ઉપરથી એક અધિકારીની કડક સૂચનાને પગલે શહેરમાં દારૂબંધી જેવો માહોલ સર્જાતાં અનેક પ્યાસીઓના હાલ બેહાલ
પૂર્વ કચ્છ અને તેમાં ખાસ કરીને આદિપુર-ગાંધીધામમાં છેલ્લા થોડા સમયથી દારૂના શોખીન પ્યાસીઓ પર જાણે આફત ઉતરી હોય તેવો માહોલ સર્જાયો છે. પોલીસે આદિપુર- ગાંધીધામના મોટામાથા ગણાતા બૂટલેગરોને થોડા દિવસો માટે પોતપોતાના ધંધા બંધ કરવાની ફરજ પાડતાં આ નોબત આવી છે. એક ઉચ્ચ અધિકારીની ધમકીના પગલે સ્થાનિક પોલીસે બૂટલેગરોને દારૂ બંધ કરવાની ભલામણ કરી છે.
મળતી વિગતો મુજબ આદિપુર-ગાંધીધામમાં દિવાળીથી દારૂની જાણે અછત સર્જાઇ હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરના મોટાભાગના બૂટલેગરો હાલ પોતપોતાના ધંધા સંકેલી લીધા છે. તો કેટલાક રજા માણવા કચ્છ બહાર નીકળી ગયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બૂટલેગરોને ધંધા બંધ કરવા માટે પોલીસે જ ફરજ પાડી છે. તાજેતરમાં જ કચ્છના એક ઉચ્ચ પોલીસ અધિકારી રજા પર ગયા બાદ તેના ચાર્જમાં આવેલા અધિકારીએ પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા સૂચના આપી હતી અને જો દારૂબંધી નહીં થાય તો કડક પગલા ભરવાની પણ ચેતવણી ઉચ્ચારતા સ્થાનિક પોલીસના પગે રેલો આવ્યો હતો અને પોત પોતાના વિસ્તારના બૂટલેગરોને થોડા દિવસો માટે પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પાડી હતી.
જેના પગલે ગાંધીધામ- આદિપુરમાં છેલ્લા થોડા સમયથી પ્યાસીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.તો બીજી બાજુ દારૂની અછતના પગલે કેટલાક બૂટલેગરો બમણા ભાવમાં શરાબ વેચી રહ્યા છે. પરંતુ મોટાભાગે દારૂ મળવાનું બંધ છે.