કચ્છમાં છૂપાયેલા દરિયાકાંઠાના સૌંદર્યને વધુ નિખારવા તથા ટુરિઝમનો વિકાસ કરવા માંડવી બીચ બાદ હવે પીંગલેશ્વર બીચને કચ્છનું બીજું ગોવા બનાવાશે. સરકારની બીચ ટુરિઝમ યોજના હેઠળ આ નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને કચ્છના સ્થળોને બીચ ટુરિઝમ અંતર્ગત વિકાસવાનો નિર્ણય લીધો છે, જેમાં પીંગલેશ્વર બીચે પ્રવાસીઓને આકર્ષવા વિવિધ સુવિધાઓ ઊભી કરાશે.હાલે વેરાન-વાગડ જેવા ભાસતો પીંગલેશ્વર બીચ ટૂંક સમયમાં ગોવાને ટક્કર મારે તે રીતે વિકસાવવાનું આયોજન સરકારનું છે તેવું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજ્યકક્ષાના અબડાસા તાલુકામાં આવેલું પીંગલેશ્વર રાજ્યનું સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચમાંનું એક છે. વિકાસની દ્રષ્ટિએ પણ યોગ્ય સ્થાન હોવાથી લોકોને આકર્ષવા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિવિધ પ્રસરની ફસિલિટી જેમ કે, ડ્રિન્કસ, સર્ફ, સનબાથ વગેરે ઊભાં કરવાની યોજના છે.
બીચનો આનંદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાવૉન ફેસિલિટી ઊભી કરવાની યોજના સરકારની છે. દરિયાકાઠેં આવેલું અહીં શિવમંદિર પણ પ્રખ્યાત આસ્થાનું કેન્દ્ર હોવાથી આ બીચને ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ શરણગારશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગે પ્રવાસન વિભાગના વરિષ્ઠ અધિકારી હેમંત પ્રધાને આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, પીંગલેશ્વર બીચને રમણીય બનાવાશે. પ્રવાસનનો વિકાસ કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. જેની વિધિવત જાહેરાત આજે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પ્રવાસનમંત્રી જીતેન્દ્ર સુખડિયા કરશે તેવી સંભાવના છે.