ઘાયલ કર્મચારીને પાંચ ટાંકા આવ્યા, જોકે, પોલીસ કહે છે આવો કોઇ બનાવ જ બન્યો નથી
માંડવીમાં મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ સામે કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ ચાલતા હતા ત્યારે બંદોબસ્તમાં રહેલા બે પોલીસ કર્મચારી બાખડી પડ્યા હતા અને એકે બીજાને માથામાં દંડો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
જોકે, આ ચકચારી ઘટના વિશે માંડવી પોલીસે એવું કંઇ બન્યું ન હોવાનું જણાવ્યું હતું. ગુરુવારે માંડવીમાં એકતરફ સી.એમ. દ્વારા સદભાવના ઉપવાસનો કાર્યક્રમ ચાલતો હતો એ સમયે કોંગ્રેસે સત્કર્મ ઉપવાસ ચલાવ્યા હતા. એ સમયે બંદોબસ્તમાં રહેલા બે પોલીસ કર્મચારી કોઇ વાતે બાખડી પડ્યા હતા. જેમાં એક કર્મચારીએ જાત પરનો કાબૂ ગુમાવીને બીજાને માથામાં લાકડી ઝીંકી દીધી હતી.
લોહી નીતરતી હાલતમાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગંભીર ઇજા થવાથી પોલીસમેનને ચક્કર આવતા હોવાથી તેમને સીટીસ્કેન માટે ખસેડાયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. ખાખી વરદીમાં લોહીના નિશાન જોવા મળ્યા હતા.
પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉક્તિ પ્રચલિત છે પણ આ બનાવમાં તો ખુદ પોલીસ જ પોતાનો મિત્ર નથી એવો ઘાટ ઘડાયો હતો. આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યુંહતું કે, આવી કોઇ ઘટના બન્યાનું હજી સુધી સત્તાવાર નોંધાયું નથી.