકે કોઇ ચોકીદાર રાખ્યો નથી. ૧ ફેબ્રુઆરીએ બેંકે એમાં R એક લાખ રાખ્યા હતા. ત્યાર બાદ હાલ કેટલી રકમ છે એનો હિસાબ હવે થશે. એમાં રાખેલા સીસીટીવી કેમેરામાં આરોપીની તસવીરો કેદ થઇ ગઇ છે. એના આધારે તપાસનો દોર આગળ ચલાવવામાં આવશે.