સદભાવના હોય કે કોંગ્રેસના ઉપપ્રમુખ, ચૂંટણી પ્રભારીનું રાજીનામું, બન્નેમાં જૂથવાદ સપાટી પર તરી આવ્યો
કચ્છના રાજકારણમાં જૂથવાદ એ નવાઇની વાત નથી. ચાલુ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી મંડરાઇ રહી છે, ત્યારે હવે કેલકયુલેટિવ જૂથવાદ મુખ્ય રાજકીય પક્ષોમાં વકરી રહ્યો છે. મુખ્યમંત્રીની કચ્છમાં યોજાયેલી સદભાવના હોય કે પીઢ કોંગ્રેસી આગેવાન મહેશભાઇ ઠક્કરનું ચૂંટણી પ્રભારી પદેથી રાજીનામું, આ બધામાં પાર્ટીની આંતરિક ખટપટ કે ગ્રૂપીઝમ ક્યાંક ને ક્યાંક ડોકાયાં છે. પોતાના જૂથને બળવતર બનાવીને ચૂંટણીમાં કેમ મુખ્યપ્રધાન પાસે સારો દેખાવ કરવો તેની હોડ શરૂ થઇ છે જેના અનુસંધાને ઉભું થયેલું ઉદાહરણ જોઇએ તો, માંડવી ખાતે યોજાયેલી સદભાવના બાદ નરેન્દ્ર મોદીએ કરેલી પાર્ટી મીટિંગની વાતો પણ લીક કરી દેવાઇ હતી.
ચૂંટણીઓની પ્રારંભીક તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બન્નેમાં હુંસાતુંસી છાને ખૂણે ડોકાઇ રહી છે. તાજેતરમાં જિલ્લામાં ભચાઉ અને માંડવી ખાતે રાજ્ય સરકારના સદભાવના મશિનમાં મુખ્યપ્રધાન ઉપવાસે બેઠા હતા. તેમની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિમાં કેટલીક એવી ઘટના બની કે જેમાં કચ્છ ભાજપની આંતરીક જૂથબંધી સપાટી ઉપર તરતી દેખાઇ.
પક્ષમાંથી હટાવાયેલા પૂર્વ મહામંત્રી ભરત સોની જ્યારે ભચાઉમાં મોદીના મંચ નજીક દેખાયા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિર, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા અને અન્ય આગેવાનોએ ભરત સોનીને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા અને વાત કરવાનો યશ લેવાનું ચૂક્યા ન હતા. રાજકીય વિશ્લેષ્કોએ આ ઘટનાને એવી રીતે જોઇ કે વર્તમાન કચ્છ ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાળી સાથે સોનીના સંબંધ બગડ્યા બાદ પક્ષને નુકસાન ન થાય એ માટે તેમને પદ પરથી હટાવી દેવાયા હતા. તેમ છતાં મુખ્યમંત્રીના વહાલા થવા તેમને સ્ટેજ સુધી લઇ જવામાં ઉપરોકત હોદ્દેદરો જશ ખાટવામાં અચકાયા ન હતા. આમ, મંત્રી અને ભાજપ પ્રમુખ વચ્ચે પણ ક્યાંક આંતરીક ગજગ્રાહ હોય તેમ સમજાયું હતું.
બીજો એ પણ દાખલો જોઇએ તો, પશ્ચિમ કચ્છની સદભાવના પહેલાં ભુજ પછી નખત્રાણા નક્કી કરાઇ હતી, પણ માંડવીની બેઠક બચાવવા ભાજપે માંડવી પર અંતિમ મહોર મારી હતી. ભુજ અને નખત્રાણામાં હાલના પદાધિકારીઓ પોતાના કાર્યકરો શક્તિ પ્રદર્શન ન કરી શકે અને માંડવી-મુન્દ્રા વિસ્તારમાં પણ મોટાપાયે રાજકીય પ્રચાર થઇ જાય તેમ વલણ સ્પષ્ટ કરાયું હતું. બીજા શબ્દોમાં કહીએ તો સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે તેવી ઉક્તિ સાર્થક થઇ હતી.
આવી જ બીજી ઘટના એ બની કે, મુખ્યમંત્રી પાસે એક મહિલાએ પોતાની જમીન કચ્છીમંત્રીના પુત્રે પચાવી પાડી છે તેવી ફરિયાદ કરી હતી. આ રજૂઆતનો કોઇ પડઘો ન પડતાં દંપતી માંડવી સુધી બીજી વખત મોદી પાસે ધા નાખવા આવ્યું હતું. આ જોઇને એવા પણ આક્ષેપ થયા હતા કે ભાજપમાં જ રહેલા કોઇ હોદ્દેદારો અથવા કાર્યકરોએ આવી રજૂઆત માટે દંપતીને પ્રેરવામાં આવ્યું હોઇ શકે છે. જોકે, મહિલાએ માધ્યમો સાથે કરેલી વાત મુજબ તેમણે સી.એમ.ને કરેલા પત્રવ્યવહારનો જવાબ પણ ન મળતો હોવાની રજૂઆત કરવા આવ્યા હતા.
