પ્રદેશ નેતાઓએ સદભાવના સામે કોંગ્રેસને લીધી આડે હાથ
મોદીના ઉપવાસમાં આવેલા પ્રદેશ પ્રમુખ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓએ કોંગ્રેસને આડે હાથ લેવાની બાકી રાખી નહોતી. કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પત્રમાં લખાયેલા વખાણ, પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના વિકાસની સરાહના જેવા મુદ્દાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલાએ મુખ્યમંત્રીના વિકાસકામો અને પ્રગતિથી કોંગ્રેસની પિદુડી નીકળી ગઇ હોવાની વાત છેડી હતી. સદભાવના મિશનમાં પ્રેરક ઉદબોધન કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ અને ધારાસભ્ય રણછોડ ફળદુએ શ્યામજી કૃષ્ણ વર્માને સ્મરીને સદભાવના મિશનમાં ઉમટેલા માનવ મહેરામણની હેલીને આવકારી હતી.
રૂપાલાએ સદભાવના મિશનના કાર્યક્રમમાં માંડવી ખાતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મોદીએ કોંગ્રેસીઓની મોદી સરકારે પિદુડી કાઢી નાખી હોવાનું જણાવતાં રમૂજ છવાઇ હતી. કોંગ્રેસને હવે જાકારો મળી રહ્યો છે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું પ્રદેશ આગેવાન આઇ.કે.જાડેજા, વાસણભાઇ આહિર, પ્રભારી પરબતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. પશ્ચિમ કચ્છના સદભાવના મિશન માટે ધારાસભ્ય અને કચ્છ ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીની મહેનત અને માર્ગદર્શન ફળ્યાં હતા.
આજે ઉપવાસ દરમિયાન મંત્રી કિરીટસિંહ રાણા, ભીખુ દલસાણિયા, સાંસદ પૂનમબેન જાટ, ધારાસભ્યો ડૉ. નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, ધનજી સેંઘાણી, જિલ્લા પંચાતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, સરદાર જળ સંચય યોજનાના ચેરમેન અનંતભાઇ દવે, સરદાર નિગમના ડિરેક્ટર મુકેશ ઝવેરી, પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડા, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, કચ્છના વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેનો કિરીટ સોમપુરા, ભરત શાહ તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ જયંતીલાલ ઠકકર, ભાજપના પ્રદેશ મંત્રી અરજણ રબારી, જિલ્લા મહામંત્રી પંકજ મહેતા, યુવા.પ્રમુખ જિગર છેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના કલેક્ટર એમ.થેન્નારસન, ડીડીઓ હર્ષદ પટેલ પણ જોડાયા હતા. મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ ઠકકરે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.