કચ્છ પર ઓળધોળ થયેલા મેઘરાજાની મેરેથોન મહેર શીતળા સાતમના પણ જારી રહી છે આજે પાટનગર ભુજ અને નખત્રાણામાં એક એક ઇંચ તો અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી ચાર ઇંચ પાણી વરસી ગયું હતું. વાંકુ અને લાલામાં વીજળી પડવાના બનાવ બન્યા હતા જેમાં ચાર ઘેટાંના મોત નિપજ્યા હતાં.
જિલ્લામાં ત્રણ ઇંચ વર્ષા પડ્યા બાદ મોડી રાતથી નલિયામાં વધુ ૯૦ મિલિ મીટર વરસાદ નોંધાયો હતો. લાલામાં આકાશી વીજળી પડતા ચાર ઘેટાં ભડથું થયા હતાં. આસપાસના, વડસર, કૈયારી, કેરવાંઢ, કોશા, સુખપરમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. નલિયાનો ચેકડેમ ફરી ઓગની ગયો હતો.
પરજાઉ, જાખરી, ભાનાડા, લાલા, વાડાપદ્ધર, બેલામાં પાણી જોશભેર વહયાં હતાં. ખેતશી માસ્તર, સધિકભાઇ, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે વિવિધ વિસ્તારોમાંથી વિગતો પૂરી પાડી હતી. વાંકુમાં દિલુભા જાડેજાની વાડીમાં વીજળી પડતાં ઝાડ બળી ગયું હતું તેમ રામસંજી જાડેજાએ જણાવ્યું હતું.
ભુજમાં ધોધમાર એક ઇંચ
ભુજમાં ગઇ રાતે ઝાપટાં બાદ વાતાવરણ ખુલ્લું થયું હતું આજે સવારે પણ તડકો નીકળ્યો હતો પરંતુ બાર વાગ્યે અચાનક વાદળો ઘેરાયાં હતા અને ઝાપટાંઓનો દોર જારી રહયો હતો. એક વાગ્યે અનરાધાર પાણી વરસ્યું હતું જના લીધે ઠેર ઠેર પાણી ભરાયાં હતા. સાતમનો મેળો મહાલતા લોકોએ ભાગંભાગ કરી હતી. એક તબકકે મેળો વિખેરાઇ ગયો હતો. મોટા બંધમાં પૂરજોશમાં પાણી વહયું હતું.
માનકૂવામાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકતાં માર્ગો અને નદીમાં પાણી વહી નીકળ્યા હોવાનું અનિલભાઇ વ્યાસે જણાવ્યુંહતું. ભારાસરમાં દોઢથી બે ઇંચ વરસાદ પડતો ગામ તળાવ ઓગની ગયું હોવાનું કમલેશ હીરાણીએ જણાવ્યું હતું તેમજ માનકૂવા-ભારાસરને જોડતા માર્ગમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહયો છે. આ રસ્તો સત્વરે નવો બનાવવા લોક માંગ ઉઠી છે.
નખત્રાણામાં સવારે ઉકળાટ બાદ મેઘરાજા વરસ્યા હતા. અંદાજે ૨૪ એમ.એમ. પાણી પડ્યું હતું. તાલુકામાં પણ સારા વરસાદના વાવડ મળ્યા છે.
રાપરમાં બપોરે પડેલા અડધા ઇંચને બાદ કરતાં વરાપ નીકળ્યો હતો. ભચાઉ, અંજાર, લખપત, ખાવડામાં પણ ઝરમરિયો માહોલ રહયો હતો. ગાંધીધામમાં સવારે ચાર મિ.મી. પાણી વરસ્યું હતું.
કડુલીમાં અનરાધાર
અબડાસા તાલુકામાં ગઇ મોડી રાતે કડુલીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબકતાં ગામ જળ બંબાકાર બની ગયું હતું. નીચાણવાસમાં પાણી ભરાયાં હતા. વરસાદના પગલે લોકોની નીંદર હરામ થઇ હતી. સાંધાણમાં બેથી ત્રણ, સુથરીમાં બે, છછીમાં ત્રણ, સિંધોડીમાં બે, ભાચુંડા, સાંધવ, બિટીયારી, વાંકુમાં એક ઇંચ મહેર વરસી હતી.