ભદ્રેશ્વરનું માછીમાર સંગઠન કહે છે કે, મંજૂરી વિના એક પણ પગલું ભરી શકાય નહીં
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તાજેતરમાં એક ચુકાદામાં એવો આદેશ આપ્યો હતો કે, મુન્દ્રા તાલુકામાં ભદ્રેશ્વર ખાતે ઓપીજી પાવર દ્વારા ૩૦૦ મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટના નિર્માણને રોક લગાવી દેવામાં આવી છે. ટ્રિબ્યૂનલે એમ જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટના પ્રસ્તાવક દ્વારા તમામ મંજૂરીઓ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આવું રહેશે.
એક અખબારી યાદી મુજબ ટ્રિબ્યૂનલે એમ જણાવ્યું છે કે, ફોરેસ્ટ (કન્ઝર્વેશન) એક્ટ, ૧૯૮૦ અને સીઆરઝેડ સહિત તમામ જરૂરી મંજૂરી મેળવ્યા વિના બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલે ચાલી રહેલાં બાંધકામને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ સમક્ષ માછીમારો, મીઠાના અગરિયાઓ અને સ્થાનિક લોકોએ પડકાર્યું હતું.
ટ્રિબ્યૂનલે પોતાના ચુકાદામાં પર્યાવરણીય મંજૂરીના પત્રને પણ ટાંકયો છે. આ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી તમામ પરવાનગી/મંજૂરી મળી ન જાય ત્યાં સુધી આ પ્રોજેક્ટમાં કોઇ બાંધકામ શરૂ ન કરવું. ગ્રીન ટ્રિબ્યૂનલના કહેવા મુજબ તમામ ચોક્કસ અને જનરલ શરતોનું સંચિત વાંચન કરવામાં આવતાં એવો નિષ્કર્ષ નીકળે છે કે, જુદા જુદા કાયદા-કાનૂનો હેઠળ વિવિધ સત્તાધીશો પાસેથી પૂર્વ પરવાનગી/મંજૂરી મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટમાં કોઇ પ્રવૃત્તિ હાથ ધરી શકાય નહીં.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આ ચુકાદાને પરિણામે, ઓપીજી પાવર ગુજરાત કંપની હવે જ્યાં સુધી તમામ બહાલીઓ મેળવી નહીં લે અને સીઆરઝેડની મંજૂરી માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી કારણદર્શક નોટિસનો પ્રતિભાવ નહીં આપે ત્યાં સુધી પોતાના પ્રોજેક્ટમાં આગળ નહીં વધી શકે.
જો ઓપીજીને કોઇ બદલાવ કરવો હશે તો પણ તેમને યોગ્ય સત્તાધીશ પાસે મંજૂરી મેળવવી પડશે.