ચાર દિવસ પૂર્વે બનેલા બનાવ બાદ સમાધાન ન થતાં સાત આરોપી સામે રાપર પોલીસ - મથકે ગુનો નોંધાયો
રાપર તાલુકાના શિરાનીવાંઢ ખાતે ચાર દિવસ પૂર્વે એક યુવાન પર ગામના બે શખ્સે ટ્રેકટર ચડાવી દઇ મારી નાખવાની કોશિશ કરી હતી. વધુમાં અન્ય પાંચ આરોપીએ ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ સમગ્ર મામલામાં સમાધાનની કોશિશ કરાઇ હતી, પરંતુ સમાધાન ન થતાં રાપર પોલીસ મથકે ગુરુવારે સાતેય આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિતની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાપર પોલીસે જણાવ્યું હતું કે, તાલુકાના શિરાનીવાંઢ ખાતે રહેતા દિલીપ જયંતી ચાવડા (કોલી) ઉ.વ.૨૮ પર ગત તા. ૪/૨ના સાંજે છ વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન રોડ પર રામા શામા ચાવડા (કોલી) તથા અરજણ શામા ચાવડા (કોલી)એ વગર નંબરનું ટ્રેકટર ચડાવી દીધું હતું. જેના પગલે ફરિયાદી દિલીપભાઇના ડાબા પગના ઘૂંટણના ભાગે ઇજાઓ પહોંચી હતી.
બનાવ બાદ અન્ય આરોપીઓ માલા શામા ચાવડા (કોલી), શામા જના ચાવડા (કોલી), નીલાભાઇ શામા ચોવડા (કોલી), કમલેશ નીલા ચાવડા (કોલી) તથા પથીપા નીલા ચાવડા (કોલી)એ ધારિયા, કુહાડી સહિતના હથિયારો વડે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે મનદુ:ખ રાખી આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.
તપાસનીશ અધિકારી પીએસઆઇ એમ.બી. ખિલેરીએ જણાવ્યું હતું કે, આ બનાવ બાદ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે સમાધાનની કોશિશ થઇ હતી, પરંતુ સમાધાન થઇ શક્યું ન હતું અને ગુરુવારે ફરિયાદ બાદ આરોપીઓ નાસી ગયા છે. વધુમાં ફરિયાદી અને આરોપીઓ એક જ કુટુંબના અંદરો-અંદરના સગાઓ છે.