તમામ અટકળોનો અંત: પ્રવાસન -તંત્રના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત બાદ લેવાયેલો નિર્ણય
આગામી ૯મી ડિસેમ્બરથી યોજાનારા કચ્છ રણોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રણમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હોવાથી એક તબક્કે એવું લાગતું હતું કે, સફેદ રણની ચાંદનીનો નજારો અગાઉ જેમ પ્રવાસીઓ માણી શકશે નહીં, પરંતુ ગુરુવારે રાજ્ય પ્રવાસન નિગમના તેમજ કચ્છના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ટીમે ધોરડો સફેદ રણની સ્થળ મુલાકાત લઇને રણમાં જ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લીધો હતો.
પ્રવાસન નિગમના એમ.ડી. સંજય કોલ, કલેક્ટર એમ. થેન્નારસન, ડીડીઓ હર્ષદ પટેલ સહિતની વરિષ્ઠ અધિકારીઓની ટીમે સૂકાયેલાં પાણીના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને અગાઉના રણોત્સવ દરમિયાન જ્યાં કાર્યક્રમ યોજાયા હતા તે સ્થળથી સીધી લિટીમાં પશ્ચિમ દિશામાં કાર્યક્રમ કરી શકાય તેવો નિર્ણય લઇને તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
ટીમ દ્વારા ટેન્ટ સિટીમાં ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી, વીઘાકોટની મુલાકાતીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ બીએસએફના ફોટોગ્રાફર દ્વારા જ તસવીર આપવમાં આવશે.