ભુજ તાલુકાના કેરા ગામમાં માંડવીની મહિલાની વિધિ કરવાને બહાને શારીરિક છેડતી કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા ગામના મૌલાનાને ભુજ તાલુકા પોલીસે મહિલાની ફરિયાદને આધારે પકડયા હતા.મૌલાનાની ધરપકડના સમાચારને પગલે તેમના ટેકદાર કહેવાતા લોકોએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઇ જતાં થોડા સમય માટે વાતાવરણ ગરમ બની ગયું હતું.
ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૨૪મી નવેમ્બરથી અગાઉના દિવસો દરમિયાન માંડવીમાં રહેતી ૫૮ વર્ષની એક મહિલા કેરા ગામમાં મૌલાના પાસે વિધિ કરાવા આવી હતી. મહિલાને આર્થિક તંગી હોવાથી તે તાંત્રિકવિધિ કરાવવા માટે મૌલાના જાફરમિયા જુસબમિયા સમા પાસે આવી, ત્યારે મૌલાનાએ તેની ઇજજત લૂંટવાના બદ્ ઇરાદાથી બાહોમાં ભરી લીધી હતી અને એવી ધમકી પણ આપી હતી કે, જો આ વાત તે કોઇને કહેશે તો તેને આર્થિક નુકસાન થાય તેવી વિધિ કરશે.
પરિણામે મહિલાએ જાથા સંસ્થાને સાથે રાખીને મૌલાનાની તાંત્રિકવિધિનો પર્દાફાશ કરાવ્યો હતો અને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના સબઇન્સપેક્ટર બી. જી. પરમારે મૌલાનાની વિધિસર ધરપકડ કરીને કોર્ટમાં મોકલી આપ્યા હતા.