લુધિયાણાથી આવેલાં લાકડાં મુન્દ્રા થઇ દુબઇ જવાના હતાં
મુન્દ્રા પોર્ટ ઉપરથી સોમવારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઇન્ટેલીજન્સ વિંગ એવી ડીઆરઆઇએ લાલચંદન ભરેલું એક કન્ટેઇનર પકડ્યું હતું. સાડા આઠ ટન વજનવાળાં આ ચંદનના લાકડાંની બજાર કિંમત પાંચેક કરોડ જેટલી માનવામાં આવી છે. કચ્છમાંથી લાલચંદન પકડાયાની સંખ્યાબદ્ધ ઘટનાઓ બની રહી છે, ત્યારે ડીઆરઆઇએ પોતે કામ કરી રહ્યું છે તેવું બતાડવા માટે સત્તાવાર કાગળ ઉપર આ ટ્રેપ કર્યું હોવાનું ખુદ પોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.
સોમવારે મુન્દ્રા બંદર કન્ટેઇનર ટર્મિનલ પરથી કહેવાતી શંકાને આધારે એક કન્ટેઇનરને એક્ઝામિનેશન માટે પેટવોક સીએફએસમાં લઇ જવામાં આવ્યું હતું. ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (ડીઆરઇઆઇ)ના અધિકારીઓએ સવારથી જ આ કન્ટેઇનરને તપાસવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે.
આ વખતે કન્ટેઇનરમાં લાલચંદન વીજ ટાવરો વચ્ચે વપરાતા બકેટની પાછળ છુપાવવામાં આવ્યું હતું. સાંજ સુધી કન્ટેઇનરને તપાસવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ કન્ટેઇનરમાં ૮.૫ ટન લાલચંદનના ટુકડા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જેની કિંમત ચારથી પાંચ કરોડની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડીઆરઇઆઇનું સેટિંગ ન થતાં ટ્રેપ થઇ ?
મુન્દ્રા પોર્ટ પર લાલચંદનના લાકડાંને પેકિંગ કરવાથી માંડીને કન્ટેઇનરમાં સીલ કરવા સુધીની પ્રક્રિયામાં રોકાયેલા અને ડીઆરઇઆઇના અસંતુષ્ટ કેટલાક કર્મચારીઓના જણાવ્યા મુજબ લુધિયાણાથી લાલચંદનના પાંચ કન્ટેઇનર આવેલાં છે, જેમાં કન્ટેઇનર મોકલનારી પાર્ટી સાથે ડીઆરઆઇના અધિકારીઓનું સેટિંગ ન થતાં છેવટે એક કન્ટેઇનર પકડીને પાર્ટીનું નાક દબાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુન્દ્રા પોર્ટ ઉપર જ હજુ ચાર કન્ટેઇનરમાં ૨૦ ટનથી વધુનો જથ્થો મોજુદ છે. આ અંગે ડીઆરઆઇના અધિકારીઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.