થોડા સમય પૂર્વે સાંસદ પૂનમ જાટે ગાંધીધામમાં નવ નિવૉચિત સરપંચોને સન્માનવાનો કાર્યક્રમ મોટા પાયે યોજયો તેમાં પણ ભાજપના કોઇ પદાધિકારી કે કાર્યકર્તા ફરક્યા ન હતા. ત્યારબાદ એવી ચર્ચા ઉભી થઇ કે ભાનુશાલી કે આહિરના મનાતા જૂથવાદ સામે સાંસદ તો કોઇ ગ્રૂપના ન રહ્યા હોવાની સ્થિતિ સર્જાઇ છે. એક તરફ ભાજપના બે કે ત્રણ ગ્રૂપ તો સામે સાંસદને કોઇનો સીધો સહકાર નહીં તેમ રાજકારણ રમાઇ રહ્યું છે.
છેલ્લી ચૂંટણી બાદ સક્રિય રહેલી કચ્છ કોંગ્રેસમાં પણ ખટપટ તો ચાલી જ રહી છે. ગાંધીધામમાં જૂથવાદનું મોટો ડખ્ખો સામે આવ્યો હતો તે સમયના ઉપપ્રમુખ હાજીજુમા રાયમાએ વિદ્રોહ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમના સમર્થનમાં ગાંધીધામ સુધરાઇના નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હતા. જેમા સૌથી મોટુ કારણ જુથવાદનું બહાર આવ્યું હતું. આ ઘટના રાજ્યવિધાન સભાની ચૂંટણી પૂર્વે આંતરિક ખટપટ તથા ગ્રૂપીઝમના ટ્રેલર સમાન બની રહી હતી. છેવટે આ વાત છેક પ્રદેશકક્ષાએ પહોંચતા મોવડીઓએ સમજાવટનો દોર સંભાળ્યો હતો. છેવટે ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાની સ્થિતિ થાળે પડી હતી.
આ ઉપરાંત થોડા સમય પૂર્વે હાલના પ્રદેશ મહામંત્રી આદમ ચાકી અને ભુજના નગરસેવક હમીદ ભટ્ટીના પિતા આમદ ભટ્ટી સાથે નગરપાલિકાના વપિક્ષી નેતાના હોદ્દા માટેનું શિતયુદ્ધ બહાર આવી ગયું હતું. તો બહુ ટૂંકસમય પહેલાં જ અબડાસાના માજી ધારાસભ્ય અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ ઠક્કરે વિધાનસભાની ચૂંટણીના કચ્છના પ્રભારીપદેથી નારાજીનામું આપી દીધું હતું. પાર્ટીમાંથી જ બહાર આવેલી વિગતો મુજબ આમાં પણ જૂથવાદ જવાબદાર પરબિળ છે.
ઉપજાવી કાઢેલી વાતો છે : જયંતીભાઇ
ભાજપમાં આંતરીક કચવાટ અને જૂથવાદ વિશે કચ્છ ભાજપના પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીને પૂછતાં તેમણે એવો ઉત્તર આપ્યો હતો કે, રાજકારણમાં ચર્ચાતી આ વાતો ઉપજાવી કાઢેલી છે. તેઓ અને મંત્રી વાસણભાઇ જિલ્લા સંકલન હોય કે સરકારી કામગીરી કે સંગઠનની બાબત હોય તમામ સ્તરે એક સાથે જૂથવાદ વિના કામો પાર પાડવામાં એકબીજાના સહયોગી બને છે.
વાસણભાઇનો મોબાઇલ ફોન નો રિપ્લાય
તો જયંતીભાઇ ભાનુશાલી સામે જેમનું નામ જૂથવાદમાં ચર્ચાય છે તેવા રાજ્યમંત્રી વાસણભાઇ આહિરનો રાત્રે વારંવાર સંપર્ક કરતાં તેમનો મોબાઇલ ફોન નો રપિ્લાય થતાં તેમનો પ્રતિભાવ જાણી શકાયો ન હતો.
૫રિવાર હોય ત્યાં મન દુ:ખ હોય, પણ કોઇ જ ગંભીર બાબત નથી: વી. કે. હુંબલ અને આદમ ચાકી
તો કચ્છ કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે એવી વાત કરી હતી કે પરિવાર હોય ત્યાં સામાન્ય મન દુ:ખ રહેતું હોય છે. દરેક પાર્ટીમાં આવો મુદ્દો હોય છે. પરંતુ કચ્છ કોંગ્રેસની વાત કરીએ, તો કોઇ જ ગંભીર બાબત નથી અને જૂથવાદ નથી. સૌ સાથે રહીને કામ કરે છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને કચ્છના મોવડી એવા આદમ ચાકીને આ સંદર્ભે સ્પસ્ટ પૂછતાં તેમણે કહ્યું હતું કે, પદ માટે અગાઉ આવું થયું હશે, સાધારણ મતમતાંતર પણ ઉભા થયા હશે, પરંતુ તેના કારણે જૂથવાદ જેવું નથી. ઇશ્યુ પૂરો થઇ જાય પછી એ ભુલી જવાતું હોય છે. બાકી સામાન્ય સ્થિતિમાં કચ્છ કોંગ્રેસમાં આવું કંઇ છે નહીં.
કોંગ્રેસમાં જૂથવાદ છે : આમદ ભટ્ટી
ભુજ સુધરાઇની ચૂંટણી સમયે કોંગ્રેસપક્ષે ઉમેદવારોને કોઇ જાતની મદદ ન કરી હોવાનો સીધો આક્ષેપ કોંગી અગ્રણી અને નગર સેવક હમીદ ભટ્ટીના પિતા આમદ ભટ્ટીએ કર્યો હતો. તેમણે કચ્છ કોંગ્રેસમાં જૂથવાદ છે તેને સમર્થન પણ આપ્યું હતું.